Samba Samba Sada Shiva - 4 books and stories free download online pdf in Gujarati

સાંબ સાંબ સદા શિવ - 4

પ્રકરણ 4

અમારી વચ્ચે જે વાત થઈ એ મને જેવી યાદ છે તેવી કહું છું.

અઘોરા અને સન્યાસી હિંદીમાં વાત કરતાં હતાં. મારી સાથે વાતની ભાષા પણ હિંદી હતી. સન્યાસી ચહેરા અને દેખાવનાં ફીચર્સ પરથી નોર્થઇસ્ટ બાજુના, આસામ કે મેઘાલયના લાગતા હતા પણ ત્યાંના લોકો તો ઠીંગણા હોય. તેમનો બાંધો તો વિશાળ હતો. તેઓ સંસ્કૃતમય હિન્દી શુદ્ધ ઉચ્ચારોમાં બોલતા હતા.

અમારી વચ્ચે લગભગ આ પ્રકારની વાત થઈ.

તેઓ : "તને ખબર છે બેટા, અમે અઘોરીઓ શું છીએ?"

હું : "અઘોરીઓ.. આપ અને હવે હું, શિવજીના ભક્તો છીએ. આરાધના કરનારા, પણ કોઈ એક અલગ, વિચિત્ર માર્ગે."

 

તેઓ: (ગુસ્સામાં) " હુ.. હુ.. હૂમ.. વિચિત્ર તો તમારી દુનિયાની રીતો છે. અતિ કૃત્રિમ. અમે જ કુદરતી રીતે રહીએ છીએ. કોઈ બાહ્ય આડંબર વગર. તમે સહુ તો કોઈ વીડિયો ગેઇમના કેરેક્ટરોની જેમ માયામાં જ રહો છો."

 

(મેં મનોમન પૂછ્યું, ' બાબાજી, તમે કોઈ વીડિયો ગેઇમ ક્યારેય રમ્યા છો?)

 

તેઓ : "તમારૂં માયા જગત મિથ્યા છે. સત્ય તો અમારી જેમ અનાવૃત, નગ્ન જ હોય છે.

અને સાંભળી લે બેટા, મેં માત્ર વિડીઓ ગેઇમ રમી જ નથી, રચી પણ છે. હું કોણ હતો એ પૂછીશ નહિ. તું કોણ હતો તે પણ ભૂલી જા. હું તારા વિચારો વાંચી શકું છું અને એનું ભાષાંતર કરવા કોઈ ગૂગલ ટ્રાન્સલેટરની મને જરૂર નથી. હું સમાજના સંપર્કમાં છું અને છતાં અહીં એકાંતમાં મારૂં કાર્ય કરૂં છું. તારે પણ એ કાર્ય કરવા સંપૂર્ણ એકાંત જોઈએ. સામાન્ય જનોના વિચારો પણ તારાં કાર્યમાં ખલેલ પાડે. એટલેજ અઘોરી સામાન્ય દુનિયાથી દૂર રહે છે."

 

હું : "હા. એટલે તમે સ્મશાનમાં જ રહો છો."

 

તેઓ : સ્મશાનમાં જ રહીએ એ માન્યતા સાવ સાચી નથી. આજકાલ સ્મશાનો પણ શહેરની વચ્ચે હોય છે. અઘોરીની આરાધના અત્યંત કઠીન હોય છે. કાચાપોચા જુએ તો પણ તેમનું હ્રદય બંધ પડી જાય. એટલે સંપૂર્ણ એકાંત અને માનવ વસ્તીથી તો દૂર રહેવું જ પડે. માનવ વસ્તી થી. પ્રકૃતિથી નહીં. "

 

હું : "અમુક ક્રિયાઓ શબ સાથે કરો છો એ શું છે? શા માટે?"

 

તેઓ : "વામ માર્ગની આ સાધનામાં ભૈરવ સ્વરૂપની આરાધના દ્વારા સિદ્ધિઓ મેળવવાની હોય છે. એ શિવજીનું જ બિહામણું સ્વરૂપ છે. મૃત વ્યક્તિનો જીવ દેહ છોડ્યા પછી તેનું અતિ વિશાળ આભા શરીર આસપાસ હોય છે અને તે દૈવી શક્તિ સુધી પહોંચવા એક સેતુ બની રહે છે. એટલા પૂરતું મૃત માનવીનું શબ જોઈએ. તે માટે અમે કોઈને મારતા નથી, પૂરાં ન બળેલાં કે ત્યજી દેવાએલ શબની શોધમાં હોઈએ છીએ. તારે પણ પોતે શબ મેળવવું પડશે અને સાધના કરવી પડશે."

 

હું : "સમાજ કહે છે કે અઘોરીઓ શબ સાથે સંભોગ કરે છે, માનવ અવયવો ખાય છે, એ કેટલું સાચું છે અને શા માટે કરવામાં આવે છે?"

 

તેઓ : "જો કુદરતી રીતે દમન ન થાય તો માનવસહજ જાતીય વૃત્તિઓનાં દમન માટે શબ સાથે એકાદ વખત આ કરવું પડે પણ એ શિક્ષા જેવું છે. એક વાર શબ સાથે મૈથુન કરે પછી એ જીવની તાકાત નથી કે બીજીવાર ક્યારેય જીવતા માનવદેહ સાથે ઈચ્છા પણ થાય.

અમારે કુદરતે બનાવેલ દરેક વસ્તુનું ગ્રહણ કરવું જરૂરી હોય છે એટલે એકાદ વાર જ માનવ અવયવ સામાન્ય ચીજની જેમ ખાઈએ છીએ. બાકી અમારા વિશેની ઘણી વાતો માત્ર કપોળકલ્પિત હોય છે."

 

હું : " તો મને જે પંથનો હું હવે એક ભાગ છું તેના વિશે કહેવા કૃપા કરો."

 

તેઓ : "તો હવે ધ્યાનથી સાંભળ. અમે અ-ઘોર, જે ઘોર એટલે કે જરા પણ કૃત્રિમ નથી તેવા છીએ. અમે તમારે હોય છે તેવી ઊંડી લાગણીઓથી પર છીએ. ભગવાન શિવે આ પંથ અમારે માટે ગમે તેવી કપરી સ્થિતિમાં પણ હિંદુ ધર્મની રક્ષા કરવા ઘડયો છે. એટલે જ તમને જે ટેવો વિકૃત કે વિચિત્ર લાગે તે અમારે માટે સામાન્ય, બલ્કે ફરજિયાત છે.

તેથી તો અમે કોઈ પણ શસ્ત્રધારી લશ્કર કરતાં સારા યોદ્ધાઓ પણ છીએ. એ ઉપરાંત શિવજીની જેમ અમે સ્મશાન અને સામાન્ય જીવાત્માને ભય લાગે તેવી એકાંત જગ્યામાં રહી હિંદુ ધર્મની રક્ષા માટે અતિ કપરી સાધના કરીએ છીએ. ભગવાન શિવ કરતા તેમ જ.”

 

તેઓ થોડું થોભ્યા. તેમને એક ઊંડો શ્વાસ લીધો અને આગળ ચલાવ્યું.

 

"હવે જો, રાત્રી-દિવસ, પ્રકૃતિ-પુરુષનો સંધિકાળ પૂરો થાય છે. સૂર્યનાં પ્રથમ કિરણ સાથે આ શિષ્યા તેના કામે જશે અને તું મારી સાથે મારા એક અનુચર તરીકે રહેશે."

 

આ સાથે અઘોરા ગુરુને પ્રણામ કરી વિદાય થઈ. જતાં જતાં મને ધીમેથી 'સાંબ સાંબ સદા શિવ' કહેતી ગઈ.

 

હું: "આપના ગુરુ કઈ બીમારીથી અવસાન પામ્યા? કોઈ બીમાર પડે તો તમે બહારથી ડોક્ટર ન બોલાવી શકો?”

 

તેઓ: " બમ.. હર.. બીમારી? તું શું સમજે છે તારા મનમાં? ગુરુજીએ 200 વર્ષની પાકટ વયે સામેથી સમાધિ લઈ દેહ ત્યાગ કર્યો.

 

અહીં કોઈ બીમાર પડે જ નહીં ને પડે તો પણ અમારી જડીબુટ્ટીની દવાઓ, આ અભિમંત્રિત એટલે કે પ્રોસેસ કરેલું જળ, ખાસ પ્રાણીનું રક્ત અને અમારા શક્તિશાળી શાબરી મંત્રો તેને ઉભો કરી જ દે.

 

જો કોઈની નિયતિ જ પુરી થતી હોય તો અલગ વાત છે, નહીં તો મડદાંને પણ જીવતું કરી શકીએ છીએ. એ જીવિત ન થાય તો મેડિકલ શિક્ષણની જેમ અમારી ધાર્મિક ક્રિયાઓ માટે એ શબનો ઉપયોગ થાય છે.

 

મારા ગુરુજી નવા આધુનિક યુગમાં નવું શરીર લેવા ગયા છે."

 

હું: "ગુરુજી, તમારી શિષ્યાએ અમારાં શરીર ઉંદરો જેટલાં સૂક્ષ્મ કેવી રીતે બનાવ્યાં? અમે ઝાડની ડાળી પર ઉડતાં અહીં સુધી કઈ રીતે આવ્યાં?"

 

તેઓ: "તે અમારી ગુપ્ત શક્તિઓ છે. તેણે ધામણ નામના સાપની શ્વાસનળીનું હાડકું વાપરી શાબર મંત્રો સાથે કાયાકલ્પ કરેલો. આ ધામણની શ્વાસનળી અને શાબર મંત્રો દ્વારા અમે ઇચ્છિત મોટું કે નાનું સ્વરૂપ ધારણ તો કરી જ શકીએ છીએ, જરૂર પડ્યે માત્ર સામેવાળાને જ દેખાય તેવું અલગ રૂપ પણ લઇ શકીએ છીએ. અમે એ જ માનવ શરીરધારી અઘોરી હોઈએ પણ સામેની વ્યક્તિને સાપ, હિંસક પ્રાણી કે કઈંક બીજું જ દેખાઈએ. માયાનો પ્રતાપ. જે દેખાય છે એ હોતું નથી અને હોય છે એ દેખાતું નથી. માયાનાં આવરણ હેઠળ ઢંકાઈ જાય છે."

 

હું: "એ ઇચ્છાધારી સ્વરૂપ હું જોઈ શકું?"

 

તેઓ: "ના. એ દુન્યવી માનવીઓને બતાવવા માટે નથી."

 

હું: "તો મારી જેવા બહારના માણસને ખબર કેમ પડે કે તમારો આ હોય તે કરતાં બીજું સ્વરૂપ દેખાવાનો દાવો સાચો છે? આપ કૃપા કરી માત્ર એક વખત મને આપનું માયાવી રૂપ બતાવો.”

 

ગુરુજીએ આંખો બંધ કરી અને મને આંખો ખુલ્લી રાખીને પણ શ્વાસ અટકાવી રાખવા જણાવ્યું.

 

તેમણે 'ઉર.. ઉર.. ઉચ્ચય.. સશ સશ.. સ્વરૂપ.. (બીજું ન સમજાય તેવું), પ્રગટય.. પ્રગટય.. કુ કુ કુરુ.. ફટ ફટ સ્વા..હા..' તેવા મંત્રો ઉચ્ચાર્યા અને સામેના પ્રજવલિત અગ્નિમાં કશુંક ફેંકીને હોમ્યું.

 

ફરીથી પાંસળીઓનું પિંજર ડાબે પડખે ફર્યું અને ખોપરી બે ફૂટ જેવી હવામાં ઊંચકાઈ. મારુ હૃદય ભયથી એક ક્ષણ બંધ થઇ ગયું.

 

અઘોરી ગુરુએ ત્રાડ નાખી

"ગોરખ કી આજ્ઞા

પાતાળ પૂંછ, આકાશ ઊંચ,

ઉતિષ્ઠ ઉતિષ્ઠ .. ઓમ.."

 

ફરીથી એક આકાશ ફાડી નાખે તેવી મોટેથી તીણી ચીસ પાડી.

 

" ઉહ.. ઉહ.. ઉતિષ્ઠ.. ઉત્તિષ્ઠ.. આકાશ ફાડ.. ખોલ દે આડ..

ફટ ફટ.. ઓહ્મ હ્રીંમ કલીમ.."

 

તેઓ એક પાંચ માળનાં મકાન જેટલા ઊંચા થઈ ગયા.

 

એ સાથે એમણે એ જ સ્વરૂપે કહ્યું, " આ અમારી આસુરી માયા સામે પ્રતિમાયા છે. હું તને આટલો મોટો દેખાઉં જ છું. ખરેખર છું નહીં. તને પણ અમે તને સોંપેલાં કામ કરવા આ શક્તિઓની જરૂર પડશે.

 

યાદ રાખ, મોટા દેખાવું એટલે દુશ્મનમાં ડર પેદા કરવો કે શક્તિ પ્રદર્શન કરવું. નાનું દેખાવું એટલે નમ્ર બનવું.”

 

મને હનુમાન ચાલીસાની પંક્તિઓ યાદ આવી,

'સૂક્ષ્મ રૂપ ધરી સિયહી દિખાવા, વિકટ રૂપ ધરી લંકા જરાવા'.

 

ગુરૂજીએ કહ્યું, "હું જોઈ શકું છું કે તારું પાર્થિવ શરીર થાકી ગયું છે. બહાર જા અને તારી મેળે આ હું આપું તે અભિમંત્રિત બાણ વડે કોઈ પ્રાણીનો શિકાર કર. યાદ રાખ. આજ પૂરતું જ. આપણે જીવ માત્રના તારક છીએ, મારક નહીં."

તેમણે એક ક્ષણ અટકી કહ્યું-

 

"અહીં તને કાંઈ ચા, કોફી કે બ્રેકફાસ્ટ નહીં મળે.

 

કાળક્રમે તું ટેવાઈ જઈશ. અમને તો ભાગ્યે જ ભૂખ લાગે છે. મને ખબર છે તું કાલે બહુ વહેલો બ્રેકફાસ્ટ કરી નીકળેલો પછી તેં કઈં ખાધું નથી.”

 

તેમને ક્યાંથી ખબર, કે મેં 'સવારે', 4.40 વાગ્યે અહીંતો સૂર્ય ઉગવાની તૈયારી થઈ ગઈ હોય, ત્યારે બ્રેડ બટર ખાઈ લીધેલાં!

 

તેમણે મને એક અણીદાર ડાળી આપી. તેની ઉપર સિંદૂર જેવો કોઈ લેપ કરેલો.

 

હું નીકળતો હતો ત્યાં તેમણે કહ્યું, "શિકાર કરતા પહેલાં તે પ્રાણીની ક્ષમા માંગી લેજે. કોઈ જીવનને પોતાના અંગત સ્વાર્થ માટે બીજું જીવન નાશ કરવાનો અધિકાર નથી. સર્વ પશુઓ ખુદ શિવજીથી રક્ષિત છે. એટલે તો શિવજી પશુપતિનાથ કહેવાય છે."

 

મેં જંગલમાં આવી એક પહાડી ઢોર પર તીર છોડ્યું. નિષ્ફળ ગયું. ફરીથી. ફરી ખાલી વાર ગયો.

 

ઓચિંતી ક્યાંકથી અઘોરા આવી ચડી અને મને કેવી રીતે આ તીર ચલાવવું તે બતાવ્યું. તેણે કહ્યું કે આજે બરાબર જોઈ લે. કાલથી તારે જ આ કરવું પડશે. તેણે મારી પાસે શિકાર કરાવ્યો.

 

અમે આ 'વ્યુ પોઇન્ટ' પર ફરી અમારી 'કેમ્પ ફાયર' ધોળે દહાડે કરી. મસ્ત વ્યુ હતો. દૂરદૂર ક્ષિતિજ જાણે જમીનમાં ઓગળી જતી હોય તેવું લાગતું હતું. ક્યાં આકાશ પૂરું થયું અને ક્યાં જમીન શરૂ થઈ એ ખબર પડતી ન હતી. દૂર ગાઢ જંગલની નીલવર્ણી ઘટાઓ આકાશના નીલા રંગ સાથે એકાકાર થઇ જતી હતી. પ્રકૃતિ અને પુરુષનાં મિલનની જેમ.

 

તેણે કહ્યું કે ગુરૂજીએ તેને પણ વિચારો વાંચતાં શીખવ્યું હતું અને એટલે જ તેણીએ ઘોર જંગલમાં પ્રથમ મુલાકાતમાં સમાગમ કરાવેલો. મારી ઉત્તેજિત લાગણીઓનું શમન થઈ જાય અને તેને તો લાગણીઓ હતી જ નહીં! તે ક્રિયાથી અમારાં ચક્રો એક બીજાની ફ્રિકવન્સી સાથે મેચ થઈ બેલેન્સ થઈ ગયેલાં.

(ક્રમશ:)