Personal Diary - Generation Gap books and stories free download online pdf in Gujarati

અંગત ડાયરી - જનરેશન ગેપ

અંગત ડાયરી
============
શીર્ષક : જનરેશન ગેપ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૨૦, ડીસેમ્બર ૨૦૨૦, રવિવાર
તાજું જન્મેલું બાળક એટલે કુદરતની ફેક્ટરીમાં બનતાં મનુષ્ય નામની પ્રોડક્ટનું લેટેસ્ટ વર્ઝન. કંઈ ઘટે નહીં. કહે છે કે નવી પેઢી બહુ ઝડપથી બધું શીખી લે છે. મોબાઈલને મચડ મચડ કરવાથી શરૂ કરી, નાચવું, થીરકવું એ ચપટી વગાડતાં શીખી જાય છે. ‘આપણે આવડાં હતાં ત્યારે આપણને કંઈ ખબર પડતી નહોતી’ એવું ઘણાના મોઢે તમે સાંભળ્યું હશે. આપણે જે માંડ માંડ શીખીએ કે પામીએ છીએ એ નવી પેઢી માટે રમત વાત હોય છે.

બે પેઢીઓ વચ્ચે રહેલી અનેક ભિન્નતાઓને કારણે સર્જાતા ગેપને જનરેશન ગેપ કહે છે. ઘણા લોકો આ ગેપને સમજવાની, એને દૂર કરવાની ચિંતા કરતા હોય છે. શું જનરેશન ગેપ ઝીરો થઈ શકે ખરો? કે.જી.માં ભણતા બાળક અને કોલેજીયનની કે નવપરણિત યુગલ અને લગ્નની રજતજયંતિ ઉજવતા યુગલની સમજ, રહેણી-કરણી વચ્ચેના તફાવતને દૂર કરી શકાય ખરો? કરાય ખરો?

શું જનરેશન ગેપ એ સમસ્યા છે? કે સહજ, મૌલિક, અનિવાર્ય પરિસ્થિતિ છે? મને તો એવું લાગે છે કે જનરેશન ગેપ ઝીરો હોય એ ચિંતાનો વિષય છે. પચ્ચીસ-પચાસ વર્ષના ગેપ વાળી બે પેઢીના વાણી, વર્તન, વિચારો સાવ સરખાં હોય તો શું થાય? સાંઠ વર્ષના વડીલ પણ નિરાશાની વાતો કરે અને ત્રીસ વરસનો યુવાન પણ રોદણાં જ રુએ એ યોગ્ય છે ખરું? અથવા તો વીસ વર્ષનો યુવાન પણ નાચતો-કૂદતો અને થનગનાટ કરતો હોય અને સાંઠ વર્ષના વડીલ પણ ઠેકડા-ઠેકડી કરે એ યોગ્ય છે ખરું? મારું તો માનવું છે કે જનરેશન ગેપ એ તંદુરસ્ત સમાજનું લક્ષણ છે, રોગીષ્ટ સમાજનું નહીં. તમે શું માનો છો?

નવી પેઢી કમ્પ્યૂટર પ્રોગ્રામિંગની પરાકાષ્ઠા માણે અને જૂની પેઢી જપ-તપ-ધ્યાનની પરાકાષ્ઠા માણે એ દૃશ્ય વખોડવા જેવું નહીં, વખાણવા જેવું છે. કમ્પ્યૂટરના યુગની શરૂઆત થઈ ત્યારે જૂની પરંપરાગત પદ્ધતિથી વહીવટ ચલાવતા સિનિયર કમર્ચારીઓએ નાકના ટેરવાં ચઢાવેલા. આજે કોઈ ઓફિસ એવી નથી જેમાં કમ્પ્યૂટર ન હોય. નવી પેઢી હોંશે હોંશે ડિજીટલ દુનિયામાં જીવવા માંડી છે. જૂની પેઢીને પણ હવે ડિજીટલ ક્રાંતિના મીઠાં ફળ ભાવવા માંડ્યા છે. આપણી જૂની પરંપરાઓનો, ખટમીઠાં રીત-રિવાજોનો ભરપૂર ઉપયોગ કરતા રાજશ્રી પ્રોડક્શનની 'હમ આપકે હૈ કૌન', 'હમ સાથ સાથ હૈ', 'વિવાહ' જેવી ફિલ્મો આપણી યુવા પેઢીએ પણ સહકુટુંબ ધામધૂમથી વધાવી લીધી હતી. એ શું સૂચવે છે? મને તો લાગે છે કે પરંપરાઓ અને વ્યાવહારિક નિર્ણયો વડીલો (જૂની પેઢી)ના માન્ય ગણવા જયારે મકાનની ડીઝાઈન, ગાડીનું મોડેલ વગેરે નવી પેઢીને નક્કી કરવા દેવામાં આવે ત્યાં જનરેશન ગેપ શોભી ઉઠે છે અને જ્યાં જૂની પેઢી ગાડીના મોડેલ નક્કી કરે છે અને નવી પેઢી પરંપરાઓ નક્કી કરે છે ત્યાં, જનરેશન ગેપ વકરે છે.
આજના 4G કે 5G મોબાઈલ વાપરતો વ્યક્તિ જો ગ્રેહામ બેલે બનાવેલા પહેલવહેલા ટેલિફોનના ફીચર્સ સાંભળે તો એ એને ફોન માનવા તૈયાર જ ન થાય. રાઈટ બંધુઓએ બનાવેલા ખાટલા જેવા વિમાનના ફીચર રાફેલના જમાનામાં હાસ્યાસ્પદ જ લાગે. પણ, વિજ્ઞાનની દુનિયામાં જૂના સંશોધકોના નામ આજે પણ સન્માનથી લેવાય છે. નવી પેઢી ખાલી એટલું યાદ રાખે કે એનું અસ્તિત્વ જૂની પેઢીને લીધે છે અને આજની નવી પેઢી આવતી કાલની જૂની પેઢી (એટલે કે આજની વહુ આવતી કાલની સાસુ) થઈ જવાની છે, તો જનરેશન ગેપ આદરપાત્ર બની જાય. જો જૂની પેઢી પોતાના હઠાગ્રહની, જડતાની ધૂળ ખંખેરી, નવી પેઢીના વિચારોની કદર કરે તો જ નવી તાજગી, સુગંધ અને સુવિધાઓ સમાજને શ્રેષ્ઠતા બક્ષે.
વહેલી સવાર, ગરમાગરમ મધ્યાહ્ન અને ઢળતી સંધ્યા વચ્ચે ગેપ તો રહેવાનો જ, પણ ત્રણેયની પોતપોતાની અદ્ભૂત સુંદરતા છે. એક ઉગતા સૂરજની સાક્ષી બની રહી છે, એક સૂર્યની ટોચ માણે છે અને એક આથમતા સૂરજની. એકને ઉજાસમાં થતો વધારો દેખાય છે, એકને ઉજાસની પરાકાષ્ઠા અને એકને અંધારું વધતું દેખાય છે. રમતા બાળક, જોશીલા યૌવન અને શાંત વૃદ્ધત્વ આ ત્રણેયના ગેપમાં ગૂંચવાઈ જવાને બદલે જીવનના કિનારે શાંતિથી બેસી, એ કુદરતી દૃશ્યની મોજ માણીએ તો કેવું?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)