Bird of Abha - 8 books and stories free download online pdf in Gujarati

આભનું પંખી - 8

પ્રકરણ-૮

સૂરજની પહેલી કિરણે બારીમાંથી ડોકીયું કર્યું.. રોજ વહેલી ઉઠી જતી વૈદેહીની આંખ આજે ખુલતી નથી. બે દિવસનો થાક ભેગો થયો છે. ભલે સૂઈ રહેતી.. નીલા બહેન પણ તેને ઉઠાડ્યા વગર પૂજામાં પરોવાયા. 

ટ્રીન ટ્રીન.. ઉપરા ઉપર બેલ વાગી,વૈદેહીની આંખ ખુલી ગઈ. સવાર સવારમાં આટલી બેલ. ? દરવાજો ખોલી જોયું તો સીતાબાઈ.. "કેમ આજે આટલી વહેલી?"

"ભાભી, હમ ગાંવ જા રીએ. હમરા પગાર દેદો. ".. "કેમ અત્યારે ગાંવ. ?"

"હમ સભી જા રીએ.. ટ્રેન તો સબ બંધ કરી... હમારા આદમીને ગાડી કીયા સ્પેસલ.. યહાં તો ભોત કોરોના હે. બસ પગાર દેદો.. "

"વાપસ કબ આએગી.. ?" પેલીએ આકાશ તરફ આંગળી કરી "બો તો ઠાકુરજી જાણે. "

" હવે આવી છે તો આજનું કામ તો કરતી જા.. "

"નહી ભાભી, ટેમ નથી.. સામાન પેક કરેંગે અભી.. દુપરીયામે તો નીકલેગેં. " વૈદેહી પૈસા લઈ બહાર આવી... "ભૈયાકી તબિયત ઠીક હે અબ. ? ધ્યાન રખીયો. સોરી, હમે અભેહી જાનો પડો. તુમારે માથે પર સબ જીમ્મેદારી આ જાવેગી. " વૈદેહી શું બોલે.. એ લોકોને પણ કામ છોડીને જવું થોડી ગમે.. દહેશત છે. વહેલાસર ગામ ભેગા થઈ જઈએ એની ઉતાવળ છે.. 

આશુને બ્રશ,ચા, નાસ્તો,દવા બધું કરાવ્યા બાદ વૈદેહીએ ઝાડુ હાથમાં લીધું. ઘર તો એવું ગંદુ થયું છે.. ટિફિનનું કામ બંધ કર્યું, પછી ખાલી થએલા ટીપડા, ડબ્બાઓ એમનેમ બાલકનીમાં પડ્યા હતા. ઝોમેટો સ્વિગીના ફરફરીઆ આમતેમ ફરતા હતા. મીરા દીદી શું વિચારતા હશે,ઘર જોઇને.. હવે આજે ઝાડુ હાથમાં આવ્યું છે, તો બધું ઠેકાણે પાડી દઉં. 

અવાજ સાંભળી નીલાબહેન બહાર આવ્યા.. કાં આજે કછોટો વાળ્યો. ? "બાઈ નથી આવવાની હવે આજથી. કોરોના નડ્યો છે. "... "લે, તારે કામ ઓછું હતું.. ? તે હવે આ પણ કરવાનું.. ?"

આશુતોષ પાછો ઊંઘી ગયો હતો.. રસોઈ બધી બાએ કરી નાખી. બે કલાકમાં તો ઘરની કાયા પલટ થઈ ગઈ. એક સંતોષ ભરી નજર નાખી વૈદેહી નાહવા ગઈ.. આપણો હાથ ફરે એમાં ફરક તો પડે હો.. બા બોલતા હતા. 

ભારતની પ્રજા ઉત્સવ પ્રિય.. રવિવારના લોક ડાઉનને લોકોએ ઉત્સવની જેમ ઉજવ્યો. રવિવાર હતો,એટલે હેવી લંચ લઇ ઉંઘ પૂરી કરી.. ને સાંજના પાંચ વાગે તો બધાં પોતાની બાલકની, બારીમાં આવી ગયા.. કોઈક થાળી વગાડતું હતું તો કોઈ શંખ.. કોઈ વળી ઘંટ વગાડતું હતું.. ટીવી પર બધા મહાનુભાવોના ઘરનું લાઇવ ટેલિકાસ્ટ આવતું હતું.. લોકોને એ જોવામાં બહુ રસ હતો. 

"તે થાળી વગાડી કે નહીં. "મીરા પૂછતી હતી. 

"મારી તો બરાબરની થાળી વાગે છે હમણાં.. આ કોરોનાના ડરમાં કામવાળી બાઈ દેશમાં જતી રહી છે.. આશુનું બધુ પલંગમાં જ છે. આજે તો એવી થાકી હતી.. ચક્કર આવતા હતા. "

"જો બેન, તું બતાવી દે ડોકટરને.. ક્યાંક બીપી તો નથીને.. હમણા તું જ ઘરની ધૂરી છે. તું અટકી તો તકલીફ થઈ જશે.. "

"કાલે પાછા પી એમ. દેશને સંબોધિત કરવાના છે.. હવે ખબર નહીં શું વગાડવાનું કહેશે.. કહે છે કોરોનાના બહુ કેસ વધી રહ્યા છે. લોકો પણ સમજતા નથી. ઘરમાં શાંતિથી ઝંપતા નથી. "

"હા જોયું અમે.. ટીવીમાં બતાવતા હતા.. અમદાવાદમાં લોકો થાળી વગાડવા ભેગા થયા હતા, ગરબા લેતા હતા.. !"

મંગળવારે રાતે સહું ટીવીની સામે ગોઠવાઈ ગયા હતા.. પી એમે કોરાના વાઈરાસથી બચવાના પ્રિવેન્શન રૂપે ચોવીસ માર્ચથી ચૌદ એપ્રિલ સુધીનું લોક ડાઉન જાહેર કર્યું. !અત્યારે ભારતમાં ફક્ત પાંચસો કેસેસ છે. પણ આ કેસ આગળન વધે એટલે રાષ્ટ્ર વ્યાપી લોક ડાઉન જાહેર કરવામાં આવે છે. આવશ્યક સેવાઓ ખુલી રહેશે. એ સિવાયની બધી જ દુકાનો. ઓફિસો. ફેકટરી. આદી બંધ કરવાની જાહેરાત કરવામાં આવે છે. 

બધીજ ટ્રેનો બંધ, ફ્લાઈટ બંધ,બસો, ટેક્સીઓ બંધ... માણસે માણસથી દૂર રહેવાનું હતું. સંપૂર્ણ લોકડાઉનનો સંદેશ સાંભળી બધા પેનિક થઈ ગયા,,જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે કે નહીં. ?

વૈદેહીને ચિંતા થઈ આશુતોષની. જો ટેક્સીઓ બંધ હશેતો આને કાલે ડ્રેસિંગ માટે કેવી રીતે લઈ જઈશ. અત્યારે તો સંકટ સમયની સાંકળ એક જ હતો અભય.. તેને અભયને ફોન લગાડ્યો.. "અભય, આશુને કાલે ડ્રેસિગ કરવા જવાનું છે.. ટેક્સીઓ બંધ છે. હું એને લઈ કેવી રીતે જઈશ. ?"

"ઓ.. હું જોવું, કોઈ ઘરે આવી ડ્રેસિંગ કરી જાય એવો મળે તો. અત્યારે બધી હોસ્પિટલ કોરોના પેશન્ટથી ભરાઈ છે. આશુભાઈ માટે સેફ નથી હોસ્પીટલમાં જવું. એમની રોગ પ્રતિકારક શક્તિ આમેય ખલાસ થઈ ગઈ છે. ઇન્ફેકશન લાગવાનો સહુથી વધારે ડર છે.. "

વૈદેહીને હાશ થઈ.. થેંક્યું અભય.. એનો કંઠ ભરાઈ આવ્યો. 

"શું કહો છો ભાભી.. તમારા તો મારા પર એટલા ઉપકાર છે".. અભય પણ જૂના દિવસો યાદ કરી ગળગળો થઈ ગયો.. 

બપોરે બે વાગે પરવારીને જરાક લાંબી પડી.. બા હમણા જ સૂવા ગયા હતા. આશુ અંદર જમીને મોબાઈલમાં છાપા વાંચતો હતો. કે બેલ વાગી.. અત્યારે કોણ હશે. ?

દરવાજો ખોલ્યો તો અભય.. અરે અભય તું. ? અભય દરવાજામાંથી ખસ્યો તો પાછળ સરોજ માસી. ! વૈદેહી એક મિનીટ હતપ્રત જોઈ રહી. પછી માસીને ભેટી પડી. બધો રોષ આંખો વાટે નીકળ્યો. માસી પણ તેને ભેંટી રડી પડ્યા. માસીની પાછળ ડોકટર કાકા પણ હતા. જરા સ્વસ્થ થઈ વૈદેહી દરવાજામાંથી આઘી ખસી.. આવો કાકા. 

"શું કહે છે અમારો વીર.. ક્યાં ગયો. ?"કાકા તેની આદત મુજબ બોલ્યા. "વીર તો પથારીવશ છે કાકા.. "

"એમ! તો હમણા બધુ પરાક્રમ બંધ હશે કેમ. " વૈદેહી હસી પડી "આ મોટું પરાક્રમ નથી કાકા. ?"

"હા, એ ખરું. પણ એના આ પરાક્રમમાંએ તું હસી શકે છે, તે બહુ ગમ્યું. " કાકાએ વૈદેહીના માથા પર હાથ મૂક્યો. 

બધા અંદર આવ્યા. કાકા અને માસીને જોઈ આશુતોષ બેઠો થઈ ગયો.. "ઓહ કાકા તમે.. ?"

"હા ભાઈ, આ અભયે કાલે જ મને વાત કરી તારી. થયું એક કટુ ક્ષણ માટે કેટલીય પ્રેમાળ યાદોને કેમ ભૂલાવી શકાય. રાતના જ નક્કી કર્યું,તને મળવાનું.. એક વાર તો મળવું.. પછી તારો પ્રતિભાવ શું રહેં છે.. એ જોઈ.. "

"આ શું બોલ્યા કાકા.. મારા મનમાં તો ત્યારે પણ કઈ નહોતું, હજુ પણ કઈં નથી. મારા મન તો તમે હજુ પણ ફ્રેન્ડ,ફિલોસોફર અને ગાઈડ છો. " કાકા આશુને ભેંટી પડ્યા. અત્યાર સુધી મનમાં સંઘરેલો બધો ગુસ્સો, ગેરસમજણ આંખો વાટે બહાર નીકળી પડ્યા. 

"ચાલો.. ચાલો હવે આનંદની વાત કરો. " માસીએ આશુના મોઢાં પર હાથ ફેરવ્યો.. "ડોકટરે હમેશાં પેશન્ટને ખુશ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. નહીં. ?"

"આ મારી જાડી માસી ખોટું બોલે જ નહીં ને.. " આશુ હવે મૂડમાં આવી ગયો હતો.. 

"હું બાને બોલાવું. એકદમ રાજી થઈ જશે. " વૈદેહી બાને ઉઠાડવા ગઈ. બા તેઓને જોઈ આનંદઆશ્ચર્ય પામ્યા.. અરે સરોજ.. મનોજ.. તમે આવ્યા.. બાનો હરખ તેમેની વાણીમાં વર્તાતો હતો.. 

ખૂબ વાતો થઈ. જૂના દિવસો યાદ કર્યા.. વૈદેહીએ કાકાને ભાવતી કડક મસાલેદાર ચાને ખીચ્ચું બનાવ્યા.. 

"વિદુ.. તારું આ ખીચ્ચું તો બહુ યાદ આવતું હતું. "... "અને હું નહીં ને. " બધાં હસી પડ્યા. અભય સાથે આવેલા ભાઈએ આશુતોષનું ડ્રેસિગ કર્યું.. "પગની હાલત હજુ સારી ન કહેવાય. " ડોક્ટર કાકા બોલ્યા. "પણ ખરાબ પણ નથી.. ચિંતા ન કરતી વિદુ.. સમય લાગશે પણ બધું બરાબર થઈ જશે.. "

હા મને તો પૂર્ણ શ્રદ્ધા છે.. વૈદેહી મનમાં બોલી.. આપણા સબંધો વચ્ચે પણ બધું બરાબર થઈ ગયુંને .. કદાચ થોડો સમય લાગ્યો.. 

"હવે આવ્યા છો તો જમીને જાઓ.. " બા કહેતા હતા.. "ના બા. આવા સમયે બહુ મોડા જવું બરાબર નથી. આ તો અભય ડોકટર છે એટલે એની ગાડી જોઈ કોઈએ અમને રોક્યા નથી બાકી અત્યારે તો નીકળવું એટલે કેટલીય પૂછ પરછ થાય. "

"ભાભી, હવે એકાંતરે આ ભાઈ આવી ડ્રેસિંગ કરી જશે.. અને બીજું કઈ પણ કામ હોય તો તરત ફોન કરજો.. "

"હા ભાઈ, તને ફોન કરુજ છું ને. કાલે પણ તું જ પહેલા યાદ આવ્યો.. "

બધાં ગયાને આશુ વૈદેહીને વળગીને રડી પડ્યો.. આજે મન પરનો મોટો ભાર હળવો થઈ ગયો.. વિષાદ યોગઅશ્રુ વાટે બહાર નીકળી રહ્યો છે. 

રાત જામતી જતી હતી.. આજ આશુને સરસ ઉંઘ આવી ગઈ.. દવાની અસર હશે કે મન હળવું થયાની હાશ. પણ વૈદેહી.. બાલકનીમાં હિંચકા પર બેઠી હતી.. આ બાલકનીની ધૂળની જેમ એક જૂના, પણ બહુ ન્યારા સંબંધો પર લાગેલી ધૂળ પણ ઉડી ગઈ હતી.. 

વૈદેહી પરણીને આવી ત્યારે મિતાલી ચાર વરસની અને અભય બે વરસનો.. વૈદેહીની આજુબાજુ 'ભાભી.. ભાભી' કરી ફર્યા કરતા. 

મનોજને મેડીકલ કોલેજમાં સાથે ભણતી સરોજ સાથે પ્રેમ થઈ ગયો. સરોજ હલકી કોમની હતી. બાપા ના પાડતા હતા. ત્યારે અંનતભાઈ.. આશુના પપ્પાએ તેને મનાવ્યા. આજના જમાનામાં નાત જાત જોવાય નહીં. કરો કંકુના. 

આમ વાજતે ગાજતે માસી કાકાના લગન થયા. ડોકટર કાકા ત્યારથી અનંતભાઈને બહુ માનતા. અંનતભાઈ બહુ બીમાર રહે. ડોક્ટર કાકાની ડગલેને પગલે સહાય રહેતી. આશુતોષ પણ કાકાને બહુ માનતો. તેના દરેક સાહસમાં કાકા એને પ્રોત્સાહિત કરતા. મોહા અને પલાશનો જનમ પણ માસીના હાથ નીચે જ થયો હતો. પલાશના જનમ પહેલા તો વૈદેહીની તબિયત બગડી ગઈ હતી. માસીની દવા અને કાળજીથી જ વૈદેહી અંત સુધી ટકી રહી, ને પલાશનો જનમ થયો.. 

બધું સુષ્ઠુ સુષ્ઠુ હતું તો વાંધો ક્યાં પડ્યો.. 

આશુતોષને નવું સાહસ કરવું હતું.. તેને અમદાવાદ આવીને નવો ધંધો ચાલુ કરવો હતો.. કાકાનો ફૂલ સપોર્ટ હતો.. "બરાબર વિચારે છે તું. આ અભય જરા સેટ થયો કે અમે પણ અમારા દવાખાનાને તાળું મારી અમદાવાદ સેટ થઈ જશું.. આખી જીદગી બહુ કામ કર્યું. હવે તો અભયના બાળકોને રમાડી જીવન પૂરું કરવાની ઈચ્છા છે. "

આશુતોષ જયારે ગામમાં કામ અંગે જતો ત્યારે કાકાને ઘરે જ ઉતારતો. પોતાનો બંગલો તો ધૂળ ભર્યો હોય.. બે દિવસ માટે એને ક્યાં ખોલાવો.. કયારેક વળી વૈદેહીને બા આવતા તો બંગલો ખોલીને સાફ કરતા. 

એક વાર આશુતોષ ગામમાં ગયો. માસી હોસ્પિટલમાં ઈમરજન્સી માટે ગયા હતા. કાકા પણ કલીનીકમાં હતા.. "તું પરવારીને કામ માટે નીકળ. અમે જમવાના સમય સુધી આવી જશું. "

પરવારી આશુતોષ પેઢીએ જવા નીકળ્યો. પોતાના બંગલાનો ઝાંપો ખુલ્લો હતો.. ? કોણે ખોલ્યો. ? તે અંદર પ્રવેશ્યો. જોયું તો પાછણની બારીનો કાંચ તૂટેલો હતો.. ! નક્કી ચોર ઘુસ્યા લાગે છે.. તેનું માથું ફરી ગયું. 

હજુ બે દિવસ પહેલા જ ઘરમાં વાત થઈ હતી.. મારે ફેકટરીમાં નવી મશીનરી લેવી છે.. જો લોન પાસ ન થઈ તો ગામનો બંગલો વેચી નાખીશું.. 

એવું શું બોલો છો.. બાને નહીં ગમે.. કેમ, એમાં ન ગમવા જેવું શું છે. ? આમેય બંગલો બંધ પડ્યો છે.. અવાવરું થઈ ગયો છે.. વેચી નાખીએ એજ સારું છે.. પણ બાનું એક ઈમોશનલ અટેચમેન્ટ હોય ને.. વરસમાં એકાદ વાર તો આપણે જઈએ છીએને. વૈદેહીએ એને વાર્યો. 

પેઢી પર પહોંચી તેને ઘરે ફોન લગાડ્યો.. નસીબ જોગે બા જ ફોન પર આવ્યા.. બા, અહીનું ઘર જો વેચી નાખું તો તમને વાંધો છે. ? બા એક ક્ષણ ચૂપ રહ્યા.. પછી બોલ્યા.. ના. 

બસ તો હું આજે જ બંગલાનો સોદો કરી નાખું છું.. 

તરત સ્ટેટએજેન્ટને ફોન થયો.. અને પેલાએ તરત બંગલો વેચી નાખ્યો.. ટોકનના પૈસા પણ આવી ગયા. આશુતોષને હાશ થઈ. બધું કામ પતાવી તે ડોક્ટર કાકાને ત્યાં ગયો.. "કાકા, આજે મેં બંગલાનો સોદો કરી નાખ્યો".. "ક્યારે.. તારે મને પૂછવું તો હતું.. મારે લેવો હતો આ બંગલો.. "

"તમારે. ? પણ તમે તો ભવિષ્યમાં અમદાવાદ શિફ્ટ થવાના છોને"... "તું બાનું પાછું આપી દે એ બંગલો હું ખરીદીશ.. "

" તમારી સામેના બંગલામાં ચોરી થઈ એ તમે ધ્યાન ન આપ્યું "

"હા ભઈ, ચાંદીની પાટો ચોરી લીધી મેં તારી. ' આશુતોષ બગડ્યો.. "હા, હોઈ શકે.. "

બસ આટલી જ વાત.. ને વર્ષોનો સંબંધ ત્યાં જ પૂરો થયો.. આટલા વર્ષો ગયા, કાકા કે માસી કોઈના ફોન નથી આવ્યા.. એ લોકો અમદાવાદ શિફ્ટ થયા પણ મળવા ના આવ્યા.. !

ને આજે.. એ સંબંધોની માટી પર પાછા ફૂલ ખીલ્યા હતા...