Pavanchakkino Bhed - 13 books and stories free download online pdf in Gujarati

પવનચક્કીનો ભેદ - 13

પવનચક્કીનો ભેદ

(કિશોર સાહસકથા, ૧૯૮૨)

પ્રકરણ – ૧૩ : શોધવા એને ઘૂમાઘૂમ

કેપ્ટન બહાદુર પાછો આવ્યો ત્યારે એ જરા નિરાંતથી ચાલતો હતો. એના હોઠ હસી રહ્યા હતા. રામ અને મીરાંને જાણે આશ્વાસન અને હિંમત આપતો હોય તેમ હસીને એણે કહ્યું, “આવા કામના એક નિષ્ણાત આદમીને મેં બોલાવ્યો છે. આ ધરતીના કણેકણને એ ઓળખે છે. શિવરામ એનું નામ.”

એણે રામ-મીરાં તરફ એવી રીતે જોયું જાણે છોકરાંઓ શિવરામને ઓળખતાં હોય એવો ભાવ દેખાડે. પણ છોકરાંઓ તો ખાલી આંખે તાકી જ રહ્યાં. એટલે બહાદુર આગળ બોલ્યો, “શિવરામને પાકિસ્તાન સાથેની લડાઈ વખતે પરમવીર ચક્ર મળ્યો હતો. મેં માન્યું કે તમે એની વાત છાપાંઓમાં વાંચી હશે. અમારા ઇલાકામાં એ સૌથી બહાદુર આદમી ગણાય છે.”

“લશ્કરમાં હતો ?” રામે પૂછ્યું.

“હા, ચોથી ગુજરાત બેટેલિયનમાં લેફ્ટનન્ટના હોદ્દા પર હતો, પણ છામ્બને મોરચે લડતાં લડતાં પાકિસ્તાની તોપગોળો એને વાગ્યો, અને એ પાછો આવ્યો. એ મળશે ત્યારે તમને લશ્કરના સંદેશ-વાહક કૂતરાઓની અને એવી ઘણી વાતો કરશે.”

એકાએક મીરાં બોલી ઊઠી, “એ ભરતને શોધી આપે એટલું જ અમારે તો જોઈએ છે. અમને કાંઈ કૂતરાં-ફૂતરાંની વાતોમાં રસ નથી.”

“ભરતને એ જરૂર શોધી કાઢશે. હું ખાતરી આપું છું. જ્યારે એ લશ્કરમાં હતો ત્યારે દુશ્મનના પ્રદેશમાં પણ છુપાયેલા સૈનિકોને શોધી કાઢતો હતો. પછી આ તો એનો પોતાનો ઇલાકો છે. અહીં તો સોય ખોવાઈ હોય તો પણ એ શોધી કાઢે.”

જોકે રામ કે મીરાં, બેમાંથી એકે જણને આ વાતમાં બહુ રસ પડતો હોય એમ લાગ્યું નહિ. કેપ્ટન બહાદુરનો ઉત્સાહ એમને બનાવટી લાગ્યો. એ કશુંક છુપાવતો હોય એવું જણાયું.

એટલામાં બહાદુરે કહ્યું, “તમે બંને હવે સૂઈ જાવ. નાનાં છોકરાંઓએ બહુ ઉજાગરા કરવા સારા નહિ. શિવરામ વહેલી સવારે આવી લાગશે. પછી તરત જ આપણે વગડો ફીંદવા માંડીશું.”

બંને છોકરાંઓ પોતપોતાના ખંડમાં ગયાં. પરંતુ વચલું બારણું ઉઘાડું રાખીને ભાઈબહેન મોડે સુધી વાતો કરતાં રહ્યાં. ભરતનું શું થયું હશે ? એ ક્યાં હશે ? વગેરે અનેક સવાલો એમને સતાવી રહ્યા હતા. પછી ઊંઘ ક્યાંથી આવે ?

જોકે આખરે બાળપણ એટલે બાળપણ. ઊંઘ તો આવી જ ગઈ. વહેલી સવારે કેપ્ટન બહાદુરે એમને હડબડાવ્યાં ત્યારે જ બંને જણ જાગ્યાં. બંને જણ દાતણ-પાણી કરીને નીચે ઊતર્યાં કે તરત જ બહાદુર નાટકીય અદાથી બોલ્યો, “બાળકો, આવો અને મારા પરમ મિત્ર લેફ્ટનન્ટ શિવરામને મળો ! ભરતને જો કોઈ શોધી શકશે તો આપણો શિવરામ જ શોધી શકશે !”

બંને ભાઈબહેને શિવરામને નમસ્કાર કર્યા અને એને ધારી ધારીને જોવા માંડ્યો. એની ઉંમર બહાદુરથી પણ વધુ લાગતી હતી. એ નીચકડો અને પાતળિયો હતો. ચહેરો બકરાના સૂકા ચામડા જેવો હતો. એના ચહેરા ઉપર એક લાંબા ઘાનું નિશાન હતું. આમ છતાં એના હસવામાં હેતાળપણું હતું. એ હોશિયાર આદમી જણાતો હતો.

સૌથી વધુ જોવા લાયક તો એના પગ હતા. એનો જમણો પગ લડાઈમાં ઘવાયો હતો અને કપાયો હતો. એ પગને ઠેકાણે અત્યારે લાકડાનો પગ નાખવામાં આવ્યો હતો.

એને આવી ગયેલો જોઈને રામ અને મીરાંને આશા બંધાઈ કે હમણાં જ ભરતને શોધવા માટે નીકળી પડી શકાશે. પણ બહાદુરે કહ્યું કે પહેલાં તો ચા-નાસ્તો પતાવીએ. ભરતને શોધવામાં કદાચ મોડું પણ થાય. અને આ પછી બહાદુરે જાહેર કર્યું કે એક જણે હવેલી સાચવવા રહેવું પડશે અને આ કામ એણે મીરાંને સોંપ્યું.

“નહિ !” મીરાં સહજ જ બૂમ પાડી ઊઠી. બહાદુરનો હાથ પકડી લેતાં એણે કહ્યું, “ના, બહાદુર ! મને અહીં નહિ ગમે. મને સાથે લઈ જાઓ. હું પણ ભરતને શોધવામાં મદદ કરીશ.”

બહાદુરે હેતથી એના ખભે હાથ મૂકતાં કહ્યું, “કોઈકે તો અહીં રહેવું જ પડશે. રસોઈ બનાવવા માટે અને ભરત આવી પહોંચે તો એના તરફ ધ્યાન આપવા માટે કોઈક તો જોઈએ જ.”

રામે પણ કહ્યું, “બહાદુર સાચું કહે છે, મીરાં. તું અહીં જ રહે.”

મીરાંએ આખરે ડોકું ધુણાવીને હા પાડી. એ સમજી ગઈ કે હવે મારો હવેલીએ રહ્યા વગર છૂટકો નથી.

આમ વાતો ચાલતી હતી ત્યાં જ આંગણામાં કોઈ ટ્રેક્ટર આવેલું લાગ્યું. શામળી સરખી, નીચકડી અને મોટા ઘેરના ચણિયાને કારણે ગોળ દડા જેવી લાગતી પરંતુ ખૂબ જ હસમુખી એક છોકરી એમાંથી ઊતરી. અઢારેક વરસની એની ઉંમર લાગતી હતી. એને જોતાં જ મીરાં બૂમ પાડી ઊઠી : “કમળા !” અને એ બારણા ભણી દોડી.

એ કમળા હતી. કેપ્ટન બહાદુરની દીકરી, જે પોતાની મોટી બેનને ગામ ગઈ હતી. એણે રસોડામાં પગ મૂકતાં જ કહ્યું, “ભરત ખોવાઈ ગયો છે એવો બાપાનો સંદેશો મળતાં જ હું બસમાં દોડી આવી. હવે અહીં હું રહીશ. તમે બધાં જલદી ભરતને શોધવાના કામમાં લાગી જાવ.”

મીરાં બોલી ઊઠી, “ત્યારે તો હું પણ ભરતને શોધવા જઈ શકું ને ?”

બહાદુરે ડોકું ધુણાવ્યું, “હા, પણ એક શરતે – રામે અને તારે ભેગાં જ રહેવાનું. અલગ પડવાનું નહિ.”

મીરાંએ શરત કબૂલ કરી. એ પછી શિવરામ અને બહાદુરે ગુફ્તેગો કરીને નક્કી કર્યું કે રામ અને મીરાંએ આસપાસનાં ખેતરોમાં તપાસ કરવી.

મીરાંએ મોં બગાડીને કહ્યું, “બધાં ખેતર તો ફરીશું, એક પેલા જાદવ પટેલના ખેતરમાં નહિ જઈએ. એ મૂઓ કાળમુખો છે.”

બહાદુર કહે, “તું ચિંતા ન કર, બેન. આજે એ સીધો ચાલશે. એ જરા ઝઘડાખોર છે ખરો, પણ જ્યારે એક છોકરો ખોવાયો હોય ત્યારે પણ કાંઈ ઝઘડો યાદ રાખે એવો એ માણસ નથી.”

આમ સૌએ પોતપોતાની દિશા પસંદ કરી લીધી અને ભરતને શોધવા જવાની તૈયારી કરવા લાગ્યાં.