Lockdownma Lagn in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લોકડાઉનમાં લગ્ન

Featured Books
Categories
Share

લોકડાઉનમાં લગ્ન

લજ્જા પેન્ટ-ટી શર્ટમાં સજ્જ પોતાની ઓફિસની બહાર યુગની રાહ જોતી ઉભી રહી હતી, પળે પળે તેના હ્રદયના ધબકારા વધી રહ્યા હતા. વારંવાર યુગને ફોન કરી રહી હતી કે, " કેટલે પહોંચ્યો યુગ તું અને કેટલી વારમાં આવે છે...?? "

યુગ પણ શું કરે...?? છેક ગાંધીનગરથી સુરત પહોંચતાં જે સમય લાગે તે તો લાગે જ ને...?? યુગ પોતાના બે મિત્રોને લઈને લજ્જાને લેવા માટે પરોઢિયે ચાર વાગે ઉઠીને તૈયાર થઈને નીકળી ગયો હતો. યુગ અને લજ્જા બંને તે આખીય રાત ઊંઘ્યા ન હતા...બસ, સવાર ક્યારે પડે તેની રાહ જોવામાં જ આખી રાત વીતી ગઈ હતી.

લજ્જા ખૂબજ રૂપાળી અને હોંશિયાર છોકરી હતી. એમ.બી.એ. સુધી ભણી હતી. દીકરી જેમ જેમ મોટી થાય તેમ તેમ મા-બાપની ચિંતા વધતી જાય. લજ્જાના મમ્મી-પપ્પાની પણ એ વિચારે રાતની ઊંઘ ઉડી ગઈ હતી કે, " લજ્જાને કેવો છોકરો મળશે...?? કેવું સાસરું મળશે...?? "

કારણ કે પહેલા પણ લજ્જાના એકવાર તેને ગમતાં છોકરા સાથે એંગેજમેન્ટ કર્યા હતા પણ છોકરો ખૂબ વ્હેમીલો હોવાને કારણે તોડી નાંખ્યા હતા. લજ્જાના પપ્પા પૈસેટકે બહુ સુખી ન હતા એટલે તેમના સગાવ્હાલા પણ લજ્જા માટે ખૂબજ ગરીબ ઘરના સામાન્ય છોકરાઓ બતાવતા હતા. અને બીજા બે-ત્રણ છોકરાઓ જોવા લજ્જા તેના મમ્મી-પપ્પા સાથે ગઈ તો ત્યાં જઈને, " નામ બડે ઔર દર્શન ખોટે " એવા ફ્રોડ છોકરાઓ તેમને જોવા મળ્યા. હવે આટલું બધું ભણેલી આટલી રૂપાળી છોકરી માટે યોગ્ય છોકરો શોધવો ખૂબ મુશ્કેલ કામ હતું.

લજ્જાના મમ્મી-પપ્પાને શું કરવું અને ક્યાં જવું કંઈજ ખબર પડતી ન હતી. આ વાત લજ્જાએ તે જ્યાં જોબ કરતી હતી તેના સિનિયર સર શ્રી મૃગેશ સરને કરી. જે સી.એ. થયેલા હતા, સ્વભાવે ખૂબજ પ્રેમાળ હતા અને લજ્જાને પોતાની દીકરીની જેમ રાખતા હતા. તેમણે લજ્જાને " જીવનસાથી ડોટ કોમ " ઉપર પોતાનું એકાઉન્ટ બનાવવા માટે સમજાવ્યું અને લજ્જાના મમ્મી-પપ્પાની પરમિશનથી પોતાનું નામ અને કોન્ટેક્ટ નંબર આપ્યો.

જીવનસાથી ડોટ કોમ ઉપર ઘણાંબધા છોકરાઓનો બાયોડેટા આવ્યો તેમાંથી ગાંધીનગર જિલ્લામાં રહેતો યુગ આર્કિટેક્ટ થયેલો હતો અને વેલસેટ ફેમીલીમાંથી બીલોન્ગ કરતો હતો તેથી મૃગેશ સરને લજ્જા માટે તે વધુ યોગ્ય લાગ્યો.

જેવું લોકડાઉનમાં થોડી છૂટછાટ મળી કે તરતજ મૃગેશ સર લજ્જાના મમ્મી-પપ્પાને લઈને સુરતથી ગાંધીનગર આવ્યા. બાયોડેટા પ્રમાણે બધું જ બરાબર હતું, લજ્જાને તેમજ મૃગેશ સરને બધું જ યોગ્ય લાગ્યું.

લજ્જા છેલ્લા કેટલાય સમયથી યુગ સાથે ફોન પર વાત કરતી હતી અને તેણે એકવાર યુગને પોતાને મળવા માટે સુરત પણ બોલાવ્યો હતો, યુગની હોંશિયારી, ખાનદાની, સમજદારી અને ખૂબજ પ્રેમાળ સ્વભાવને કારણે લજ્જાને યુગ ખૂબજ ગમી ગયો હતો અને તે યુગના પ્રેમમાં પડી ગઈ હતી.

લજ્જાના પપ્પા જયેશભાઈ એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરતા હતા જ્યાં તેમને મહિને ફક્ત દશ હજાર રૂ.જ પગાર મળતો હતો. પોતાનું ઘર કઇરીતે ચાલતું હતું તે લજ્જા જાણતી હતી, એક સાંધતા તેર તૂટે તેવી પરિસ્થિતિ લજ્જાના ઘરની હતી. ઘરનો અડધો ખર્ચ લજ્જા સમજણી થઈ ત્યારથી જ ઉઠાવી લેતી હતી.

વ્યાજે પૈસા લાવીને દીકરીને પરણાવવી પડે અને આ દેવું ચૂક્તે કરતાં કરતાં લજ્જાના પપ્પા જયેશભાઈની આખી જિંદગી પૂરી થઈ જાય તેમ હતું. વળી, લજ્જાને તેનાથી નાની એક બેન પણ હતી જેને હજી ભણાવવાની પણ બાકી હતી.

આવી પરિસ્થિતિમાં લજ્જાએ પોતાના મમ્મી-પપ્પા ની આર્થિક પરિસ્થિતિનો વિચાર કરીને યુગ સાથે ભાગીને લગ્ન કરવાનું નક્કી કરી લીધું. અને યુગને પોતાને લેવા માટે સુરત બોલાવી લીધો. બંનેએ એક મંદિરમાં વિધિ સહિત લગ્ન કરી લીધા અને પછી કોર્ટ મેરેજ પણ કરી લીધા. લજ્જાના મમ્મી-પપ્પા એ દીકરી-જમાઈને પ્રેમથી તેડાવી લીધા અને અત્યારે લજ્જા પોતાની સાસરીમાં શાંતિથી સુખરૂપ ગાંધીનગર સ્થિત બંગલામાં રહે છે.

આમ, લોકડાઉનનો લાભ લઈ લજ્જાએ પોતાને યોગ્ય અને ગમતાં યુગ સાથે સાદાઈથી લગ્ન કરી લીધા.

- જસ્મીન