sundari chapter 48 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૪૮

અડતાળીસ

“હું આવી ગયો છું.” બરોબર ૧૦.૪૦ વાગ્યે સુંદરીના મોબાઈલ સ્ક્રિન પર વરુણના મેસેજનું નોટીફીકેશન ઝબકયું.

નોટીફીકેશન જોઇને સુંદરીના ચહેરા પર સ્મિત આવ્યું.

“તમે રિક્ષા રોકી રાખીને ત્યાંજ ઉભા રહેજો, પ્લીઝ ઘર તરફ આવતા નહીં. હું બસ પાંચ મિનિટમાં આવી.” સુંદરીએ વળતો જવાબ મોકલ્યો.

...અને આ જવાબ વાંચીને વરુણના હોઠ મલકાઈ ઉઠ્યા.

વરુણ સુંદરીના ઘરની ગલીના નાકે એક તરફ રિક્ષા ઉભી રખાવીને ઉભો હતો અને દૂર સુંદરીના ઘરના દરવાજા તરફ સતત નજર રાખીને એ ગલીના નાકાના એક ખૂણેથી બીજે ખૂણે આંટા મારી રહ્યો હતો. ક્યારે સુંદરી એના ઘરમાંથી બહાર આવે અને ક્યારે તેની પહેલી ઝલક એ જુએ તેની જબરી ઉત્કંઠા વરુણને થઇ રહી હતી.

લગભગ ચારેક મિનીટની રાહ જોયા બાદ વરુણે જોયું તો સુંદરી પોતાના બંગલાનો મેઈન ગેઈટ ખોલીને બહાર આવી. સુંદરીએ સફેદ રંગના જ સલવાર કમીઝ પહેર્યા હતા. એના બંને હાથમાં બે મોટા થેલા હતા અને ગેઇટ ખોલીને સુંદરીએ પહેલા તો એ બંને થેલા બહારની તરફ જમીન ઉપર જ મુક્યા અને પછી ગેઇટ બંધ કરીને નીચે વળીને ફરીથી ઉપાડી લીધા અને ગલીના નાકા તરફ ચાલવા લાગી.

સૂર્ય દેવતા સીધા જ સુંદરી પર પોતાનાં કિરણો રેલાવી રહ્યા હતા એટલે અતિશય ગૌરવર્ણ ધરાવતી સુંદરી તેમજ તેના શ્વેત વસ્ત્રોને કારણે તે આ કિરણોમાં વધુ ચમકી રહી હતી. વરુણ સુંદરીને છેક તેના ઘરથી પોતાની તરફ આવતા નિહારી રહ્યો હતો અને મંદમંદ સ્મિત રેલાવી રહ્યો હતો અને હા, કાયમની જેમ એના હ્રદયના ધબકારા તેજગતિ ધરાવતા ઉપરાંત વચ્ચે વચ્ચે એકાદો ધબકારો ચૂકી પણ જતા હતા.

લગભગ અડધું અંતર કાપ્યા બાદ સુંદરીનું ધ્યાન વરુણ પર પડ્યું અને બંને હાથમાં થેલા હોવાથી એણે હસીને વરુણ સામે પોતાનું માથું હલાવ્યું. જવાબમાં વરુણે હાથ ઉંચો કર્યો અને તેને ડાબેથી જમણે હલાવ્યો. જો કે વરૂણનું હ્રદય હવે તેના શરીરમાંથી બહાર આવવા માંગતું હોય એટલા જોરથી ધબકી રહ્યું હતું.

છેવટે સુંદરી વરુણની સાવ નજીક આવી અને વરુણે ઝડપથી ડગલાં માંડીને તેના હાથમાંથી બંને થેલાઓ લઇ લીધા.

“થેન્ક્સ!” સુંદરીએ આપોઆપ કહ્યું.

જવાબમાં વરુણે માત્ર સ્મિત કર્યું અને પોતાના માથાના ઈશારે સુંદરીને રિક્ષામાં બેસવાનો ઈશારો કર્યો. સુંદરી રિક્ષામાં બેઠી અને વરુણે તેને એક પછી એક થેલા આપ્યા જે સુંદરીએ પોતાની બાજુમાં મુક્યા. વરુણ સમજી ગયો કે ચાલુ રિક્ષાએ શક્ય હોય એવા કોઇપણ પ્રકારના સ્પર્શને રોકવા સુંદરીએ થેલાઓની દીવાલ બનાવી હતી. જો કે વરુણને તેનો બિલકુલ વાંધો ન હતો.

“ચાલો કાકા!” રિક્ષામાં બેસતાંની સાથેજ વરુણે રિક્ષાવાળાને કહ્યું.

“થોડી દોડાદોડી થઇ ગઈ પણ ટાઈમસર બધું તૈયાર થઇ ગયું.” રિક્ષા ઉપડતાંની સાથેજ સુંદરી બોલી.

“સરસ. વળી ત્યાં મળવાનો સમય ફિક્સ હોય છે એટલે આપણે પણ ટાઈમે પહોંચવું જરૂરી છે.” વરુણે ફરીથી સુંદરીની દરેક વાતને માનવાનું શરુ કરી દીધું.

“હા, સારું થયું તમને પણ રિક્ષા એક દમ ટાઈમે મળી ગઈ હશે, નહીં તો તકલીફ પડત.” સુંદરી વરુણ સામે જોઇને બોલી.

“અરે! આ તો અમારા કાંતિકાકા છે. અમારી સોસાયટી નજીક જ રહે છે. અમને જ્યારે પણ ઈમરજન્સીમાં કે એમ પણ જરૂર પડે એટલે કાંતિકાકા એક કૉલ પર હાજર થઇ જ જાય. હમણાં મને અને કૃણાલને દરરોજ કૉલેજ મુકવા એ જ આવે છે. આજે કૉલેજ જતાં મેં જ કાકાને રિક્વેસ્ટ કરી કે કાકા વાંધો ન હોય તો બે ત્રણ કલાકમાં કૉલેજ પાછા આવો તો પછી આપણે દૂર જવાનું છે. કાકા તરત માની ગયા હેં ને કાકા?” વરુણે રિક્ષાચાલક કાંતિભાઈને પૂછ્યું.

જવાબમાં કાંતિકાકાએ હસીને માથું હલાવ્યું જેને સુંદરી અને વરુણ બંનેએ કાંતિભાઈની સામે રાખેલા અરીસામાં જોયું.

ત્યારબાદ થોડી પળો એમનેમ સાવ મૂંગી મૂંગી વીતી. આંબાવાડીથી સાબરમતી જેલ સુધીનું અંતર નહીં નહીં તો પણ પોણા કલાક જેટલું હતું એવામાં આમ મૂંગું રહેવું એ બોલકા વરુણ અને શાંત સુંદરી બંનેને ખૂંચતું હતું.

“તમારા ફેમિલીમાં તમારા મમ્મી, પપ્પા અને બહેન જ છે કે કોઈ બીજું છે?” છેવટે સુંદરીએ છેલ્લી અમુક મીનીટોનું મૌન તોડ્યું.

“હા, બસ અમે ચાર જ છીએ.” વરુણે જવાબ આપતાં કહ્યું.

“શું કરે છે બધાં?” સુંદરીએ વાત આગળ વધારવા બીજો પ્રશ્ન કર્યો.

“પપ્પા ઇન્કમટેક્સમાં છે, મમ્મી હોમમેકર અને બહેન ભણે છે એ તો તમને ખબર જ છે.” વરુણે સુંદરી સામે જોઇને કહ્યું.

“હા, બહુ સ્વિટ છે, ઈશાની હેંને?” સુંદરીના ચહેરા પર સ્મિત આવી ગયું.

“હમમ.. રવિવારે તમે એને કોમ્પ્લીમેન્ટ્સ આપ્યા ત્યારની હવામાં ઉડે છે.” વરુણે હસતાં હસતાં કહ્યું.

“હા હા હા... આઈ કેન અન્ડરસ્ટેન્ડ!” સુંદરી લગભગ ખડખડાટ હસી પડી.

“પણ હું એને કાગડી કહું છું.” વરુણ હજી પણ હસી રહ્યો હતો.

“કેમ? આટલી સ્વિટ છોકરીને કાગડી કહેવાય?” સુંદરીના ચહેરા પર આશ્ચર્યમિશ્રિત સ્મિત હતું.

“અરે આખો દિવસ બસ બકબક બકબક કરે રાખે છે એટલે કાગડી!” વરુણે સ્પષ્ટતા કરતાં કહ્યું.

“હા હા હા.. એની ઉંમર છે. બોલવા દો એને જેટલું બોલવું હોય એટલું પછી ખબર નહીં ટેન્શનોમાં ક્યારે એને બોલવાનું મળશે. અચ્છા, તમે એને કાગડી કહો છો, તો એ પણ તમને કશું કહીને ચીડવતી હશેને?” સુંદરીને તાલાવેલી હતી.

“મારી જેમ એણે મારું ખાસ કોઈ નામ તો નથી પાડ્યું પણ મને ચીડવવા માટે એની પાસે હજાર રસ્તા છે. કશું ન હોય તો મારો કાન ખેંચે, ગમે ત્યાંથી આવીને મારા માથા પર ટપલાં મારી જાય. તો પપ્પા મારી ફીરકી લેતા હોય તો તરતજ એમના પક્ષે જતી રહે.” વરુણ હસી રહ્યો હતો, એને પોતાની બહેન વિષે આ બધું કહેવું ગમી રહ્યું હતું.

“ભાઈ બહેન વચ્ચે આવું તો ચાલતું જ હોય અને તો જ મજા આવે.” આટલું કહેવાની સાથેજ સુંદરીને શ્યામલ યાદ આવી ગયો અને એનું સ્મિત ગંભીરતામાં ફેરવાઈ ગયું.

કદાચ સુંદરીની આંખો પણ સ્હેજ ભીની થઇ ગઈ હતી. વરુણે પણ આ જોયું, પણ એ મૂંગો રહ્યો.

“પણ તમે રવિવારે ગયા પછી મારી ખૂબ કેયર લે છે. મને ખાટલા પરથી બિલકુલ ઉભો થવા નથી દેતી. મારે જે જોઈતું હોય એ તરતજ લાવીને આપી દે છે. મારા રૂમની આસપાસ જ ફરતી હોય છે.” વરુણ થોડીવારના વિલંબ બાદ બોલ્યો.

“ખૂબ સરસ. લાગણીના સબંધો આવા જ હોય વરુણ. એ ભલે તમને મસ્તી કરી કરીને હેરાન કરતી હોય પણ એના મનમાં તમારા પ્રત્યે ભરપૂર લાગણી છે જ. જેમ મને મારા શ્યામભાઈ માટે છે. જુઓ, હું એના માટે એને મળવા જેલમાં પણ જઈ રહી છું.” હવે સુંદરીના ચહેરા પર મક્કમ સ્મિત હતું.

ત્યાંજ રિક્ષા સાબરમતી જેલના મુખ્ય દરવાજે આવીને ઉભી રહી ગઈ.

“આવી ગયું.” કાંતિભાઈ રિક્ષા રોકીને તરતજ બોલ્યા.

વરુણ બહારની તરફ બેઠો હતો એટલે એ પહેલા ઉતર્યો, પછી તેણે પોતાની અને સુંદરીની વચ્ચે રાખેલા બંને થેલાઓ બહાર લીધા. ત્યારબાદ સુંદરી નીચે ઉતરી.

“કાકા, તમે અહીં સાઈડમાં ક્યાંક રિક્ષા ઉભી રાખી દો. રસ્તો બહુ સાંકડો છે વળી કોઈક મોટું વાહન નીકળશે તો આપણને ગાળો આપશે.” વરુણે કાંતિભાઈને સૂચના આપતાં કહ્યું.

“હા, હું જો ત્યાં પેલું ઝાડ છેને? એની નીચે ઉભો છું. તમતમારે આરામથી આવો.” કાંતિભાઈએ આટલું કહીને રિક્ષા ઓટોસ્ટાર્ટથી શરુ કરી.

“વરુણ તમે એક કામ કરો.” સુંદરી સાબરમતી જેલના વિશાળ દરવાજા સામે જોઇને બોલી.

“હા બોલોને?” વરુણે સુંદરીને જવાબ આપતા કહ્યું.

“તમે પણ કાંતિકાકા પાસે જઈને રિક્ષામાં જ બેસો. અહીં તમારે બેસવાની પણ જગ્યા નથી, પાછો ધમધમતો રોડ છે. મને સ્હેજે અડધો-પોણો કલાક લાગશે. તમે ઉભાઉભા થાકી જશો.” સુંદરી વરુણની ચિંતા કરી રહી હતી તે સ્પષ્ટ હતું.

“હા, ચોક્કસ. તમે શાંતિથી જાવ, શ્યામભાઈ સાથે આરામથી વાતો કરો, એમને ટિફિન આપી દો. મારી જરાય ચિંતા ન કરતાં. હું રિક્ષાની આસપાસ જ હોઈશ.” વરુણે સુંદરીની તેના પ્રત્યેની ચિંતા ઓછી કરવાની કોશિશ કરતાં કહ્યું.

“થેન્ક્સ!” સુંદરીએ સ્મિત કર્યું.

“ફરી પાછું થેન્ક્સ?” વરુણે હસીને કહ્યું.

“હા હા હા...” સુંદરી હસી પડી.

“જઈ આવો આરામથી.” વરુણે જેલના દરવાજા તરફ હાથ લાંબો કર્યો.

સુંદરી વરુણને પોતાની નજર અને સ્મિતથી ઘાયલ કરીને જેલના દરવાજા તરફ બંને થેલાઓ ઊંચકીને ચાલવા લાગી. સુંદરીના જેલના દરવાજાની અંદર જવાની સાથેજ વરુણે પોતાના બંને હોઠ ભેગા કરીને તેમાંથી હવા છોડી અને હ્રદય પરનો ભાર હળવો કર્યો અને પછી પોતાની જાત પર જ હસી પડ્યો અને કાંતિભાઈએ થોડે દૂર પાર્ક કરેલી રિક્ષા તરફ ચાલવા લાગ્યો.

“વરુણ એક મિનીટ!” વરુણે હજી માંડ બે ડગલાં માંડ્યા હશે કે પાછળથી સુંદરીનો અવાજ આવ્યો.

વરુણ તરતજ આશ્ચર્ય સાથે પાછળ વળ્યો અને જોયું તો સુંદરી ઝડપથી તેની તરફ ચાલીને આવી રહી હતી. તેના હાથમાંથી બંને થેલાઓ તો ગાયબ હતા, પણ ડાબા હાથમાં તેનો મોબાઈલ જરુર હતો.

“અંદર મોબાઈલ લઇ જવાની મનાઈ છે. મને એક જગ્યાએ મુકીને જવાનું કહ્યું જ્યાં ઘણા બધા મોબાઈલ્સ પડ્યા હતા, પણ મને વિશ્વાસ ન આવ્યો. પાછી આ જગ્યા પણ એવી છે ને કે... યુ નો. તો તમે મારો મોબાઈલ સાચવશો? મેં સ્વિચ ઓફ કરી દીધો છે એટલે તમને જરાય ટેન્શન નહીં થાય.” સુંદરીએ વરુણ સામે પોતાનો મોબાઈલ લંબાવતા કહ્યું.

“શ્યોર, કેમ નહીં. તમે શાંતિથી જાવ.” વરુણે તરતજ સુંદરીની આંગળી સાથે પોતાની આંગળી અજાણે જ સ્પર્શ કરતાં તેના હાથમાંથી મોબાઈલ લઇ લીધો.

સુંદરીએ ફરીથી તેનું સ્મિત કરીને વરુણને ઘાયલ કર્યો અને પાછી વળીને જેલના દરવાજામાં અલોપ થઇ ગઈ.

સુંદરીના ગયા બાદ વરુણે આસપાસ જોયું અને દૂર રિક્ષામાં બેસેલા કાંતિભાઈ તરફ પણ જોયું કે તેઓ છાપું વાંચવામાં વ્યસ્ત હતા અને પછી મનોમન સ્મિત કરીને સુંદરીના મોબાઈલને બંને તરફથી ચૂમી લીધો.

==::==

“ઇધર કાહે બુલાયા? હમ આપકો સુંદરી મૈડમ કા રિપોર્ટ આપકો ઉધર કૉલેજ મેં હી દે દેતા!” રેસ્ટોરન્ટમાં ઘૂસતાંની સાથેજ નિર્મલ પાંડે નજીકમાં રાખેલા ટેબલ સામેની ખુરશીમાં બેઠો અને એજ ટેબલ પર પોતાની સામેની તરફ બેસેલા વ્યક્તિને કહ્યું.

==:: પ્રકરણ ૪૮ સમાપ્ત ::==