Abha's bird - 3 books and stories free download online pdf in Gujarati

આભનું પંખી - 3

પ્રકરણ-3

સમયનું ગણિત બહુ અટપટું છે.. ક્યારેક પવન પાવડી પહેરી ઉડે.. તો ક્યારેક કીડી પગે ચાલી ચટકા ભરે. 'સમયની સાપેક્ષતા આમ સમજાય છે.. ક્યારેક ધીમોને ક્યારેક ઉડી જાય છે.. '

વૈદેહીને કાયમ સમયની ખોટ રહેતી.. કામ ઢગલો, સમય તો જાય ભાગ્યો.. અને હવે.. હવે સમય જતો નથી. વૈદેહી સાવ નવરી થઈ ગઈ છે. રોજનું સો માણસનું રાંધતી વૈદેહીને હવે ત્રણ જણનું રાંધવું કેમ. ? એ પ્રશ્ન છે. 

આશુતોષ પલંગ પર છે. એના પગ અટક્યા.. પણ મગજ નથી અટક્યું. વૈદેહી જરાક આઘી પાછી થાય કે વિદુ.. વિદુ.. ની બૂમ પાડી ઘર ગજવી મૂકે. "તું જા ને, બેસ એની પાસે. રોટલી હું કરી નાખું.. એ બિચારો પથારીમાં પડ્યો પડ્યો કંટાળ્યો હશે. " નીલાબહેન એના હાથમાંથી પાટલી લઈ લેતા. વૈદેહી ચુપચાપ આશુતોષ પાસે જઈ ઉભી રહેતી. 

"જોને મારા ચશ્મા ક્યાં છે.. ? મળતા નથી" વૈદેહી પાંગતે પડેલા ચશ્માં એની સામે લંબાવતી. સમય આશુતોષનો પણ જતો નથી. એક અજગર બની સમય તેને ગ્રસી લેવા આતુર છે. 

એનીવર્સરીના ઢગલો મેસેઝ વૈદેહીના ફોનમાં ઠલવાયા છે. કોને, શું જવાબ આપું. ? વૈદેહીએ પલાશ અને આશુતોષનો હોસ્પીટલમાં પાડેલો ફોટો ગ્રુપમાં મોકલી આપ્યો. 

તરત ફોન ધ્રુજ્યો.. જોયું તો મીરાબહેન હતા. "હલો.. શું થયું આશુતોષને. ? પલાશ ક્યારે આવ્યો.. ?" બહેને પ્રશ્નોની જડી લગાવી દીધી. 

"એને પગમાં ઇન્ફેકશન થઈ ગયું છે.. ”

"હવે પગનો વારો.. ? શું થયું પગમાં.. "

"એજ ખબર નથી પડતી, કે શું થયું.. રસી થઈ ગયા છે.. ચેકો મૂકી રસી કાઢી લીધા.. પણ રૂઝ હજુ આવી નથી. પગ ઉંચો કરી સૂતો છે પલંગ પર.. "

"ફોન નહોતી ઉપાડતી એટલે મને એમ કે એનિવર્સરી ઉજવવા તમે લોંગડ્રાઈવ પર ઉપડી ગયા હશો.. "

વૈદેહી હસી.. "આ પણ એક જાતની લોંગ ડ્રાઈવ જ છે ને મીરાદી.. 

ત્રણ વરસ પહેલા એનીવર્સરી પર આશુતોષ શિમલા લઇ ગયો હતો. બે દિવસ પહેલા વિચાર આવ્યો.. ચાલ શિમલા જઈએ.. બુકિંગ તો હોય નહીં. બંને ગાડી લઈને નીકળી પડયા. 

પહેલા દિલ્લી.. પછી ચંદીગઢ અને પછી શિમલા.. અને તરત પાછા રિટર્ન. !

"આટલું લાંબુ ડ્રાઈવ કરીને થાકી નથી જતો આશુતોષ.. ?"

"'બોથ હેન્ડ ડ્રાઈવ'.. એ થાકે તો હું ચલાવું. "

"આવા સર્પાકાર, પહાડી રસ્તા પર તું ડ્રાઈવ કરે છે.. ડર નથી લાગતો.. ?"

"એકવાર ડ્રાઈવ કરતા બરાબર આવડી જાય પછી જીવનના રસ્તા મેદાની સપાટ,સરળ હોય કે પર્વતીય, ચક્રાકાર,કે ઉચાં નીચા... કોઈ રસ્તા અઘરા નથી લાગતા. "

"ખરી ફિલસૂફ થઈ ગઈ છે તું. શિમલા સુધી ગયા તો રહ્યા કે નહીં ત્યાં. ?".. "એક રાત રહ્યાને. "

"એટલે સુધી ગયા.. ને બસ એક જ રાત રોકાણા ?

"દિવસ ક્યાં હતા અમારી પાસે.. ફેક્ટરી ચાલુ હતી. અને મીરાદી.. જો મજા સફરમે હે, વો મંઝીલમેં કહાં.. " વૈદેહી લાક્ષણિક ઢબે બોલી. 

મીરા હસી પડી.. વાત તો સાચી.. મુખ્ય મુદ્દો તો આનંદ કરવાનો છે. જેને જેવી રીતે મળે મેળવી લેવાનો.... . શું મીરાદી.. તમે શિમલા પહોંચી ગયા. ?... વૈદેહી ફોનમાં પૂછતી હતી. 

"જો, આશુતોષનું ધ્યાન રાખજે. હું આવી જાઉં બે ચાર દિવસ. ?"

"તમે આવીને શું કરશો. ?આશુને તો આરામ જ કરવાનો છે. બીજું તો કઈ કામ નથી. "

"તું એકલી છે સાવ. એટલે પૂછું છું. ".. "એકલી ક્યાં.. બા છે ને.. બા એટલે એકે હજાર. પછી કોઈની જરૂર ક્યાં હોવાની" વૈદેહી હસી પડી. 

ખરી છે આ છોકરી, ગમે તે સંજોગો હોય, હમેશાં હસતીને હસતી. કેવી જાહોજલાલી હતી, અને હવે.. 

મોટા ફોઈના દીકરાના લગનમાં બધા દેશમાં ગયા હતા. લગ્નમાં ગામના નગરશેઠ ઈશ્વરભાઈ એ વૈદેહીને જોઈ. વૈદેહી કઈ બહુ દેખાવડી નહોતી પણ એના મોઢાં પર એક તેજ હતું.. એક શાલીનતા હતી. બુદ્ધિ પ્રતિભાની આભા હતી.. વૈદેહીને જોઈ એમની આંખ ઠરી. આ છોકરી મારા ઘરને સાચવી શકશે. 

ઈશ્વરલાલ શેઠે પોતાના પોત્ર આશુતોષ માટે સામેથી માંગું કર્યું. વૈદેહીની ઉમર ફક્ત ઓગળીસ વરસ.. હજુ હમણાજ ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. પણ ઈશ્વર ભાઈની મોટા મહેલ જેવી હવેલી.. નોકર ચાકરોની ફોજ.. જાહોજલાલી અને સહુથી વધારે તો આશુતોષ જેવો પાણીદાર છોકરો જોઈ બાપાએ તરત હા પાડી દીધી.. ત્યારે બધાને વૈદેહીના ભાગ્યની ઈર્ષ્યા થઈ હતી.. રાજરાણી બની ગઈ હતી વૈદેહી.. અને અત્યારે એ રાણી કેવી પરીસ્થિતિમાં પહોંચી ગઈ હતી.. !

આશુતોષને ડ્રેસીંગ માટે લઈ ગયા. એનો પગ જોઈ ડોકટરે કહ્યું.. મને લાગે છે ઇન્ફેકશન વધતું જાય છે. આ અંગુઠો.. બે આંગળી કાપી નાંખીએ તો ઇન્ફેકશન આગળ વધતું અટકી જાય.. 

હેં.. વૈદેહીના હ્રદયમાંથી ચીસ નીકળી.. એનો આશુ... અપંગ.. આટલું સહન કર્યું તે ઓછું છે. કે આવી શારીરિક ખોટ.. ! ક્યાંક આ ડોક્ટર ખોટી રીતે ભેરવતો તો નથી ને.. એને અભયને ફોન કર્યો. "અભય, આજે ડોકટર પાસે ડ્રેસિંગ માટે ગયા હતા.. ". વૈદેહીએ બધી વાત કરી. 

"મને લાગે છે.. આપણે સેકેંડ ઓપિનિયન લઈએ.. હું બીજા ડોક્ટર સાથે વાત કરું છું. "

અભયે પોતાના કલીગ ડોકટરની એપોઇન્ટમેન્ટ લીધી. બંને તેને મળવા ગયા. 

ડોકટરે આશુતોષને બરાબર તપાસ્યો.. હા ઇન્ફેકશન બહુ વધી ગયું છે. હવે આને આગળ વધતું અટકાવવું હોય તો અંગુઠો તો કાપવો જ પડશે. 

"તો ડોક્ટર ફટાફટ કાપી નાખો.. પણ મને ઉભો કરો. " આશુતોષ હવે અકળાયો છે. વૈદેહીએ એનો હાથ દબાવ્યો.. આ અંગુઠો કાપવો એ કઈ શાક કાપવા જેવું સહેલું છે? "તું શું કહે છે અભય. ?"

"વેલ, હવે ઓપરેટ તો કરવું પડશે.. કોની પાસે કરાવવું.. એ તમારે નક્કી કરવાનું છે. "

"તારો શો અભિપ્રાય છે.. ?"

"જૂઓ ભાભી, ડોક્ટર રાવ મારા કલીગ છે. તેમના સાથે ઓટીમાં હું જ એનેસ્થેટીક હોઉં છું. તેમને બરાબર ઓળખું છું. એમની ગેરન્ટી હું લઈ શકું. બાકી હવે તમે કહો તેમ.. 

વૈદેહીએ એક મિનીટ વિચાર કર્યો.. સાવ અજાણ્યા ડોક્ટર પાસે જવું એની કરતા જાણીતા પાસે જવું સારું.. અભય તો ઘરનો જ કહેવાય. હવે ભલે સબંધો બગડ્યા હોય.. 

"ભલે અભય.. આપણે ડોક્ટર રાવ પાસે જ કરાવીએ. તું એમની સાથે ટાઇમ નક્કી કરીલે. "

"તમારે.. પલાશ કે મોહાને પૂછવું નથી. ? મારા ઓળખીતા ડોક્ટર પાસે ઓપરેટ કરાવ્યા પહેલા.. "

"ના, હવે મારે કોઈને નથી પૂછવું. અને ભાઈ.. એક વાત બીજી.. એમ્સ બહુ મોંઘી હોસ્પિટલ છે. આશુનો ઇન્શ્યોરેન્સ બહુ નથી.. હજુ તો જૂના બીલ પાસ નથી થયા. જો કોઈ ઈકોનોમી હોસ્પીટલમાં ઓપરેટ કરાવીએ.. ?

"હા.. હું વિચારું.. "

અભય એમને ટેક્સીમાં જતા જોઈ રહ્યો. ભાભીને આ વાત કહેતા કેવું થયું હશે. નાનો હતો ત્યારે ભાભીના હાથમાં રમ્યો છું.. મમ્મી તો મોટે ભાગે હોસ્પીટલમાં હોય.. ગાયનેકોલોજિસ્ટ હતીને. વેળા કવેળા હોસ્પીટલમાંથી કોલ આવે ને ભાગે.. પોતે તો ભાભીના ઘરેજ મોટો થયો છે.. મોહા અને પલાશની જેમ જ ભાભી મારું ધ્યાન રાખતા. ખાવા પીવાનું.. જમવાનું.. રમવાનું.. અરે ઘણી વાર તો રાતના મમ્મી હોસ્પિટલનો ગઈ હોય તો પલાશની સાથે એના ઘરે જ સૂઈ જતો. ભાભીનો હાથ જેવો પલાશના માથા પર ફરતો તેવો જ તેના માથા પર ફરતો. 

કેવી જાહોજલાલી હતી ત્યારે.. પાણી માંગો કે દૂધ હાજર થાય તેવી. અને અત્યારે.. એ જ ભાભી એને રીક્વેસ્ટ કરે છે... અભયની આંખ ભરાઈ આવી. પોતાને આજે મોકો મળ્યો છે ઋણ ઉતારવાનો.. આગળ પછી બે પરિવારો પછી જે કઈ બન્યું હોય.. મારે એ બધું યાદ નથી રાખવું.. 

સાંજના જ અભયનો ફોન આવ્યો-પરમ દિવસનો ડોકટરનો સમય મળ્યો છે. 'આશા નર્સિંગહોમ'નું ઓટી બૂક કર્યું છે. સ્પેશલ રૂમ બૂક કર્યો છે.. તમે એ બાબત કોઈ ચિંતા નહીં કરતા. કાલે રાતના બાર વાગ્યા પછી આશુ ભાઈએ કઈ ખાવાનું નથી. પરમદિવસે સવારે આઠ વાગે 'આશા' પર પહોંચી જજો. એડ્રેસ હું મોકલું છું. 

વૈદેહીના માથા પર મોટો ભાર ઉતાર્યો.. પલાશ અને મોહાના ફોન આવશે,કહેશે... હજુ તમારે અભય પર ભરોસો કરવો છેં. ? બંનેના સવાલોનો મારો ચાલુ થઈ જશે. 

શાસ્ત્રોમાં દેહથી મુક્ત થવાની વાત કહી છે.. 'હું દેહ નથી'.. 'નાહમ દેહો'.. આ વાત જ સત્ય છે. પણ આ જ દેહનો એકાદ અંગ પણ જો નો હોય.. કે પછી કપાવવાનો હોય તો તેની શારીરિક, માનસિક પીડાનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. 

આશુતોષ એકદમ શાંત હતો.. પીડા વૈદેહીને વધારે થતી હતી, ઓપરેશન થીએટરમાં લઈ જતા હતા.. વૈદેહીની આંખ ભરાઈ આવી. આશુએ એનો હાથ પકડ્યો.. રડે છે શું.. આટલું બધું જતું રહ્યું ત્યારે ન રડી ને આજે.. આંગળી જ કપાવવાની છે ને.. હું થોડો જતો રહેવાનો છું.. ?

વૈદેહીએ એના મોઢાં પર હાથ દીધો.. બસ હવે આગળ ન બોલીશ. 

અભયે કહ્યું.. ભાભી ચિંતા ન કરતા. હું અંદર જ હોઈશ.. 

સ્પેશીયલ રૂમમાં આજે વૈદેહી એકલી હતી.. કોઈ નહોતું એની પાસે. કદી ન અકળાતી, મુંજાતી વૈદેહીના આંખમાં આજે આખો ને આખો દરિયો ઉતરી આવ્યો હતો. 

ઘૂઘવતા દરિયાની વચ્ચે ખડક પર બેઠા હતા વૈદેહીને આશુતોષ. સૂરજ ધીરે ધીરે અસ્તાચળ તરફ ઢળી રહ્યો હતો. આકાશના તામ્રવર્ણી આભાથી પાણી સોનેરી ભાસતું હતું. ખારા પાણીના મોજા એક પછી એક આવી વૈદેહીના પાલવને ભીંજવતા હતા. પ્રકૃતિના આ સોન્દર્યને માણવા કરતા એનું સઘણું ધ્યાન આશુતોષ તરફ હતું. 

દેખાવમાં સોહામણો,પડછંદ, નમણો હતો આશુતોષ.. સંસ્કારી વ્યક્તિત્વ હતું એનું. એના સમગ્ર વ્યક્તિત્વમાંથી ગરિમા ટપકતી હતી. ગર્ભ શ્રીમંતાઈ એની આંખોમાં ધબકતી હતી. તેમાં ક્યાંય આછકલાઈ નહોતી, અભિમાન ન હતું . 

તમે શું માનો છો મારા વિશે.. ?

વૈદેહીએ સામે જોયું.. આ જ પ્રશ્ન હું કરું તો.. 

આશુતોષ મુક્ત મને હસી પડ્યો. વૈદેહી તેના મુક્ત હાસ્યને જોઈ રહી. ખૂલ્લા મનનો માનવી જ આવું હસી શકે. 

આપણા પરીવારોએ નક્કી કર્યું છે આપણા લગ્ન વિશે. તો હું ઈચ્છું છું કે આપણે એક બીજા વિષે થોડું જાણીયે, એક બીજાને સમજીએ. હવે હું જ સ્પષ્ટ વાત કરું... મારા લગ્ન વિષે શું એક્સેપ્ટેશન છે. 

એક.. હું પરિવારનો એકમાત્ર પૂત્ર છું. મારા પર ઘણી જવાબદારિયો છે. મારા ઘરનાને મારાથી બહુ આશાઓ છે. ખાસ કરીને દાદાજીને. 

બીજું.. હું પોતે પણ બહુ મહત્વાકાંક્ષી છું,મારે આકાશને આંબવું છે. મેં એવા જીવનસાથીની કલ્પના કરી છે, જે ડગલેને પગલે મારો સાથ આપે, મારી પાંખોને ઉડવાનું બળ પૂરું પડે. 

ત્રીજું.. હું કંકાસથી બહુ ડરું છું. ઘરકંકાસથી ઘરોને બરબાદ થતાં જોયા છે મેં.. મારી મમ્મી બહુ સારી છે. પણ અંતે તો સ્ત્રી છે.. સ્ત્રી સાસુ બંને એટલે તેના અધિકારો ભોગવવાનો જન્મસિદ્ધ હક રાખે છે. 

વૈદેહી પાલવ આંગળીમાં વીંટાળી રહી હતી.. આ ત્રણે બાબતે હું તમારી કસોટી પર ખરી ઉતરીશ, તેવું કહી શકું.. 

સરસ, તો હવે તમારી અપેક્ષાઓ.. ઈચ્છાઓ.. 

સાચું કહું, એ બાબત મેં હજુ વિચાર કર્યો નથી. પણ એક પ્રેમાળ, મને સમજી શકે, ખાસ કરી મને આદર આપી શકે એવો વ્યક્તિ મળે તો મને ગમે. 

એ બાબત હું તમને ખાતરી આપું છું.. હું હમેશાં તમારું માન જાળવીશ. આશુતોષે પોતાનો હાથ લંબાવ્યો.. વૈદેહીએ કઈંક સંકોચાઈ એ હાથ પર પોતાનો હાથ મુકી દીધો.. 

દરિયાની સાક્ષીએ આપેલું એ વચન બંને જાણવે છે. વૈદેહી દરેક સાહસમાં, દરેક તકલીફમાં તેની સાથેને સાથે છે. આશુતોષ પણ તેને આટલું જ માન અને સંમ્માન આપે છે.. મિત્રવર્ગમાં સારસ-બેલડીના નામે ઓળખાય છે બંને...