Udto Pahad - 4 books and stories free download online pdf in Gujarati

ઉડતો પહાડ - 4

ઉડતો પહાડ

ભાગ 4

ચંદ્ર જાળ

મોમો નો આત્મવિશ્વાસ અને ઉત્સાહ જોઈ, હોયો અને સિહા આખરે યોજના માં જોડાવવા તૈયાર થઇ જાય છે. હોયોની ચિંતાનું નું કારણ બીજું કઈ જ નહિ પરંતુ એ હોય છે કે જો કઈ અજુક્તું થાય, તો તે પોતાના મિત્રોને બચાવવા કઈ ખાસ કરી શકે તેમ નથી. કારણકે હોયો ને તો હજુ પોતાની શક્તિ વિષે કશું ખબર પડી શકી નથી ઉલ્ટાનું તે પોતાના મિત્રો માટે ભારરૂપ બની શકે છે. આમછતાં હોયો કચવાતા મને પણ મિત્રોનો સાથ આપવા તૈયાર થઇ જાય છે અને પાંચેય મિત્રો ભેગા મળી પોતાની ગુપ્ત મળવાની જગ્યા એ પહોંચે છે. તેઓનું ગુપ્ત સ્થાન એટલે એક મહાકાય આશોપાલવ ના ઝાડ પર બાંધેલો માળો છે કે જે તેમને સિંહાલય ના બધા મોર પક્ષીઓ એ ભેગા મળી ને તેઓના માટે બાંધી આપ્યો હતો, તેની વાત આપણે ફરી ક્યારેક કરશું.

હવે માળામાં અંદર બેસી અને કોઈ સાંભળતું નથી તેની ખાતરી કર્યા બાદ, ચંદ્ર ને પકડવાની યોજના ઘડાવાની શરૂઆત ગુપ્ત સ્વરમાં શરુ થઇ ગઈ છે. રેબાકુ પોતાની શક્તિ ઉપર વિષ્વાસ રાખતા ચંદ્રને પોતે એકલા હાથે પકડી અને ગજબના મોટા પીપળ ના ઝાડ પર બાંધી દેવાની ઈચ્છા દર્શાવે છે. પરંતુ ઝોગા અને હોયો નું માનવું છે કે ચંદ્રની શક્તિ ની કોઈ ને ખબર નથી જેથી ચંદ્રની શક્તિ ની પરખ વિના તેની સાથે સીધી લડાઈ લડવી ખરેખર ખતરનાક સાબિત થઇ શકે છે. મોમો અત્યંત ઉત્સાહ અને ગજબની હિમ્મ્ત દાખવતા કહે છે કે તેની પાસે જે શક્તિ છે તે શક્તિ કદાચ ચંદ્રની શક્તિ ને માપવા કામ આવશે. મોમો રજુઆત કરે છે કે “જેવો ચંદ્ર શિવીકા નદી માં નાહવા જશે કે તરતજ હું સૌપ્રથમ તેના પર પ્રહાર કરીશ અને તેને પકડી લેવાનો પ્રયત્ન કરીશ. અને જો ચંદ્ર મારીપર વળતો પ્રહાર કરશે તો મને ક્યાં કશું જ થવાનું છે મારી પાસે તો એવી શક્તિ છે કે મને કોઈ પણ પ્રહારની અસર જ ન થાય.” બાકીના દરેક મિત્રોને મોમોની યુક્તિ પસંદ આવે છે પરંતુ જો ચંદ્ર ધાર્યા કરતા વધુ શક્તિશાળી નીકળશે અને રેબાકુને મોમો પાસે પહોંચતા થોડીક પણ ક્ષણો વધુ લાગી જશે, તો તો ચંદ્ર મોમો ના પાશ માંથી ચોક્કસ છૂટી જશે અને તરત જ આકાશ માં પરત ઉડી જશે. આવું ન થાય તે માટે ઝોગા સલાહ આપે છે કે સૌપ્રથમ આપણે સિંહાલય ના આસપાસના જંગલોમાં જોવામળતી અદભુત અને અત્યંત મજબૂત વેલો ની જાળી બનાવીયે અને તેને નદીમાં તળિયે પાથરી નાખીયે. જેવો ચંદ્ર એ છટકું પર પહોંચે એટલે તરતજ તે ઝાળી માં પુરાઈ જશે અને પછી મોમો પોતાનું કામ સહેલાયથી કરી શકશે. યોજના હવે ખરેખર એક સરસ સ્વરૂપ લઇ રહી હોય તેવું લાગે છે પરંતુ જો ચંદ્ર તે વ્યવસ્થા સુધી આવશે જ નહિ તો? એ એક મોટો પ્રશ્ન હતો. ચંદ્રને તે છટકું સુધી લાવવાની જવાબદારી સિહા સ્વીકારે છે. સિહા પોતાની શક્તિનો ઉપયોગ કરીને શિવીકા નદીમાં રહેતી અત્યંત દુર્લભ અને કુદરતની અભૂતપૂર્વ રચના કહી શકાય તેવી રિવા માછલીઓથી વાત કરશે અને તેમને ચંદ્ર ને પોતાના અદભુત સ્વરૂપ અને સૌંદર્યથી લલચાવી અને છટકું સુધી લઇ આવવા મનાવશે. આ માછલીની રચના અને સૌંદર્યતા જોયા પછી કોઈ તેના થી દૂર રહી શકે તે શક્ય જ નથી. ઝોગા પણ પોતાની શક્તિને ઉપયોગમાં લાવશે. તે અદ્રશ્ય રહી ને રિવા માછલીઓ ને યોજના પ્રમાણે માર્ગદર્શન કરશે. પાંચેય મિત્રો આ યૌજનાથી અત્યંત પ્રભાવિત થઇ ગયા અને તેમને લાગ્યું કે હવે તો આપણે સિંહલયા ના નાયક જ બની જાશું, ચારે દિશાઓમાં આપણાજ પરાક્રમની ચર્ચાઓ હશે અને આપણોજ જયજયકાર હશે.

હજુ તો આ પાંચેય મિત્રો પોતાની વાતચીત કરી રહ્યા હતા ત્યાંજ સિંહાલયનો સંદેશાવાહક કે જેને સિંહાલય ના લોકો પ્રેમથી બૂબૂ કહીને સંબોધતા હતા ત્યાં આવી પહોંચે છે. બૂબૂ એક ખુબજ સુંદર પતંગિયું છે. ઇન્દ્રધનુષી રંગની મોટી મોટી મુલાયમ મખમલ જેવી પાંખો, તેના પર સોનેરી કલરની જીણી જીણી કલાકૃતિ, જાણે ભગવાને સાક્ષાત પોતાના હાથેથી તેને બનાવ્યો હોય તેમ લાગે છે. સિંહાલય નું તે એકમાત્ર એવું પતંગિયું છે કે જે ત્યાંના લોકોની ભાષા સમજી શકે છે અને બોલી શકે છે. જેથી સિંહાલય ના બધા પતંગિયાંઓમાં બૂબૂ એ મુખ્ય છે. બૂબૂ સિંહાલયનાં રહેસવાસીઓ માટે સંદેશ વાહકનું કામ કરે છે અને બદલામાં તે લોકો બૂબૂ અને તેની પ્રજાતિ માટે હજારો પ્રકારના, સુમધુર રસથી ભરપૂર ફૂલ ઉગાડે છે. બૂબૂ પાંચેય મિત્રો ને આવીને કહે છે કે હવે ટૂંક સમયમાં જ ચંદ્ર પ્રકાશોત્સવ શરુ થાવનો છે જેથી તમારા માતાપિતાએ તમોને બોલાવ્યા છે, જલ્દી ચાલો અને તૈયાર થઇ જાઓ. આજના ત્યોહારની તૈયારી ખુબ સારી રીતે થઇ ગઈ છે અને હવે આપણે સૌને તે માણવા માટે ભેગા થવાનું છે. રેબાકુ કટાક્ષ માં દબાયેલા હાસ્ય સાથે કહે છે હા, સાચી વાત છે આજની તૈયારી પુરી થઇ ગઈ છે, અને આપણે પહેલાં ક્યારે પણ નહીં માણ્યો હોય તેવી રીતે ચંદ્ર પ્રકાશ ઉત્સવ આજે માણશું એ તો નક્કી જ છે. બૂબૂ તું જા અમે તારી પાછળ પાછળ આવીયે છીએ, આમ કહીને બૂબૂ ને રજા આપવામાં આવે છે.

બૂબૂની થોડી દૂર જતા જ પાંચેય મિત્રો ઘડેલી યોજના પ્રમાણે પોતપોતાના કામ પર લાગી જાય છે. સિહા રિવા માછલીઓ પાસે જઈ અને આજના કાર્યક્રમની બધી રજૂઆત કરે છે અને પોતાની ખાસ શક્તિઓથી રિવા માછલીઓને આ કામ કરવામાટે સંમોહિત કરી લે છે. એટલીવારમાં અન્ય મિત્રો પણ ભેગામળીને ચંદ્રને પકડવાનો જાળ બનવી અને શિવીકા નદીમાં નિર્ધારિત કરેલી જગ્યા પર ગોઠવી મૂકે છે. બધી તૈયારીઓ પૂર્ણ કર્યાબાદ સૌ કોઈ પોતપોતાના ઘેર ત્યોહાર માટે તૈયાર થવા જાય છે.

બાળકો, ચંદ્રને પકડવાનો આપણો તખ્તો તો તૈયાર છે. તમને શું લાગે છે? ચંદ્ર પકડાશે?

જો તમને આ સ્ટોરી ગમતી હોય તો નીચે કોમેન્ટ માં મને કહો કે જેથી મને ખબર પડે કે તમને આ વાર્તા વાંચવી ખરેખર ગમે છે.

આગળના અંકમાં જો કોઈ પાત્ર તમારે તમારી કલ્પનામાંથી ઉમેરવું હોય તો પણ જરૂરથી મને જણાવજો હું તેને ઉમેરવાનો મારો પૂરતો પ્રયત્ન કરીશ.

હવે પછી નો ભાગ ખુબજ રસપ્રદ હશે કેમ કે છટકું તૈયાર છે, હવે ચંદ્રની આવવાની વાર છે.. આવે એટલે પકડી જ પાડીયે...