Saamb saamb sada shiv - 1 books and stories free download online pdf in Gujarati

સાંબ સાંબ સદા શિવ - 1

પ્રકરણ 1.

હા સર. એ જિંદગી હું સાચેજ જીવ્યો છું. ક્યારેક મને પણ એ એક સ્વપ્ન લાગે પણ જીવ્યો. એક અગોચર દુનિયામાં જઈને જીવ્યો અને પાછો પણ આવ્યો. હું મારી સાચી વાર્તા કહી રહ્યો છું, સર! મારી વિચિત્ર યાત્રાની વાર્તા. આ વિચિત્ર મુસાફરી વિશેની સૌથી વિચિત્ર વાત એ છે કે તેની શરૂઆત એક મંત્રથી થઈ. આ મંત્ર 'સાંબ સાંબ સદા શિવ' હતો. કોણે કલ્પના કરી હશે કે તે આવી અકલ્પ્ય, અંત વિનાની મુસાફરી હશે!

તો સાંભળો મારી વાત.

હું સૂર્યાસ્ત પછી તરતનાં ઘોર અંધારામાં આસામ મેઘાલય આસપાસનાં ગાઢ જંગલની ઝાડીઓ વચ્ચે અટવાઈ ગયો હતો. મારી ચારે બાજુ ઊંચાઊંચા ડુંગરાઓ કોઈ ભુતાવળ જેવા બિહામણા ભાસતા હતા. ઉગતો ચંદ્ર જાણે મારીસામે જોતો 'કાં, ભૂલો પડ્યો ને? ભટક હવે.' કહી ઘડીમાં જાણે મારી મઝાક કરતો હતો તો ઘડીમાં 'ચાલતો રહે, હું છું ને માર્ગ બતાવવા?' કહી મને આશ્વાસન અને હિંમત આપતો હતો. હું સુસવાટા મારતા પવનો સાથે ક્યાંક દૂરદૂર ઊંચેથી પડી રહેલા કોઈ વિશાળ ધોધની ગર્જના સાંભળી શકતો હતો. ક્યાંક નજીકમાં જંગલી પક્ષીઓની કીકીયારીઓ ખુબ ડરાવણો અવાજ કરતી હતી. થોડી વાર માટે ધોધમાર વરસાદ આવતાં હું કોઈ ખડક નીચે દોડી એક વિશાળ વૃક્ષ નીચે છુપાઈ રહ્યો. વરસાદ બંધ થતાં મંદિરના ઘંટ જેવડો મોટો જંગલી તમરાંઓનો અવાજ આવી રહ્યો હતો. વાતાવરણ કોઈને પણ ભય લાગે તેવું હતું.

મેં અહીંના મને મારાં હમણાં કહ્યું તે અતિ ગોપનીય અને અગત્યનાં કામે મોકલનારાઓની ટીમનું કહ્યું માન્યું નહીં તે મારી ભૂલ હતી. હું ઉત્તર પૂર્વ ભારતના આસામ મેઘાલય વચ્ચેનાં ગાઢ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. હજુ તો સાંજે 4.45 વાગ્યા હતા! એકદમ ઘોર અંધારું અને સર્વત્ર નિરવ શાંતિ. મારા વતન ગુજરાતમાં તો હજુ બપોરનો ધોમધખતો તાપ પડતો હશે.

 

મને મારા વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે વહેલી તકે કામે પહોંચી જવું અને જેમ બને તેમ જલ્દી કામ પૂરું કરી પરત ફરવું, બપોરે લંચ આસપાસ જ પાછા આવી જવું. પણ એ અહીં કોને ખ્યાલ હતો કે આટલું વહેલું અંધારું થતું હશે! અને એ પણ સૂર્યાસ્ત થયા પછી તરત જ આવું એકદમ ઘોર અંધારું થઈ જશે, જ્યારે મારા ગાંધીનગરમાં તો વર્ષના આ સમયે સાંજે 7 વાગ્યે સૂર્યાસ્ત થાય છે!

 

એક પથ્થર મારા પગ સાથે અથડાયો અને હું એક ગડથોલું ખાઈ ગયો. માંડ મારી કોઈજાતને સંભાળી.  હું નજીકની એક અનંત ઊંડી ખીણમાં પડતાં બચ્યો. સ્વાભાવિક રીતે, મેં મોટેથી મારી માતૃભાષા ગુજરાતીમાં જ બૂમ પાડી, 'મને બચાવો.., અહીં કોઈ છે?'

 

મેં જોરથી બૂમ પાડી,"કોઈ છે..?"

 

મારા અવાજના પડઘાઓ સામે ઊંચા પર્વતો પર પડઘાઈ રહ્યા. 'કોઈ છે.. કોઈ છે.. કોઈ છે..'

 

હમણાં જ ચંદ્ર ઉગ્યો હતો. તેના પ્રકાશમાં આસપાસની ગીચ વનરાજી વચ્ચે એક કેડી દેખાઈ. નજીક ખૂબ ઊંચાં, સો ફૂટથી વધુ ઊંચાઈ હશે તેવાં સરુ કે ક્રિસ્ટમસ ટ્રી જેવાં વૃક્ષો વચ્ચેથી સાંજે પાંચ કે સવા પાંચનો લગભગ પૂર્ણ ચંદ્ર ચમકી રહ્યો હતો. હું તેના પ્રકાશે એ કેડી પર આગળ જવા લાગ્યો. મારા પગે કાંઈક વળગ્યું. હું ઉભો રહી ગયો. એક વિશાળ, એકદમ કાળો, અજગર જેવો જાડો અને નહીંનહીં તો ત્રીસેક ફૂટ લાંબો સાપ મારા પગની પીંડીઓ પર વળગી રહ્યો હતો. ચંદ્રપ્રકાશમાં તેની આંખો ભુરો પ્રકાશ બતાવતી ચમકી રહી. તેણે લાંબી, આગળથી ત્રિશૂળ આકારની જીભ કાઢી અને આમથી તેમ લબકારવા માંડી. તે મારી ગંધ લઈ રહ્યો હતો.

 

મેં પુરી તાકાતથી બૂમ પાડી - ના. પડાઈ ગઈ. 'બચાવો.. મરી ગયો.. સાપ.. કોઈ છેએએ … '

 

જાણે પર્વતોએ હકારમાં જવાબ આપ્યો- ' છે.. છે..'

 

ઓચિંતું ક્યાંકથી, જાણે શૂન્યાવકાશમાંથી આગીયાઓનું એક ટોળું આવી ચડ્યું, તે આગના તણખાઓ જાણે એકત્રિત થવા લાગ્યા અને મારાથી થોડે જ દૂર અટકી ગયા. તે પ્રકાશપુંજમાંથી આંખના પલકારામાં એક મનુષ્ય આકૃતિ રચાઈ ગઈ. એકદમ તેણે એ ભયંકર સાપની સામે ત્રાટક કરી તેનું મોઢું મુઠીમાં પકડી હળવેથી તેને ખેંચ્યો અને મારા પગ છુટા કરી તે સાપ ઉંચકીને નજીક ઝાડી પાસે હળવેથી ફેંક્યો. સાપ જતો રહ્યો. હવે એ મનુષ્યાકૃતિએ મારી સામે ત્રાટક કર્યું. મારી દ્રષ્ટિ તેની સામે સ્થિર થઈ. તે એક એકદમ કાળી, પેલા સાપ જેવી જ કાળી, સંપૂર્ણ નગ્ન યુવાન સ્ત્રી હતી. તેનું શરીર એકદમ ઘાટીલું હતું. તેના વાળ છુટા અને ખૂબ લાંબા, લગભગ તેની પાનીઓ સુધી પહોંચતા હતા. તેણે મારા અપાર આશ્ચર્ય વચ્ચે પહેલાં હાથ ઊંચો કરતાં કહ્યું, 'સાંબ સાંબ સદા શિવ'. તે આગળ વધી અને મારી ગુજરાતીમાં જ એક જ શબ્દ ઉચ્ચાર્યો - "ચાલ્યા આવો."

 

કશું પણ વધુ બોલ્યા વિના તે મારી આગળ થઈ એકદમ ઝડપથી ચાલવા લાગી. તેણીએ તેની હથેળીનાં આંગળાં હલાવી મને પોતાની પાછળપાછળ ચાલતા રહેવા ઈશારો કર્યો. મારે તેને અનુસર્યા સિવાય છૂટકો ન હતો.

 

પ્રકાશિત ચંદ્રના અજવાળામાં મારૂં ધ્યાન તેની તરફ પડ્યું. તે યુવાન હતી. સંપૂર્ણ નગ્ન અવસ્થામાં હતી. તેની ત્વચા એટલી તો કાળી હતી કે જો પૂર્ણ ચંદ્રનો.પ્રકાશ ન હોત તો મને કદાચ તે દેખાતી પણ ન હોત. કદાચ તે એટલી કાળી નહીં હોય. કોઈ માણસ એટલું કાળું ન હોઈ શકે. તેણે કોઈ કાળો લેપ આખા શરીરે કરેલો. હું તેની ઘાટીલી સુંદર પીઠ, પાતળા અને લાંબા પગ, નિતંબો ઢાંકી ઘૂંટણો સુધી પહોંચતા ઘટ્ટ વાળ, પાતળી અને લાંબી ડોક અને પાતળી કમર જોઈ રહ્યો. આવા ભય વચ્ચે પણ મને એ સંપૂર્ણ સુંદર વળાંકોની કિનારો ચંદ્રપ્રકાશમાં જોઈ ક્ષણિક ઉત્તેજના વ્યાપી ગઈ. તેણે મોટાં પર્ણો અને મોટા ધતુરા જેવાં જંગલી સફેદ ફૂલોનો હાર પહેર્યો હતો. તેના ગુહ્ય ભાગો ખાખરાથી પણ મોટાં પાનથી ઢાંકેલા હતા. અમે અડાબીડ જંગલમાંથી ઘોર અંધકારમાં આગળ ને આગળ જઈ રહ્યાં હતાં. તે આગળ અને હું પાછળ.

 

તેણે ઝાડીઓમાંથી રસ્તો કાઢવા એક સફેદ લાકડી હલાવવા માંડી. રસ્તો દેખાતો થતાં અમે તીવ્ર ઢાળ ઉતરવા લાગ્યાં. હવે અકીક કે ચકમક જેવા ચમકતા સફેદ પથ્થરોથી જ ભરેલો નાની કેડી જેવો રસ્તો આવ્યો. તેને સમાંતર એક ખૂબ જ પહોળી નદી વહેતી હતી. લપસીને પડી જવાય તેવું હતું. તેણે મારો હાથ મજબૂતાઈથી પકડ્યો જેથી હું આ પથરાળ લપસણા રસ્તે પડી ન જાઉં.

 

મારાથી તેને પુછાઈ ગયું, "તું કોણ છે? તું કેવી રીતે ઓચિંતી પ્રગટ થઈ? આ જંગલમાં આટલી રાત્રે શું કરે છે?"

 

તેણે કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં. માત્ર પાછળ આવવા ઈશારો કર્યો. અમે આગળ ઝુકીને સાવ સીધો ઢાળ ઉતરી એક ખીણ તરફ જવા લાગ્યાં. તેના ગળામાં લટકતો પાન અને સફેદ ફૂલો વાળો હાર નીચે ઝૂલ્યો અને કોઈ સફેદ, એકદમ મોટી ચીજ તેમાં પેન્ડન્ટની જેમ ઝોલો ખાઈ રહી. ચંદ્રપ્રકાશમાં મેં તે ચીજ તરફ જોયું અને એક ક્ષણ મારા શ્વાસ થંભી ગયા. તે એક માનવ ખોપરી હતી!

 

તેણે મારી તરફ જોયું. તેનો ચહેરો આકર્ષક નાક-નકશી વાળો અને ઘાટીલો હતો. એકદમ નમણો. કોઈ પણ આચ્છાદન વગરનાં એકદમ કડક ઉન્મત્ત સ્તનમંડળો હતાં. અવતાર ફિલ્મમાં પરગ્રહની સ્ત્રી જોઈ છે? આ સ્ત્રી એનાથી પણ વધુ ઘાટીલી હતી.

ઓહ, તેણે પેલી સફેદ લાકડી ઊંચી કરી. તે આશરે અઢી ફૂટ લાંબું કોઈ હાડકું હતું. મેં તેની આંખોમાં આંખો પરોવવા પ્રયત્ન કર્યો. હું તેમ કરી શક્યો નહીં. તેની આંખો અંધકારમાં પણ આગના તણખાઓ જેવી દેખાતી હતી. લાલ ઘુમ, જાણે આગ ઓકતી હતી. એ આંખો કોઈ શિકાર કરવા તરાપ મારવા તૈયાર થયેલાં જંગલી પશુ જેવી ચમકતી હતી.

 

તેણે મને એક પથ્થર પર બેસી જવા ઈશારો કર્યો. મારે ખભે તાકાત ભર્યો હાથ મૂકી મને બેસાડી દીધો. જાણે સિંહ કે વાઘનો પંજો હોય તેવું જોર મને એ પંજાની તાકાતમાં લાગ્યું.

(ક્રમશ:)