The magic of relationships - 11 books and stories free download online pdf in Gujarati

સંબંધોની માયાજાળ - 11

સંબંધોની માયાજાળ_11


જેમ ભૂમિજાનો ચહેરો ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો એમ સામે વાળા માણસનો ચહેરો પણ ભૂમિજાને જોઈને લાલ પીળો થઈ જાય છે!!

"ઓહ!! આદિત્ય તમે??" ભૂમિજા કટાક્ષના સૂરમાં બોલી.

"હા!! હું!! કેમ?? તને કોઈ વાંધો છે મારા અહી હોવાથી??" આદિત્યએ મ્હો મચોકડતા પૂછ્યું.

"વાંધો!! તમારાથી!! અને એ પણ મને!! જરાક પણ નહી મિસ્ટર અજનબી." અજનબી શબ્દ પર ભાર મુકતા ભૂમિજા બોલી.

ભૂમિજાનું આમ એણે અજનબી કહેવું આદિત્યને ના ગમ્યું. "તું તારું કામ કરે. એમ પણ હું તારા જેવી કૅરેક્ટરલેસ છોકરીના મોઢે લાગવા નથી માંગતો."

કેરેક્ટરલેસ શબ્દ સાંભળતા અત્યાર સુધી દબાઇ રહેલો ભૂમિજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. "તમારી જાણકારી માટે તમને જણાવી દઉં કે મારા જેવી કેરેક્ટરલેસ છોકરી સાથે એક સમયે તમે પ્રેમના નામ પર ગેમ રમી હતી." ભૂમિજા પોતાના મનની ભડાશ કાઢતા બોલી.

ભૂમિજાના ચરિત્ર પર કિચ્ચડ ઉછાળતા એના છાંટા પોતાના જ ચરિત્ર પર ઉડ્યા એ વાતનું ભાન થતા આદિત્ય ચૂપ જ થઈ ગયો. એણે આમ મૌન રહેલો જોઈ ભૂમિજાને વધારે જોમ ચઢ્યું. એટલે "અને અહી શું કામ આવ્યા છો તમે?? હજુ કેટલા આરોપ લગાવવાના બાકી છે?? તે મારો પીછો કરતા કરતા તમે અહી સુધી પહોંચી ગયા??" જેવા અનેક સવાલો આદિત્ય તરફ જોઈને પૂછવા લાગી.

આદિત્યનો પિત્તો ગયો એટલે એણે પણ "પીછો!! અને એ પણ તારો!! તારી ઓકાત શું છે તે હું તારો પીછો કરું?? તારા જેવી છોકરી સામે હું જોવું પણ નહી, પીછો કરવાની વાત તો બહુ દૂરની રહી." જેવી અનેક ના કહેવાની વાતો ભૂમિજાને કહી.

ભૂમિજાને લાગ્યું કે હવે તો આ વ્યક્તિનું મોઢુ બંધ કરવું જ પડશે અને આ કિસ્સો પણ અહી જ ખતમ કરવો પડશે. એમ વિચારી "ઓકાતની વાતો કરો છો તમે!! જોવી છે મારી ઓકાત!!" એણે આદિત્યને કહ્યું. અને સાથે મોટેથી "ગાર્ડ્સ" એમ રૂઆબથી બૂમ પાડી. જાણે કોઈ રાજકુમારી એના મહેલના ચોકીદારોને ના બોલાવતી હોય!!

આટલા દિવસથી ભૂમિજા અહી કામ કરે છે તેમ છતાં હંમેશા એણે એકદમ શાંત અને સૌમ્યતાથી કામ કરતા જોનાર હોટેલનો સ્ટાફ એનું આવું રૂપ જોઈને આશ્ચર્યમાં મુકાઈ ગયો. જો ગાર્ડ્સ તાત્કાલિક ભૂમિજાની સામે હાજર નહી થાય તો કઈક અનર્થ થઈ જશે એ વાતનો એહસાસ થતાં રિસેપ્સનિસ્ટએ તરત જ ફોન કરીને ગાર્ડ્સને બોલાવ્યા.

ગાર્ડ્સને જોતા જ ભૂમિજા એ લોકોને ઓર્ડર આપતા બોલી, "Pull this guy and through out of the hotel. (( આ વ્યક્તિને ઉંચકીને હોટેલની બહાર નાખી આવો. ))" કોઈ કલાઈન્ટનો આદેશ મળે અને ગાર્ડ્સ એક્શન ના લે એવું તો બને નહી. અને આ તો એમની હોટેલના સૌથી મોટા કલાઇન્ટ્સમાના એક છે. એટલે ગાર્ડ્સ પણ ભૂમિજાના આદેશનું પાલન કરવા માટે આદિત્યને એના બાવડાથી પકડે છે અને ગેટ તરફ લઈ જવા લાગે છે. અચાનક જ ભૂમિજાને કંઇક યાદ આવતા એ ગાર્ડ્સને થોભવા માટે કહે છે. અને હોટેલના મેનેજરને બોલાવે છે.

મેનેજર આવતાની સાથેજ "જી મેમ!! any problem??" એમ પૂછે છે.

"આ વ્યક્તિની શકલ ધ્યાનથી જોઈ લો." આદિત્ય તરફ આંગળી ચીંધતા ભૂમિજા મેનેજરને કહે છે. "જ્યાં સુધી હું અહી છુ ત્યાં સુધી આ માણસ મને તમારી હોટેલની આસપાસ પણ ના દેખાવો જોઈએ. અને ખાલી આ અઠવાડિયા પૂરતો જ નહિ પરંતુ જ્યારે જ્યારે હું અહી તમારી હોટેલમાં રોકાવ ત્યારે ત્યારે પણ આ વાતનું પૂરતું ધ્યાન તમે રાખશો જ એવી આશા રાખું છું હું.

અને જો એવું ના થયું તો હું પોતે ભારત ગ્રૂપ ઓફ હોટેલ્સના C.E.O મિસ્ટર શેખને કેપગેમીની કંપનીના ઑફિશિયલ લેટરપેડ પર મારી કંપલેઈન આપીશ કે એમની હોટેલમાં મારી વાત પર ધ્યાન આપવામાં નથી આવતું. અને સાથે સાથે તમારી હોટેલ સાથે કરવામાં આવેલા કેપગેમીની ઇન્ટનેશનલના તમામ ડીલ્સ તથા પ્રોજેક્ટ્સને હું પોતે રદ્દ કરી દઈશ. અને તમે સારી રીતે જાણો છો કે અત્યારે કેપગેમીની ઇન્ટનેશનલ જેવી મલ્ટીનેશનલ કંપની સાથેના સંબંધ અને સંપર્ક તૂટે એ તમારી હોટેલ ચેઇનને પરવડશે નહી. અને આમ થવાથી જે નુકશાન ભારત ગ્રૂપ ઓફ હોટેલ્સને થશે એ પણ આર્થિક રીતે સારું નહી સાબિત થાય." ભૂમિજાએ ધમકી આપતા હોટેલના મેનેજરને કહ્યું.

"જી મેમ!! હું ધ્યાન રાખીશ આ વાતનું." એમ કહી મેનેજરે ગાર્ડ્સને ઈશારામાં જ આદિત્યને હોટેલની બહાર કાઢી મૂકવા કહ્યું. ગાર્ડ્સ પણ મેનેજરના હુકમનું પાલન કરતા હોય તેમ આદિત્યને એના બાવડેથી પકડી એણે ઉંચકીને હોટેલની બહાર લઈ ગયા.

આજના દિવસે થોડોક વધારે પડતો જ ડ્રામા થઈ ગયો હોવાથી ભૂમિજાને પણ આરામની જરૂર મહેસૂસ થવા લાગી. એટલે એ પોતાના રૂમમાં જાય છે. રુમમાં પહોંચીને ફ્રેશ થયા બાદ એ બેડ પર બેસવા જાય છે ત્યા જ મિસ્ટર સેનનો ફોન આવે છે. મિસ્ટર સેન ભૂમિજાને જણાવે છે કે પરમ દિવસથી ચાલુ થનારી બિઝનેસ સમિટ હવે આવતીકાલથી જ શરૂ થઈ જશે.

આ વાત સાંભળતા જ ભૂમિજાએ આરામ કરવાનો વિચાર પડતો મૂક્યો. અને સીધી પહોંચી ગઈ બૅન્કવેટ હૉલ માં. પહોંચીને એણે એના આસિસ્ટન્ટને બધા એમ્પલોય્સને હૉલમાં બોલાવી લાવવા જણાવ્યું. બધા લોકો આવે ત્યાં સુધી એણે તેજસને મેસેજ કરીને જણાવી દીધું કે એણે અડધો કલાક જેટલું મોડું થશે. અને જો વધારે લેટ થાય તો એ બંને અહી હોટેલ પર આવી જાય.

બધા લોકો આવી ગયા એટલે એ લોકોને ભૂમિજાએ પોતાને મળેલા ન્યૂઝ જણાવીને કામે લાગી જવા કહ્યું. 30 લોકો એક સાથે કામ કરી રહ્યા હોવાથી બૅન્કવેટ હૉલને તો એ લોકોએ અડધા કલાકમાં જ ડેકોરેટ કરી દિધો. પરંતુ ફાઇનલ ચેકીંગ માટે થઇને ભૂમિજાને બીજી 15 મિનિટ લાગે એમ હોવાથી એણે તેજસને મેસેજ કરીને એ લોકોને હોટેલમાં જ બોલાવી લીધા.

તેજસ અને ગ્રંથ બંને હોટેલની નજીક જ હોય છે એટલે એ 5 જ મિનિટમાં હોટેલ પહોંચી જાય છે. અંદર આવીને તેજસ રિસેપ્શનિસ્ટને ભૂમિજા વિશે પૂછે છે. થોડાક સમય પહેલા આદિત્યને લઈને ભૂમિજા મેનેજર પર જે રીતે ગુસ્સે થઈ હતી એ ઘટનાને કારણે રિસેપ્શનિસ્ટએ એ બન્નેને ડાયરેક્ટ ભૂમિજા વિશે ના જણાવતા એણે મેનેજરને બોલાવ્યા.

મેનેજર આવ્યો એટલે રિસેપ્શનિસ્ટએ એણે "આ બંને લોકો ભૂમિજા મેમને મળવા માંગે છે. તો હું શું કરું??" પૂછ્યું.

"કંઈ વાંધો નહિ. તું મેમને ફોન કરીને પૂછી લે. જો એ હા પાડે તો આમને અંદર એમની પાસે મોકલી આપ." ગ્રંથ અને તેજસ તરફ ઈશારો કરતા મેનેજરે જણાવ્યું.

રિસેપ્શનિસ્ટએ તરત જ ભૂમિજાને કોલ કરીને પૂછી લીધું. ભૂમિજા એ હા પાડી એટલે તરત જ રિસેપ્શનિસ્ટએ "સોરી સર. તમને વેઇટ કરવો પડ્યો એ બદલ હું દિલગીર છું. પણ હવે તમે મેમને મળી શકો છો." માફી માંગતા કહ્યું. અને તરત જ "સાગર!! આ બંને સરને ભૂમિજા મેમ પાસે લઈ જા" બૂમ પાડીને એક વેઇટરને એ બંનેને ભૂમિજા પાસે લઈ જવા જણાવ્યું.

રિસેપ્શનિસ્ટ અને મેનેજર બંનેનું વર્તન ગ્રંથને થોડું અજીબ લાગ્યું એટલે એણે એમની સાથે રહેલા વેઇટર સાગરને પૂછ્યું. પણ સાગરે કઈ જણાવ્યું નહી. અને કેમ જણાવે?? જ્યારે એમના મેનેજર જ ભૂમિજાથી ડરતા હોય તો પછી એ પોતે તો એક વેઈટર છે. એણે પણ તો પોતાની નોકરી બચાવવાની છે ને!! ગ્રંથને લાગ્યું કે કઈક તો એવું થયું છે જેના કારણે બધા લોકોને ભૂમિજાથી બીક લાગી રહી છે.

અને એટલે જ ગ્રંથે સાગરને ધરપત આપતા કહ્યું કે, "તું તારી નોકરી જતી રહેવાના ડરે ચૂપ રહેતો હોય તો હું તને ખાત્રી આપુ છું કે એવું કઈ જ નહિ થાય. જે કંઈ પણ થયું છે એ અમને જણાવ. તારી નોકરીને હું કઈ જ નહીં થવા દઉં."

ગ્રંથની બાહેધરી મળ્યા બાદ સાગરે ડરતા ડરતા હમણાં દોઢ-બે કલાક પહેલા જે કંઈ પણ થયું હતું હોટેલમાં એ બધું શબ્દશઃ ગ્રંથ તથા તેજસને જણાવી દીધું. વાત સાંભળીને તેજસ તથા ગ્રંથ બંનેને ખબર તો પડી જ ગઈ કે એ માણસ બીજું કોઈ નહીં પણ આદિત્ય જ હોવો જોઇએ. પરંતુ સાગરને એ વ્યક્તિ વિશે પૂછવું યોગ્ય નથી એમ વિચારીને બંનેએ એનો આભાર માન્યો. ત્યાં જ ગ્રંથની નજર ભૂમિજા પર પડતા એણે સાગરને "અમે જતા રહીશું દોસ્ત. હવે તું પણ તારું કામ કરવા જઈ શકે છે." કહ્યું.

ભૂમિજાએ પણ એ બંનેને જોયા એટલે તરત જ એ પણ ગ્રંથ તથા તેજસની પાસે આવી. એ બંનેને બેસાડી "હું 5 જ મિનિટમાં આવી. ત્યાં સુધી તમે બંને અહી બેસો." એમ કહી એની ટીમ પાસે આવી અને બાકીનું કામ પતાવવા માટે કામે લાગી ગઈ. બધું કામ પતાવતા 5 ની બદલે 10 મિનિટ થઈ ગઈ. કામ પતી ગયું એટલે એણે ટીમમાંથી કાયા નામની છોકરીને બોલાવીને "ડિનર માટે થઇને મારી રાહ જોતા નહી. તમે બધા ડિનર કરી લેજો. અને હા!! આવતીકાલે સવારે જલ્દીથી હૉલમાં આવી જાય એવું બધાને જણાવી દે જે. કારણકે બિઝનેસ સમિટ આવતીકાલથી સ્ટાર્ટ થઈ જશે." એમ ઇન્સ્ટ્રકશન આપીને પોતે ચેન્જ કરવા એના રુમમાં જતી રહી.

2 જ મિનિટમાં ચેન્જ કરીને ભૂમિજા ગ્રંથ અને તેજસ બેઠા હોય છે ત્યાં આવે છે અને "ચાલો જઈએ." કહે છે. ત્રણેય જણ ગાડી પાસે આવે છે એટલે ગ્રંથ તેજસને ગાડીની ચાવી આપી ડ્રાઈવ કરવાનું કહે છે. તેજસની બાજુમાં ગ્રંથ બેસે છે અને પાછળની સીટ પર ભૂમિજા બેસે છે.

ગાડી હોટલમાંથી નીકળીને બહાર મેઈન રોડ પર આવે છે એટલે તરત જ ગ્રંથ ભૂમિજાને "આદિત્ય આવ્યો હતો??" પૂછે છે.

ભૂમિજા આદિત્ય હોટેલમાં આવ્યો હતો એ વાત ગ્રંથને કેવી રીતે ખબર પડી!! એમ વિચારમાં પડી જાય છે. ગ્રંથને ખબર પડી ગઈ એટલે તેજસને પણ ખબર હશે જ આ વિશે. અને હવે જ્યારે બંનેને ખબર પડી જ ગઈ છે તો કઈ પણ છૂપાવવાનો કોઈ અર્થ રહેતો જ નથી. એમ વિચારી ભૂમિજા પણ એ બંનેને જે કંઈ પણ બન્યું હોય છે એ બધું સાચે સાચું જણાવી દે છે.

ભૂમિજાની જેમ ગ્રંથને પણ લાગે છે કે આદિત્યનો કિસ્સો આજે ખતમ કરવો જ પડશે. એટલે એ તેજસને આદિત્યને મળવા બોલાવવા માટે કહે છે. પરંતુ ભૂમિજા આદિત્યને મળવા માંગતી નથી એટલે એ ગ્રંથને સવાલ કરે છે કે, "શું કામ છે પણ એમણે મળીને??"

"કારણકે હું આ વાતને અહી જ ખતમ કરી દેવા માંગુ છુ." ગ્રંથે જવાબ આપતા જણાવ્યું.

"ઓકે. હું તમારી વાત સાથે સંમત છું પણ એક જ શરતે!!" ભૂમિજા આ મુલાકાતને ટાળવા માટે બહાના બનાવવા લાગી.

"તમારી દરેક શરત મને મંજૂર છે." ગ્રંથે પણ મળવાનું નક્કી કરી જ લીધું હોય એમ મક્કમતાથી કહ્યું.

"પણ શરત તો સાંભળી લો પહેલા ગ્રંથ!!"

"ઠીક છે બોલો. શું છે શરત??"

"એજ કે તમે આદિત્યની સાથે શાંતિથી વાત કરશો. કોઈ મારામારી નહી કરો."

"ઠીક છે. પરંતુ તમારે પણ મારી એક વાત માનવી પડશે!!" ગ્રંથે પણ સામે શરત મુકતા કહ્યું.

"શું??"

"એ જ કે તમે ગાડીની બહાર નહી આવો."

"મતલબ??"

"મતલબ એ જ કે જ્યારે હું અને તેજસ આદિત્ય સાથે વાત કરીએ ત્યારે તમે ગાડીમાં જ બેસી રહેશો. ગમ્મે તે થઈ જાય, આદિત્ય મને કે તેજસને કઈ પણ બોલે, ઈવન આદિત્ય અમારી પર હાથ પણ ઉઠાવી દે ને તો પણ તમે ગાડીની બહાર નહી આવો."

ગ્રંથની શરત બહુ જ આકરી હોવાથી ભૂમિજા "હું પ્રોમિસ તો નથી કરતી. પણ ટ્રાય કરીશ. પણ જો એ વ્યક્તિ એની ઓકાત બહાર ગયો તો હું પોતે એણે જવાબ આપીશ. અને એવો જવાબ આપીશને કે એનો કિસ્સો આજે જ પૂરો થઈ જશે." બોલી.

એવી નોબત આવશે જ નહીં એમ વિચારીને ગ્રંથે "ઠીક છે." કહ્યું. વાતો વાતોમાં જ ત્રણેય રેસકોર્સ રોડ પહોંચી ગયા. ત્યાં આદિત્ય પહેલેથી જ તેજસની રાહ જોઈને ઉભો છે.

તેજસએ ગાડી આદિત્યની પીઠ પાછળ ઉભી રાખી. જેથી કરીને એ ભૂમિજાને જોઈ ના શકે. ગાડીમાંથી બહાર નીકળી ગ્રંથ અને તેજસ બંને આદિત્યની સામે આવ્યા. ગઈ કાલ રાત્રે ગ્રંથે જે કંઈપણ કહ્યું હતું એ બધું આદિત્યને યાદ જ હતું. એટલે એણે ગ્રંથનું આવવુ ના ગમ્યું હોય એમ પોતાનું મ્હો મચકોડ્યું.

"બોલ તેજસ!! શું કામ પડ્યું મારું??" આદિત્યએ ગ્રંથને ઇગ્નોર કરતા તેજસને પૂછ્યું.

"મારે નહી ગ્રંથને કામ છે!!" તેજસએ ગ્રંથ બાજુ જોતા જવાબ આપ્યો.

"મારે એની સાથે કોઈ વાત નથી કરવી. એક છોકરી માટે જે વ્યક્તિ વર્ષો જૂની મિત્રતા તોડી નાખે એવા લોકો સાથે હું વાત નથી કરતો." આદિત્યએ એકદમ એટિટ્યુડ બતાવતા કહ્યું.

"ઊંધું બોલવાની જરૂર નથી આદિ. હું બસ ખાલી તને એટલું જ કહેવા આવ્યો છું કે ભૂમિજાથી દુર રહે. ગઈ કાલે રાત્રે પણ મે તને સમજાવ્યો હતો. અને આજે પણ સમજાવું જ છું. ભૂમિજા તારો ભૂતકાળ હતા. પરંતુ મારો વર્તમાન તથા ભવિષ્ય છે. તો મહેરબાની કરીને એમનો પીછો કરવાનું છોડી દે." ગ્રંથે બહુ જ શાંતિથી આજીજીના સૂરમાં કહ્યું.

"ભગવાને પણ શું જોડી બનાવી છે ને તેજસ." તેજસ તરફ જોતા આદિત્યએ ગ્રંથને ઉદ્દેશીને "એક સમાજદ્રોહી અને બીજી ચરિત્રહીન!!" હસતા હસતા કહ્યું.

"બસ આદી!! હવે તું તારી મર્યાદાને વટાવી રહ્યો છું." ગ્રંથને આદિત્યની વાત સાંભળીને ગુસ્સો તો આવ્યો પરંતુ તેમ છતાં પણ એણે પોતાનો ગુસ્સો કંટ્રોલ કરતા કહ્યું.

"તારા ગુસ્સે થવાથી હકીકત બદલાઈ નહી જાય. તું સમાજદ્રોહી હતો, છું અને હંમેશા રહીશ. અને રહી વાત ભૂમિજાની!! તો મને કોઈ શોખ નથી એનો ચેહરો પણ જોવાનો." આદિત્ય પણ ગુસ્સામાં જ બોલ્યો.

પોતાને ચરિત્રહીન કહી એ વાત તો ભૂમિજાએ સહન કરી લીધી. પણ આદિત્યએ ગ્રંથને સમાજદ્રોહી કહ્યો એ વાત એનાથી સહન ના થતા ભૂમિજા ગાડીની બહાર આવી. અને એ ત્રણેય પાસે ગઈ. એણે આદિત્યનો ખભો પકડીને એને પોતાની તરફ કર્યો અને એક "સટ્ટાક!!" કરતો તમાચો એના ગાલ પર ચોડી દીધો.

આમ અચાનક જ આવીને ભૂમિજાએ આદિત્યને થપ્પડ મારી એટલે માત્ર આદિત્ય જ નહી પરંતુ એની સાથે સાથે ગ્રંથ અને તેજસ પણ અવાચક થઈ ગયા. એ ત્રણમાંથી કોઈ કશું બોલે એ પહેલા જ ભૂમિજાએ આદિત્યના શર્ટનો કોલર પકડીને એણે જાણે ધમકી આપતી હોય એમ "મ્હો સંભાળીને બોલ. તું જાણે પણ છે ખરો કે ગ્રંથે કેમ સાવજનો સાથ છોડ્યો!! નથી જાણતોને!! તો પછી મુંગો મર. અને બીજી એક વાત!! આજ પછી તે ગ્રંથનું જરાક પણ અપમાન કર્યું છે ને તો તારા માટે મારાથી ખરાબ કોઈ જ થાય!!" બોલી.

ભૂમિજા આમ આદિત્યને તુકારાથી બોલાવા લાગી એ સાંભળીને આદિત્યને ધક્કો લાગ્યો. હજુ ગઇકાલ સુધી પોતાને માન સાથે બોલાવતી છોકરી આમ અચાનક તું તારી કરીને બોલાવતા જોઈ આદિત્ય અવાચક થઈ ગયો. એણે શું બોલવું અને શું ન બોલવું એનું કઈ ભાન જ ના રહ્યું.

આદિત્ય ભૂમિજાને કઈ કહે કે અપમાન કરે એ પહેલા જ ગ્રંથે એનો હાથ પકડીને પોતાની પાછળ કરી એ પોતે આદિત્યની સામે આવી ગયો. અને બોલ્યો, "ભૂમિજાએ તો એક થપ્પડ જ મારી છે તને. પણ જો હવે તું મને એમની આસપાસ પણ દેખાયોને તો હું તે જે કંઈ પણ ભૂમિજાની સાથે કર્યું છે, પ્રેમના નામ પર એમની સાથે જે ગેમ રમી છે. એ બધું જ સાવજને જણાવી દઈશ. અને તું સારી રીતે જાણે છે કે જ્યારે સાવજને તારા વિશે બધી સચ્ચાઈની ખબર પડશે ત્યારે એ તારી શું હાલત કરશે!!

હજુ પણ સમય છે આદી. સુધરી જા. નહિતર સારું નહિ રહે કઈ તારા જીવનમાં!! ભૂમિજાના ચરિત્ર પર કાદવ ઉછાળવામાં તું એટલો બધો વ્યસ્ત અને આંધળો થઈ ગયો છું ને કે તને તારા ચરિત્ર પર પડેલા એ કાદવના ડાઘ ધબ્બા દેખાતા નથી. પણ જો હું એ ડાઘ ધબ્બા સાવજને બતાવી દઈશ ને તો એ તારી હાલત ખરાબ કરી નાખશે. અને સાથે સાથે સાવજ ટીમમાંથી પણ બહાર કરી દેશે તને."

આટ આટલું સમજાવ્યા પછી પણ આદિત્ય તો જાણે કઈ સમજવા જ તૈયાર ન હોય એમ "તું તારું જો. મારે કોઈ સમાજદ્રોહી પાસેથી શિખામણ લેવાની જરૂર નથી કે મારે શું કરવું અને શું ન કરવું!! અને જેના માટે થઇને તું મને, તારા મિત્રને ધમકી આપી રહ્યો છું ને એ ચરિત્રહીન છોકરી જ એક દિવસ તારી બરબાદીનું કારણ બનશે. લખવું હોય ને તો લખી રાખ." એમ બોલવા લાગ્યો.

હવે તો ગ્રંથથી સહન ન થતાં એણે પણ આદિત્યને એક તમાચો મારી દીધો. અને બોલ્યો, "જેને તું ચરિત્રહીન કહી રહ્યો છે ને એ ભૂમિજા પટેલ નથી, પરંતુ આજથી, આ ક્ષણથી જ ભૂમિજા ગ્રંથ રાદડિયા છે. તો હવે એના વિરુધ્ધ કઈ પણ બોલતા પહેલા એક વાર નહી પણ હજાર વાર વિચારજે. અને હા!! બીજી એક વાત યાદ રાખજે કે જ્યારે તું સાવજ ટીમમાંથી બહાર થઈ જઈશ ત્યારે આ વાત સાવજ ટીમના દરેક સભ્ય તથા તારા પરિવારને પણ ખબર પડશે જ!! અને તારી હકીકત જાણ્યા પછી કોઈ પણની નજરમાં તને તારા માટે રત્તિભર પણ સન્માન જોવા નહી મળે "

એક પછી એક એમ બે થપ્પડ પડ્યા એટલે આદિત્યના આત્મસન્માનને ઠેશ પહોંચી. એનાથી આ અપમાન બરદાસ્ત ના થતા એ ગ્રંથને મારવા માટે આગળ વધ્યો. પરંતુ આદિત્ય ગ્રંથને કઈ નુકશાન પહોંચાડે એ પહેલા જ ભૂમિજાએ ગ્રંથને એનો હાથ પકડીને પાછો ખેંચી લીધો. આમ અચાનક આદિત્યએ ગ્રંથ પર હુમલો કર્યો એટલે ક્યારનો શાંત ઊભો રહીને બધુ સાંભળી રહેલા તેજસએ આદિત્યને પકડ્યો. અને ભૂમિજાને ગ્રંથને લઈ ગાડીમાં બેસવા કહ્યું.

તેજસના કહેવાથી ભૂમિજા ગ્રંથને લઈ ગાડીમાં બેસી ગઈ. એ બંનેના ગયા પછી તેજસ બહુ જ શાંતિથી આદિત્યને સમજાવવા લાગ્યો. "જો આદી!! જે કંઈ પણ થયું એ બધુ ભૂલી જા. અને ભૂમિજાનો પીછો કરવાનું છોડી દે. એ ગ્રંથ સાથે નવી લાઇફ શરુ કરવા જઈ રહી છે. તો તું પણ એણે ભૂલીને જીવનમાં આગળ વધ. અને એમ પણ તને એ ક્યાં પસંદ જ હતી!! તું તો પહેલેથી જ એણે નાપસંદ કરતો હતો ને!! તો પછી હવે શું કામ એની પાછળ પડ્યો છે?? એક મિત્ર હોવાના નાતે કહું છું તને, ભૂમિજા એના જીવનમાં ખુશ છે. તો એણે એનાં જીવનમાં હેપ્પી રેહવા દે."

આટલું કહી તેજસ પણ ગાડીમાં બેસી ગયો. અને એના આવતાની સાથે જ ગ્રંથે ગાડી હંકારી મૂકી. આદિત્ય એ લોકોને ગાડીમાં જતા જોઈ રહ્યો. અને અચાનક જ ખબર નહી કેમ પણ મોટે મોટેથી હસવા લાગ્યો. જમવા માટે રેસ્ટોરન્ટ પહોંચ્યા ત્યાં સુધી ત્રણમાંથી એક પણ કંઈ જ ના બોલ્યું.

"મને નથી જમવું!!" ભૂમિજાએ જમવા માટે ના પાડી.

"જે વ્યક્તિએ ક્યારેય તમારા વિશે વિચાર્યું જ નથી એના વિશે થઇને તમે જમવાની ના પાડો છો!! કેમ ભૂમિજા??" ગ્રંથે એણે ના જમવા માટે કારણ પૂછ્યું.

"એવું કઈ નથી. મને ખરેખર નથી જમવું!! તમે બંને જમી લો." ભૂમિજાએ નીચી નજરે જ કહ્યું.

ગ્રંથથી ભૂમિજાની આ ઉદાસી સહન નહોતી થતી. એટલે એણે ભૂમિજાનો ચહેરો પોતાના હાથ વડે ઊંચો કર્યો. અને બોલ્યો, "look at me ભૂમિજા!! જે કંઈ પણ થયું એણે ભૂલી જાવ. અને જીવનની નવી શરૂઆત કરો. ગઈ કાલે પણ મે તમને કહ્યું હતું અને આજે પણ ફરી એક વખત કહી રહ્યો છું. જીવનસાથી બનીએ કે ના બનીએ, પણ મિત્ર બનીને હંમેશા સાથે રહીશું. પરિસ્થિતિ કોઈ પણ હોય, હું તમારી સાથે હતો, છું અને હંમેશા રહીશ."

ગ્રંથ જે રીતે એણે સમજી રહ્યો હતો એ ભૂમિજાને ગમ્યું. પણ એની પાસે બોલવા માટે કઈ હતું નહી એટલે એ મૌન જ રહી. કારણકે એણે લાગતું હતું કે આદિત્યએ જે રીતે ગ્રંથનું અપમાન કર્યું એ માટે ક્યાંક ને ક્યાંક પોતે જ જવાબદાર છે. અને એટલે જ એ ગ્રંથ સાથે નજર મલાવી નહોતી શકતી.

ગ્રંથની સાંત્વના પછી પણ ભૂમિજા ચૂપ જ રહી એ જોઈ તેજસએ વાતાવરણને હળવું કરવા "ઓ ફુગ્ગા!! તું આમ ફૂલેલી નથી સારી લાગતી. જરાક હસને!!" કહ્યું.

તેજસની ટીખળ પછી ભૂમિજાએ સ્માઈલ કરી એટલે ગ્રંથને પણ લાગ્યું કે હવે વાંધો નહીં આવે. એટલે એણે ભૂમિજાને માત્ર "તમે આમ હસતા જ સારા લાગો છો." કહ્યું. અને જમવા માટે ઓર્ડર આપ્યો.

જમી રહ્યા બાદ ભૂમિજાએ હોટેલ જવા કહ્યું. એટલે ગ્રંથ અને તેજસ બંને એણે હોટેલ મૂકી આવ્યા. અને પછી જૂનાગઢ જવા નીકળી ગયા.

આદિત્યનું ટેન્શન તો પતી ગયું પણ હજુ ઘરે જઈને મમ્મી પપ્પાવાળું ટેન્શન બાકી રહ્યું છે એ વિચારે ગ્રંથના મનમાં મહાભારતનું યુધ્ધ ચાલુ થઈ ગયું હોય છે. એક કલાકમાં જૂનાગઢ પહોંચી ગયા બાદ ગ્રંથે તેજસને એના ઘરે ડ્રોપ કર્યો. અને પોતે એના ઘરે ગયો. ઘરે એના મમ્મી પપ્પા એની રાહ જોઈને જ બેઠા હોય છે.

ગરિમા બહેન અને ગૌરાંગ ભાઈ કઈ કહે એ પેહલા ગ્રંથે જ એના મમ્મી પપ્પા ને "હું એક છોકરીને પસંદ કરું છું. અને જો તમે હા પાડો તો એની સાથે લગ્ન પણ કરવા માંગુ છું." કહી બોમ્બ ફોડ્યો.

પોતાનો દીકરો આમ અચાનક જ એમને પોતાના લગ્ન વિશે કહેશે એ તો ગરિમા બહેન કે ગૌરાંગ ભાઈ બેમાંથી એક પણને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો. એટલે ગૌરાંગ ભાઈએ જ "કોણ છે એ છોકરી??" પૂછ્યું.

"તમે એણે ઓળખો જ છો. અને મને વિશ્વાસ છે કે તમને પણ એ છોકરી ગમશે જ!!" ગ્રંથે કહ્યું.

"અમે પણ તારા માટે એક છોકરી પસંદ કરી છે. અને તું એણે સારી રીતે જાણે છે." ગરિમા બહેને ગ્રંથ કઈ વધારે જણાવે પોતાની પસંદ વિશે એ પહેલા જ પોતાની પસંદ એની સામે મૂકી.

"કોણ છે એ?? જો હું પહેલા જ કહી દઉં છું કે લગ્ન તો હું મારી પસંદની છોકરી સાથે જ કરીશ." ગ્રંથે પોતાની મક્કમતા દાખવતા કહ્યું.

"ઠીક છે. અમે એ છોકરીને મળીશું. પરંતુ તું પણ અમે પસંદ કરેલી છોકરીને એક વાર મળી લે. અમને પણ વિશ્વાસ છે કે તું એ છોકરીને મળ્યા પછી ના નહી જ પાડે એની સાથે લગ્ન કરવા માટે!!" ગરિમા બહેને પણ મક્કમતાથી કહ્યું.

"ઓકે. હું તૈયાર છું એ છોકરીને મળવા માટે!! પણ પહેલા તમે લોકો મને એનો ફોટો તો બતાવો!!" ગ્રંથે એના મમ્મી પપ્પાની સાથે સહમત થતા કહ્યું.

"આ લે. તું જાતે જ જોઈ લે." ગૌરાંગ ભાઈએ ગરિમા બહેનનો મોબાઈલ ગ્રંથ તરફ ધરતા કહ્યું.

ફોટો જોતા જ ગ્રંથે "મમ્મી આ છોકરી!! જો તમને આ છોકરી પસંદ છે તો તમે મને પહેલા કેમ ના જણાવ્યું?? કઈ વાંધો નહિ. હું તૈયાર છું આ છોકરી સાથે લગ્ન કરવા માટે." કહ્યું.

(( કોણ છે એ છોકરી જેને ગરિમા બહેન અને ગૌરાંગ ભાઈએ પસંદ કરી છે?? અને ગ્રંથ કેવી રીતે માની ગયો કોઈ અન્ય છોકરી સાથે લગ્ન કરવા માટે?? હવે ભૂમિજાનું શું થશે?? આવા અગણિત સવાલોના જવાબ મેળવવા માટે થઇને વાંચતા રહો "સંબંધોની માયાજાળ" ))


(( Bhumija ))