A Flying Mountain - 8 in Gujarati Children Stories by Denish Jani books and stories PDF | ઉડતો પહાડ - 8

ઉડતો પહાડ - 8

ઉડતો પહાડ

ભાગ 8

પ્રયાણ

સૂરજના કિરણો માર્ગદર્શક શીલા પર પડતા જ તે શીલા કોઈ મોટા મણિ ની જેમ ચમકી ઉઠે છે. સૌના આશ્ચર્ય ની વચ્ચે તે શિલા પર ધીરે ધીરે કંઈક લખાણ ઉભરતું હોય તેવું જોવા મળે છે. જાણે કોઈ અદ્રશ્ય હાથ શિલા ઉપર ધીરે ધીરે કશુંક કોતરતા હોય તેવું લાગી રહ્યું છે. થોડીજ ક્ષણોમાં તે માર્ગદર્શક શિલા પર લખાણ જોવા મળે છે.

નથી બન્યું પહેલા ક્યારે,

હવે બનવા જઈ રહ્યું છે,

સુંદર ઝગમગતું સિંહાલય,

ચંદ્ર ના શ્રાપથી બરબાદ થઇ રહ્યું છે.

દિવસે રાક્ષસી જાનવરોનો ત્રાસ,

તો રાત્રે ભૂત-પિસાચ,

મારુ સિંહાલય દુઃખોના સાગરમાં ઘરકી રહ્યું છે...

હારીને પછી હવે જીતવું,

મુશ્કેલ ઘણું,

શક્ય પણ છે,

તેવું મારુ વર્ષોનું અવલોકન કહી રહ્યું છે...

ઉંચે ઉત્તર પહાડ પર,

ગુફા છે ખાસ,

જ્યાં એક રહેવાસી, સફેદ વાળ વાળું,

છે તમારી આશ...

જાણે છે રહસ્યો, ચંદ્રને મનાવવાના,

પણ શરત એટલી કે પહેલા તેને મલકુસ્તીમાં હરાવવાના...

શિલા પર ના લખાણ વાંચ્યા બાદ ત્યાં ઉભેલા, ચિંતાતુર બધા લોકોની ચિંતા હવે થોડી હળવી થતી હોય તેવું લાગ્યું. સુબોધો એ કહ્યું: "આપણે હવે વધુ સમય વેડફ્યા વગર શિલાના લખાણ ના માર્ગદર્શન પ્રમાણે ઉત્તર દિશા તરફ આવેલા પર્વત ની ઉંચાઈ પર આવેલી ગુફાની શોધ કરવી જોઈએ અને ત્યાં જે સફેદ વાળ વાળું રહેવાસી રહે છે તેની મદદ લેવી જોઈએ." હોયો, રેબાકુ, ઝોગા, મોમો અને સિહા પણ સુબોધો ની વાત થી સહમત થાય છે અને જેમ બને તેમ જલ્દી તે ગુફાની શોધમાં નીકળી પડવાની તૈયારી કરવા લાગી જાય છે. સિંહાલય ના લોકો નાનપણથી જ સાંભળતા આવ્યા છે કે ઉત્તર દિશામાં આવેલ પર્વતની ઊંચાઈ પર એક ખુબજ મોટી ગુફા આવેલી છે. આ ગુફામાં કોણ રહે છે તે તો હજુસુધી કોઈએ પણ જોયું નથી પરંતુ તે ગુફાની આસ પાસ ઘણા સફેદ વાળ જોવામાં આવ્યા છે કે જેથી સિહાલયના લોકો ઘણીવાર એવું અનુમાન લગાવતા કે એ ગુફામાં કોઈક અત્યંત વૃદ્ધ સ્ત્રી રેહે છે.

સિંહાલય ના લોકો પોતાની જીવનજરૂરી ચીજવસ્તુઓ સાથે લઇ અને ધીરે ધીરે ઉત્તર દિશા તરફ કૂચ કરે છે. તેઓની સાથે સિંહાલયમાં હળીમળી ને રહેતા પશુ-પક્ષીઓ પણ ગુફાની શોધમાં નીકળી પડે છે. સિંહાલય નું સંદેશવાહક બૂબૂ પતંગિયું, અને તેની ટોળકી આમતેમ ઉડતા ઉડતા નવા નવા ફૂલોના રસનો સ્વાદ માણતા આગળ વધે છે. સિંહો પણ પોતાની લોકોની આગળ રહીને તેમની રક્ષા કરતા સાથે સાથે ચાલતા જોવા મળે છે. સિંહાલય ના લોકો આજ પ્રથમ વખત સિંહાલય થી આટલા દૂર જઈ રહ્યા છે. જેમ જેમ સિંહાલય ના રહેવાસીઓ આગળ આગળ વધતા જાય છે તેમ તેમ સિંહાલય તેમની દ્રષ્ટિથી દૂર થતું જાય છે. થોડી વાર માં તો સિંહાલય તેમની દ્રષ્ટિ થી સાવ અદ્રશ્ય જ થઇ જાય છે. હવે ચારેય તરફ મોટા મોટા વિશાળકાય વૃક્ષો છે, અલગ અલગ જાતના પથરાળ રસ્તાઓ છે અને અન્ય વન્ય પશુઓ પણ નજરે પડે છે.

પર્વતની તળેટી પર વસેલું જંગલ એટલું ગાઢ છવાયેલું છે કે ધોળા દિવસે પણ જાણે રાત્રી થઇ ગઈ હોય તેવો ભાસ થાય છે. સૂર્યના કિરણો પણ ઘટાદાર વૃક્ષોની શાખાઓ માંથી પ્રકાશ જમીન સુધી લાવવામાં સક્ષમ નથી. પહેલા ક્યારે પણ સાંભળ્યા ન હોય તેવા પક્ષીઓના મધુર કલરવ વચ્ચે અને પહાડ પરથી ઉતરતા નાના નાના ઝરણાઓ ના ખડખડાટ વચ્ચે સિંહાલય ના રહેવાસીઓનો કાફલો ખુબ જ શોભી રહ્યો છે. ગુફાની શોધમાં જઈ તો રહ્યા છે પણ દરેક ના મન માં એક પ્રશ્ન જરૂર ઉદ્ભવે છે કે આ ગુફામાં કોણ રહી રહ્યું હશે? શું ખરેખર કોઈ વૃદ્ધ સ્ત્રી હશે? કે કોઈ અન્ય પ્રાણી હશે? એવા વિચારોની વણઝાર સાથે નાના મોટા સૌ લોકો આગળ અને આગળ વધતા જાય છે. બપોર નો સમય થયો હશે અને હવે કાફલો થોડોક થાકેલો પણ જોવા મળે છે. લોકોને આસપાસ કોઈ મોટું પાણી નું ઝરણું હોય તેવો અવાજ સંભળાઈ રહ્યો છે જેથી એવું નક્કી કરવામાં આવે છે કે એ ઝરણાના સાનિધ્યમાં થોડી ક્ષણો આરામ કરી અને ફરી ગુફા તરફ કૂચ શરુ કરવામાં આવશે.

એકદમ ઘટ્ટ અને સુંદરતાથી ભરપૂર જંગલમાં વિભિન્ન ફૂલો અને ફળોના નાના મોટા છોડો અને કંટાળી ઝાળીઓ ધીરે ધીરે દૂર કરતો કાફલો અવાજની દિશા માં આગળ વધે છે. થોડીજ ક્ષણોમાં એક વિશાળકાય ઝરણું તેમની સમક્ષ આવી પહોંચે છે અને સૌ કોઈ તે ઝરણાની સુંદરતા જોઈ ને મંત્રમુઘ થાય છે. લગભગ 100 ફૂટની ઉંચાઈએ થી નીચે ઉતરતું ઝરણું દૂધના ફુવારા જેવું સફેદ અત્યંત શોભી રહ્યું છે. એકજ ઝરણાં પર ઉપર નીચે બે ઝરણાં હોય તેવું લાગે છે. સૌથી ઉપરના ટેકરા ઉપરથી પાણી નીચે ઉતરે તે પહેલા પ્રથમ વચ્ચે ના એક લાલ ટેકરી પર પડે છે અને ત્યારે બાદ નીચે પડેલા રંગબેરીરાગી પથ્થરો પર પહોંચે છે. આ જગ્યા એટલી સુંદર છે કે કોઈ પણ ત્યાં રોકવા માટે લલચાઈ જાય. સિંહાલય ના લોકો પણ આ સુંદરતા જોઈને ત્યાં થોડી ક્ષણો રોકાવાનું નક્કી કરે છે. વિભિન્ન રંગના નાના નાના પથ્થરો થી બનેલી જમીન, અને તે પથ્થરો પર પડતું સફેદ દૂધ જેવું ઝરણાનું પાણી આંખોને ઠંડક આપે છે. એ પથ્થરો પર અદ્ભૂત સુગંધિત ફૂલો ઉઘેલા છે કે જેની સુવાસથી મનમાં અલૌકિક શાંતિનો અનુભવ થાય છે. સૌ કોઈ પોતાની તરસ છીપાવવા ઝરણાંનું પાણી પીવે છે.

ઝરણાના મધુર પાણીથી પોતાની તરસ છીપાવીને થોડીવાર આ રમણીય વાતાવરણમાં આરામ કર્યા બાદ હવે રહસ્યમયી ગુફા તરફ કૂચ કરવાનો સમય થઇ ગયો છે. મોમો સૌથી પહેલા ઉભો થઇ અને આગળ વધવા નીકળે છે પરંતુ એક વિચિત્ર ઘટના બને છે. સિંહાલય ના બધા લોકો ઘાઢ નિદ્રામાં સરી પડ્યા હોય તેવી મોમોને શંકા થાય છે. મોમો સૌને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે પણ કોઈ જ ઉઠતું નથી.આ જોઈ ને મોમો એકદમ ગભરાઈ જાય છે. એવું તો શું થયું કે પશુ પક્ષી અને મનુષ્યો સૌ કોઈ બેભાન થઇ ગયા? મોમોને કશું જ સમજાતું નથી ત્યાંજ એનું ધ્યાન ઝરણાં તરફ જાય છે અને જુએ છે કે ઝરણાં પર જે બે ઝરણાં હતા હવે એક જ છે. વચ્ચે ની લાલ ટેકરી હવે ગાયબ છે. શું આ ઝરણાનું પાણી ઝહેરીલુ હશે? કે જેને પીને બધા બેભાન થઇ ગયા છે. ઝરણાંના વચ્ચે જે લાલ ટેકરી હતી કે જેને કારણે ઝરણાં ના બે ભાગ પડતા હતા એ લાલ ટેકરી પણ હવે અદ્રશ્ય છે તો શું એ લાલ ટેકરીનું અને લોકોના બેભાન થવા વચ્ચે કોઈ સબંધ હશે? મોમો હજુ આવા વિચારો માં ખોયેલો છે અને કશું સમજે તે પહેલા તો મોમોના આંખ સામે જે આવે છે તે જોઈ ને મોમો સ્તબ્ધ થઇ જાય છે. આ દ્રશ્ય જોઈને મોમોના હૃદયના ધબકારા તીવ્ર થઇ જાય છે તેની વિચારવાની શક્તિ પણ બે ક્ષણ માટે સુન્ન થઇ જાય છે.

એવું તો મોમોએ શું જોયું? અને સૌના બેભાન થવાનું કારણ શું હોઈ શકે તે જાણવા આવતા અંકની પ્રતીક્ષા કરવી પડશે...

Rate & Review

Dr Ajay Mr

Dr Ajay Mr 2 weeks ago

kyare avse

Vishal Parekh

Vishal Parekh 1 year ago

part 9 kyare aavse?

રજનીભાઈ
MIHIR THAKER

MIHIR THAKER 2 years ago

Dipti Koya

Dipti Koya 2 years ago

Share