Wolf Dairies - 48 in Gujarati Fiction Stories by Mansi Vaghela books and stories PDF | વુલ્ફ ડાયરીઝ - 48

Featured Books
Categories
Share

વુલ્ફ ડાયરીઝ - 48


“મને અહી કેમ પકડીને રાખી છે?” ગુસ્સામાં કિમએ તેનાથી મોઢું ફેરવતા કહ્યું.

“તારું નામ શું છે બેટા?” કિમની પાસે જઈને રોહનએ શાંતિથી પૂછ્યું.

“હું કેમ એ માણસને મારું નામ કહું જેને મને બાંધી રાખી છે?” તેની સામે જોયા વગર જ કિમએ કહ્યું.

“એના હાથ ખોલી દે.” કરન સામે જોઇને રોહનએ હુકમ કર્યો.

“પણ બોસ એ..” કરન દલીલ કરવા જઈ રહ્યો હતો પણ રોહનએ પોતાની લાલ આંખો બતાવી એટલે કરન આગળ કઈ બોલી શક્યો નહી.

કિમના હાથ ખોલીને રોહન તેને બહાર બીજા એક મોટા રૂમમાં લઈને આવ્યો.

જેમાં અજવાળું હતું. અને તે સજાવેલો પણ હતો.

“તું થાકી ગઈ હોઈશ. આરામ કર.” તેને બેસાડતા રોહનએ પ્રેમથી કહ્યું.

“હું ઠીક છું. શું આપણે આ પહેલા ક્યારેય મળ્યા છીએ?” કંઇક અજીબ લાગતા કિમએ પૂછ્યું.

“સવાલો તો મારી પાસે પણ બહુ બધા છે. પણ અત્યારે એનો સમય નથી આવ્યો. અને એ જવાબ ના મળે ત્યાં સુધી તું અહી જ રહીશ. ભાગવાની કોશિશ ના કરતી. કેમકે હું તને દુનિયાના કોઈ પણ ખૂણેથી શોધી શકું છું.” તેની આંખોનો રંગ લાલમાંથી સોનેરી થઇ ગયો.

કિમ સમજી ગઈ હતી કે તે એક વેમ્પાયર છે. એટલે તેને ખાલી માથું હલાવી હા કહ્યું.

“શું કરું? કઈ રીતે અહીંથી બહાર નીકળું? જો હું પ્રયત્ન કરું તો ભાગી શકું છું. પણ પછી પપ્પાનું શું? મને તો એ પણ નથી ખબર કે આ લોકોએ તેમને ક્યાં રાખ્યાં છે. આટલા બધા વેમ્પાયર સામે હું એકલી લડી ના શકું.” કિમ એકલી બેઠી બેઠી વિચારી રહી હતી.

“ના કિમ.. ઉતાવળ ના કરીશ. રોમી, સેમ બધા જ મને બચવા આવશે જ. એ બધા મને શોધતા જ હશે. એ બધા આવશે એટલે આ વેમ્પાયરને હરાવવા સહેલા થઇ જશે. ત્યાં સુધી મારે કોઈ બેવકૂફી ના કરવી જોઈએ.” કિમ પોતાની સાથે જ વાત કરી રહી હતી.

“શું હું અંદર આવી શકું?” બહારથી અવાજ આવતા કિમ વિચારોમાંથી બહાર આવી.

“હા.” રોહનને રૂમમાં દાખલ થતા જોઈ કિમને આશ્ચર્ય થયું.

“મારે તારી સાથે કંઇક વાત કરવી છે.” તેને શાંતિથી કહ્યું.

“ખબર નહિ કેમ આ માણસમાં મને કંઇક અલગ જ વસ્તુ દેખાઈ રહી છે. હું ઈચ્છું તો પણ એને નફરત નથી કરી શકતી. એવું તો શું છે આ બધા..” કિમ વિચારોમાં ખોવાઈ ગઈ.

“તું ઠીક તો છે ને?” કિમ સામે જોઈ તેણે પૂછ્યું.

“હા. બોલો શું વાત કરવી છે?” સોફા પર બેસતા કિમએ કહ્યું.

“તારું નામ શું છે?” કિમ સામે બેસીને તેણે પૂછ્યું. તેને પોતાને પણ નહોતું સમજાઈ રહ્યું કે શું વાત કરવી.

“એક વેમ્પાયરને મારા વિશે જાણીને શું કરવું છે?” મનમાં ચાલી રહેલો સવાલ કિમએ પૂછી જ કાઢ્યો.

“આ મારા સવાલનો જવાબ નથી.” હસતા તેણે કહ્યું.

“ક્રિયા ભાગવત.. પણ મને બધા કિમ જ કહે છે.” કિમએ જવાબ આપ્યો.

“ભાગવત..! તારા મા બાપ કોણ છે?” હસીને તેણે પૂછ્યું.

“એ હું તમને કેમ જણાવુ?” તેને આમ હસતા જોઈ અકળાઈને કિમએ કહ્યું.

“તને તારા માતા પિતાનું નામ કહેવામાં વળી શું વાંધો હોઈ શકે છે? શું તને એમની શક્તિઓ પર વિશ્વાસ નથી?” રોહનએ તેની સામે લુચ્ચું હસીને જોયું.

“મારા મા બાપ અને બધા જ દોસ્ત જો ભેગા થઇ ગયા ને તો તને એ બધા છોડશે નહિ.” ગર્વ લેતા કિમએ કહ્યું.

“જેને પોતાની સાચી ઓળખાણ નથી ખબર.. એને આમ બીજાની શક્તિઓ પર ઘમંડ ના કરવો જોઈએ.” ઉભા થતા રોહનએ કહ્યું.

“તમે કહેવા શું માંગો છો? હું ક્રિયા છું. પ્રિયા ભાગવત અને ક્રિસ ભાગવત મારા માતા પિતા છે. આ મારી ઓળખાણ છે.” ગુસ્સામાં કિમએ કહ્યું.

“સાચે જ?” તેને કિમને ચીડવતા તેની સામે જોયું. કિમની આંખો ગુસ્સામાં ગુલાબી થઇ ગઈ હતી. એની પાસે પણ શક્તિઓ છે તે સમજતા રોહનને વાર લાગી નહિ.

“મને ખબર છે. તમે મને ગુમરાહ કરવા માંગો છો. પણ હું આવી કોઈ જાળમાં ફસાવાની નથી.” તેના તરફ જોયા વગર કિમએ કહ્યું.

“તું સાચે જ મુર્ખ છે. જરા એક વસ્તુ વિચાર.. પ્રિયા અને ક્રિસ બંને જ વુલ્ફ છે. હને?” તેણે કહ્યું.

“હા છે. તો?” કિમએ મોઢું ફુલાવતા કહ્યું.

“તો પછી તું કઈ રીતે જાદુ કરી શકે છે? પંછી જાદુ કરી શકે છે એટલે એની દીકરી પાસે પણ આ શક્તિઓ છે. પણ તારી પાસે કઈ રીતે આવી?” હસીને તે ચાલવા લાગ્યો.

“તો શું એનો મતલબ એ છે કે હું એમની છોકરી નથી? તો પછી હું કોણ છું?” કિમની આંખથી આંસુ વહેવા લાગ્યા.

“સમય આવ્યે આપણે બંને એ જાણી જઈશું.” કહી તે ત્યાં થઈ બહાર નીકળી ગયો.

એક ઓરડામાં રોહન પ્રવેશ્યો. જ્યાં થોડી મીણબત્તીઓ લાગી રહી હતી.

“કઈ જાણવા મળ્યું?” ત્યાં ખૂણામાં બેસેલા એ વૃદ્ધ વ્યક્તિએ પૂછ્યું.

“ના. એની પાસે પણ શક્તિઓ છે. પણ તે ક્રિસ અને પ્રિયાની દીકરી છે.” પોતાનું દુઃખ છુપાવતા રોહનએ કહ્યું.

“તો પછી આપણે કાલે જ તૈયાર રહેવું પડશે. તારા માણસોને કહી દેજે કે એ ધ્યાન રાખે. એ છોકરીના સાથી તેને બચાવવા માટે જરૂર આવશે. જે ભૂલ ૨૫ વર્ષ પહેલા થઇ હતી તે હવે ના થવી જોઈએ.” તે વ્યક્તિએ કહ્યું.

“બધું તૈયાર જ છે. હવે ચંદ્રમણી હાસલ કરવાથી મને કોઈ રોકી શકે તેમ નથી.” રોહનએ પોતાની આંખો લાલ કરી.

બધા જ એકસાથે બેસીને વિચારી રહ્યા હતા કે હવે આગળ શું કરવું જોઈએ.

“કિમ... કિમ.. શું તું મને સાંભળી શકે છે?” સેમએ ધ્યાનમાં બેસતા કહ્યું.

“સેમ..” રડતા કિમએ તેને મનથી જવાબ આપ્યો.

“તું ઠીક તો છે?” સેમએ ગભરાતા પૂછ્યું.

“હા હું ઠીક છું.” ચુપ થતા કિમએ કહ્યું.

“અમે તને બચાવવા જલ્દી જ આવીએ છીએ. તું ગભરાતી નહિ. શું ક્રિસ અંકલ તારી સાથે છે?” સેમએ પૂછ્યું.

“પપ્પા અહી ક્યાંક જ છે. પણ તે ક્યાં છે તે મને નથી ખબર. અને તમે હમણાં ના આવશો. અહી બહુ જ બધા વેમ્પાયર છે. આ લોકો કાલે કંઇક કરવાના છે. હમણાં રાત છે, વેમ્પાયર રાતે વધારે શક્તિશાળી હોય છે. મારું ધ્યાન તૂટે છે.” કિમએ કહ્યું.

“કિમ.. કિમ..” સેમએ વાત કરવાનો પ્રયત્ન કર્યો, પણ સંપર્ક થઇ શક્યો નહિ.

“શું થયું?” સેમની આંખો ખુલતા રોમીએ પૂછ્યું.

“હા. કિમ ઠીક છે. કાલે સવારે એ કંઇક કરવાના છે. અને એ લોકોની સંખ્યા બહુ છે.” સેમએ કહ્યું. શક્તિ વાપરવાથી તેનું શરીર નબળું પડી ગયું હતું.

“તું ઠીક છે?” સેમને પકડતા શ્લોકએ કહ્યું.

સેમએ ખાલી માથું હલાવ્યું.

“અત્યારે રાતે તેમની શક્તિઓ વધી જતી હોય છે. આપણે કાલે સવારે જ ત્યાં જઈશું.” નાનીએ કહ્યું.

તેમની વાત સાથે બધા જ સહમત થયાં.

શક્તિઓ વાપરવાથી કિમનું શરીર પણ નબળું પડી ગયું હતું.

કિમને આખી રાત વિચારોમાં ઊંઘ જ ના આવી. ક્યારે સવાર પડી ગઈ તેની ખબર જ ના રહી.

“તો તું ઉઠી ગઈ છે?” રૂમમાં પ્રવેશતા તે વૃદ્ધએ કહ્યું.

“કોણ છો તમે?” પાછળ ફરી સાવધાન થતા કિમએ કહ્યું.

“અશક્ય.. તું તો..” તેની આંખો ખુલ્લી જ રહી ગઈ. તે કિમની નજીક આવી રહ્યો હતો.

“હું તો શું? મારાથી દુર રહેજે નહી તો..” કિમએ પોતાની શક્તિઓ વાપરવાની તૈયારી બતાવી. તેના હાથમાંથી ગુલાબી પ્રકાશ રેલાવા લાગ્યો.

“નહિ કિમ...” વચ્ચે આવતા રોહનએ કહ્યું.

કિમએ પોતાની શક્તિ પાછી ખેંચી.

“એનાથી દુર રહો.” પેલા વૃદ્ધ સામે જોતા રોહનએ ગુસ્સામાં કહ્યું.

“આ કોણ છે તે તું પણ જાણે જ છે. તું શું સાચે જ લાગણીઓમાં વહી રહ્યો છે?” તેણે રોહન પણ શબ્દોથી ઘા કર્યો.

“તારે એ બધાથી કોઈ લેવા દેવા નથી. અને મારી મરજી વગર એની સામે આવીશ નહિ. એ મારી છે.” પોતાના મોટા દાંત અને લાલ આંખો બતાવતા રોહનએ કિમનો હાથ પકડતા કહ્યું.

અને તે વૃદ્ધ રૂમમાંથી બહાર નીકળી ગયો.

****
● શું સાચે જ કિમ, ક્રિસ અને પ્રિયાની દીકરી નહોતી?

● તે વૃદ્ધ વ્યક્તિ કોણ હતો?

● રોહન કેમ કિમની રક્ષા કરી રહ્યો હતો?

● શું બધા કિમ અને ક્રિસને બચાવી શકશે?

● રોહનને ચંદ્રમણી મળશે કે નહિ?

ક્રમશઃ