Mehndi named Tara books and stories free download online pdf in Gujarati

મહેંદી તારા નામની

"હાથ તારો પકડીને ચાલી નીકળી છું
સંગાથે રહેજે તારા ભરોસે આવી છું "

પલક આજે ખૂબ ખુશ છે. આજે એની લગ્રની મહેંદી મૂકાવાની છે. ઘરમાં ચારેકોર દોડધામ છે. મહેમાનો આવવાની શરૂઆત થઈ ગઈ છે. એટલામાં કોઈ બૂમ મારે છે અરે, ચાલો મહેંદી સાથે સંગીત ન હોય તે કેમ ચાલે ? અને તરત જ સંગીત શરૂ થાય છે. પલક બેઠી છે એની દાદી પાસે. એ જુએ છે બધાને, એના ભાઈ બહેન, કાકા કાકી, મામા મામી. બધાનો હરખ સમાતો નથી. પલક, સૌથી નાની અને સૌથી લાડકી. એનો પડ્યો બોલ ઝીલાય. કોઈ એને કોઈ પણ બાબતે ના ન પાડે. એ જે કહે તે થાય જ. પણ પલક હંમેશા એના પપ્પા કહે તે જ કરતી. એટલે જ જ્યારે એના માટે છોકરો શોધવાનું શરૂ થયું કે તરત જ એના મામાએ કહેલું કે તમે શોધો પણ અમને બધાને ગમશે ત્યાં જ એના લગ્ર થશે. નહિતર એ તો તમે કાણો, કૂબડો, લંગડો હશે તો પણ હા કહી દેશે. અને એમ જ થયું. બધાને ગમે એવું શોધતાં શોધતાં આખરે નયન પર બધાની આંખ ઠરી. બંનેની મુલાકાત થઈ અને બંનેએ હા પાડી. સગાઈ થઈ ગઈ અને હવે લગ્ર.
નયન અને પલક બે ત્રણ વખત મળ્યા. બંનેને લાગ્યું બંને એકબીજા માટે જ છે. ને આજે મહેંદી મૂકાવાની છે પલકના હાથોમાં નયનના નામની.
દાદી પાસે બેઠેલી પલક વિચારે છે "આ હાથોમાં નયન ના નામની મહેંદી મૂકાશે, ને કાલે એના નામનું પાનેતર પહેરી હું આ ઘરેથી વિદાય થઈશ. મનગમતા સાથીનો સાથ મેળવવા મારે મારા પિતાના ઘરથી દૂર થવું પડશે. પછી આવીશ ત્યારે કેવું લાગશે ? આજે હકથી રસોડામાં જઈ પાણી લઈ લઉં છું, પછી કોઈ આપે તેની રાહ જોવી પડશે. આજે જાતે લઈ ખાઈ લઉં છું પછી આવીશ ત્યારે ભાભી પૂછશે બેન ચા બનાવું કે ખાઈને જવાના ? જ્યારે આવીશ ત્યારે કોઈ બોલશે તો નહીં પણ સૌના મનમાં સવાલ તો થશે કે પાછી ક્યારે જઈશ ? " આવા બધા વિચારોના વમળમાં ઘેરાયેલી પલક ક્યારે ચોધાર આંસુએ રડવા માંડી એને ખબર જ ન પડી. બધા એની પાસે આવીને એને ભેટીને રડવા લાગ્યા. એટલામાં પાછળથી નયન નો અવાજ આવ્યો. એ કહી રહ્યો હતો કે અરે ! કોઈ મને તો જુઓ. તમારો થવાવાળો જમાઈ આવ્યો છે ? અને બધા એને જોઈ ચોંકી ઊઠ્યા. નયન અત્યારે અહીં શું કામ ?
બધાના આશ્ચર્ય વચ્ચે નયન પલક પાસે આવીને બેઠો અને એણે બોલવાનું શરૂ કર્યું.
પલકની મમ્મીને કહ્યું જુઓ, આજે તમારી દિકરીના હાથોમાં મારું નામ લખાશે એનો મતલબ એવો નથી કે હવે એના માથા પર તમારો હાથ ન હોય. એ મારા નામનું પાનેતર પહેરીને મારા ઘરે આવશે એનો મતલબ એવો નથી કે એ તમારે ત્યાં મહેમાન બનીને આવે. એ મારા ઘરને પોતાનું બનાવવા આવી રહી છે પણ એનો અર્થ એ નથી કે આ ઘર એનું પોતાનું ન રહે. હું એટલું જ કહેવા આવ્યો છું કે લગ્ર પછી પલક કે હું જ્યારે પણ અહીં આવીએ અમે મહેમાન છે એવું ન લાગવા દેતાં. જે હકથી આજે તમે એને કહો છો કે રસોડામાં જઈને જે ખાવું હોય તે ખાઈ લે એ જ હકથી એને કે મને પછી પણ કહેજો કે જાતે લઈ લો જે લેવું હોય તે. અમને તમારી મિલકતમાં ભાગ ન આપતાં પણ પોતાનાપણાંનો ભાવ જરા ઓછો ન થવા દેતાં. સરકાર ભલે કહે દિકરીને ભાગ આપો પણ તમારી દિકરી જે ઘરને પોતાનું બનાવવા આટલા વર્ષોના સંબંધ છોડી જ્યારે મારી સાથે આવવાની છે તો હું પણ એને મારું સર્વસ્વ આપીશ. એવું ક્યારેય એને લાગવા ન દઈશ કે મારું ઘર એનું નથી. એ ઘરને અમે અમારું બનાવીશું. બસ તમે એની દિકરી તરીકેની લાગણી સાચવજો. એ અહીં આવે તો ક્યારેય પારકી થાપણ ન ગણતાં.
નયન ની વાત સાંભળીને એકદમ સન્નાટો છવાય ગયો. સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. બધાના મનમાં એક જ વિચાર હતો આનાથી વધારે સારો છોકરો પલક માટે કોઈ હોય જ ન શકે. નયને પલક સામે જોયું, એનો હાથ હાથમાં લીધો ને કહ્યું મેં બે ત્રણ ફોન કર્યા તેં ન ઉપાડ્યા, મને ટેન્શન થઈ ગયું. એટલામાં મમ્મી આવી, એણે મને પૂછ્યું શું વાત છે બેટા ? ફોન કેમ જોયા કરે છે. મને એમ કે મારો ફોન જોઈ તું મને ફોન કરશે. મેં મમ્મીને કહ્યું. તો મમ્મીએ જવાબ આપ્યો "દિકરા, જે ઘરમાં જનમ લીધો, રડી હસી લડી ઝઘડીને મોટાં થયાં એ ઘર છોડવાનું છે એણે. એના મનમાં હજારો સવાલો હશે પણ જવાબ કોઈના ન હશે. ખૂબ અઘરું છે આ સમય વિતાવવાનું. અને એટલે જ તારા સવાલોના જવાબ આપવા હું આવ્યો. હવે કોઈ પણ સવાલ વગર આપણા લગ્રની બધી વિધિઓનો આનંદ લે. "
અને પલક ખુશીની મારી નયનને વળગી પડી અને કહ્યું મહેંદીથી લખાયેલું તારું નામ તો હથેળીમાંથી નીકળી જશે પણ આજે આ દિલ પર લખાયેલું તારું નામ આ જનમ તો શું પણ જો બીજા જનમ હોય તો પણ કોઈ જનમમાં નહીં નીકળે.