My Education Journey - 3 books and stories free download online pdf in Gujarati

મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર - ભાગ 3


મારી શિક્ષણયાત્રા ની બે દાયકાની સફર 3(સંવેદનાની ખેતી)

શિક્ષણ એટલે ચેતનાની ખેતી એ તો આપણે સહુએ સાંભળ્યું જ છે.પણ તાજેતરમાં નિદાન ઉપચારાત્મક કાર્ય કરતા કરતા અજાણપણે સંવેદનાની ખેતી થઇ એ પાછળથી સમજાયું.એવી સુંદર મજાની ખુશી આજે આપ સહુ સુજ્ઞ મિત્રો સાથે વહેચવાનો લોભ જતો નથી કરી શકતી.આશા છે કે આપના પ્રતિભાવો પણ મને મળશે તો કદાચ હજી આનાથી પણ વધુ સારું કાર્ય આપનણે સહુ સાથે મળી કરી શકીએ અને ભાવિ પેઢીના ગણતર સાથે ઘડતરનુંકાર્ય કરી ઉતમ કેળવણી આપવાની આપણી સાચી ફરજ સારી રીતે નિભાવી શકીશું.

વર્ષ શરુ થાય એટલે ખાસ કરીને ધોરણ ૧૦ના બાળકો સાથે કામ કરવાનું હોય એટલે હાલની શિક્ષણ વ્યવ્સ્થા મુજબ સામાન્ય રીતે શિક્ષક પક્ષે માત્ર ઝડપથી કોર્સ પૂરો કરવો, પરીક્ષા માટે બાળકોને તૈયાર કરવા અને એમાય ખાસ ક્યાય લાગણી કે સવેદનાને બાજુ પર રાખી માત્ર પરીક્ષાલક્ષી ભણાવતા હોવાને કારણે અજાણતા પણ સવેદનાહીન રોબોટ તૈયાર કરવામાં ક્યાક આપણો પણ ફાળો છે જ,એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.આવા કપરા સમયે પણ જો ધીરજ રાખી બાળકના હૃદય સુધી પહોચીએ તો જરૂર સુંદર કાર્ય થશે એમ મારા અનુભવ પરથી કહી શકું.

સામાન્ય રીતે દર વર્ષે શરૂઆતના સમયમાં ધોરણ ૧૦ માં આવતા બાળકો સાથે થોડી વાતો કરું.પરીક્ષાનો ભય દુર થાય, બોર્ડના ખોટાહાઉમાંથી બહાર આવે અને ટેન્સન વગર સારી રીતે આગળ વધે એવા પ્રયત્નો કરું એને લગતી વાતો,ચર્ચા કરતી હોઉં છું.એ દરમ્યાન મારા વર્ગની તમામ વિદ્યાર્થીનીઓના મન સાથે હૃદય સુધી પહોચવાનો પ્રયત્ન જરૂર કરું.વર્ગખંડમાં સહુથી અગત્યની વાત છે ભાવાવરણ રચવાની વાત. શરૂઆતમાં એવા પ્રયત્નો રહે કે દરેક બાળકની કુટુંબ,આર્થિક,સામાજિક અને અન્ય પરિસ્થિતિ જાણી લઉં.તો એની સાથે કાર્ય કરવાની તથા તેની ક્ષમતાને ઓળખીને તેને આગળ વધારવામાં મદદરૂપ થઇ શકીએ.આ વર્ષે પણ એ મુજબ જ કર્યું.પણ મોટો પ્રશ્ન એ આવ્યો કે આ વર્ષ મારા વર્ગમાં વધુમાં વધુ ભણવામાં સમાન્ય સાથે અનિયમિતતામાં અવ્વલ અને ઈતર પ્રવૃતિમાં હોશિયાર (તોફાન અને વાતોમાં પણ) એવા મોટા ભાગના બાળકો મારા વર્ગમાં આવ્યા. મેં સામાન્ય રીતે અનુભવ કર્યો કે આ દરેક બાળક કોઈ ને કોઈ પ્રવૃતિમાં અજોડ હતું. પણ કાં તો ચોક્કસ દિશા નહોતી અને કાં તો એમની પોતાની થોડી આળસ હતી. એ સાથે દરેક ખુબ લાગણીશીલ હતા. એ પણ અમુક અનુભવો થયા.ત્યારે જએક દીકરીએ મને પ્રશ્ન કર્યો કે શું માત્ર ભણતરમાં જ પ્રથમ નંબર લાવે એ જ હોશિયાર કહેવાય? એ સંભ્તા મને પણ થયું કે એવી કોઈ માપપટ્ટી આપણે કેમ નથી રાખી કે માનવતા,દયા,કરુણા રાખતી વ્યક્તિઓ પાસે સવેદનાહીન અને માત્ર અભ્યાસમાં પ્રથમ નંબર મેળવતી વ્યક્તિઓ જ કેમ મુઠી ઉચેરી કહેવાય??

શરૂઆતમાં તો બધા વિષય શિક્ષકો ફરિયાદ કરતા.મારા વર્ગની વિદ્યાર્થીનીઓની અધુરાશ અને અનિયમિતતા દુર કરવા શું કરવું એ જ હું સતત વિચારી રહી હતી.એક વિદ્યાર્થીની છેલા કેટલાક વર્ષોથી નોટ પૂરી ન કરવા માટે પ્રખ્યાત.એ દીકરી ખુબ લાગણીશીલ.સાથે અન્ય પ્રવૃતિઓ ખુબ ગમે.ઉપરાંત પોતાના વર્ગના બોર્ડને સજવવામાં, બુલેટીન બોર્ડની સજાવટમાં અવ્વલ નંબર. પણ ખબર નહિ કોઈ કારણસર અભ્યાસ પ્રત્યે થોડી બેદરકાર બની ગઈ હતી..મેં અને એટલું જ કહ્યું કે તમે મારી દીકરી છો અને હવે મને કોઈ એમ કહે કે મારી દીકરી અનિયમિત છે તો કેવું લાગે? આટલું કહેતા તો ચોધાર આંસુએ રડવા લાગી અને એક મહિનામાં જે નોટ પૂરી નહોતી કરી એ માત્ર ૩ દિવસમાં અમારા સહુના આશ્ચર્ય વચે બધી જ નોટ્સ પૂરી કરી નિયમિત બની ગઈ!! બીજી એક દીકરી કે જે અતિ બુદ્ધિશાળી ઉપરાંત લાગણીસભર...કોઈ પણ વાત કે વિષયને લઈને તરત જ ચર્ચા કરી શકે અને પોતાના નવા નવા પ્રયોગોના સૂચનો દ્વારા સહુને અભિભૂત કરી દે.મલ્ટીટેલેન્ટેડ એવી એ કોઈ કારણસર ભણવાનું છોડી ૧૦ દિવસ ઘરે જ રહી. તેની અન્ય બહેનપણીઓ અને તેની મમ્મી સાથે અનેક મુલાકાતો કરી,વ્યક્તિગત સમજાવ્યું.તેની જ બહેનપણીએ એની સાથે બોલવાનું કોઈ કારણસર છોડી દીધું હતું.એને જ જવાબદારી સોપી એને પાછા લઇ આવવાની. ઉપરાંત બાકીની વિદ્યાર્થીનીઓને કહ્યું કે એને ફોન કરે અને વાત કરે કે તારી આમાં મદદની જરૂર છે પેલું કામ છે વગગેરે કહી એને શાળાએ આવવાની હોશ થાય એવું વાતાવરણ તૈયાર કરવું.મેં તો એમ જ કહ્યું કે મને તો તારા વગર શાળામાં ગમતું જ નથી.પેલી બહેનપણી મિત્રતા દ્રઢ કરવા સાથે પ્રેમથી હસતા હસતા એ બહેનપણીને પાછી લઇ આવી અને સુંદર રીતે એ બેય શાળામાં ભણવા લાગ્યા.બાળકના નાના મગજમાં આપને નાની લગતી વાતો કૂબ મોટી બની સંગ્રહાય જાય છે જેથી આપને બહુ સજાગ રહેવાનો સમય આવી ગયો છે.

એ દરમ્યાન શાળામાં ઓરી રૂબેલા રસીકરણ આવ્યું.વર્ગમાં સમજવવા ગઈ કે પોતાના મમી પાપાને આ વાત સમજાવે કે આ વખતે ઇન્જેક્શન લેવાનું છે.સ્વાભાવિક છે કે ઇન્જેક્શનના નામથી સહુ ડરે.એ વખતે અમુક દીકરીઓએ કહ્યું કે હું મારા મમ્મીને સાથે લાવીશ. ત્યારે એક દીકરી ખુબ રડવા લાગી... તપાસ કરતા ખબર પડી કે એના મમ્મી અચાનક ગયા વર્ષે જ મૃત્યુ પામ્યા હતા.આ નાનકડી દશમાં ધોરણમાં ભણતી દીકરી પર આખા ઘરની જવાબદારી આવી પડી છે.નાની બેન ને સંભાળે,પોતાની,બેનની અને પાપાની રસોઈ કરે,ઘરનું કામ કરે અને છેક રાતે લેશન કરવા બેસે.એ વાત કહેતા એ રડવા લાગી કે બહેન રાતે એટલી થાકી જાઉં કે લેશન પૂરું જ ન કરી શકું!!ખરેખર બાળકોને સંભળવા ખુબ જરૂરી છે. એ દીકરી વર્ગમાં પણ વારે વારે રડ્યા જ કરે.આ વખતે કહે કે મને ઇન્જેક્શન લેતી વખતે ડર લાગે તો હું કોનો હાથ પકડું?બેન તમે મારી પાસે ઉભા રહેશો? મેં કહ્યું હું તારી માં બની તારી સાથે ઉભી રહીશ બસ?ખરેખર મારો હાથ પકડીને એ રસી લઇ હસતા હસતા પોતાની નાની બેનની માંબનવા,એનો હાથ પકડી રસી અપાવવા ગઈ!! એક દિવસ એ શાળાએ નહોતી આવી ત્યારે બાકીના વિદ્યાર્થીનીઓને મેં સમજાવ્યું કે, “ક્યારેક એ દીકરીની દિનચર્યા જાણજો...તમને સહુને તો મમ્મી બધું જ તૈયાર આપે,લાડ પ્રેમ કરે,જયારે એ પણ તમારી જ ઉમરની છે,વિચારજો કે એના મન પર શું વીતતી હશે? લાડ પ્રેમ મેળવવાની ઉમરે એ બધું ભૂલી,પોતાની નાની બેનની માં બની એને લાડ પ્રેમથી સાચવે છે!પિતાની રસોઈ જાતે બનાવી,ઘરનું કામ કરી,પછી લેશન કરે છે.!! હવે એ દીકરી હસતી રહે એની જવાબદારી તમારા સહુની.મારા વતી એટલું કામ કરશો ને બધા ?”એ વાતની સવેદનશીલ વિદ્યાર્થીનીઓ પર એટલી અસર કરી ગઈ કે તે દિવસથી આજ સુધી મેં એ દીકરીની આંખમાં એક આંસુ નથી જોયુ!!! મોટા લોકો પણ ન કરી શકે એવું કામ આ નાનકડી દીકરીઓની સવેદનાએ કરી બતાવ્યું!! એ જ દરમિયાન વર્ગની વિદ્યાર્થીનીઓમાંથી અમુક વિદ્યાર્થીનીને રસીનું ઇન્જેક્શન લીધા પછી ચક્કર આવવાનું શરુ થયું ત્યારે અન્ય એક વિદ્યાર્થી કે જે પોતે સાવ દુબળી પાતળી એ સહકારની ભાવનાથી દોડાદોડી કરી તેના માટે ઓઆરએસનું પાણી બનાવી લાવવું,ડોક્ટરને બોલાવવા,મિત્રોનું ધ્યાન રાખવું વગેરે જવાબદારી સ્વયં ઉપાડી લીધી....એ જોઈ મને થયું કે આ વિદ્યાર્થીની તો જિંદગીના પથમાં અવ્વલ નંબર છે ..હવે એ અભ્યાસક્રમ પૂરો કરે કે ન કરે એ કરતા એને જિંદગીના અભ્યાસક્રમનો સહુથી કઠીન મુદ્દો માનવતા’,દયા,સહકારને કેટલો આત્મસાત કરી લીધો છે!! મને તો નથી લાગતું કે હવે આને કોઈ કેળવણીની જરૂર હોય??

એ દરમ્યાન ગુરુપૂનમ આવી ગઈ અને પછી મિત્રતા દિવસ...એ બેય દિવસમાં પ્રથમદિવસમાં બાળકો ગુરુવંદના કરે અને મિત્રતા દિવસમાં ખુબ આનદ કરે એ આપણે સહુ જાણીએ છીએ..એ તક ને ઝડપી લઇ વિદ્યાર્થીનીઓ સાથે એ વિષે થોડી વાત કરીને કહ્યું કે ગુરુ દક્ષિણા તો હું લઈશ જ.ગુરુ દક્ષિણમાં તમારે સહુ એ મને એવી ભેટ આપવાની કે તમે સહુ નિયમિત બનો.દરેક બાબતમાં ફરિયાદ ન આવે. એસાથે એ પણ કહ્યું કે આજથી મને નવા મિત્રો મળ્યા. મિત્રતા નિભાવવામાં કોણ હોશિયાર છે એ મારે જાણવું ને જોવું છે.અને હવે કોઈ વાતમાં તમારી ફરિયાદ આવે તો તમારા મિત્ર એટલેકે મારું ખરાબ લાગશે...અનહદ આશ્ચર્ય વચે એ લોકોની અનેક બાબતોમાં નિયમિતતા જોવા મળી.ઉપરાંત ગુરુપૂનામે પ્રર્થ્નાસભાના કાર્યક્રમમાં પૌરાણિક અને આધુનિક ગુરુ શિષ્ય પરંપરા અંગે જાતે જ નાટક તૈયાર કર્યું...જેની સ્ક્રીપ્ટ જાતે લખી,ડાયલોગ વેશભૂષા સહિતના નિર્ણયો જાતે જ લીધા અને ઉત્તમ નાટક રજુ કર્યું મારી મદદ વગર!!

એક જ મહિનામાં મારા અનેક લાગણીભર્યા પ્રયોગોથી તમામ વિષય શિક્ષકોના પ્રશ્નો બદલાઈ ગયા અને મને પૂછવા લાગ્યા કે શી જાદુ કર્યો છે તમે બાળકો પર? આટલો ફેરફાર? અનિયમિતતા ધીમે ધીમે દુર થવા લાગી..અધુરાશ તો લગભગ નાબુદ!! ત્યારે જરૂર એમ કહી શકાય કે બાળકને ધમકાવવું,સજા કરવી કે પ્રેમથી માત્ર એટલું જ કહેવું કે તું મારો છે.મને તારા પ્રત્યે ખુબ પ્રેમ છે...આ બે જ વાક્યોની જાદુઈ અસર કાયમી રહેશે!

સહુથી ઉતમ કાર્ય તો થયું...ઉપચારાત્મક કાર્યમાં એકબીજાને મદદ કરવાનું.આ દરમ્યાનમાં પ્રથમ નિદાન કસોટી (મૂલ્યાંકન)લેવાઈ,અપેક્ષિત પરિણામ જ મળ્યું...ઘણા બધા બાળકોને ઉપચારાત્મક કાર્ય કરવાની જરૂર લાગી..પણ એ માત્ર અભ્યાસક્રમમાં જ.કેમકે જેમ જેમ એ લોકો સાથે વધુ વાતો કરતી ગઈ એમ એમ ખબર પડી કે આ બાળકો તો સંવેદનાનો ભંડાર છે.જેમ વધુ નજીકથી ઓળખતી ગઈ ત્યારે જાણે એવું લાગ્યું કે એ બધામાં માનવતા તો ઠાસી ઠાસીને ભરી છે.મને મારા શબ્દો યાદ આવ્યા જે હું દર વર્ષે પ્રથમ તાસમાં કહેતી હોઉં છું કે પ્રેમ,દયા,માનવતા,લાગણી,પ્રમાણિકતા,નીતિમત્તા જેવા વિષયો ક્યાય કોઈ શાળાના ટાઇમ ટેબલમાં જોવા નહિ પડે.આ તો અંદરની વાત છે..! જયારે દર વર્ષની જેમ આ વખતે પણ એક નબળી વિદ્યાર્થીને ને એક સબળી વિદ્યાર્થીની દત્તક લેવા માટે તૈયારી શરુ કરી ત્યારે આ વખતે મેં કૈક અલગ વાત કરી કે હું જોડી નહિ બનાવી આપું પણ તમારે જાતે જ બનાવવાની રહેશે..પ્રથમ તો જાતે નિર્ણય બહુ જલ્દી ન લઇ શકય, વિચારમાં પડી ગયા.પણ જયારે તમે એમના પર છોડી દોછો કે એક સ્વતંત્રતા આપો છો ત્યારે ખરા અર્થમાં એમની અંદરનો એક લીડર જાગૃત થાય છે. એ અનુભવ કર્યો.દરેક સબળી અને નબળી વિદ્યાર્થીનીએ જાતે જ પોતાની જોડી શોધી ને જાતે પરસ્પરવલંબનથી કામ શરુ કરી દીધું.હું રોજ રીસેસની છેલ્લી ૧૦ મિનીટ બાળકોને મળું.જે પણ ડાઉટ હોય તે સોલ્વ કરવાનો પ્રયત્ન કરું એ કાયમનો નિયમ.એ જોઇને એમણે પણ નક્કી કર્યું કે એ લોકો પણ રોજ પોતાની રીસેસ સ્વયં ૧૦ મિનીટ વહેલી પૂરી કરી.એકબીજાને મળશે.ઉપરાંત વર્ગમાં બેસવાની વ્યવસ્થા પણ એવી કરી કે એ પોતાની જોડી સાથે બેસે અને ન આવડતા પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવતી રહે.એક નોટ બનાવી જેમાં પોતે દત્તક લીધેલ વિદ્યાર્થીની પૂરી વિગત તૈયાર કરી.પ્રથમ તો એમની નોટ અધુરાશ પૂરી કરવામાં મદદ કરી.બાદ તેમને ન આવડતા વિષયો અંગે પોતાની નોટમાં અલગ નોંધ તૈયાર કરી.ઉપરાંત એકબીજાના મોબ.નંબર મેળવી,રોજ સાંજે સમય નક્કી કર્યો એ સમયે એકબીજાની સાથે વાત કરી વધુ માર્ગદર્શન આપી આગળ વધવા પ્રયત્નો કરે.જેનું રોજનું રીપોર્ટીંગ મને કરે ને હું જ્યાં જરૂર લાગે એટલું જ માર્ગદર્શન આપું.નોટમાં રોજ તારીખ મુજબ નોંધ કરે.ખુબ સુંદર વાતાવરણ રચાયું.નાનકડી દીકરીઓની પરસ્પર સહકારની ભાવના જોઈ લાગ્યું કે હવે કદાચ ભવિષ્યમાં એ સંયુક્ત કુટુંબમાં જ રહેશે અને સફળ વહુ,ગૃહિણી,માતા જરૂર બની રહેશે!

એક દીકરી ખુબ નબળી..એને શીખવનાર વિદ્યાર્થીની મને વાત કરવા આવી અને કહે કે બેન આને ગણિત તો ઠીક,ગુજરાતીના પ્રશ્નો પણ નથી ફાવતા.એટલે હું હવે એને બધા વિષયમાં રમુજી સ્વરૂપમાં કે વાર્તા સ્વરૂપે કહીને પછી લખવા આપું છું!! અહો આશ્ચર્યમ....આ નાનકડી દીકરીનો આટલો સુંદર પ્રયત્ન શિક્ષકોને માત્ર ચોક અને ટોક માંથી બહાર આવી નવી પધ્તિઓ અપનાવવાનું શીખવી ગઈ!!

આ વખતે મેં રીસેસમાં મળવા અંગેની વાતમાં નવું ઉમેર્યું કે ભણવા સિવાય પણ તમે સહુ મારી પાસે કોઈ પણ પ્રશ્નના જવાબ માટે કે ચર્ચા માટે આવી શકો. મેં કહ્યું કે કઈ નહિ ખાલી વાતો કરવા આવશો તો પણ મને ગમશે... અમુક દીકરીઓ એ પૂછ્યું કે બહેન તમારી પાસે બધા જ પ્રશ્નોના જવાબ હશે ?મેં કહ્યું હા બેટા,હું મારાથી બનતા પ્રયત્ન કરીશ કે તમારા પ્રશ્નોનું સમાધાન કરી શકું. મિત્રો આપ સહુને જાણીને ખુબ નવી લાગશે કે દીકરીઓ પોતાના ઉમરને લઇ ઉદ્ભવતા પ્રશ્નો લઈને આવી,વિજાતીય આકર્ષણ આ ઉમરમાં સહુથી વધુ જોવા મળે અને આજના સમાજમાં અનેક પ્રશ્નો મુગ્ધાવસ્થાની ભૂલોને લઈને થતા હોય છે.એ અંગેનું માર્ગદર્શન લેવા પણ આવવા લાગી..હદ તો ત્યારે થઇ કે એક દીકરી એવું પણ પૂછવા આવી કે બેન તમે મને પેટના દુખાવાનો ઉપાય બતાવશો?મારું પેટ છેલ્લા ઘણા સમયથી બહુ દુખ્યા કરે છે.!! ઘરગથુ ઉપાય બતાવો ને.! એ પ્રશ્ન મારી સમજ મુજબ અને કુદરતી ઉપચાર અને એક્યુપ્રેસરના મારા અનુભવને આધારે ઉકેલવાનો પ્રયત્ન કર્યો અને એમાં પણ સફળ રહી.એક દીકરી અભ્યાસમાં ખુબ જ નબળી અને નોટોમાં પણ ખુબ અનિયમિત.એ દીકરી પણ રીસેસમાં મળવા આવી અને થોડી સંકોચાઈ પછી વાતોમાં ખુબ ખીલી..અને પોતાનું જીવન મારી સાથે શેર કરતા આંખમાં આંસુ સાથે કહે કે બેન તમને ખબર છે? મારા મમ્મી પાપા મને અનાથ આશ્રમ માંથી લઇ આવ્યા છે!!ને પાપા હમણાં બીમાર છે એમને ડાયાલીસીસ કરે છે.અભ્યાસમાં સાવ નબળી એ વિદ્યાર્થીને ડાયાલીસીસ કેમ થાય,કેવી રીતે થાય,શા માટે થાય એની બધી જ પદ્ધતિની માહિતી એ વૈજ્ઞાનિક રીતે જાણતી હતી!! હવે કોણ કહી શકેકે આ દીકરી વિજ્ઞાનમાં નબળી છે?! પાલક પિતા પ્રત્યેની સવેદના અને પ્રેમ જ સહુથી મોટી મૂડી છે.બીજી એક દીકરી કહેવા આવી કે મારા મમ્મીને પણ બેય કીડની ફેલ હોવાથી ડાયાલીસીસ કરવામાં આવે છે,પણ મારા તો પાપા,મોટોભાઈ બધા છે,આ બહેનપણી જેવી તકલીફ મને નથી...એટલે હું હમેશ એની સાથે રહીશ. પાક્કી અને સાચી મિત્રતા સાથે પોલીએનાની વાત કેટલી સહજ અને સરળ રીતે અપનાવી એ દીકરી રાજીપાની રમતદ્વારા આપણને સહુને જીવન જીવતા શીખવી ગઈ? એક દીકરી એમ પણ કહેવા આવી કે,’તમે તો વર્ગમાં કહો છો કે અભ્યાસ સિવાય કોઈ બીજી પ્રવૃતિ ગમતી હોય તો એ કરી શકાય.એ પણ ખુબ હોશિયાર જ કહેવાય.તો મેં બુલેટીન બોર્ડમાં કેટલું સરસ પેપર આર્ટ કરી આપ્યું છે?તો હું તમારી દ્રષ્ટિએ હોશિયાર અને મારી મમ્મીની નજરમાં સાવ નીચી! ! એ મને આખો દિવસ તોક્ય કરે કે તારી બીજી બહેનો ભણે છે સારી રીતે ને તું અન્ય પ્રવૃત્તિ જ કરે છે... તમે મારી મમ્મીને સમજાવી શકો?એની રોજની ટક ટકમાંથી મને છોડાવી શકો?તમારી દ્રષ્ટિએ એમને જોતા કરી શકો?!!( મેં એને સમજાવી અને એની મમ્મીને મળી વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો.આશા છે કે કદાચ એ સમજે!) ખરેખર આપણે પણ વાલી કે શિક્ષક તરીકે ક્યાંક આમાં આ દીકરીના મમ્મીની જગ્યાએ તો નથી ને?વિચારવું જ રહ્યું!

પછી એક દિવસ એક ફ્રી તાસમાં વર્ગમાં ગઈ ત્યારે એમની સાથે વાતો કરી કહ્યું કે હું તો તમારા બધાથી બહુ ખુશ છું.તમારા બધા પાસે મને કેટલું શીખવા મળ્યું?” ત્યારે એ બધા કહે કે બેન, મજાક કરો છો અમારી? બધા શિક્ષકો અમને વઢે છે.ને તમે આવું કહો છો? કહો તો ખરા કે તમને અમારી પાસે શું શીખવા જેવું લાગ્યું?” ત્યારે મેં કહ્યું કેમિત્રતા,માનવતા,દયા,કરુણા,સહકાર અને સહુથી મોટી વાત એકબીજાને મદદ કરવાની વાત.!! ને મને આપેલ વાયદો પાળવાની વાત! એક એક દીકરીને ઉભી કરી એના એક એક કરેલ સારા કાર્ય યાદ કરાવ્યા, એમને સ્વમૂલ્યાંકન કરતા શીખવ્યું.ત્યારે એમને પણ ખબર પડી કે એમનામાં શું રહેલું છે. અને ખરેખર જીવનમાં આ જ જરૂરી છે.

મેં કોઈ જાદુ નહોતો કર્યો. બસ હું ફક્ત મારા શિક્ષક કરતા મારી અંદર રહેલ કેળવણીકાર અને એનાથી આગળ કહું તો એક માનવ બની રહી એમને એવા બનવા પ્રેરણા આપી.મેં માત્ર એમને સહુને સાંભળ્યા,એમના હૃદયને વાચા આપી,.એમને સહુને મહત્વ આપ્યું,નાનું પણ કર્યું હોય તો પણ બધા વચે બિરદાવ્યા .. .જરૂર લાગ્યું ત્યાં માતા,પ્રેક્ષક,મિત્ર,સાંભળનાર બની રહી,ક્યાંક વિદ્યાર્થીની અને વાલી વચે કડી બની રહેવાની કોશિશ કરી.બસ અને પછી થઇ એ ચેતનામાં સંવેદનાની ખેતી....જેની સુવાસ બધે જ પ્રસરી રહી છે...આજે વર્ગમાં સુંદર,સુમેળભર્યું,ઉલ્લાસભર્યું વાતાવરણ બની રહ્યું છે...સહુથી વધુ મજા તો ત્યાં આવી કે જયારે મેં એમ કહ્યું કે તમે સહુ જિંદગીની સહુથી મોટી પરીક્ષામાં પાસસ થઇ ગયા.જ્યાં પ્રેમ,કરુણા,સહાનુભુતિ,પરસ્પર મદદ કરવાની ભાવના જેવા અત્યંત અગત્યના મુદાઓ તો તમારા સહુમાં સહજ છે.જે અમારા સહુ માટે પ્રેરણા રૂપ છે! એ વખતે એમના ચહેરા પર આત્મવિશ્વાસ અને આન્નાદનો ભાવ મને આત્મસંતોષથી ભરી ગયો.

ખરેખર મિત્રો તમને સહુને નથી લાગતું કે આપણે આ જ કરવાનું છે.કોણ કહે છે કે આજની પેઢી સંવેદનહીન છે?કોણ કહે છે કે આજની પેઢીમાં સમજ નથી? કોણ કહે છે કે આજની પેઢી પાસે ધ્યેય નથી? જરૂર છે માત્ર માછલીની આંખ જ જોતા કરનાર દ્રોણાચાર્યની,જરૂર છે માત્ર એક ચાચા નહેરુની કે જેને બાળકો સહુથી વધુ વહાલા હતા,જરૂર છે માત્ર રામકૃષ્ણ જેવી દ્રષ્ટિ કેળવવાની કે જેને વિવેકાનંદ સહીત બધામાં ભગવાન દેખાય અને આપણને આપણા દરેક બાળકમાં ભગવાન દેખાય! બાળ દેવો ભવની ભાવના ચરિતાર્થ કરીને એક તક તો એને આપો બોલવાની અને એક તક તો તમે લો ક્યારેક એમને સાંભળવાની,એક દ્રષ્ટિ તો કેળવો એમને મુલવવાની......પછી જુવો કેવો સુંદર માનવ સમાજરચાય છે...જ્યાં નફરત દ્વેષ,અને અહં ની જગ્યા એ માત્ર અને માત્ર પ્રેમ,કરુણા,મુદિતા વહેતી હોય....!!