Slave - 18 in Gujarati Fiction Stories by Mehul Mer books and stories PDF | ગુલામ – 18

ગુલામ – 18

ગુલામ – 18

લેખક – મેર મેહુલ

( પિતા-પુત્રનાં માઠાં સંબંધો )

સાડા છ વાગ્યે અભય શરૂ વરસાદે ભાવનગરથી પ્રતાપગઢ તરફ રવાના થયો હતો. વરસાદનું જોર વધુ હતું, મોટાં છાંટા કાને આવીને પથ્થરની જેમ વાગતાં હતાં. અભય ઘાંઘળી ગામથી આગળ ગયો એટલે ચોગઠનાં ઢાળ પહેલાં તેને એક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સામેનાં નાના નાળા પરથી અડધા ફૂટ જેટલું પાણી જતું હતું. વાહનચાલકો જાળવીને એ નાળુ પસાર કરતાં હતાં.

અભયે પણ ધીમે ધીમે નાળુ પાર કર્યું. વરસાદ હજી સાંબેલાધાર વરસતો હતો. અભય ચોગઠ પહોંચ્યો ત્યાં મોટરસાયકનાં પાછળનાં ટાયરમાં હવા નીકળી ગઈ. ફરી મોટરસાયકને દોરીને અભય પંચરવાળાને ત્યાં લઈ ગયો. કમનસીબે પંચરવાળાની દુકાન બંધ હતી. અભય તેને શોધતો શોધતો સીધો ઘરે પહોંચી ગયો. સદનસીબે પંચરવાળો મળી ગયો અને તેણે પંચર કરી દીધું. અભય હેમખેમ કરીને દસ વાગ્યે ઘરે પહોંચ્યો.

“ક્યાં રય ગયો’તો ?” અભય ખડકી ખોલીને મોટરસાયકલ અંદર લાવ્યો એટલે ભુપતભાઇએ તીખાં અવાજે સ્વાગત કર્યું.

“ગાડીમાં પંચર પડી ગયું’તું બાપા” અભયે શાંત સ્વરે કહ્યું.

“તું ગમે ત્યારે ગાડી લઈ જા ત્યારે કાયને કાય થાય છે, ગાડી હાંકતા આવડે છે કે નય ?” ભુપતભાઇએ પૂર્વવત અવાજે કહ્યું.

“તમે જ શીખવાડી છે બાપા !!” અભયનો મિજાજ પણ ગયો. એક તો એ હેરાન થયો હતો અને ઉપરથી તેનાં પિતા ખિજાતાં હતાં.

“હૂ કીધું તે ??” ભુપતભાઇ ગરજ્યા.

“તમે જ ગાડી શીખવી છે એમ” અભયે બીજીવાર કહ્યું.

“બાપાની હામે બોલે છો, એવડો મોટો થઈ ગયો છો !!”

“મેં ક્યાં ખોટું કીધું બાપા, તમે જે શીખવાડ્યું એવું જ કરું છું હું” અભય આજે લડી લેવાનાં મૂડમાં હતો.

ભુપતભાઇ ચૂપ થઈ ગયા. કોઈ દિવસ અભય તેઓની સામે આવું નહોતો બોલ્યો એટલે તેને આશ્ચર્ય થતું હતું અને સાથે ગુસ્સો પણ આવતો હતો.

“શું થયું ?, હું કાંઈ ખોટું બોલ્યો ?” અભય ફરીવાર બોલ્યો, “તમારે મને તમારા જેવો બનાવવો છે ને, લો બની ગયો”

“ બંધ થા તું, છાનોમાનો જમીને સુઈ જા અને કાલથી ખેતરમાં નીકળી જાજે. નોકરી ગઈ તેલ લેવા અને મારી ગાડી કોઈ દિવસ અડતો નય” ભુપતભાઇએ બરછીની ધાર જેવા તિક્ષ્ણ અવાજે કહ્યું.

અભય દરવાજો ચીરીને ઘરમાં ચાલ્યો ગયો. અંદર તેનાં બા બેઠાં હતાં.

“હવે હૂ થયું ?” સગુણાબેને પૂછ્યું.

“આટલો મોડો આવ્યો છું તો ઠીક છું કે નહીં એ પૂછવાને બદલે કેમ મોડું થયું, ગાડી હાંકતા નથી આવડતું એવી દલીલો લઈને બેઠાં છે” અભયે ખૂણામાં બેગનો ઘા કર્યો.

“તું ટાઢો પડ, નોકરીનું હૂ થયું ?” સગુણાબેને વાત બદલી.

“ફોન આવશે એમ કીધું” અભય રસોડા તરફ ચાલ્યો. ભુપતભાઇને ફોન આવ્યો એટલે તેઓ છત્રી લઈને કોઈને કહ્યાં વિના ચાલ્યાં ગયાં.

*

અભય ગુસ્સામાં પોતાનાં પિતા સામે બોલી તો ગયો હતો પણ તેનાં તેને માઠાં પરિણામ મળશે એ પોતે જાણતો નહોતો. બીજા દિવસે ખેતરોમાં પાણી ભરાયેલા હતાં તો પણ ભુપતભાઇએ અભયને ખેતરની રખેવાળી કરવા મોકલ્યો અને પૂરો દિવસે ખેતરે રહેવા જ કહ્યું. અભયને આ વાત ચાબુકની જેમ વાગી હતી. એ કંઈ બોલતો નહોતો પણ મનમાં વિચારોનું ધમાસાન યુદ્ધ ચાલતું હતું. યુદ્ધ પિતા સામે લડાઈ છેડવાનું, યુદ્ધ પિતાની ગુલામીમાંથી મુક્ત થવાનું, યુદ્ધ પોતાનું વજૂદ મેળવવાનું.

પૂરો દિવસ ખેતરમાં બેસીને રાત્રે અભય ઘરે આવ્યો. તેનાં પિતા પૂરો દિવસ કોઈ કામથી બહાર ગયાં હતાં અને રાત્રે પણ ઘરે નહોતાં આવવાના. અભય ઘરે પહોંચ્યો ત્યારે તેને માલુમ થયું કે ગઈ રાતે અશોકભાઈને(ભુપતભાઇનાં મામાનાં દીકરા) હૃદયનો હુમલો આવ્યો હતો અને અત્યારે તે ભાવનગર લાલ દવાખાને ICU માં હતાં. ભુપતભાઇ ત્યાં જ ગયાં હતાં. અભયે આ તકનો લાભ ઉઠાવીને ઉદયને મળવાનું નક્કી કર્યું. જમવાની હજી વાર હતી એટલે તેનાં બાને કહીને એ ઉદયને મળવા ચાલ્યો ગયો.

ગઈ કાલથી શરૂ થયેલો વરસાદ હજી વરસતો હતો. ઉભય પલળતો પલળતો ઉદયને મળવા ગયો. બેઠક કાળુભાર નદીનાં કાંઠે રહેલી ઓરડીએ થવાની હતી. કાળુભાર પણ હવે બે કાંઠે વહેતી હતી. અભયે ઓરડીએ જઈને બીડી સળગાવી. કહેવાની જરૂર નથી કે અભયને બીડી પીવાની આદત પડી ગઈ હતી.

અભય બીડી પીતો હતો એ સમય દરમિયાન ઉદય ત્યાં આવી પહોંચ્યો. અભયને બીડી પીતો જોઈ તેણે કહ્યું, “રોજે પીવા મંડ્યો ?”

“હા, કાંઈ વાંધો છે તને ?” અભયે વૃક્ષ અવાજે જવાબ આપ્યો.

“મને શું વાંધો હોય ?, પીને તારી જિંદગી છે” ઉદયે શર્ટ ઝાપટતા કહ્યું. એ ઝકળાઈ ગયો હતો.

અભય એકીટશે ઉદય સામે જોઈ રહ્યો. ઉદય પણ અભયની આંખોમાં જોતો હતો. ઉદયે જોયું, અભયની આંખોમાં એક દર્દ હતો, આથમી ગયેલાં સૂરજ પછીનું અંધારું હતું, બુઝાઇ ગયેલાં દિવા પછીનો ધુમાડો હતો. ઉદય એ વેદના જોઈ શકતો હતો, સમજી શકતો હતો, પોતે મહેસુસ કરી શકતો હતો. અભયનાં આવા ભાવ જોઈને ઉદયનો ચહેરો પણ પડી ગયો.

“શું થયું ભાઈ ?” ઉદયે ગંભીર અવાજે પુછ્યું.

અભય ગળગળો થઈ ગયો. અનિચ્છાએ તેની આંખોમાં આંસુ આવી ગયાં.

“મારાં બાપા મને બોઉ હેરાન કરે છે યાર” કહેતાં અભય ચોધાર રડી પડ્યો.

“અલા ભલા માણસ, ભાઈબંધ ગાળો આપીને દુઃખ શેર કરે રડીને નહિ” ઉદયે પોતાનાં હાથ વચ્ચે અભયનો ચહેરો લીધો. આંખમાં આવતાં આંસુ પર આંગળીઓનો બંધ બનાવ્યો અને અભયને પોતાનાં તરફ ખેંચી ભેટી પડ્યો. અભય ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.

“મારે નથી રહેવું અહીં, મારી ઘર છોડીને જતાં રહેવું છે” રડતાં રડતાં અભયે કહ્યું.

ઉદયે કંઈ જવાબ ન આપ્યો, એ વહાલથી અભયનાં વાળ પસવારતો રહ્યો.

“મારાં બાપા મને જીવવા નથી દેતાં, હું ગુલામ બનીને જીવવા નથી માંગતો.કાં તો હું આત્મહત્યા કરી લઈશ નહીંતર ઘર છોડીને જતો રહીશ” અભય બોલતો રહ્યો અને ઉદય સાંભળતો રહ્યો.

અડધી કલાક પછી જ્યારે અભય શાંત થયો ત્યારે ઉદયે અભયનાં ગજવામાં હાથ નાખ્યો અને ઝુડી-બાકસ (બીડી) કાઢ્યું. તેમાંથી બે બીડી લઈને સળગાવી, એક બીડી અભયનાં હાથમાં આપી અને બીજી પોતાનાં હાથમાં રાખી.

“તું પણ બીડી પીવે છે ?” અભયે આંખો મોટી કરી.

“કેમ આશ્ચર્ય થયું ?” ઉદયે કહ્યું.

“તું કોઇ દિવસ બીડી નથી પીતો એટલે” અભયે કહ્યું.

ઉદયે બીડીને બહાર વરસતાં વરસાદમાં ફેંકી દીધી અને હસ્યો,

“તને ખબર છે કે હું બીડી નથી પીતો અને પીવ તો આશ્ચર્ય થાય છે. તો જરા વિચાર, તારાં વિશે હું બધું જ જાણું છું. તું આત્મહત્યા કરવાનો વિચાર કરે છે તો મને કેટલું આશ્ચર્ય થતું હશે”

અભય ભોંઠા પડ્યો. લજ્જાને કારણે તેનું માથું નીચે ઝૂકી ગયું.

“તો હું શું કરું, તું જ જણાવ મને” અભયે કંટાળાજનક અવાજે કહ્યું.

“તું એ કર જે તે અત્યાર સુધી નથી કર્યું” ઉદયે કહ્યું, “તારાં બાપા તને નથી સમજતાં એ વાત તું જાણી ગયો છો તો હવે એમ માનીને ચાલ કે તું સાચો હઈશ કે ખોટો, તારાં બાપા તને ખોટો જ સમજશે. તું એમ માનીને ચાલ કે તારાં બાપા જે કરે છે એ એક રમત છે. આ રમતમાં સામેવાળો ખેલાડી તને માનસિક તણાવ આપવા ઈચ્છે છે અને તારે તણાવમુક્ત રહેવાનું છે. તારા બાપા ગમે એટલો માનસિક ત્રાસ આપે તારે હારવાનું નથી. તારે અડીખમ ઊભાં રહેવાનું છે. તું તારાં બાપાની પરીક્ષા લેવાનું શરૂ કરી દે. તારાં બાપા તને કંઈ કંઈ વાતમાં ખિજાશે એ શોધવા માટે તું જાતે જ ભૂલો કરવા મંડ. પછી એક દિવસ એવો આવશે જ્યારે તારાં બાપાની રજેરજથી તું વાકેફ થઈ જઇશ. તારા બાપા તને ક્યારે ખિજાશે એ તને અગાઉથી જ ખબર પડી જશે”

“વાત તો તું સાચી કરે છે, જો મને મારાં બાપા ક્યારે ખિજાશે એ ખબર પડી જશે તો હું અગાઉથી પોતાનો બચાવ કરી શકીશ” અભયે ખુશ થતાં કહ્યું.

“હા બસ તો, આવાં મરવાના વિચારો છોડીને કેમ જીવવું એનો વિચાર કર” ઉદયે સસ્મિત કહ્યું.

અભય ફરી ઉદયને ગળે મળ્યો, આ વખતે તેનાં ચહેરા ઉપર સ્મિત હતું. આશાનું કિરણ હતું, જે કદાચ આવતી કાલનો સૂરજ બની શકે એમ હતું.

(ક્રમશઃ)

Rate & Review

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 2 years ago

Vaidehi

Vaidehi Matrubharti Verified 3 years ago

Zankhana Patel

Zankhana Patel 3 years ago

nihi honey

nihi honey 3 years ago

Nimisha Patel

Nimisha Patel 3 years ago