Mari shikshan Yatra Ni 2 daykani i safar: part 10 books and stories free download online pdf in Gujarati

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર ભાગ 10

અદકેરું સાક્ષરતા અભિયાન
અગાઉના પ્રકરણમાં વાત કરી,તે આગળ વધારીએ,તો માતૃછાયા સામાજિક જાગૃતિ અભિયાનને સમાજ દ્વારા ખુબ સુંદર આવકાર મળ્યો..બાળાઓને તો કંઈક નવું કરવા જોઈએ અને ઉત્તમ પ્રવૃત્તિ કરવા માટે સૌ થનગની રહી હતી..કોઈએ પાણી બચાવો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો, પહેલા પોતાના ઘર માં કેટલું પાણી બચ્યું એનો સર્વે કરી,નોંધ કરી,જણાવ્યું. એમના વાલી સાથે વાત કરી અને એ સાચા આંકડા જાણ્યા. ત્યારબાદ પડોશી અને સમાજના પાંચ પાંચ ઘરે ગયા અને તે અંગે સમજાવી તેમની પાસે શપથ લેવડાવી અને નોંધ પણ કરાવી. એ જ રીતે દરેક બાળકો પોતે પસંદ કરેલા વિષયો ઉપર કાર્ય કરવા હોશ પૂર્વક મંડી પડ્યા..
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એ.પી.જે‌ અબ્દુલ કલામ બાળકના વ્યક્તિત્વ ઘડતર માટેનો ઉત્તમ સમય 17 વર્ષ સુધીનો ગણે છે. તેઓ કહે છે કે,યુવાન એ દેશનું ભવિષ્ય છે, તેઓ રાષ્ટ્રનિર્માણમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે. એક સારા અને સમજદાર નાગરિક બનવા માટે સારા ભણતર સાથે બાળક સમાજ ઉપયોગી કાર્યો કરે તે પણ ખૂબ જરૂરી છે.
આ ભગીરથ કાર્ય કરવામાં મારી પ્રથમ શરૂઆત સ્વથી કરવાનું,તે સૌએ જાળવી રાખ્યું, એનો આનંદ હતો.
આજે વાત કરવી છે એક વિશિષ્ટ સાક્ષરતા અભિયાનની. નિરક્ષરતા નાબૂદીનો સુંદર બીડું ઝડપ્યું ...ગામડામાં રહેતી એક નાનકડી બાળા ધારાએ.....પેન્શનર કે સિનિયર સિટીઝન કે જે બેન્કમાં પૈસા ઉપાડવા રૂબરૂ જાય અને સહી કરતા ન આવડે તો બહુ તકલીફ પડતી હોય છે.શાળામાં થયેલી ચર્ચાને ધ્યાનમાં રાખી વર્ગમાં ખૂબ ઓછું બોલતી, શરમાળ પણ દ્રઢ નિર્ધાર ધરાવતી ધારાએ ગામડામાં તે જ્યાં રહેતી હતી ત્યાં આસપાસના ઘરો માં આવા સિનિયર સિટીઝન સુધી સાક્ષરતા અભિયાન ચલાવવાનું નક્કી કર્યું.. વર્ગમાં જ્યારે અભિયાનની વાત કરી ત્યારે એ કંઈ બોલી નહિ, પણ એની આંખમાં એક ચમકારો દેખાયો. ત્યારે મને લાગ્યું કે એના મનમાં કોઈ અજબ વાત રહી છે. વર્ગ પૂર્ણ થતા વર્ગની બહાર આવી મારી પાસે ધીમેથી બોલી:' બેન મારે સાક્ષરતા અભિયાન કરવું છે પણ હું ગામડા માં રહું છું ત્યાં બીજી કોઈ વિદ્યાર્થી ની મારી સાથે કાર્ય નહીં કરી શકે તો હું એકલી કરૂ?' એના પ્રશ્ન અને સુંદર વાત એ મારામાં અજબ ઉર્જા ભરી દીધી. મેં એની પીઠ થાબડી કહ્યું: 'બેટા જરૂર કરો હું તમારી સાથે છું.' પછી તેને પોતાના ગામડા ની વાત મને સમજાવી અને ત્યાંના નિરક્ષરો વયસ્ક વડીલોને અક્ષરજ્ઞાન આપવાનું શરૂ કર્યું બહુ જ નવાઈ લાગે એવી વાત છે.
ધારા કદી બોલતી નહી પણ પોતાના ગામમાં વયસ્ક વડીલોને મળી તેમને કહ્યું કે હું તમને ભણાવીશ... અમુક વડીલોને નવાઈ લાગી, અમુકને હવે આ ઉંમરે શું શીખીશું? ..એવો કંટાળો પણ વ્યક્ત કર્યો. પણ મક્કમ નિર્ધાર ધરાવતી અને ઉંમરના પ્રમાણમાં વધુ સમજદાર ધારા તેમને સમજાવવામાં સફળ રહી. અને સૌ ને વારાફરતી, તેમની અનુકૂળતાએ, તેમના ઘરે જઈ અને ક,ખ,ગ શીખવવા લાગી થોડા સમયમાં તે સૌને પોતાની સહી કરતા આવડી ગયું !! એટલું જ નહિ,ધારા એ એક સુંદર મજા નું રજીસ્ટર બનાવ્યું, એ પાનામાં દરેક ખાનામાં એક એક ના નામ અને તેમને ક, કા, કિ, કી શીખવ્યા તે (ખાનાઓ દોરી, તેમાં જ તેમના હસ્તાક્ષર કેદ કરાવ્યા. )અને તારીખ મુજબ એ તૈયાર કરી, છેલ્લે તે નિરક્ષર માં થી સાક્ષર બન્યાના પુરાવા રૂપે તેમની સહી કરાવી, તે આખો દસ્તાવેજ તૈયાર કર્યો!! અદભુત કામ કરી, સૌના મન જીતી લીધા.. જેમને સહી કરતા આવડી ગઈ, તે વડીલોએ ધારાને અઢળક આશીર્વાદ આપ્યા.એમને જોઈ બીજા પણ અનેક વડીલો તૈયાર થયા.હવે ધારા પાસે સમય ઓછો પડવા લાગ્યો!! કેમકે સાક્ષર બનવા પડાપડી કરતા વયસ્કોની સંખ્યા વધી ગઈ! પણ ધારા શાંતિપૂર્વક આ કામ કરતી રહી. એક નાનકડી બાળાએ "ફરતી પ્રૌઢ શાળા" ખોલી ગામના વયસ્કો માટે કેટલું સુંદર કાર્ય કર્યું!! સહુ દીકરીઓ માટે એ ઉત્તમ ઉદાહરણ બની રહી.અને શિક્ષક જીવ કેળવણીનું અદકેરું કાર્ય કરી,સમાજનું ઋણ અદા કર્યાના આત્મસંતોષ સાથે પોરસતો રહ્યો...
બાકીના આવા જ અને અદકેરા સામાજિક જાગૃતિ અભિયાનના પ્રોજેક્ટની વાતો હવે પછીના અંકમાં કરીશું...