Samba Samba Sada Shiva - 5 books and stories free download online pdf in Gujarati

સાંબ સાંબ સદા શિવ - 5

પ્રકરણ 5

અઘોરીઓ કહેવાય ડરામણા, સ્મશાન અને બિહામણી જગ્યાએ પડ્યા પાથર્યા રહી તપ કરનારા. પણ આ સંપ્રદાય આખરે તો શિવજીની એક અલગ સ્વરૂપે આરાધના કરવા અને હિન્દૂ ધર્મની રક્ષા માટે છે. એટલા માટે એ સંપ્રદાયમાં પણ ચોક્કસ કાયદાઓ છે, તેમની પોતાની અદાલતો છે અને તેમના કાયદાઓ આમ તો સાચે રસ્તે રહેવા માટે છે પણ તેનો ભંગ કરવાથી કમકમાટી ઉપજાવે તેવી સજા થાય છે. એ અઘોરાએ મને કહ્યું હતું.

 

તેણીએ મને અહીં કોઈ પણ જાતના અશિસ્ત, આજ્ઞાનું અવલંધન, નામર્દાઇ કે કોઈ નાનું પણ ગુનાહિત કૃત્ય કરવાથી દૂર રહેવા કડક ચેતવણી આપી. અહીંની સજાઓ કંપારી છૂટી જાય તેવી કડક હતી.

કેવા કાયદાઓ હોય છે અને શું સજા હોય છે તે પૂછતાં તેણે એક ડરામણી વાત કહી.

 

"એક અઘોરીએ શહેરી વિસ્તારમાં એક યુવતી પર બળાત્કારની કોશિશ કરેલી. અઘોરી ગુરુઓ તેને તેનું રૂપ બદલી લઈ આવ્યા અને તેમની અદાલતમાં તેનું લીંગ કાપી તેની જગ્યાએ કોઈ યોનિ લગાવી દીધી અને અનેક, હા, અનેક અઘોરીઓને તેની સાથે… (સર, માફ કરો. હું આપની આગળ તે બોલી એ વર્ણન નહીં બોલું.) આદેશથી આ કરાવ્યું."

 

"એક અઘોરીએ આંતરિક વિખવાદમાં પોલીસને સ્મશાનમાં કાળીચૌદશના કોઈ શબ પર તાંત્રિક વિધિ થવાની હતી તે પહેલાં એની ખોપરી અને અવયવો કાઢી બીજાને ગેરકાયદે વેંચી દીધા. એના અન્ય પંથીઓએ એ ફરી પરત લાવવા કે પ્રાયશ્ચિત કરવા કહ્યું તો તેઓ જ ગેરકાયદે અવયવોનો વેપાર કરે છે એમ કહી ખોટી પોલીસ ફરિયાદ કરી દીધી. અઘોર પંથીઓ છૂટી ગયા પણ તે પછી તે અઘોરીનું તત્કાળ મૃત્યુ નિપજાવી તેની જ ચિતા પર અઘોરીઓએ લોટ શેકીને ખાધો. કદાચ એ અઘોરીનાં અંગો પણ. એટલામાં સમજી જા. અહીં ગુરુની આજ્ઞા મુજબ જ રહેજે.”

 

અઘોરાની મદદથી મેં કરેલો તે શિકાર મેં અહીં જંગલમાં જ આગ સળગાવી પકાવી આરોગ્યો, નજીકના ધોધનું પાણી પીધું અને ગુફામાં પાછો ગયો. પાછા આવતાં જોયું તો ગુરુજી એક ખોપરીમાંથી લોહીના ઘૂંટ ભરી રહ્યા હતા.

 

ગુરુએ મને ગુફાની બહાર જઈ એક પાન પર મારી જ વિષ્ટા કરી, નજીક અગ્નિ પ્રગટાવી સુકવી અને તેમની સામે જ ખાવા આદેશ આપ્યો. તેમણે કહ્યું કે આ કાર્ય કોઈ પણ જીવિત સ્વરૂપે રહેલી ચીજ પ્રત્યેની ધૃણા કે સુગ દૂર કરવા માટે છે. તેણે હવે મને કોઈ ચા ઓફર કરે તેમ ખોપરીમાં વધેલું રક્ત પી જવા આદેશ આપ્યો.

 

"બેટા, આ તમે ચા પીવો તેવી દૈનિક ક્રિયા નથી. જેવું લોકો માને છે કે અમે રોજ ચા કોફીની જેમ રક્ત પીતા હશું એવું નથી. રક્તપાન કરીએ એ ક્યારેક જ. આ તો ગુરુ દ્વારા અભિમંત્રિત પ્રસાદ છે. બાકી અમે લાંબા સમય સુધી કાંઈં જ ખાતાપીતા નથી. અમને ભૂખ, તરસ, મૂત્રત્યાગ કે શૌચની જરૂર કે ઈચ્છા ઘણા લાંબા સમય સુધી થતી જ નથી. એ જ તપની શક્તિ છે.

 

કાલથી તું પણ સૂર્યનું પહેલું કિરણ નીકળે ત્યારે ગુફાની બહાર નીકળી તારી બધી જ ઇન્દ્રીયો- નાક, કાન, મોં, આંખો, ત્વચા દ્વારા સૂર્યપ્રકાશ શરીરમાં ગ્રહણ કરજે. હજુ થોડો વખત શિષ્યા બતાવે તે પર્ણો અને ફળ ખાજે. પછી આ સૂર્યપ્રકાશ લીધા બાદ તારી ભૂખ, તરસ કાયમ માટે શમી જશે."

 

મેં એક ગુજરાતી શ્રી. હીરાલાલ માણેક સૂર્યપ્રકાશ પર જીવતા એમ વાંચેલું પણ સાચું હશે તે આજે ખબર પડી. એક માતાજી તરીકે ઓળખાયેલા સંત શ્રી. જાની એ રીતે સિત્તેરથી વધુ વર્ષ જીવેલા એ મેં વાંચેલું અને એની ડોક્યુમેન્ટરી પણ જોયેલી. મારે પણ હવેથી એમ રહેવાનું છે. ફાવશે? ફવડાવવું જ પડશે. નહીંતો અઘોરાએ કહેલી તેવી ભયંકર સજા.

 

"હવે આજે તને મૃત્યુ અને જીવન વચ્ચેની ભેદરેખા સમજી મૃતદેહનો ડર દૂર કરવા 'શવ થી શિવ' સાધના શરૂ કરાવીએ છીએ. એમાં શબ ઉપર બેસી સાધના કરવાની હોય છે. અત્યારે તું તેં શિકાર કરેલ આ પશુ પર જ બેસીને સાધના કર. પછી તારે માનવ શબ પર બેસી સાધના કરવાની રહેશે. આ પોલી ભૂંગળીમાંથી ફૂંક માર. આ પદાર્થ તારી બધી જ સુધબુધ દુન્યવી બાબતોમાંથી ખેંચી તને ઊંડા ધ્યાનમાં જોડી દેશે. આંખો બંધ કર અને બોલ્યે રાખ, 'સાંબ સાંબ સદા શિવ' ." ગુરુજીએ આદેશ આપ્યો.

 

મારે હાથે મૃત પશુનું ચામડું ખેંચીને ફડાવ્યું, એ મૃત પશુનાં હાડકાં મારે મારા હાથ અને પગના પ્રહારથી તોડવાં પડ્યાં. મારા હાથ, પગમાં કુહાડી જેવી તાકાત આવી ગયેલી. ચોક્કસ લેપ દ્વારા. એની ફોર્મ્યુલા તમને નહીં કહું. પછી મારે એ ચામડું ખેંચીને જુદું કરવું પડ્યું અને અઘોરા સાથે ગુફા નજીકના પેલા વહેતા ધોધનાં જળમાં ધોવું પડ્યું. એ પ્રક્રિયામાં લગભગ આખો દિવસ ગયો. તે પછી ગુરુજી પાસે ગયો. તેમણે કહ્યું કે હવે આ જ ચર્મ પર બેસી મારે સાધના કરવાની હતી.

 

ફરી એ પોલી ભૂંગળીમાંથી શ્વાસ ખેંચી મેં જાપ શરૂ કર્યો - 'સાંબ સાંબ સદા શિવ'.

 

મેં થોડા કલાક પહેલાં મારેલાં એ પશુનાં ચામડાં પર બેસી તે નળીમાંથી ફરી ઊંડી ફૂંક ખેંચી જાપ શરૂ કર્યો. કદાચ એ અર્ધ ભાન જેવી ઊંડી સમાધિ, કે જેને તુર્યાવસ્થા કહે છે, તેમાં મને આ અઘોરી પંથનું જ્ઞાન આપવામાં આવ્યું. હું એ ફૂંક શ્વાસમાં લઈ ઊંડા ધ્યાનમાં ઉતરી ગયો. મારા શ્વાસ, ધબકારા અને વિચારો ધીમા પડતા અને મારું શરીર સ્થિર મુદ્રામાં એકદમ કડક, કોઈ શબ જેવું થતું અનુભવી શક્યો. પછી મને ખબર નથી કે પછી મારૂં શું થયું. ઘણા સમય સુધી. એમ ને એમ કેટલો સમય લાગ્યો હશે? કલાકો? દિવસો? મહિનાઓ?

(ક્રમશ:)

Share

NEW REALESED