sundari chapter 50 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૫૦

પચાસ

“ફફફ...ફ્રેન્ડ્સ છીએને?” ફ્રેન્ડ્સ શબ્દ માંડમાંડ વરુણના ગળામાંથી નીકળ્યો.

વરુણને ડર હતો કે ક્યાંક સુંદરીને એ બાબતનું ખોટું ન લાગી જાય કે વરુણ તેને ફ્રેન્ડ માની રહ્યો છે, છેવટે તો એ એની પ્રોફેસર હતીને?

“અફકોર્સ વી આર ફ્રેન્ડ્સ! બહુ વિચિત્ર લાગે છે કે એક પ્રોફેસર અને એનો સ્ટુડન્ટ પણ ફ્રેન્ડ્સ હોઈ શકે, પણ ઇટ્સ ઓકે! આપણે કશું નવું કરીશું.” સુંદરી આશ્ચર્યભાવ સાથે કહી રહી હતી.

“હા, હું જ્યારે સોળ વર્ષનો થયો ત્યારથી જ મારા પપ્પા મને એમનો મિત્ર ગણવા માંડ્યા છે, એટલે મને તો આ પ્રકારના રિલેશન્સ માટે કોઈજ નવાઈ નથી લાગતી.” વરુણમાં થોડી હિંમત આવી.

“હા, એકદમ સાચું. તમે લકી છો કે તમને આવા પપ્પા મળ્યા છે.” સુંદરીનો ખુશખુશાલ ચહેરો અચાનક જ દુઃખી થઇ ગયો.

સુંદરી થોડો સમય મૂંગી રહી.

“હવે આપણે ફ્રેન્ડ્સ થઇ જ ગયા છીએ તો ફ્રેન્ડ્સ એકબીજા સાથે બધુંજ શેર કરતા હોય છે એ તમને યાદ હશે જ.” વરુણને સુંદરીના દુઃખનું કારણ જાણવું હતું.

“હા મને યાદ છે, પણ વરુણ, દરેક વાત કહેવાનો એક યોગ્ય સમય હોય છે. આપણા માટે એ સમય હજુ નથી આવ્યો. અત્યારે તો આપણને બંનેને મોડું થાય છે એટલે ફરી કોઈવાર. હવે તમે ઘેર જાવ.” સુંદરીએ ફરીથી પોતાનો હાથ લંબાવ્યો.

“ઠીક છે. તો આવજો.” કહીને વરુણે ફરીથી સુંદરીનો હાથ પકડી લીધો.

આ વખતે વરુણે સુંદરીનો હાથ વધુ સમય ન પકડ્યો અને રિક્ષામાં બેસી ગયો. સુંદરી પણ તેનું ખાસ સ્મિત આપીને પોતાની ગલી તરફ વળીને ચાલવા લાગી.

“ભાઈ, તમે આ બેન જેવી વહુ જ લેતા આવજો, સાહેબ અને ભાભીને જિંદગીભરની શાંતિ થઇ જશે.” રિક્ષા સ્ટાર્ટ કરતાંની સાથેજ કાંતિલાલ બોલ્યા.

વરુણ કાંતિલાલની વાત સાંભળીને શરમાઈ ગયો. કાંતિલાલ મિરરમાંથી એની સામે જોઈ રહ્યા હતા એટલે એણે ફક્ત સ્મિત કર્યું અને મનમાં “તથાસ્તુ” બોલ્યો!

==::==

“બસ હવે એક જ બોલ બાકી છે મેચનો અને ડી એલ કોલેજ ઓફ આર્ટ્સને જીતવા માટે બે રન જોઈએ છીએ. તેમના કેપ્ટન અને આ ટુર્નામેન્ટના અત્યાર સુધી હીરો રહેલા વરુણ ભટ્ટ અત્યારે સ્ટ્રાઈક પર છે. તમને યાદ દેવડાવી દઈએ કે જો વરુણ આ બોલમાં માત્ર એક જ રન લેશે તો મેચ ટાઈ થશે અને આપણી ટુર્નામેન્ટમાં સુપર ઓવરનો નિયમ ન હોવાથી રન રેટના આધારે મેચનો નિર્ણય લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ મેચ છેલ્લા બોલ સુધી પહોંચી હોવાને કારણે ડી એલ કોલેજ ઓફ આર્ટ્સનો રન રેટ યુ સી પટેલ સાયન્સ કોલેજ કરતાં ઓછો જ રહેશે એટલે કેપ્ટન વરુણે ગમે તે રીતે પોતાની ટીમને ફાઈનલમાં પહોંચાડવા માટે આ મેચ જીતાડવી જ પડશે.”

ફેબ્રુઆરી મહિનાની સાંજ જરા વહેલી પડી જતી હોય છે અને યુનિવર્સીટી ક્રિકેટ ટુર્નામેન્ટની સેમીફાઈનલ મેચનો અંતિમ બોલ નખાવા જઈ રહ્યો હતો એવા સમયે સુરજદાદા અસ્ત થવાની જરા ઉતાવળ કરી રહ્યા હતા એવું લાગી રહ્યું હતું. મેદાન પર રાખવામાં આવેલા માઈક્રોફોન પર કોમેન્ટેટર જોરજોરથી કોમેન્ટ્રી આપી રહ્યો હતો જેની અસર ફક્ત બંને ટીમના સપોર્ટર્સ પર જ નહીં પરંતુ રમી રહેલા ખેલાડીઓ પર પણ પડી રહી હતી.

વરુણની કોલેજ માટે આ મેચ માત્ર સેમીફાઈનલ હોવાને કારણેજ જીતવી જરૂરી ન હતી પરંતુ જો ટાઈ પડે તો ઓવરઓલ રનરેટમાં તે સ્હેજ પાછળ હોવા કારણે યુ સી પટેલ સાયન્સ કોલેજ ફાઈનલમાં ક્વોલીફાય થઇ જાય એમ હતી. આ હકીકતથી જાણકાર હોવાને કારણે બાઉન્ડ્રી લાઈનની બહાર મુકવામાં આવેલા નાના મંડપોમાં પણ ટેન્શન હતું. ડી એલ કોલેજ ઓફ આર્ટ્સના સ્પોર્ટ્સ પ્રોફેસર શિંગાળા તેમાંથી એક નાનકડા મંડપમાં પણ મેદાન તરફ સતત નજર રાખીને આંટા મારી રહ્યા હતા. કેટલાક ખેલાડીઓ ખુરશીમાં આગળની તરફ ઝૂકીને બેઠા હતા અને જે ઉભા હતા તે એકદમ સ્થિર થઈને ઉભા હતા. ટીમની કો ઓર્ડીનેટર પ્રોફેસર સુંદરી શેલત પોતાના હાથની તમામ આંગળીઓ તેમજ બંને અંગુઠાના નખ ચાવી ચૂકી હતી એટલે હવે એ પણ અસહજ હતી કે આ ટેન્શનને તે કેવી રીતે ખાળે.

એક માત્ર નિર્મલ પાંડે જેની બોલિંગ આજે પણ ધોવાઈ ગઈ હતી તે નિષ્ફિકર બેઠો હતો અને મનોમન સ્મિત કરીને કદાચ ટીમની હાર માટે પ્રાર્થના કરી રહ્યો હતો અથવાતો એને કદાચ ખબર હતી કે એની ટીમ આજે હારવાની જ હતી.

પીચ પર વરુણ સાથે અગિયારમો ખેલાડી નેલ્સન જે મૂળ બોલર હતો તે નોનસ્ટ્રાઈકર એન્ડ પર હતો. યુ સી પટેલ કોલેજનો બોલર પોતાના રનઅપ પર પહોંચી ગયો હતો, એવામાં જ વરુણે નેલ્સનને વાત કરવા માટે બોલાવ્યો.

“એક રનથી આપણું ભલું નથી થવાનું, હું જેવો શોટ મારું, બોલ ગમે ત્યાં જાય તારે અને મારે બંને આંખો બંધ કરીને બે રન દોડવાના જ છે ઓકે? જેવો બોલર બોલ નાખવા માટે નજીક આવે એટલે તું બે ત્રણ ડગલાં આગળ આવી જ જજે!” અડધી પીચ પર ઉભાઉભા વરુણે નેલ્સનને લગભગ આદેશ આપ્યો.

જવાબમાં નેલ્સને હકારમાં પોતાનું માથું હલાવ્યું.

“જીતના સમજાના હૈ નેલ્સનવા કો સમજાઈ દયો, વો દૂસરા રન બિલકુલ નહીં દૌડેગા... હમ કેહ દેતે હૈ!” પીચ પરનું દ્રશ્ય જોઇને નિર્મલ મનોમન બોલી પડ્યો અને હસ્યો.

વરુણ સ્ટ્રાઈકર એન્ડ પર ગયો અને મેચનો અંતિમ બોલ રમવા માટે તૈયાર થઇ ગયો. બોલરે પોતાના રનઅપ પરથી દોડવાનું શરુ કર્યું અને બોલ નાખવા અમ્પાયરને ક્રોસ કર્યો, પણ નેલ્સન વરુણના આદેશની અવગણના કરતાં પોતાના સ્થાન પરથી હલ્યો જ નહીં, જો કે વરૂણનું સંપૂર્ણ ધ્યાન ટીમને આ બોલ પર જીતાડવા પર હોવાને કારણે નેલ્સન એનો આદેશ માની રહ્યો છે કે નહીં તેની તેને ખબર પડી નહીં.

બોલરે બોલ નાખ્યો અને વરુણે શોટ માર્યો, જો કે વરુણની આશા વિરુદ્ધ તેણે મારેલો શોટ બહુ દુર ગયો નહીં. જો કે ફિલ્ડરને તેને લેવા માટે થોડું દોડવું પડ્યું. આ તરફ વરુણ નોનસ્ટ્રાઈકર એન્ડ તરફ દોડ્યો. નેલ્સને પણ દોડ લગાવવી શરુ કરી, પણ તે વરુણ કરતાં ધીમો દોડી રહ્યો હતો. બોલ જેટલો દૂર ગયો હતો તેનાથી બે રન મળે એ તો અશક્ય જ હતું, પરંતુ વરુણે નક્કી કરી લીધું હતું કે ભલે રનઆઉટ થવાય પણ તે બીજો રન તો દોડશે જ એટલે નોન સ્ટ્રાઈકર એન્ડની ક્રીઝ પાછળ પોતાનું બેટ સરકાવીને તેણે બીજો રન દોડવાનું જેવું શરુ કરીને સામે જોયું તો...

...નેલ્સન જમીન પર પડી ગયેલો હતો. વરુણ પોતાની આંખ પર ભરોસો ન કરી શક્યો. બીજી તરફ ફિલ્ડરે બોલ ફિલ્ડ કરી લીધો હતો અને તેણે વિકેટકિપર તરફ બોલ ફેંક્યો. વરુણની તેજ દોડ નેલ્સનને અડધી પીચે જમીન પર પડેલો જોઇને ધીમી થઇ ગઈ. તેને સ્પષ્ટ થઇ ગયું કે હવે મેચ તેના હાથમાં જતી રહી છે. વરુણ ફાટી આંખે નેલ્સન સામે જોઇને ધીમો ધીમો પણ દોડી રહ્યો હતો.

બીજી તરફ મંડપમાં રહેલા તમામ લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા. બધાંજ ખેલાડીઓ નેલ્સનને ઉભા થવાની આજીજી કરતાં ચીસો પાડી રહ્યાં હતાં, ફક્ત નિર્મલ પાંડે દૂર ઉભો ઉભો પોતાનું ખંધુ હાસ્ય વેરી રહ્યો હતો કારણકે તેણે જ નવમી વિકેટ તરીકે પોતાના આઉટ થયા બાદ તેની જગ્યા લેવા આવી રહેલા નેલ્સનને મેદાન પર જ ક્રોસ થતી વખતે કહ્યું હતું કે, “અચ્છા ટાઈમ દેખ કર રનઆઉટ હો જાના યા હીરો કો રનઆઉટ કરા દેના.”

પીચ પર હવે વરુણ અને નેલ્સન એકબીજાની લગોલગ આવી ગયા હતા. વરુણને પોતાની સાવ નજીક આવી ગયેલો જોઇને નેલ્સને બેટનો સહારો લઈને ઉભું થવાનું નાટક શરુ કર્યું. તો વરુણની જમણી તરફથી ફિલ્ડરે વિકેટકિપર તરફ ફેંકેલો થ્રો એટલો ઉંચો હતો કે ઓછી હાઈટના વિકેટકિપરની કુદકો લગાવીને બોલને ગેધર કરવાની કોશિશ નિષ્ફળ ગઈ અને વિકેટકિપરની પાછળ એક પણ ફિલ્ડર ન હોવાને કારણે બોલ ઝડપથી બાઉન્ડ્રીની બહાર જતો રહ્યો અને અમ્પાયરે ઓફિશિયલ સ્કોરર્સ સામે ઓવરથ્રોના પાંચ રન થયા હોવાનો ઈશારો કર્યો.

અચાનક જ વરુણની કોલેજના મંડપનો સન્નાટો ખુશી અને આનંદની ચિચિયારીઓથી ભરાઈ ગયો. વરુણના કાનમાં જેવી આ ચિચિયારીઓ ગઈ કે તે વિરુદ્ધ દિશામાં ફર્યો અને અમ્પાયરને તેણે પાંચ રનનો ઈશારો કરતા જોયો. વરુણ પોતાની આંખો પર વિશ્વાસ ન કરી શક્યો તેણે આનંદમાં આવીને હવામાં જ મોટો કુદકો માર્યો!

“નેલ્સન... આપણે જીતી ગયા!!” હવાઈ કુદકો મારીને નીચે આવેલા વરુણે નેલ્સનને કહ્યું અને પોતાનો હાથ નેલ્સન તરફ લંબાવ્યો.

નેલ્સન પાસે હવે ફિક્કું સ્મિત કરીને વરુણનો હાથ પકડીને ઉભા થવા સિવાય બીજો કોઈજ વિકલ્પ ન હતો.

નિર્મલ પાંડે સિવાય વરુણની સમગ્ર ટીમના ખેલાડીઓ પ્રોફેસર શિંગાળા અને સુંદરી આ તમામ પીચ તરફ દોડી પડ્યા. બધાએ પીચ પર આવતાની સાથેજ વરુણ અને નેલ્સનને ઘેરી લીધા. એક પછી એક ખેલાડી આ બંનેને ભેટવા લાગ્યા. છેલ્લે પ્રોફેસર શિંગાળા પણ વરુણને ભેટી પડ્યા.

ત્યાં જ વરૂણનું ધ્યાન સુંદરી પર પડ્યું સુંદરી સતત સ્મિત કરી રહી હતી તેની આંખમાં હર્ષના આંસુ હતા. તેણે પોતાના બંને હાથ લંબાવીને વરુણના બંને હાથ પકડી લીધા.

વરુણ અને સુંદરી બંને એકબીજાની આંખમાં આંખ નાખીને લાંબો સમય સ્મિત કરતાં રહ્યાં જેને તેમનાથી થોડે જ દૂર ઉભેલો નિર્મલ કરડી આંખે જોઈ રહ્યો હતો.

==::==

“આપણી ટીમ ફાઈનલમાં તો આવી ગઈ છે, પરંતુ હજી આપણે ટુર્નામેન્ટ જીતવાની બાકી છે એટલે ગઈકાલની ભવ્ય જીતના આનંદને હવે જેટલું જલ્દી બને તેટલું તેને આરામ આપવાની કોશિશ કરો કારણકે આવતીકાલે આપણા બધા માટે અતિશય મહત્ત્વનો તો છે જ પણ આપણી કૉલેજ માટે પણ ખૂબ મહત્ત્વનો છે કારણકે પંદર વર્ષ બાદ આપણી કોલેજ આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી છે અને લગભગ ત્રીસ વર્ષ પહેલાં આપણે આ ટુર્નામેન્ટ જીત્યા હતા. એટલે હવે ધ્યાન ફક્ત અને ફક્ત આવતીકાલની જીત પર હોવું જોઈએ.

આપણા સદનસીબે આપણને એક એવો કેપ્ટન મળ્યો છે જે ઓલરેડી ગઈકાલની જીતને ભૂલીને આવતીકાલની મેચ કેમ જીતાય તેના પર વિચારવા લાગ્યો છે અને જીત માટે તે કોઇપણ પ્રકારનો ચાન્સ લેવા માંગતો નથી. આથી કેપ્ટન વરુણ ભટ્ટની સલાહથી મેં એઝ અ કૉચ ઓફ ધ ટીમ અને ટીમના કો-ઓર્ડીનેટર મેડમ સુંદરીએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે અને આ અતિશય મહત્ત્વનો નિર્ણય એ છે કે ટુર્નામેન્ટની ચારેય મેચોમાં સતત ફેઈલ ગયેલા આપણા લેગ સ્પિનર અને ભૂતપૂર્વ કૉલેજ કેપ્ટન નિર્મલ પાંડેને આવતીકાલની મેચની પ્લેયિંગ ઈલેવનમાંથી ડ્રોપ કરવામાં આવે છે.” ફાઈનલ મેચના આગલા દિવસે પ્રેક્ટીસ પત્યા બાદ કૉલેજના ગ્રાઉન્ડ પર મળેલી ટીમ મિટિંગમાં પ્રોફેસર શિંગાળાએ નિર્મલ પાંડે સામે જોઇને પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું.

==:: પ્રકરણ ૫૦ સમાપ્ત ::==