virgatha - 35 books and stories free download online pdf in Gujarati

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 35

વિશ્વજીત તો બંને વૃદ્ધ ને જોઈ રહ્યો, આ જોઈને વૃદ્ધ માણસ બોલ્યો તમે સૈનિક તો નથી લાગતા. સૈનિક ની આંખમાં ક્યારેય આશુ નથી હોતાં.

સાચું કહેવું કે ખોટું કહેવું તે સવાલ વિશ્વજીત ના મનમાં આવ્યો. સાચું કહીશ તો મને અહી સુધી લાવનાર સૈનિક ને ખબર પડી જશે જે હું બ્રાહ્મણ નહિ પણ ક્ષત્રિય છું. અને ખોટું કહીશ તો આ વૃદ્ધ સામે ખોટો ઠરીસ અને પાપ લાગશે. પણ વૃદ્ધ ના હાથમાં રહેલી માળા પર નજર કરતા કહ્યું. હું તો મુસાફર છું. અને આપ મને તમારા દુઃખ નો ભાગીદાર પણ સમજી શકો છો. પણ એક સાચી વાત કહું હું હંમેશા સત્યના માર્ગ પર ચાલનારો માણસ છું.

આવી ભાષા સાંભળી ને વૃદ્ધ માણસ બોલ્યો. આ ભાષા એક ક્ષત્રિય ની છે. પણ હવે હું પૂછીશ નહિ આપ કોણ છો. આટલું કહી તે વૃદ્ધ માણસ તેની પત્ની પાસે જઈને ભક્તિ કરવા લાગ્યો.

વિશ્વજીત અને સૈનિકો પાછા ફર્યા પણ વિશ્વજીતે તે સૈનિક ને એક એવો સવાલ કર્યો જે સવાલ ના જવાબ માં છુપાયેલ હતું પલઘટ દેશ નું રહસ્ય.
આ વૃદ્ધ માણસ અને મહિલા કોણ છે. અને તેમને અહી કેમ રાખવામાં આવ્યા છે. ચાલતા ચાલતા પેલા સૈનિક ને વિશ્વજીતે સવાલ કર્યો.

તે સૈનિક કોઈ જવાબ આપ્યો નહિ પણ કહ્યું. અત્યારે આપણે અહીંથી જલ્દી બહાર નીકળી જવાનું છે. તમારા કક્ષ માં જઈને આ સવાલ નો જવાબ આપીશ.

ચૂપચાપ ઝડપભેર વિશ્વજીત અને સૈનિક કક્ષમાં પહોંચ્યા. વિશ્વજીતે સૈનિક ને પાસે બેસાડી જીજ્ઞાશા વસ કહ્યું. સૈનિક જલ્દી મને પલઘટ દેશ નું રાજ બતાવ.

સૈનિકે માંડીને વાત કરી.
થોડા વર્ષો પહેલા ની વાત છે. આ પલઘટ દેશ પર રાજા પાલ રાજ કરતો હતો. રાજા પાલ બહુ દયાળુ અને પ્રજા પ્રેમી હતો. હંમેશા નગરની પ્રજા ને પ્રેમ અને જરૂરિયાત વસ્તુઓ પૂરી પાડતો. ક્યારેય કોઈ દિવસ પ્રજા પર જુલમ કે ત્રાસ ગુજાર્યો ન હતો. હંમેશા પ્રજા સાથે રહીને દેશ ના હિત માટે કામ કરતો.

રાજા પાલે એક નાના એવા પાડોશી દેશ ની રાજકુમારી પીલુ સાથે તેણે વિવાહ કર્યા. પીલુ પણ રાજા પાલ ની જેમ પ્રેમાળ અને દયાળુ હતી. બંને નો સંસાર સારી રીતે ચાલી રહ્યો હતો. પણ કહેવાય છે ને ભગવાન બધું આપી દે તો દુઃખ શું કહેવાય તેની કેમ ખબર પડે. તેમ રાજા પાલ ને સુખ શાંતિ અને સમૃદ્ધિ તો આપી હતી પણ લગ્ન થયા ને ચાર વર્ષ વીત્યા છતાં તેમને ત્યાં એક પણ સંતાન થયું ન હતુ. તે વાત નું રાજા પાલ કરતા રાણી પીલુ ને વધુ થતું હતું.

જ્યારે જ્યારે રાણી પીલુ સંતાન ની વાત કરે ત્યારે રાજા પાલ તેને નશીબ માં હશે તો મળશે આપણે કોણ... દેવા વાળો ઉપર બેઠો છે. જો તેને આપણી પર કૃપા થશે તો અવશ્ય સંતાન આપશે. આમ ચિંતા કરવાથી કઇ જ નહિ વળે રાણી. ભગવાન નું ભજન કરો તેની દયા થશે તો તે પણ થશે.

રાજા પાલ ના સત્ય વચન સામે રાણી પીલુ પછી કઈ પણ બોલતી નહિ તેની મમતા તેના દિલમાં દબાવી ભગવાન સામે અરજી કરવા બેસી જતી. દિવસો પછી મહિનાઓ પસાર થવા લાગ્યા. હવે રાણી પીલુ કરતા નગર ની પ્રજાઓ ને રાજા ના વારસદાર ની ચિંતા થવા લાગી. પહેલા નગર ની પ્રજા રાજા અને રાણી પર પ્રેમભરી નજરે થી જોતી પણ હવે તેને ધૃણા ની નજરે થી જોવા લાગ્યા.

નગરજનો નું આવું વર્તન જોઈને રાજા પાલ ને બહુ દુઃખ થાય છે. રાજા પાલ એક દિવસ નગરજનો ની પાસે જઈ સવાલ કરે છે. મારી ઘરે સંતાન નથી તો તમારું આવું વર્તન કેમ. ? હું પહેલા પણ તમારી બધાને કાળજી અને પ્રેમ રાખતો આજે પણ રાખું છું. તો આમાં શું બદલાયું.?

રાજા પાલ ના સવાલો નો જવાબ નગર નો એક માણસ આપે છે.
મહારાજ તમારી કૃપા અમારી પર સદાય છે અને રહેશે તે અમને પુરે પુરો વિશ્વાસ છે. પણ મહારાજ કાલ તમે ઘરડા થઈ જશો કે મૃત્યુ પામશો તો આ દેશ ને કોણ ચલાવશે. અને જો તમારી ઘરે રાજકુમાર નો જન્મ થશે તો તમારા સંસ્કારો ના સિંચન થી તમારા જેવા જ રાજા એમને ભવિષ્ય માં પણ મળશે. અને અત્યાર ની જેમ ત્યારે પણ સુખી હોઈશું એટલે મહારાજ અમે ઇચ્છીએ છીએ કે આપના ઘરે એક સંતાન હોય.

તે માણસ ની વાત સાંભળી રાજા પાલ ની આંખો માં આશુ આવી ગયા. તેને પણ વિચાર આવ્યો કાલ સવારે હું ઘરડો થઈ જઈશ તો મારી અને મારી પત્ની ની સેવા કોણ કરશે. તે કરતા મહત્વ ની વાત એ છે કે આ દેશ ને મારા ગયા પછી ચલાવશે કોણ. આ વિચાર થી રાજા પાલ ને રાત્રે ઊંઘ ન આવી.

માંડ માંડ રાજા પાલ થી સવાર થયું. સવારે રાણી પીલુ ને કહ્યું હું જંગલ માં તપશ્ચર્યા કરવા જાવ છું જ્યાં સુધી પાછો ન ફરુ ત્યાં સુધી તમે આ દેશ નું ધ્યાન રાખજો. રાણી પીલુ સમજી ગયા કે મહારાજ આ કુળ ના વારસદાર માટે જ તપશ્ચર્યા કરવા જંગલમાં જાય છે. રાણી પીલુ એ રાજા ને રાજી ખુશી થી વિદાય કર્યા અને વચન આપ્યું કે આપ જ્યા સુધી પાછા નહિ ફરો ત્યાં સુધી હું આ દેશ ની સંભાળ રાખીશ.

રાજા પાલ તો જંગલમાં જઈને તપચર્યા કરવા લાગ્યા. ઓમ નમઃ શિવાય.... ઓમ નમઃ શિવાય ના જાપ જપવા લાગ્યા. એક વર્ષ બે વર્ષ કરતા કરતા પાંચ વર્ષ વિતી ગયા. રાજા પાલ તો લીન થઈ તપચર્યાં કરી રહ્યા હતા. આ જોઈને મહાદેવ તેમની સામે પ્રગટ થયા.

હે રાજન. ઉઠ. હું તારી તપશ્ચર્યા થી પ્રચન થયો છું. માંગ માંગ.. તું જે માંગીશ તે આપીશ.

રાજા પાલ ની સામે દિવ્ય પ્રકાશ અને અમૃત વાણી થી તે લીન માંથી જાગ્રત થઈ આખો ખોલી તો સામે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા મહાદેવ હતા. રાજા પાલ ઊભા થઈ તેમના શરણે પડી ગયા. મહાદેવે તેમને ઊભા કરી કહ્યું. બોલ વત્સ તારે શું જોઈએ છે. તું માંગીશ તે હું આપીશ.

હાથ જોડીને રાજા પાલ બોલ્યા. પ્રભુ આપ તો અંતર્યામી છો આપ ને તો બધી ખબર જ હોય મારે શું જોઈએ છે. મારી તપશ્ચર્યા કરવાનું કારણ પણ આપ સારી રીતે જાણો છો. તો પણ પ્રભુ હું મારા મુખે થી આપની પાસે માંગુ છું.

પ્રભુ મારે મારા કુળ નો વારસદાર જોઈએ છે.
મહાદેવે રાજા પર દૃષ્ટિ કરી કહ્યું. હે રાજન તને સંતાન પ્રાપ્ત નું વરદાન હું તને જરૂર થી આપીશ પણ તારા મનમાં ચાલી રહેલો જટિલ પ્રશ્ન નું નિરાકરણ હું નહિ આપી શકું. પણ હા તને સંતાન પ્રાપ્ત નું વરદાન જરૂર થી આપીશ. રાજા પાલ પર હાથ મૂકી ને મહાદેવે તથાસ્તુ કહ્યું.

હે દેવો ના દેવ મહાદેવ. મારે તો મારી જેવો વારસદાર જોઈએ. મને સંતાન નહિ મારી જેવો રાજા જોઈએ છે. જે હંમેશા પ્રજા માટે સુખ અને શાંતિ માટે પોતાનું જીવન સમર્પિત કરી દે. પ્રભુ મને મહાન નહિ પણ એક રાજા કહેવાય તેવો પુત્ર જોઈએ. હાથ જોડીને રાજા પાલ મહાદેવ સામે વિનંતી કરવા લાગ્યા.

હે રાજન તારા ભાગ્યમાં સંતાન સુખ હતું નહિ પણ તારી તપશ્ચર્યા થી તે તારા ભાગ્ય ના લેખ પણ બદલી કાઢ્યા. પણ રાજન તારા જેવો દયાળુ અને પ્રેમાળ પુત્ર તારી ઘરે અવતરશે નહિ. તે રાજા તો થશે પણ રાજા કહેવાને યોગ્ય નહિ હોય.

હે પ્રભુ આવા સંતાન કરતા તો સંતાન વિહોણા છીએ તેજ સારા. મારે કોઈ સંતાન નહિ જોઈએ. હવે રાજા પાલ વિનંતી નહિ પણ મહાદેવ સામે પ્રેમ થી ઝગડી રહ્યા હતા. જેમ દિકરો બાપ પાસે થી માંગી રહ્યો હોય તેમ રાજા પાલ મહાદેવ પાસે માંગી રહ્યો હતો.

મહાદેવ સમજી ગયા કે રાજા પાલ પોતાની હઠ પર આવી ગયા છે. અને તે જે માંગી રહ્યા છે તે વિધાતા વિરૂદ્ધ છે. એટલે રાજા પાલ ને ફરી મનાવતા બોલ્યા. રાજન તું જે માંગી રહ્યો છે. તે વિધાતા વિરૂદ્ધ છે. હું તને આપી શકું તો એક સંતાન પણ તે તેનું નશીબ લઈને આવેલું સંતાન હશે. નહિ કે તારા જેવું સંતાન. એટલે હે રાજન હું જે આપી રહ્યો છું તે રાજી ખુશી થી સ્વીકારી ને ફરી તું તારા દેશ ની સાળ સંભાળ કરવા લાગી જા.

જાણે કે રાજા પાલે બાળ હઠ પકડી હોય તેમ મહાદેવ ને કહ્યું. મને જ્યાં સુધી મારા જેવો બાળક નું આપ વરદાન નહિ આપો ત્યાં સુધી હું તપચર્યા કરતો રહીશ. આટલું કહી રાજા પાલે મહાદેવ ને પ્રણામ કરી ફરી તપશ્ચર્યા કરવા બેસી ગયા.

ક્રમશ....