સુંદરી - પ્રકરણ ૪૨

બેતાળીસ

 

“શું થયું?” છેક બાંકડેથી પીચ સુધી દોડીને આવેલી સુંદરી હાંફી રહી હતી.

બધા જ ખેલાડીઓ અને અમ્પાયરની ફરજ બજાવી રહેલા પ્રોફેસર શિંગાળા તમામ જમીન પર પડી ગયેલા અને દર્દથી કણસી રહેલા વરુણને ઘેરીને ઉભા હતા. નેલ્સન અને નિર્મલ પાંડે સિવાય તમામના ચહેરા પર ચિંતા છવાઈ રહી હતી.

“લગતા હૈ બાંયે પૈર કા નલ્લા તોડ દિયા આજ નેલ્સનને!” નિર્મલ પાંડે દાઢમાં બોલ્યો.

“સોરી સર, મેં જાણીજોઈને નથી કર્યું.” નેલ્સને પ્રોફેસર શિંગાળા સમક્ષ ખોટેખોટી માફી માંગી.

“અરે! એ બધું તો થતું રહેશે વરુણની સ્થિતિ તો જુઓ. ચાલો ખસો બધા, હવા આવવા દો જરા. વરુણ ક્યાં વાગ્યું છે?” ચિંતાતુર સુંદરીએ તમામને વઢી નાખ્યા અને વરુણના પગ પાસે નીચે બેસી ગઈ.

“હમને કહા ના, બાંયે પૈર કા નલ્લા તૂટા હૈ. નેલ્સનવા યોર્કર ડાલા સાયદ, પર ગેંદ થોડા ઉપર રેહ ગયા.” નિર્મલ પાંડેના મનમાં આનંદના સંખ્યાબંધ ફુવારા ફૂટી રહ્યા હતા પણ એને એ ભારપૂર્વક દબાવીને રાખી રહ્યો હતો.  

“ના, મારો અંગૂઠો...” જબરદસ્ત પીડા અનુભવી રહેલો વરુણ માંડ માંડ બોલી શક્યો.

વરુણે પોતાનો ડાબો પગ પકડ્યો હતો અને એની બંને આંખો સજ્જડ બંધ હતી.

“બધાં અહિયાંજ ઉભા રહેશો કે પછી કોઈ જઈને ફર્સ્ટ એઇડ બોક્સ લઇ આવશો?” સુંદરીએ ગુસ્સામાં ખેલાડીઓને ઉદ્દેશીને કહ્યું.

સુંદરીએ વરુણનો ડાબો પગ પોતાના બંને હાથમાં લીધો અને જોયું તો એના શુઝમાં અંગૂઠાનો ભાગ વરુણના લોહીથી લાલ થઇ ગયો હતો. સુંદરીના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી.

“નિહાલ, સ્પોર્ટ્સ રૂમસે ફર્સ્ટ એઇડ બોક્સ લે કર આઓ, જલ્દી... ભાગો ચલો!” પ્રોફેસર શિંગાળાએ નિહાલને હુકમ કરતાં કહ્યું.

નિહાલ ડોકું ધુણાવીને કોલેજ તરફ દોડ્યો.

“અરે! કોઈ પેલા બાંકડા પર મેં નાસ્તાના બે મોટા થેલા મુક્યા છે એમાંથી એકમાં પાણીની ચાર-પાંચ બોટલો છે એમાંથી બે બોટલો લઈને આવો, જલ્દી.” વરુણના શુઝની દોરી ખોલતા સુંદરી બોલી.

સુંદરીનું ધ્યાન વરુણના કષ્ટ સહન કરી રહેલા ચહેરા પર અને એના શુઝ પર વારાફરતી જઈ રહ્યું હતું. બીજો ખેલાડી સુંદરીના આદેશ અનુસાર બાંકડા તરફ દોડ્યો અને તેના પર મુકેલા થેલાઓમાંથી પાણીની બે બોટલો લઈને આવ્યો. એટલી વારમાં નિહાલ પણ ફર્સ્ટ એઇડ બોક્સ લઈને આવી પહોંચ્યો. આ દરમ્યાન સુંદરીએ વરુણના ડાબા પગનો શૂ ખોલી નાખ્યો હતો અને તેને એકદમ ધીરેથી ઉતારી દીધો.

“વરુણ... થોડું વધુ સહન કરજો, હું તમારું મોજું ઉતારું છું. જ્યાં વાગ્યું હશે ત્યાં મોજું ખેંચાશે એટલે દુઃખશે. પ્લીઝ રિમેઈન બ્રેવ!” સુંદરીએ વરુણ સામે જોઇને કહ્યું.

વરુણે સુંદરીની વાતનો કોઈજ જવાબ ન આપ્યો એની પીડા અસહ્ય હતી. સુંદરીએ ધીમેધીમે મોજું ઉતારવાનું શરુ કર્યું. જેવું સુંદરીએ મોજું વરુણની પગની આંગળીઓ પરથી ઉતારવાનું શરુ કર્યું કે વરુણના મોઢામાંથી રીતસર ચીસ નીકળી ગઈ.

“બસ હવે થોડું જ બાકી છે, બસ પતી ગયું... બસ...બસ...બસ... ઓહ માય ગોડ! તમારા પગના અંગૂઠાનો નખ ઉખડી ગયો લાગે છે.” મોજું પૂરેપૂરું કાઢ્યા બાદ વરુણના પગની પરિસ્થિતિ જોતાં સુંદરીએ દયામણા સૂરમાં કહ્યું.

સુંદરીએ તેની બાજુમાં પડેલી પાણીની એક બોટલ ખોલી અને એમાંથી પાણી વરુણના પગના પંજા પર ધીરે ધીરે રેડવા લાગી અને લોહીને પાણીથી ધોવા લાગી. સુંદરીએ આસપાસ જોયું તો કપડું ન દેખાયું એટલે એણે પોતાની ઓઢણીથી વરુણના પગનો પંજો સાફ કર્યો.

“ચિંતા જેવું નથી વરુણ. નખ અડધો તૂટી ગયો છે. થેન્ક્સ ટુ યોર શૂઝ. હું ડ્રેસિંગ કરી દઉં છું. મટી જશે.” સુંદરીએ વરુણને કહ્યું.

સુંદરીની આ વાત સાંભળીને વરુણની પીડા લગભગ અડધી ઓછી થઇ, એની આંખો છેવટે ખુલી અને પોતાની સારવાર કરી રહેલી સુંદરી તરફ તેણે જોયું. સુંદરીનું સંપૂર્ણ ધ્યાન વરુણના પગ ઉપર જ હતું. સુંદરીએ પોતાની ઓઢણીથી વરુણનો પંજો સાફ કર્યો, પછી ફર્સ્ટ એઇડ બોક્સમાંથી રૂ લઈને તેમાં થોડું ડેટોલ નાખીને અંગુઠો વ્યવસ્થિત સાફ કર્યો, ત્યારબાદ એના પર હળવેકથી મલમ ચોપડ્યો અને પછી તેના પર ફરીથી રૂ મૂકી અને આખો પંજો વીંટાઈ જાય એ રીતે પાટો બંધી દીધો.

“સારું થઇ જશે. ડોન્ટ વરી.” પાટો બાંધતાની સાથેજ સુંદરીએ વરુણ સામે સ્મિત કરતાં કહ્યું અને એ જોતાની સાથેજ વરુણની બાકી બચેલી પીડા પણ લગભગ ભાગી જ ગઈ.

“વરુણ તું મેડમ જોડે બાંકડા પર બેસ. જો પેઈન ન હોય તો પ્રેક્ટીસ પૂરી થવાની રાહ જોજે, મારે થોડું કામ છે.” વરુણને રાહતમાં જોઇને પ્રોફેસર શિંગાળાએ કહ્યું.

“હા મને સારું છે સર. હું રાહ જોવું છું તમારી.” વરુણે નીચે બેઠાં બેઠાં જ કહ્યું.

“ચાલો તમે બધાં પ્રેક્ટીસ શરુ કરો, આવો વરુણ તમારો હાથ આપો.” સુંદરીએ વરુણ પાસે ઉભા ઉભા પોતાનો હાથ લંબાવ્યો.

આમ અચાનક સુંદરીનો હાથ પોતાના તરફ લંબાયેલો જોઇને વરુણ જરા ઓસંખાયો. 

“શું જોઈ રહ્યા છો? ઉભા નથી થવું?” સુંદરીએ સ્મિત કરતાં કહ્યું અને વરુણની ગૂંચવણ એના વધી રહેલા ધબકારા સાથે વધવા લાગી.

વરુણે ઓસંખાતા સુંદરી સામે હાથ લંબાવીને તેને પકડ્યો.

“હવે જમણા પગ પર ભાર આપીને ધીરેથી ઉભા થજો ઓકે?” સુંદરીએ વરુણનો હાથ બરોબર પકડ્યો અને એના પગ સામે જોતાં જોતાં કહ્યું.

વરુણના સમગ્ર શરીરમાં અત્યારે સુંદરીના સ્પર્શને કારણે વિજળી દોડી રહી હતી. એને ખબર નહોતી પડી રહી કે એ શું કરે. એણે સુંદરીનો હાથ પકડીને ઉભું થવાનું હતું પણ અત્યારે એનું મન એને સુંદરીનો હાથ પકડીને લાંબો સમય સુધી એ જ સ્થિતિમાં રહેવા માટે મજબૂર કરી રહ્યું હતું.

“ચાલો? ઉભા થાવ? બહુ દુઃખે છે? તમે ઉભા નહીં થાવ તો આ લોકો પ્રેક્ટીસ કેવી રીતે કરશે?” સુંદરીએ પોતાના મધુર સ્વરથી વરુણને જગાડ્યો.

“હા.. હા.. થાઉં છું.” અચાનક જ જાગેલા વરુણે સુંદરીની હથેળીને બરોબર પકડી અને ધીમે ધીમે ઉભો થયો.

સુંદરીની સૂચના અનુસાર વરુણે શરીરનો સમગ્ર ભાર જમણા પગ પર મુકવાનો હતો પરંતુ ઉભા થવાની સાથેજ વરુણ એ સૂચના ભૂલી ગયો અને આદતવશ પોતાના બંને પગ પર ઉભો રહ્યો કે તરતજ એના બંને હોઠ વચ્ચેથી જોરથી સીસકારો નીકળી ગયો.

“અરે! બંને પગ પર કેમ ઉભા રહ્યા? મેં કહ્યું હતુંને કે ખાલી જમણો પગ?” સુંદરી વરુણને વઢી, વરુણને ગમ્યું.

“સોરી! ઓટોમેટીકલી જ થઇ ગયું.” વરુણે થોડી પીડા સાથે સુંદરીને જવાબ આપ્યો.

“ઇટ્સ ઓકે! ચાલો હવે મારા જમણે ખભે હાથ મુકો અને ધીમે ધીમે ફક્ત જમણા પગે જ ચાલો. ઓકે?” સુંદરીએ ફરીથી સ્મિત કર્યું.

“તમારા ખ...ખભે?” વરુણને આંચકો લાગ્યો.

અત્યારે જે સ્થિતિમાં વરુણ સુંદરીની બાજુમાં ઉભો હતો તે અનુસાર જો તે સુંદરીના કહેવા અનુસાર તેનો જમણો ખભો પકડે તો તેણે સુંદરીની પીઠને ફરતો હાથ મુકવો પડે. વરુણ માટે આ બહુ કઠીન પરિસ્થિતિ હતી. તે સુંદરીને આ રીતે પકડવા તો માંગતો તો હતો પરંતુ તેને ખૂબ શરમ આવી રહી હતી.

“શું થયું? અરે એમાં આટલું બધું વિચારવાનું? ચાલો મારા ખભે હાથ મુકો. આ બધા આપણા જવાની રાહ જોઈ રહ્યા છે.” સુંદરીએ પોતાની આંખો આમતેમ ફેરવીને વરુણને પરિસ્થિતિ સમજાવવાની કોશિશ કરી.

“ઓકે ઓકે!” વરુણ પણ હવે પરિસ્થિતિ સમજ્યો અને તેણે સુંદરીની પીઠ ફરતે પોતાનો જમણો હાથ મુકીને તેના જમણા ખભે તેને મૂકી દીધો.

સુંદરી વરુણથી ઘણી નીચી હતી અને વરુણથી શરૂઆતમાં તો પોતાના શરીરનો સમગ્ર ભાર સુંદરી પર મુકાઈ ગયો પણ સુંદરીનું બેલેન્સ સહેજ હલ્યું એટલે વરુણ સમજી ગયો અને તે ધીરે ધીરે વજન પોતાના જમણા પગ પર મુકવા લાગ્યો.

વરુણ સુંદરીના નાજુક ખભાના સહારે લંગડાતો લંગડાતો, ધીમે ધીમે બાંકડા પાસે પહોચ્યો અને સુંદરીના કહેવા અનુસાર ધીરેધીરે બાંકડા પર બેસી ગયો.

થોડે દૂર નિર્મલ પાંડે અને નેલ્સન વરુણને ફક્ત નાની ઈજા જ થઇ છે એ જોઇને નિરાશ થતાં વરુણ અને સુંદરી તરફ જોતાં રહ્યાં.

“લ્યો થોડું પાણી પી લ્યો.” વરુણના બાંકડા પર બેસવાની સાથેજ સુંદરીએ થેલામાંથી પાણીની બોટલ કાઢીને વરુણ સામે ધરી.

“થેન્ક્સ!” વરુણના મોઢામાંથી આપોઆપ નીકળી પડ્યું.

“તમે થોડા રિલેક્સ થાવ ત્યાં સુધી હું પ્રોફેસર શિંગાળાને મળીને આવું. પછી આપણે ઘરે જઈએ.” સુંદરીએ કહ્યું.

“ઘરે?” વરુણે આની તો કલ્પના પણ નહોતી કરી.

“પાંચ મિનીટ! હું પ્રોફેસર શિંગાળાને મળીને આવું?” સુંદરીએ ફરીથી તેનું ઘાતક સ્મિત વરુણને આપ્યું જેનો જવાબ વરુણ પાસે ન હતો.

“પણ સરે મને વેઇટ કરવાનું કહ્યું છે.” વરુણે યાદ દેવડાવ્યું.

“હા, મને ખબર છે, પણ તમારે ટેટનસનું ઇન્જેક્શન બને તેટલું વહેલું લઇ લેવું જોઈએ, પ્લસ જો અચાનક જ પેઈન વધી જશે તો તમને ઘરે પહોંચવામાં બહુ તકલીફ પડશે. હું એમને કહી દઉં છું કે તમારી સાથે કાલે વાત કરી લે? અથવા તો કૉલ કરીને વાત કરે, ઓકે?” સુંદરીએ વરુણને સોલ્યુશન પણ આપી દીધું.

આટલું કહીને સુંદરી ઝડપભેર ડગલાં માંડીને ફરીથી પીચ તરફ ચાલવા લાગી. તેણે પ્રોફેસર શિંગાળાને પોતાની પાસે બોલાવ્યા અને તેમની સાથે લગભગ બે થી ત્રણ મિનીટ વાત કરી અને ફરીથી વરુણ તરફ ચાલવા લાગી.

“મેં પ્રોફેસર શિંગાળાને વાત કરી લીધી છે એ તમારી સાથે સાંજે તમને કૉલ કરીને વાત કરી લેશે. હું તમને ઓટોમાં તમારે ઘેર મૂકી જાઉં છું. પ્રેક્ટીસ પતશે એટલે નિહાલ તમારું બાઈક લઇ આવશે, ઓકે?” સુંદરીએ એક શ્વાસે બધું કહી દીધું.

સુંદરીએ જે લહેકામાં વરુણને આ વાત કરી એનો વરુણ પાસે તેની વાત સાથે સહમત થવા સિવાય અન્ય કોઈજ રસ્તો બચ્યો ન હતો.

“પણ તમારું વેહિકલ?” વરુણે પૂછ્યું.

“તમને ઘરે મુકીને સીધી અહીં જ આવી જઈશ ઓટોમાં.” સુંદરીએ સ્મિત કર્યું.

“પણ હું ઘરે જતો રહીશ.” વરુણને ફરીથી ખંચકાટ થયો.

“કેમ શરમ આવે છે મારી સાથે ઘરે આવવાની?” સુંદરીએ પોતાની ધારદાર નજરથી અને સ્મિતથી વરુણ તરફ તીર ચલાવ્યું.

“અરે! ના ના, પણ તમને આટલી તકલીફ?” વરુણે પોતાનું વાક્ય અધૂરું જ છોડ્યું.

“એમાં તકલીફ શેની? ચાલો, હું જરા ઓટો બોલાવી આવું પછી આપણે જઈએ.” સુંદરીએ વરુણને કહ્યું.

“આપણે કેબ જ બોલાવીએ તો? મારી પાસે એપ છે જ.” વરુણે આઈડિયા આપ્યો.

“તો તો બેસ્ટ. એમાં તમારે શાંતિથી બેસાશે પણ ખરું.” સુંદરીને તરતજ વરુણનો આઈડિયા ગમી ગયો.

વરુણે બીજીજ સેકન્ડે પોતાની બેગમાંથી મોબાઈલ કાઢ્યો અને એપમાંથી કેબ બુક કરાવી અને થોડીજ વારમાં એક કેબ કૉલેજ ગ્રાઉન્ડના દરવાજે આવીને ઉભી રહી. સુંદરીએ ફરીથી વરુણ તરફ પોતાનો હાથ લંબાવ્યો, આ વખતે વરુણ જરાપણ ખચકાયો નહીં અને તેણે સુંદરીનો હાથ પકડી લીધો. ફરીથી વરુણ હળવેથી ઉભો થયો અને સુંદરીના જમણા ખભે હાથ મૂક્યો અને બંને જણા ધીમેધીમે ડગ માંડતા કેબ સુધી પહોંચ્યા.

સુંદરીએ વરુણને કેબની પાછળની સીટ પર બેસાડ્યો અને પોતે ડ્રાઈવરની બાજુમાં બેઠી અને સુંદરી તેમજ સુંદરીના સ્પર્શનો હજીપણ અનુભવ કરી રહેલા વરુણ સાથે કેબ દોડી પડી વરુણના ઘર તરફ.

==:: પ્રકરણ ૪૨ સમાપ્ત ::==

      

Rate & Review

Balkrishna patel

Balkrishna patel 3 weeks ago

Rajni Dhami

Rajni Dhami 3 weeks ago

nihi honey

nihi honey 3 weeks ago

Sheetal

Sheetal 1 month ago

Krishna Thobhani

Krishna Thobhani 1 month ago