Dear Paankhar - 21 books and stories free download online pdf in Gujarati

Dear પાનખર - પ્રકરણ -૨૧

વોર્ડબૉય અને નર્સ સ્ટ્રેચર લઈને આવ્યા. અમોલને ઉંચકીને સ્ટ્રેચરમાં સુવાડયો. બેભાન જેવી અવસ્થામાં પણ એ ઉંહકારા ભણતો‌ હતો. " એકસ રે અને એમ. આર. આઈ માટે લઈ જઈએ છીએ. તમારે આવવાની જરૂર નથી. તમે અહીં જ રાહ જોવો. " નર્સે કહ્યું.
આકાંક્ષા એમની સાથે સહમત થઈને રુમમાં જ બેઠી.
" ફોઈ- ફૂઆને ફોન કરી દીધો ." ગૌતમે રુમ‌માં આવતા જ કહ્યું.
" શું કહેતા હતા ? મોક્ષ અને મોક્ષા હજી સૂતા હશે નહીં ? " આકાંક્ષા એ પૂછ્યું.
" આવવાની જીદ કરતા હતા. મેં સમજાવ્યા કે ' આકાંક્ષા આવે ત્યારે તમે અહીં આવી જજો. તન્વીનાં મમ્મી - પપ્પાને‌ પણ ફોન કરી દીધો. કાલની ટ્રેનમાં આવે છે. " ગૌતમે કહ્યું.
" આપણે વિચારીએ છે શું અને થાય છે શું ? કાલે આપણી વાત થઈ કે અમોલને સમજાવીશું !! અને આજે ? અમોલને આ હાલતમાં જોવા પડી રહ્યા છે.‌ " આકાંક્ષાએ નિઃસાસો નાખતા કહ્યું.
" થોડા દિવસ માટે ડિવોર્સ ટળી ગયા.પરંતુ પ્રોબ્લેમ તો ત્યાં નો ત્યાં જ છે. કાલે તન્વીનાં મમ્મી - પપ્પા આવે ત્યાં સુધી જ આપણી ફરજ છે એને‌ જોવાની . પછી એ એના રસ્તે ! " ગૌતમે કહ્યું.
" તન્વીની રુમ ક્યાં છે ?" આકાંક્ષાએ પૂછ્યું.
" બાજુ માં જ છે. હું હમણાં જ બહારથી જોઈને આવ્યો. ચોથો મહિનો જતો હતો એને . એબી પોઝીટીવ બ્લડ ગ્રુપ છે. લોહી ની બોટલ ચઢાવવી પડશે. મારુ ઓ પોઝિટિવ છે તો મારું ચાલશે . થોડીવારમાં હું જવું છું બ્લડ આપવા. " ગૌતમે કહ્યું.

વોર્ડ બોય અને નર્સ પાછા આવ્યા. સ્ટ્રેચરમાંથી અમોલ ને પલંગ પર સુવાડયો. અને કહ્યું,
" સાંજ સુધી રિપોર્ટ આવી જશે પછી ડૉક્ટર ઑપરેશન કયારે કરશે એ જણાવશે. " આકાંક્ષા એ જોયું, અમોલની આંખો હજી પણ બંધ જ હતી.
" એ‌ હોશ‌માં ક્યારે આવશે ?" આકાંક્ષાએ નર્સને પૂછ્યું.
" થોડીવારમાં હોશ આવી જશે. ત્યાં બેલનું બટન છે. કોઈ પ્રોબ્લેમ હોય તો બેલ મારજો. " કહી નર્સ રૂમ બહાર ચાલી ગઈ.
" મિ. ગૌતમ ! બાજુની રુમમાં દાખલ થવાનું છે બ્લડ આપવા માટે . " નર્સે આવીને કહ્યું. ગૌતમ બ્લડ આપવા ગયો. તન્વીનાં પલંગથી થોડે દૂર એનો પલંગ હતો. નર્સે નીડલ લગાવી અને એક બૉટલમાં ‌ધીરે ધીરે બ્લડ ભરાતું હતું. ગૌતમનાં મનમાં જાત - જાતનાં વિચારો આવી રહ્યા હતા . ' જે વ્યક્તિને મારે જિંદગીમાં ક્યારેય પણ મળવું નહોતું , એજ વ્યક્તિ ને આજે હું લોહી આપી રહ્યો છું . સંજોગો બદલાઈ ગયા અને લાગણીઓ પણ. કાલે જેનું નામ સાંભળીને ગુસ્સો આવતો હતો , આજે એની દયનીય હાલત જોઈને દુઃખ થઈ રહ્યું છે . સ્વપ્નેય નહોતુ વિચાર્યું કે જેનો ચહેરો પણ‌ નહોતો જોવો ,એને આટલે નજીકથી આવી હાલત માં જોઈશ. '

નર્સ રૂમમાં દાખલ થઈ. ચેક કર્યું કે લોહી બોટલમાં વ્યવસ્થિત જાય છે કે નહીં. થોડીક જ બોટલ ભરાવાની બાકી હતી, તેથી ત્યાં જ ખુરશી પર બેસી ગઈ અને ગૌતમ સાથે વાતો કરવા લાગી.
"શું કરો છો તમે ? "
" જર્નાલિસ્ટ છું. " ગૌતમે જવાબ આપ્યો.
" સ્ટિંગ ઓપરેશન કરો છો ?" નર્સે પૂછ્યું.
" જરુર પડે તો બાકી નહીં. બીજુ ઘણુ હોય એમાં. " કહી ગૌતમ હસ્યો.
" હા ! એ તો ખબર છે. પણ આજકાલ બહુ ચાલે છે ને સ્ટિંગ ઓપરેશન એટલે પૂછ્યું. " કહી નર્સ ઉભી થઇ અને ગૌતમના હાથમાંથી નીડલ કાઢી. લોહીનાં બોટલમાં બીજી નવી સિરિન્જનું પેકેટ તોડયું અને તન્વીનાં હાથમાં નીડલ લગાવી. તન્વી સહેજ જાગ્રુત થઈ. એણે નર્સ સામે જોઈ ને પૂછ્યું , " શું કરો છો ?"
" આ બ્લડની બોટલ ચડાવું છું. નસીબદાર છો. ડૉનર જલ્દી મળી ગયા ! બાકી તો લોકોને કેટલો પ્રોબ્લેમ થતો હોય છે. "
તન્વીએ નજર ફેરવીને જોયું તો એ ગૌતમ હતો. ફિક્કા અવાજે તન્વી એ પૂછ્યું , " અમોલ ! "
"બાજુનાં રુમ‌માં છે. એને એક્સિડન્ટમાં વધારે વાગ્યું છે. " કહી ગૌતમ ત્યાં થી નીકળી ગયો.
" તમારે શું સગા થાય એ ભાઈ ? " નર્સે પૂછ્યું. તન્વીની પાસે કોઈ જવાબ નહોતો અને નર્સ એમ સમજી કે અત્યારે તન્વીને વાત કરવાની ઈચ્છા નહીં હોય. તેથી દૂર જઈને બેસી ગઈ.

ગૌતમે આકાંક્ષાને કહ્યું , " રિપોર્ટ સાંજે આવશે. અમોલને જોવા માટે હું છું . તું ઘરે જા. આરામ‌ કર અને ફોઈ ફૂઆને મોકલ. એ લોકો કયારનાય અધીરા થઈ રહ્યા છે અહીં આવવા. રિપોર્ટ આવશે એટલે ફોન કરું છું. "
" સારું તો‌ હું જવું અને મમ્મી -પપ્પાને‌ જમાડીને મોકલુ છું. તમારું ટીફીન પણ મોકલાવી દઈશ. " આકાંક્ષા એ કહ્યું.
" સારું ! બાય ! સાચવી ને જજે. " ગૌતમે કહ્યું.

આકાંક્ષા ત્યાંથી રિક્ષા લઈને ઘરે‌ પહોંચી. દમયંતીબહેન અને ભરતભાઈને વિગતે વાત કરી. જમીને ગૌતમનું ટિફીન લઈને ભરતભાઈ તથા દમયંતીબહેન બહેન હોસ્પિટલ પહોંચ્યા. દમયંતીબહેન અમોલને જોઈને એકદમ ભાવુક થઈ ગયા. અમોલનાં જ પલંગ પર બેસીને અમોલનાં માથા પર હાથ ફેરવતાં રહ્યા.
" શું થઈ ગયું મારા દિકરાને ? " રડતાં - રડતાં દમયંતીબહેન બોલ્યા.
" શાંતિ રાખ ! એને આરામથી સૂવા દે ! " ભરતભાઈ એ કહ્યું.
" પેલી ક્યાં છે ?" દમયંતીબહેને ગુસ્સા માં પૂછ્યું.
" તમે ચિંતા ના કરો ! હું છું ને ! " ગૌતમે કહ્યું.
" ઓપરેશન પછી આપણા જ ઘરે લઈ જઈશું. હવે હું એની એક નથી સાંભળવાની ?" દમયંતીબહેને ગુસ્સામાં કહ્યું.
" હા ! એ‌ બધી વાત પછી થશે. તું અત્યારે ઉચાટ કર્યા વગર શાંતિથી બેસ. " ભરતભાઈએ દમયંતીબહેનને શાંત પાડતા કહ્યું.
" ફોઈ ! તમે કશું ટેન્શન ના લેશો. બધું બરાબર થઈ જશે. " ગૌતમે કહ્યું.
દમયંતીબહેન થોડા શાંત થયા અને સામે પલંગ પર જઈને બેઠા.

નર્સે આવીને કહ્યું ," રિપોર્ટ આવી ગયા છે. અડધો કલાકમાં ડૉક્ટરે એમની રુમ‌માં મળવા બોલાવ્યા છે. "
ગૌતમે દમયંતીબહેન અને ભરતભાઈ ને કહ્યું , " તમે ઘરે જઈને આકાંક્ષાને મોકલો. ઓપરેશનનો કાંઈ નિર્ણય લેવો હોય તો ! "

" નિર્ણય આપણે લઈ લઈશું. એને થોડો આરામ કરવા દો. બાળકો જોડે રહેવા દો. ફોનથી વાત કરી લઈશું. હવે એને કાલે જ અહીં આવવાનું કહે . " ભરતભાઈએ કહ્યું.
" સારું ! તો‌ એવુ રાખો. " દમયંતીબહેને કહ્યું.

થોડીવાર રહીને ગૌતમ અને ભરતભાઈ ડૉક્ટરની રુમ‌માં ગયા.
ડૉક્ટરને હાથ જોડીને અભિવાદન કર્યું. ડૉક્ટરે તેમને બેસવા કહ્યું.
" જુઓ ! પગમાં મલ્ટીપલ ફ્રેકચર છે. પ્લેટ નાખવી પડશે અને બીજી વાત એ છે કે એનો જે છેલ્લો મણકો છે , એનો ભુક્કો થઈ ગયો છે. તો એ બન્નેનું ઓપરેશન કરવુ પડશે . "

(ક્રમશઃ)