VEDH BHARAM - 26 in Gujarati Novel Episodes by hiren bhatt books and stories PDF | વેધ ભરમ - 26

વેધ ભરમ - 26

રિષભે જ્યારે શ્રેયાને પૂછ્યુ કે તારા ખાતામાં બીજા પાંચ લાખ જમા થયા છે તે કોણે જમા કરાવ્યા છે?

આ સાંભળી શ્રેયાએ કહ્યું “સર, મે દર્શનની કંપની છોડી તેના થોડા સમય પછી મારા પર એક દિવસ દર્શનની પત્નીનો ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે તે મારા અને દર્શનના સંબંધ વિશે જાણે છે. શરુઆતમાં તો મે તેનો ઇન્કાર કર્યો પણ પછી શિવાનીએ મને કહ્યું કે જો હું તેની મદદ કરુ તો તે મને પાંચ લાખ રુપીયા આપશે. આ સાંભળી મે તેની પાસે વિચારવા થોડો સમય માંગ્યો. થોડા સમય પછી ફરીથી શિવાનીનો ફોન આવ્યો એટલે મે તેને રુબરુ મળી આખી વાત સમજાવવા કહ્યું. બીજા દિવસે અમે એક હોટલમાં મળ્યા અને ત્યાં શિવાનીએ મને કહ્યું “હું જે વાત કરુ છું તેમા તારા બે ફાયદા છે. દર્શન સાથેનો તારો બદલો પણ લેવાઇ જશે અને વધારામાં તને રુપીયા પણ મળશે.” આ સાંભળી મે કહ્યું “એ બધુ તો ઠીક પણ આ માટે મારે શું કરવાનુ છે?”

આ સાંભળી શિવાનીએ કહ્યું “તારે મને તારા દર્શન સાથેની અંગત ક્ષણોના ફોટો મોકલવાના છે. આ ફોટો એકદમ ક્લીઅર હોવા જોઇએ”

આ સાંભળી હું વિચારમાં પડી ગઇ. મને વિચારતા જોઇ શિવાનીએ કહ્યું “ તારે અત્યારે ને અત્યારે જવાબ આપવાની જરુર નથી. વિચારીને આરામથી જવાબ આપજે પણ એકવાર હા પાડ્યા પછી ફરી નહીં જવાનું.” આટલુ બોલી શિવાનીએ તેના પર્સમાંથી પૈસાનુ બંડલ ટેબલ પર મૂકતા કહ્યું “ આ પચાર હજાર છે. અત્યારે એડવાન્સ તરીકે રાખીલે. જો કામ ન કરવુ હોય તો પાછા આપી દે જે. અને જો કરવુ હોય તો ફોન કરી જાણ કરી દે જે. બીજા પાંચ લાખ કામ પૂરું થશે પછી તારા ખાતામાં જમા કરાવી દઇશ.” આટલુ બોલી શિવાની જતી રહી. તેના ગયા પછી ક્યાંય સુધી હું વિચારતી ત્યાં બેઠી રહી. ત્યારબાદ હું ઘરે ગઇ અને બે દિવસ વિચાર કર્યો. ત્રીજે દિવસે હું તેને ના પાડી પૈસા પાછા દેવાનુ વિચારતી હતી ત્યાં મારા પર એક અજાણ્યા નંબર પરથી એક વિડીઓ મેસેજ આવ્યો. વિડીઓ ખોલતા જ હું ચોંકી ગઇ. તે વિડીઓમાં તેમાં મારા અને દર્શન વચ્ચેની કેટલીક અંગત પળોનું રેકોર્ડીંગ હતુ. આ જોઇ હું ડરી ગઇ અને જે નંબર પરથી વિડીઓ આવ્યો હતો તેના પર ફોન કર્યો. તે નંબર નીખીલનો હતો. તેણે મને મળવા બોલાવી. હું નિખીલને મળવા ગઇ ત્યારે નિખિલની સાથે નવ્યા પણ હતી. તે બંનેએ મને ચોખ્ખુ જ કહી દીધુ કે જો હું તેનુ કામ નહી કરુ તો તે મારો આ વિડીઓ ઇન્ટરનેટ પર મૂકી દેશે. આ સાંભળી હું ડરી ગઇ અને તે લોકોનું કામ કરવા તૈયાર થઇ ગઇ. તે લોકો મારો અને દર્શનનો વિડીઓ બનાવી દર્શનને બ્લેકમેઇલ કરવા માંગતા હતા. મે તેને કહ્યુ કે તમારી પાસે આ વિડીઓ તો છે પછી બીજો વિડીઓ બનાવવાની શું જરુર છે? આ સાંભળી નિખીલે હસતા હસતા કહ્યું “આ વિડીઓમાં દર્શનનો ચહેરો એકદમ ક્લીઅર નથી દેખાતો. દર્શનને બ્લેકમેઇલ કરવા માટે તેનો ચહેરો સ્પષ્ટ દેખાવો જોઇએ. એટલે તારે કોઇના કોઇ બહાને દર્શનને બોલાવી તેની સાથે શરીર સંબંધ બાંધવાનો છે. તેનુ રેકોર્ડીંગ આપણે કરીશુ અને તેની પાસેથી રુપીયા મેળવીશું. તને પણ તેમાંથી ભાગ મળશે.”

ત્યારબાદ મે દર્શનને તેના ફાર્મ હાઉસ પર મળવા બોલાવ્યો અને તેની સાથેની અંગત ક્ષણો સ્પાઇ કેમેરાની મદદથી રેકોર્ડ કરી લીધી. આ રેકોર્ડીંગ નિખિલે દર્શનને મોકલ્યુ અને તેની પાસેથી 15 લાખ રુપીયા માંગ્યા. આ રુપીયા લેવા નિખીલ 18 તારીખે રાત્રે તેના ફાર્મ હાઉસ પર ગયો પણ તે જ્યારે ત્યા પહોંચ્યો ત્યારે કોઇકે દર્શનનું ખૂન કરી નાખ્યુ હતુ. એટલે તે ત્યાંથી પૈસા લઇને ભાગી આવ્યો. અમે તે પૈસાના ત્રણ ભાગ કર્યા. આ રેકોર્ડીંગમાંથી મે થોડા સારા ફોટા પાડી શિવાનીને મોકલી આપ્યા હતા. એટલે તેણે પણ મારા ખાતામાં પાંચ લાખ જમા કરાવ્યા હતા.

એકધારુ બોલવાને કારણે શ્રેયા હાફી ગઇ હતી. આટલુ બોલી તે ચૂપ થઇ ગઇ.રિષભની ધારણા કરતા સરળતાથી શ્રેયાએ બધી માહિતી આપી દીધી હતી. રિષભે પાણીનો ગ્લાસ શ્રેયા તરફ સરકાવ્યો અને બોલ્યો “શિવાની શુ કામ દર્શનના આવા ફોટો મેળવવા માંગતી હતી?”

શ્રેયા એક જ ઘુંટડે પાણીનો ગ્લાસ પી ગઇ અને પછી બોલી “સર, એ મને ખબર નથી.”

“દર્શનના મૃત્યુ પછી તારે શિવાની સાથે વાત થઇ છે?”

“હા, પૈસા જમા કરાવી તેણે મને ફોન કર્યો હતો અને કહ્યુ હતુ કે હવે મારે ક્યારેય તેનો સંપર્ક કરવાની કોશિષ કરવાની નથી.”

ત્યારબાદ રિષભે પૂછપરછ પૂરી કરી અને તેની ઓફિસમાં જઇને બેઠો. રિષભે ત્રણેય સાથેની પૂછપરછનુ રેકોર્ડીંગ સાંભળ્યુ. ત્રણેયની બધી જ વાત મેચ થતી હતી તેનો મતલબ કે ત્રણેય સાચુ બોલતા હતા. જો કે રિષભને લાગ્યુ કે શ્રેયા હજુ કઇક છુપાવે છે. આમ પણ નિખિલ અને નવ્યા એમ માનતા હતા કે તે શ્રેયાનો ઉપયોગ કરે છે પણ આ શ્રેયાએ તે બંનેનો ઉપયોગ કરી લીધો હતો. રિષભને લાગતુ હતુ કે નિખીલના પક્ડાઇ જવાથી કેસ સોલ્વ થઇ જશે પણ તેનાથી તો આ કેસ ઉલટો ગુંચવાઇ ગયો હતો. શ્રેયા નિખિલ અને નવ્યાની બધી જ વાતો મેચ થતી હતી. રિષભે ઘણું વિચાર્યુ પણ તે કોઇ નિષ્કર્ષ પર પહોંચી શક્યો નહી. થોડીવાર બાદ તેણે અભય હેમલ અને વસાવાને બોલાવ્યા અને ત્રણેયની પૂછપરછનું રેકોર્ડીગ સભળાવ્યુ. રેકોર્ડીંગ સાંભળી તે લોકોના મંતવ્ય પણ રિષભ જેવા જ હતા કે આ કેસ તો વધુ ગુંચવાઇ ગયો છે. તે લોકો તો અત્યાર સુધી નિખીલને જ ખૂની માનતા હતા પણ નવ્યા, શ્રેયા અને નિખીલની પૂછપરછ પરથી નિખિલને કોઇએ ફસાવી દીધો હોય એવુ લાગતુ હતુ. થોડીવારની ચર્ચા પછી રિષભે કહ્યું “એક કામ કરો આ નિખીલની ફિંગર પ્રિન્ટ્સ લઇલો અને પેલી ફાર્મ હાઉસ પરથી મળેલી ફિંગર પ્રિંન્ટ્સ સાથે મેચ થાય છે કે નહી તે જુઓ. અને કાલે શિવાનીને ઉઠાવી લો. હવે છેલ્લો આધાર તેના પર છે.”

“આ ત્રણેયનું હવે શુ કરવુ છે?” હેમલે પુછ્યું.

“તેની એન્ટ્રી તો કરી જ દીધી છે. એટલે ભલે તે લોકઅપમાં જ રહયાં. કાલે શિવાની પાસેથી શું જાણવા મળે છે તે પછી આ ત્રણેયનો નિર્ણય લઇશું.” આટલુ બોલી રિષભ થોડુ રોકાયો અને પછી આગળ બોલ્યો “પણ જો જો આ ત્રણેય લોકઅપમાં છે તેની જાણ મિડીયાને ન થવી જોઇએ. અને શિવાની પર આજની રાત વોચ ગોઠવી દેજો. કાલે શનિવાર છે. બપોર પછી તેને આપણે પકડીશું એટલે સોમવાર સુધી તેની જમાનત ન થઇ શકે.”

રિષભની હિંમત અને આયોજન જોઇને આખી ટીમમાં એક પ્રકારનો ઉત્સાહ આવી ગયો હતો. પણ રિષભ જાણતો હતો કે વધુ પડતો ઉત્સાહ ક્યારેક કામ બગાડે છે એટલે તે વચ્ચે વચ્ચે બધાને સાવધ કરતો રહેતો હતો. રિષભની વાત પૂરી થયા બાદ બધા છુટા પડ્યાં.

બીજા દિવસે સવારે રિષભ આવ્યો ત્યારે તેની ટીમ રાહ જોઇને જ બેઠી હતી. રિષભ ઓફિસમાં પહોંચી બેઠો એ સાથે જ ત્રણેય ઓફિસમાં દાખલ થયા. રિષભે ત્રણેયને બેસવાનું કહ્યું અને બોલ્યો “હા, બોલો તો શું છે નવા સમાચાર?”

આ સાંભળી વસાવાએ જવાબ આપતા કહ્યું “સર, જે ફિંગર પ્રિંન્ટ ફાર્મ હાઉસ પરથી મળી હતી તેમાંથી એક નિખિલની જ હતી.” આ સાંભળી રિષભ થોડીવાર વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો “ઓકે, તો હવે આપણી પાસે નિખિલ વિરુધ્ધ પૂરતા સબુત છે. ધારીએ તો નિખિલને ફસાવી શકીએ એમ છીએ. પણ મને લાગે છે કે તે નિર્દોષ છે. કોઇક તેને ફસાવવા માગે છે.”

આ સાંભળી હેમલે કહ્યું “સર, હા અમારુ પણ એવુ જ મંતવ્ય છે. પણ હવે શુ કરવાનું છે?”

“હવે તમારે કબીર કોઠારી વિશે માહિતી એકઠી કરવાની છે. મને લાગે છે કે શિવાની અને કબીર કોઠારી વચ્ચે કોઇ રિલેશન છે. દર્શનનુ ખૂન થયુ તે દિવસ અને તેના આગળના દિવસનું કબીર અને શિવાનીનુ કોલ લીસ્ટ કઢાવો. અને તે બંનેનુ લોકેશન પણ કઢાવો.”

આ સાંભળી અભયે કહ્યું “સોરી સર, તમે કહેલુ પણ આ નિખિલને લીધે તે કામ રહી ગયું.”

“ઓકે નો પ્રોબ્લેમ પણ આજ બપોર સુધીમાં એ બધી ડીટેઇલ્સ મેળવી લો. શિવાનીનું મોઢું ખોલાવવા માટે આ બધી ડીટેઇલ્સ જોઇશે.” આ સાંભળી બધા ઊભા થયા અને કામે લાગી ગયાં.

રિષભ એકલો પડતા જ તેણે સેલફોન ઓન કર્યો. મોબાઇલના સ્ક્રીન સેવર પરની તારીખ 31 ડીસેમ્બર જોઇ તેના મોઢામાંથી ગાળ નીકળી ગઇ અને તેણે તરત જ કોલ લીસ્ટમાંથી ગૌતમનો નંબર કાઢી કોલ લગાવ્યો. સામેથી ફોન ઉંચકતા જ રિષભે કહ્યું “એલા ભાઇ મેની મેની હેપી રીટર્નસ ઓફ ધ ડે. અને સોરી યાર લેટ વિશ કરવા માટે.”

“થેંક્યુ વેરી મચ. હા ભાઇ હવે એસ.પી સાહેબને અમારા જેવા સામાન્ય પ્રોફેસરો થોડા યાદ રહે.” ગૌતમે ટોણો મારતા કહ્યું.

“ના યાર એવુ નથી. પણ એક કેસ એવો આવેલો છે કે હેરાન કરી દીધો છે.” રિષભે સફાઇ આપતા કહ્યું.

“હા ભાઇ ન્યુઝ પેપરમાં તારુ નામ વાંચ્યુ હતુ. તુ તો મોટો માણસ થઇ ગયો ભાઇ.” ગૌતમે કટાક્ષ ચાલુ જ રાખ્યો.

“હવે ડોફા, બહું હુશયારી નહી મારવાની. ભુલાઇ ગયુ હતુ, બોલ હવે શુ કરવું. તારી સાથે ઘણી વાત કરવી છે. શાંતિથી એક્વાર ફોન કરીશ. આ કેસને લીધે વિદ્યાનગરની લાઇફ યાદ આવી ગઇ છે.”

“કેમ એવુ શું છે આ કેસમાં કે વિદ્યાનગર યાદ આવી ગયુ. ક્યાંક અનેરી તો નથી મળી ગઇને?” ગૌતમે મજાક કરતા કહ્યું.

“હા, યાર અનેરી મળી ગઇ છે. તે અહીં સુરતમાં જ છે.” રિષભે કહ્યું. આ સાંભળી ગૌતમ તો ચોંકી ગયો અને બોલ્યો “શું ગપ્પા મારે છે? આજ મારા જન્મ દિવસે તો સાચુ બોલ.”

“ના યાર સાચે જ અનેરી મળી હતી. તે અહી સુરતમાં જ રહે છે.” રિષભે સ્પષ્ટતા કરતા કહ્યું.

“ઓહ માય ગોડ. તે તને ક્યાં મળી ગઇ. તે તેને બે લાફા ના માર્યા. ગાળો તો દીધી જ હશે. કે પછી તેને જોઇને ફરીથી લટ્ટુ થઇ ગયો.” ગૌતમ ઉત્સાહમાં બોલી રહ્યો હતો.

“હા, યાર એવુ જ છે. તેની સાથે લડવુ હતુ પણ લડી શક્યો જ નહીં.” રિષભે પોતાની લાચારી વ્યક્ત કરી.

“એલા એસ.પી થઇને આવી લબાડ જેવી વાતો કરે છે. ઓકે પણ હવે તેને છોડતો નહીં. પ્રપોઝ કરી દે જે ,કે પછી તેના લગ્ન થઇ ગયાં છે.” ગૌતમ એકધારો બોલી રહ્યો હતો.

“હા, યાર તેના લગ્ન થઇ ગયાં છે પણ તે અત્યારે મુશ્કેલીમા છે. તેનો પતિ ત્રણ વર્ષથી લાપતા છે.” રિષભે કહ્યું.

“સારુ થયુ. તારી સાથે તેણે જે કર્યુ હતુ તેનુ ફળ જ તેને મળ્યુ છે.” ગૌતમ બોલી તો ગયો પણ પછી રિષભને ખોટુ લાગશે એમ વિચારી બોલ્યો “સોરી યાર પણ એણે જે તારી સાથે કરેલુ તેની જ સજા કદાચ તેને મળી હશે.” આ સાંભળી રિષભ હસી પડ્યો અને બોલ્યો “એલા મારા કરતા તો તે તેને વધુ ગાળો આપી હતી. કદાચ ભગવાને તારુ સાંભળી લીધુ હશે.”

“હા, તો મારા મિત્રને દેવદાસ બનાવી દીધો હતો તો ગાળો તો આપુ જ ને.” આટલુ બોલી ગૌતમ થોડો રોકાયો અને પછી બોલ્યો “યાર, જો બહુ શરમમાં ના રહેતો તેનો પતિ ભાગી ગયો તેમા તારો કોઇ વાંક નથી. મોકો મળે તો પ્રપોઝ કરી દે જે. નહીતર મારે સુરત આવી તેને કહેવુ પડશે કે આ દેવદાસ તારી યાદમાં જ હજુ એકલો રખડે છે.”ગૌતમે એકદમ લાગણીથી કહ્યું.

“સારુ ભાઇ. બીજુ બોલ ભાભી અને બધા શુ કરે છે? મારી યાદી આપજે. એક દિવસ શાંતિથી કોલ કરી તને બધી વાત કરીશ.” રિષભે વાત પૂરી કરતા કહ્યું.

“ઓકે, બાય અનેરીને મારી યાદી આપજે.” એમ કહી ગૌતમે કોલ કટ કરી નાખ્યો. રિષભે ફોન ટેબલ મુક્યો ત્યાં હેમલ અને અભય ઝડપથી ઓફિસમાં દાખલ થયા. તેના ચહેરા પરના એક્સપ્રેશન જોઇ રિષભ ચોંકી ગયો અને બોલ્યો “કેમ શું થયુ?” ત્યારબાદ હેમલે જે કહ્યું તે સાંભળી રિષભ પણ ખુરશીમાંથી ઊભો થઇ ગયો.

----------***********------------**********---------------********-------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM

Rate & Review

Vishwa

Vishwa 7 months ago

Saroj Bhagat

Saroj Bhagat 12 months ago

Shreya

Shreya 12 months ago

Nicky Mehta

Nicky Mehta 1 year ago

Bijal Patel

Bijal Patel 1 year ago