Slaves - 12 books and stories free download online pdf in Gujarati

ગુલામ – 12

ગુલામ – 12

લેખક – મેર મેહુલ

( બિનસચિવાલયની તૈયારી – 1)

જૂન, 2019

અભય વહેલો જાગીને વાંચવા બેસી ગયો હતો. અડધી કલાક વાંચ્યા પછી તેનું મન ભટક્યું એટલે થોડીવાર હવા ખાવા માટે બહાર નીકળ્યો. તેનાં બા રોટલી કરતાં હતાં અને પીતાં શિરામણ.

“આજે મારું ટિફિન બનાવજો બા” અભયે આળસ મારોડતાં કહ્યું.

“બપોર હુધી ખેતરમાં કામ છે, જમીને વાંચવા હાલ્યો જાજે” ભુપતભાઇએ ભાખરીનું બટકું ચાવતાં ચાવતાં કહ્યું. અભયે પરાણે માથું ધુણાવ્યું અને અંદર ચાલ્યો ગયો.

બપોર સુધી અભયે ખેતરમાં કામ કર્યું, જમીને પછી એ ઉદયનાં ઘરે વાંચવા ચાલ્યો ગયો. ઉદય,સૌરભ અને અભય સાથે મળીને વાંચવાનું નક્કી કર્યું હતું. સૌરભ બારમાં પછી સુરત ચાલ્યો ગયો હતો, એ પણ અભયની જેમ જ નોકરીને છોડીને પરીક્ષાની તૈયારી કરવા આવ્યો હતો. સુરત જેવા મોટા શહેરને છોડીને પ્રતાપગઢ જેવાં નાના ટીમ્બામાં પરીક્ષાની તૈયારી કરવા આવે એ આશ્ચર્યજનક વાત હતી.

અભય નીચે ફળિયામાં ચપ્પલ કાઢીને ત્રીજા માળે ગયો. ત્રીજા માળે 12×10 ની એક ઓરડી હતી. ઓરડી આગળ મોટાં હોલની અગાસી હતી અને પાછળની સાઈડ નાનકડી ગેલેરી હતી. રૂમમાં જ એટેચ બાથરૂમ હતું. અભય રૂમમાં પ્રવેશ્યો તો ખૂણામાં એક લોખંડનો ખાટલો પડ્યો હતો, ખાટલાં પર પુસ્તકોનો ઢગલો હતો, ખાટલાંનાં એક ખૂણામાં દીવાલને ટેકો આપીને સફેદ લાદી પર સુઇને ઉદય બંધારણની બુક વાંચતો હતો, બીજાં ખૂણામાં સૌરભ એ જ સ્થિતિમાં સૂતો સૂતો ગુજરાતનો ઇતિહાસ વાંચતો હતો.

અભય રૂમમાં પ્રવેશ્યો એટલે બંનેએ પુસ્તકો બાજુમાં રાખ્યાં.

“ક્યાં રહી ગયો હતો ?” સૌરભે ઊભાં થતાં પુછ્યું.

“ખેતરમાં થોડું કામ હતું” અભયે ખભેથી બેગ ઉતાર્યું અને ઉદય પાસે આવીને ઢળી ગયો. ત્રણેય વચ્ચે ફોર્મલ વાતો થઈ ત્યારબાદ અભયે એક ખૂણો શોધી લીધો અને ત્રણેય વાંચવામાં મગ્ન થઈ ગયાં.

અડધી કલાક થઈ એટલે અભયનું મન ભટક્યું. તેણે ચોપડીને બાજુમાં રાખી અને સૌરભની સામે જોયું. સૌરભ પણ અભય સામે જોઈ રહ્યો હતો.

“તું બિનસચિવાલયની તૈયારી માટે સુરતથી અહીં કેમ આવ્યો ?, સુરતમાં ઘણીબધી લાઈબ્રેરીઓ છે, ક્લાસિસ ચાલે છે” અભયે પુછ્યું.

“ત્યાં ધ્યાન ભટકી જાય, અહીં શાંત વાતાવરણ મળે એટલે વધુ યાદ રહે” સૌરભે બનાવટી હાસ્ય સાથે કહ્યું.

“આપણે હવે ચાર-પાંચ મહિના સાથે જ રહેવાનું છે સૌરભ, સાચું બોલીશ તો મજા આવશે” ઉદયે આંખો ઝીણી કરી.

સૌરભે આંખો બંધ કરી, ઊંડો શ્વાસ લીધો અને પછી નિઃસાસો નાંખ્યો,

“મારાં પાપા મને એક છોકરી સાથે જોઈ ગયેલાં” સૌરભે કહ્યું, “બીજા દિવસે મને ગામડે આવતી બસમાં બેસારી દીધો”

ઉદય અને અભય બંને હસવા લાગ્યાં.

“એવી તો કેવી હાલતમાં તમને જોઈ ગયાં હતાં કે સીધો બસમાં જ બેસારી દીધો” ઉદયે હસતાં હસતાં પુછ્યું.

“વાત જ ના પૂછ, એવી કઢંગી હાલતમાં જોઈ ગયા હતાં. મને લાગ્યું બે લાફા ઝીકી દેશે પણ એ ચુપચાપ ચાલ્યાં ગયાં અને હું ઘરે ગયો તો ઉમરાળાની ટીકીટ પકડાવી દીધી. સારું થયું બિનસચિવાલયની નોટિફિકેશન આવી નહીંતર મારેય ખેતરમાં કામ કરવું પડેત”

“તે તો ભૂલ કરીને તારી સાથે આવું થયું, મારે તો ભૂલ વગર સહન કરવું પડ્યું હતું ભાઈ” અભયે પોતાની વાત શરૂ કરી.

“હવે શરૂ ના થઇ જતો” ઉદયે હસીને કહ્યું, “તારી બોઉ લવારી સાંભળી છે મેં”

“હા તો હજી સાંભળવી જ પડશે, તું એક જ છે જેને હું બધું કહું છું” અભયે કહ્યું.

“પણ અત્યારે આપણી પાસે સમય ઓછો છે અને વાંચવાનું વધુ છે તો તારા બાપાને સાઈડમાં રાખીને વાંચવામાં ધ્યાન આપીએ”

“મારે બીડી પીવી છે” સૌરભ ઉભો થયો.

“એ ભાઈ, અહીં કંઈ નહીં હો. મારાં બાપાને ખબર પડશે તો વાંચવાનું બંધ થશે” ઉદયે કહ્યું.

“ત્રીજો માળ ચડીને કોણ આવે છે ?” અભયે કહ્યું, “આમય તમારો આ રૂમ ખંડેર જ હતો ને !!”

“તો પણ, મારી બા અઠવાડિયામાં એકવાર સાફસફાઈ કરવા આવે જ છે, જો બીડીનાં ફૂલા જોઈ જશે તો આપણો ત્રણેયનો વારો પડી જશે”

“હું ફૂલા નહિ ખરવા દઉં” કહેતાં સૌરભે ચોપડામાંથી એક પેજ ફાડ્યું અને ફોલ્ડ કરીને એશટ્રે બનાવી લીધી.

“હવે કોઈ વાંધો નથીને ?” સૌરભે નેણ નચાવીને પુછ્યું.

“મને તો કંઈ વાંધો નથી, કોઈ જોઈ જાય તો મને ના કહેતો પછી”

“જોઈ જશે ત્યારે જોયું જશે” સૌરભે ગજવામાંથી ઝુડી-બાકસ કાઢ્યું, “કોઈને પીવી છે ?”

અભયે એક ઊડતી નજરે ઉદય તરફ ફેરવી. ઉદયે નકારમાં માથું ધુણાવ્યું.

“ના” અભયે અનિચ્છાએ કહ્યું.

*

વાંચવાનો બીજો દિવસ હતો. બીજા દિવસે પણ અભય ખેતરનું કામ પતાવીને બપોરે જ આવ્યો હતો. ઉદય નીચે જમવા ગયો હતો અને સૌરભ બીડી પી રહ્યો હતો.

“બે દમ આપને” અભયે બીડી તરફ લાલચભરી નજરે જોઈને કહ્યું.

“બે દમ શું કામ ?” સૌરભે કહ્યું, “પુરી બીડી જ પી ને ?”

“ના હવે, થોડીવારમાં ઉદય આવી જશે. એ મને બીડી પીવાની ના પાડે છે”

સૌરભે બીડીનું ઠુંઠુ અભયનાં હાથમાં આપ્યું, અભયે ઊંડા ઊંડા બે દમ ખેંચ્યા અને વાંચવા બેસી ગયો. બધાને હજી વાંચવાની શરૂઆત જ હતી એટલે અડધી કલાકથી વધુ કોઈ વાંચી ના શકતું. અડધી કલાક થાય એટલે કોઈનું તો મન ભટકતું જ. પછી પાંચ મિનિટનો બ્રેક લેતાં અને બે કલાક સુધી અવનવી વાતો કરતાં. વાંચવાનું છે એવું કોઈને યાદ આવે એટલે ફરી અડધી કલાક સુધી બધાં વાંચવા મંડતા.

ધીમે ધીમે મહિનો પસાર થઈ ગયો. અભય રોજ બપોરે વાંચવા આવતો. તેનાં પપ્પા કોઈને કોઈ કામ ચીંધી દેતા જેને કારણે તેને બપોર સુધી ખેતરમાં રહેવું પડતું. આ ક્રમ રોજનો થઈ ગયો હતો. ઘણીવાર ખેતરમાં બળનું કામ આવતું ત્યારે અભય વાંચવાના સમયે પણ લોથપોથ થઈને સુઈ જતો.

એક દિવસ અભય ગુસ્સામાં દાદરો ચડીને પગ પછાડતો પછાડતો રૂમમાં પ્રવેશ્યો.

“શું થયું ભાઈ ?” ઉદયે પૂછ્યું, “કેમ ચહેરો લાલ દેખાય છે ?”

અભયે પોતાનાં બંને હાથ આગળ કર્યા, બંને હાથની હથેળીમાં ફરફોલા પડી ગયાં હતાં.

“આ શું થયું ?” સૌરભે જિજ્ઞાસાવશ પુછ્યું.

“મારાં બાપા સમજતાં નથી, સરકારી નોકરીની તૈયારી કરવા કહે છે અને ખેતરમાં કામ કરાવે છે. એક દિવસનું હોય તો સમજ્યા, હવે તો રોજનું થયું. એનાં લીધે વાંચવામાંય ધ્યાન નથી રહેતું. આજે પાવડો પકડાવી દીધો અને રીંગણીનાં પાળા ખેંચવા કહ્યું, એનાં લીધે આ હાલ થયાં” અભયે ચાબુક જેવાં શબ્દોની ભડાસ કાઢતાં કહ્યું.

“અલા, બાપા કરે તો તારેય કરવું પડેને” સૌરભે કહ્યું, “એમાં ખોટું શું છે ?”

“ખોટું કશું નથી મારાં ભાઈ, મારાં બાપા મને કામ સોંપીને રખડવા ચાલ્યાં જાય છે. બાજુવાળાનાં ખેતરમાં ચા પીવા જાય છે, કોઈ મળવા આવ્યું હોય તો બે કલાક સુધી ખેતર જ દેખાડશે. હું ખેતરમાં હોઉં એટલે તેઓને કોઈ ચિંતા જ નથી હોતી. સાથે કામ કરાવે તો જલ્દી થાયને, પણ એવું તો કરવું નથી” અભયે એ જ અંગાર જેવાં ભભકતાં શબ્દો ઉગાર્યા.

“બસ હવે, શાંત થા” ઉદયે કહ્યું, “નોકરી મળી જશે એટલે બધું બદલાય જશે. છાનોમાનો એક ખૂણો પકડી લે અને વાંચવા મંડ”

ઉદય એક જ એવો વ્યક્તિ હતો જેની વાત અભય કોઈ દલીલ વિના માની લેતો. તેણે બેગ ખાટલાં પર રાખ્યું, તેમાંથી એક ચોપડી કાઢી, નીચે પડેલી બોટલમાંથી બે ઘૂંટ પાણી પીને પોતાની જગ્યાએ જઈને બેસી ગયો.

એક કલાક થઈ એટલે તેને વાંચવામાં કંટાળો આવવા લાગ્યો, એટલે સરકીને એ લાંબો થયો અને આખરે વાંચતા વાંચતા જ ચોપડી તેનાં ચહેરા પર પડી ગઈ અને અભય ઊંઘમાં સરી ગયો.

(ક્રમશઃ)