sundary chapter 45 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૪૫

પિસ્તાળીસ

“હેલ્લો કિશન અંકલ, સુંદરી.” કિશનરાજે સુંદરીનો કોલ રીસીવ કરતાં જ સુંદરીએ કહ્યું.

“હા બોલ બેટા. બધું ઠીક છે ને?” કિશનરાજે જરા ચિંતાતુર સ્વરમાં જવાબ આપ્યો.

“હા, હા અંકલ બધું જ ઠીક છે અને હવે વધારે ઠીક થવાનું છે અને એટલેજ તમને અત્યારે કોલ કરીને હેરાન કર્યા.” સુંદરીના અવાજમાં આત્મવિશ્વાસ છલકાતો હતો.

“અરે વાહ! બોલ દીકરા શું હતું?” કિશનરાજને પણ જાણવાની તાલાવેલી થઇ.

“અત્યારે મારા શ્યામભાઈ સાથે હું ઉભી છું, મેં એમને સમજાવી દીધું છે કે જે લાઈફ એ અત્યારે જીવી રહ્યા છે એનો કોઈજ અંત નથી, ન તો સુખદ ન તો દુઃખદ. એ મારી વાત સમજી ગયા છે અને અત્યારેજ સરેન્ડર કરવા માંગે છે. તો અમે તમને મળવા ક્યાં આવીએ?” સુંદરીએ કિશનરાજને બધી જ વાત કરી.

“આ તો બહુ સરસ સમાચાર તેં આપ્યા. ચોક્કસ જો એને સરેન્ડર કરવું છે તો પછી તેં મને જરાય હેરાન નથી કર્યો દીકરા. અત્યારે તમે લોકો ક્યાં છો?” કિશનરાજે ખુશ થઈને સુંદરીને પ્રશ્ન કર્યો.

“અમે યુનિવર્સીટી કેમ્પસમાં છીએ અંકલ.” સુંદરીએ પોતાનું ઠેકાણું જણાવ્યું.

“તો એક કામ કરો તમે નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચો, હું નારણપુરા જ છું અને મારે ત્યાં આવવાનું જ છે. તમે બંને ત્યાં પહોંચો એટલે આપણે બધી વિધિ પતાવીએ. પણ બેટા, શામભાઈનો નિર્ણય હું આવું ત્યાં સુધી ન બદલાય તેની જવાબદારી તારી. તું સમજદાર છે એની મને ખબર છે એટલે મારે આ બાબતે વધુ કશું કહેવું નથી.” કિશનરાજે સુંદરીને ભયસ્થાન બતાવતાં કહ્યું.

“એની તમે જરાય ચિંતા ન કરો અંકલ. એમ તો મારા શ્યામભાઈ મનના બહુ મજબુત છે અને પોતાના વચનના પાક્કા છે, એ એમની એકની એક અને લાડકી નાની બેનને હવે વધુ દુઃખી નહીં કરે.” સુંદરીએ શ્યામ સામે સૂચક નજરે જોઇને ફોનમાં કિશનરાજને કહ્યું.

શ્યામ પણ સુંદરીની વાતનો ભાવાર્થ સમજી ગયો અને તેણે હકારમાં પોતાનું માથું હલાવ્યું. શ્યામના ચહેરા પર સ્મિત હતું.

“તો ઠીક છે તમે નવરંગપુરા પોલીસ સ્ટેશન પહોંચો. તમને આઈ થીંક દસેક મિનીટ લાગશે, હું પણ પહોંચવા જ આવ્યો છું. તો મળ્યા.” આટલું કહીને કિશનરાજે કૉલ કટ કરી દીધો.

“આપણે નવરંગપુરા પોલીસ સ્ટેશને જવાનું છે, કિશન અંકલ ત્યાં પહોંચે જ છે.” સુંદરીએ શ્યામને ઉદ્દેશીને કહ્યું.

“કેવી રીતે જઈશું?” શ્યામ ગૂંચવાયેલો લાગતો હતો.

“કેમ? આપણા વેહિકલ્સ પર.” સુંદરીએ કહ્યું.

“ના, આપણે મારા બાઈક પર જઈએ, તું તારું વેહિકલ અહીં જ પાર્ક કરી દે, યુનિવર્સીટીના પાર્કિંગમાં.” શ્યામે સુંદરીને સૂચન આપતાં કહ્યું.

“કેમ?” સુંદરીને શ્યામનું સૂચન સમજમાં ન આવ્યું.

“કારણકે મારી બાઈક ચોરી કરેલી છે, એટલે સરેન્ડર કરવાની સાથે હું તેને જમા કરાવી દઈશ.” શ્યામે ખુલાસો કરતાં કહ્યું.

“ઠીક છે.” સુંદરીએ સ્મિત સાથે શ્યામને જવાબ આપ્યો.

સુંદરી અને શ્યામ બંને ગુજરાત યુનિવર્સીટીના પાર્કિંગમાં ગયા અને સુંદરીએ પોતાનું વેહિકલ ત્યાં પાર્ક કર્યું. ત્યારબાદ સુંદરી શ્યામની પાછળ એની બાઈક પર બેઠી અને બંને લગભગ દસેક મિનીટ બાદ નવરંગપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા. શ્યામે પોતાનું બાઈક ત્યાં પાર્ક કર્યું અને બંને સ્ટેશનની અંદર ગયા.

“કમિશનર સાહેબ આવી ગયા? અમારે એમને મળવું છે.” સામે ઉભેલા એક હવાલદારને સુંદરીએ પૂછ્યું.

“તમારું નામ?” હવાલદારે નમ્રતાપૂર્વક પૂછ્યું.

“સુંદરી, સુંદરી શેલત.” સુંદરીએ જવાબ આપતાં કહ્યું.

“અહીં ઉભા રહો હું સાહેબને પૂછીને આવું.” કહીને હવાલદાર અંદર ગયો.

“ભાઈ, ગુસ્સા પર કાબુ રાખજો, કિશન અંકલ જે પૂછે એનો સીધો જવાબ આપજો. પ્લીઝ.” સુંદરીએ પોતાના બંને હાથ જોડીને વિનંતીના સૂરમાં કહ્યું.

“હું તને નિરાશ નહીં થવા દઉં સુના. હવે તો જેવા પડશે એવા દેવાશે. મારે પણ હવે નવી જિંદગી જીવવી છે.” શ્યામે સુંદરીના બંને હાથ પકડીને એને ખાતરી આપતાં કહ્યું.

સુંદરીની બંને આંખો ભીની થઇ ગઈ... અને શ્યામની પણ...

“તમને બંનેને અંદર બોલાવે છે.” હવાલદારે આવીને સુંદરીને કહ્યું.

જવાબમાં સુંદરીએ ડોકું હલાવ્યું અને શ્યામનો હાથ પકડીને પોલીસ સ્ટેશન ઇન્ચાર્જની કેબીનમાં જેની તરફ હવાલદારે ઈશારો કર્યો હતો તેમાં પ્રવેશી ગઈ.

“અંકલ મારો ભાઈ શ્યામ. એને સરેન્ડર કરવું છે.” સુંદરીએ કેબીનમાં પ્રવેશવાની સાથે જ કહ્યું.

“આવો શ્યામ. બેસો.” કિશનરાજે શ્યામને ઉદ્દેશીને બંનેને સામે રાખેલી ખુરશીઓ પર બેસવાનું કહ્યું.

સુંદરી અને શ્યામ બંને કિશનરાજના કહેવા અનુસાર ખુરશીઓ પર બેઠાં અને શ્યામ ખાસકરીને ધડકતા હ્રદયે બેઠો. કિશનરાજ પોતાની સામે રહેલા ટેબલ પરના કમ્પ્યુટર સ્ક્રિન પર જોઈ રહ્યા હતા અને માઉસનો સતત ઉપયોગ કરી રહ્યા હતા. કિશનરાજ લગભગ ત્રણથી ચાર મિનીટ આ પ્રક્રિયા કરતા રહ્યા.

“હમમ... શ્યામ અત્યારે તારો આખો રેકોર્ડ હું ચેક કરી રહ્યો હતો. તારા સદનસીબે કે પછી સુંદરીના એક બહેનના ભાઈ પ્રત્યેના અખૂટ પ્રેમને કારણે જામનગરથી તડીપાર થયા બાદ તારા નામે કોઈ ખાસ મોટા ગુના નથી નોંધાયા. હા જુના એક-બે કેસ છે જેમાં તારા પર અત્યારે પણ કોર્ટમાં કામ ચાલી રહ્યું છે પણ એ નાની મોટી ચોરીના કે પછી ધાકધમકીના છે. તે સુંદરીનો અને મારી દીકરીનો પીછો કર્યો એ પણ એક ગુનો જ છે.

સુંદરી તને અહીં સરેન્ડર કરાવવા લઇ આવી છે એટલે એ તો તારા વિરુદ્ધ કોઈ ફરિયાદ નહીં જ કરે એની મને ખાતરી છે, અને મારી દીકરી વતી હું તને ખાતરી આપું છું કે એ પણ તારા વિરુદ્ધ આ ગુનાની ફરિયાદ નહીં કરે કારણકે જો તારે સુધરવું છે તો એક જવાબદાર પોલીસ ઓફિસર તરીકે મારી પણ સામાજીક ફરજ છે કે હું મારી કેટલીક અંગત તકલીફોને ભૂલી જાઉં અને તને વિશ્વાસ અપાવું કે સારી દુનિયામાં સારા લોકો હજી પણ જીવે છે એટલે તું એ દુનિયામાં પરત આવ વગર કોઈ ડર રાખે.

તારા જુના કેસને જોતા તને લગભગ પાંચેક વર્ષની સજા થઇ શકે છે. હું મારાથી બનતા તમામ પ્રયાસો કરીશ કે તને ઓછામાં ઓછી સજા થાય કારણકે તે સરેન્ડર કર્યું છે. પણ આ ઓછામાં ઓછી સજા બે અઢી વર્ષથી ઓછી તો નહીં જ હોય એવું મને લાગે છે. સુંદરી મને અંકલ કહે છે એટલે મારી અંકલ તરીકેની ફરજને ધ્યાનમાં લઈને એને બહુ જલ્દીથી મારા એક વકીલ મિત્રનો હું સંપર્ક કરાવી આપીશ એટલે એ પણ તને થનારી સજા બને તેટલી ઓછી કરી આપવા કોર્ટને સમજાવશે.

તને કેટલી પણ સજા મળે તેના વિરુદ્ધ સરકાર ઉપલી કોર્ટમાં ન જાય એનું ધ્યાન મારે રાખવાનું છે. ઓલ ઇન ઓલ તારા માટે આ વિન વિન પોઝીશન છે. ફક્ત એટલા માટે કારણકે તારે હ્રદયથી સુધરવું છે અને એટલેજ તને આટલી મોટી તક આપવામાં આવી રહી છે. આઈ હોપ કે તું સમજી રહ્યો છે હું જે કહી રહ્યો છું.” કિશનરાજે લંબાણપૂર્વક શ્યામને સમજાવતાં કહ્યું.

“ચોક્કસ સર. મારી બહેન મારી મજબૂતાઈ છે અને એ મને પાછી મળી ગઈ છે. વર્ષો પહેલાં ઘર છોડવું એ મારી ભૂલ હતી એ તો મને તરતજ ખબર પડી ગઈ હતી, પણ એક પછી એક સંજોગો એવા ઉભા થતા ગયા કે મને આ દુનિયામાં પરત આવવાની તક જ ન મળી, જો મળી હશે તો એ સમયે તેને હું કદાચ ઓળખી શક્યો નહીં. તમે અને સુંદરી, બંને ચિંતા ન કરતાં. મને જેટલી પણ સજા થશે એને હું મારા કરેલા પાપોનું પ્રાયશ્ચિત ગણીને એને સ્વીકારીશ અને તેને હસતાં મોઢે સ્વીકારીશ.” શ્યામે કિશનરાજ અને સુંદરી બંનેને ખાતરી આપતા કહ્યું.

“બહુ સરસ. તો આપણે થોડું પેપરવર્ક કરી લઈએ? સુંદરી તમારે જો ઘરે જવું હોય તો તમે જઈ શકો છો. આજ પછી શ્યામને તમે ફરી ક્યાં અને ક્યારે મળી શકશો એ હું તમને કૉલ કરીને કહી દઈશ.” કિશનરાજે સુંદરીને કહ્યું.

“ઓકે અંકલ. ભાઈ... હું જાઉં?” સુંદરીએ પોતાની બાજુમાં જ બેસેલા શ્યામનો જમણો હાથ પકડીને કહ્યું.

“હા, ચોક્કસ જા અને મારી જરાય ચિંતા ન કરતી. હવે તો આપણે જેલમાં દર અઠવાડિયે મળવાનું થશેજ, ભલે થોડી મિનિટો માટે પણ આટલા વર્ષ કરતાં તો વધુ જ મળીશું.” આટલું કહીને શ્યામ ઉભો થયો.

સુંદરી પણ ઉભી થઇ. બંને ભાઈ બહેન એકબીજાને ભેટ્યાં. આ વખતે બંનેમાંથી કોઇપણ રડ્યું નહી અને કોઈની પણ આંખ ભીની ન થઇ. કિશનરાજ પોતાની ખુરશી પર બેઠાંબેઠાં આ દ્રશ્ય જોઈ રહ્યા હતા અને તેમના ચહેરા પર આનંદ હતો.

“સર, તે દિવસે જામનગરમાં તમને ધમકી આપવા બદલ અને તમારી દીકરીને માનસિક ત્રાસ આપવા બદલ હું તમારી માફી માંગુ છું.” આટલું કહીને શ્યામ કિશનરાજ તરફ ગયો અને નીચે ઝૂકીને તેમના પગ પકડી લીધા.

“અરે... અરે... હવે એ બધું ભૂલી જવાનું અને સુંદરી, તારી બેન મને અંકલ કહે છે, આજથી હું તારો પણ અંકલ છું. જલ્દીથી સજા પૂરી કર પછી આપણે મારે ઘેર જોડે લંચ કરીશું, ભલે હું અમદાવાદમાં હોઉં કે ન હોઉં.” કિશનરાજે તરતજ નીચાં વળીને શ્યામના ખભા પકડીને તેને ઉભો કર્યો અને તેને ગળે વળગાડી દીધો.

“હું નીકળું છું ભાઈ, આવજો.” સુંદરીએ હવે વધુ રોકાયા વગર ત્યાંથી નીકળી જવાનું યોગ્ય માન્યું.

==::==

“વળી આજે રવિવારે દોઢ વગાડ્યો એમને?” સુંદરીના ઘરે પહોંચતાની સાથેજ પ્રમોદરાયે આદતવશ તેને ટોણો મારીને સ્વાગત કર્યું.

“ભાઈ મળ્યા હતા એટલે વાર લાગી.” પ્રમોદરાય સાથે આંખ મેળવીને વાત કરવાને બદલે સુંદરી સીધીજ પોતાના રૂમ તરફ જતા દાદરા તરફ ડગ માંડવા લાગી.

“ભાઈ? કોણ ભાઈ?” પ્રમોદરાય જોરથી બોલ્યા.

“આ દુનિયામાં મારો એક જ ભાઈ છે.” સુંદરી બે સેકન્ડ ઉભી રહી અને પ્રમોદરાય તરફ તીખી નજરે જોયું.

“એટલે શ્યામ?” સુંદરીનો ઈશારો સમજી જતાં પ્રમોદરાયની આંખો પહોળી થઇ ગઈ અને તેમનો ચહેરો ગુસ્સામાં લાલઘૂમ થવા લાગ્યો.

==:: પ્રકરણ ૪૫ સમાપ્ત ::==