Personal Diary - Gentleman books and stories free download online pdf in Gujarati

અંગત ડાયરી - જૅન્ટલમેન

અંગત ડાયરી
============
શીર્ષક : જૅન્ટલમેન
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૨૪, જાન્યુઆરી ૨૦૨૧, રવિવાર

શું આપણે માત્ર પાત્રો છીએ? આપણી આસપાસ સુખના, દુઃખના, ઈમાનદારીના, બેઈમાનીના, પ્રેમના, જ્ઞાનના, નફરતના નાટકો ચાલ્યા કરે છે, આપણે જૂના પાત્રો જગ્યા ખાલી કરે એટલે ત્યાં ગોઠવાઈ જવાનું છે? સિરીયલોમાં જેમ કોઈ પાત્ર કોઈ કારણસર નીકળી જાય અને નવું પાત્ર તેનો રોલ ભજવવા આવી જાય એમ આપણે પણ શેરી, સોસાયટી, ઓફિસ કે સમાજમાં જીવતાં કોઈ પાત્રનું રિપ્લેસમેન્ટ માત્ર છીએ. જો ‘હા’ તો કોનું? સજ્જનનું કે દુર્જનનું? બદમાશનું કે ઈમાનદારનું? રાવણનું કે રામનું? આપણે કોનું રિપ્લેસમેન્ટ છીએ?
ફિલ્મોમાં તો ચહેરા-મહોરાં પરથી પાત્ર પસંદગી થાય જયારે રીયલ લાઈફમાં વાણી, વર્તન અને વિચારોથી પાત્રતા નક્કી થાય. સાંભળ્યું છે કે સ્વામી વિવેકાનંદજીને વિદેશમાં એમના ભગવાં વસ્ત્રો જોઈ કોઈએ કમેન્ટ કરેલી ‘લૂક ઇન્ડિયન જૅન્ટલમેન’ ત્યારે સ્વામીજીએ સ્પષ્ટતા કરેલી કે ‘તમારા દેશમાં જૅન્ટલમેન એટલે સુટેડ-બુટેડ માણસ જયારે અમારા દેશમાં જૅન્ટલમેન કપડાં પરથી નહીં, સંસ્કાર પરથી નક્કી થાય’. તાળી પાડતાં કે કોલર ટાઈટ કરતા પહેલાં એકવાર વિચારજો, શું સ્વામી વિવેકાનંદનું આ વાક્ય પેલા ફોરેનર પૂરતું જ હતું કે મારા તમારા જેવા અમદાવાદી, બમ્બૈયા, સુરતી, રાજકોટીયન કે જામનગરી માટે પણ હતું?
આપણા સંસ્કાર જ નક્કી કરે છે કે આપણે જૅન્ટલમેન છીએ કે મૅન્ટલમેન? કઈ માતાએ પોતાના ગર્ભમાં રહેલાં કે પારણે ઝૂલતાં પોતાના સંતાનને શીખવ્યું હશે કે 'બેટા તું લાંચ લેજે, તું ચોરી કરજે, તું ગુંડો, મવાલી, બદમાશ બનજે.' અરે, મા તો જવા દો, દુર્જનમાં દુર્જન પિતા પણ પોતાની દીકરી માટે ઈમાનદાર અને પ્રામાણિક મૂરતિયાને જ પ્રેફરન્સ આપતો હોય છે. બેઝીક ઇન્સ્ટીન્ક્ટ છે. જેમ જિજીવિષા, કોઈ પણ ભોગે જીવતાં રહેવાની ઝંખના માણસમાં, બાય બર્થ હોય એમ જ મરતાં પહેલાં પુણ્યશાળી, સજ્જન કે ઈમાનદાર ક્ષણો જીવવાની, જૅન્ટલમેન બનવાની લલક આપણી ભીતરે બાય બર્થ હોય છે.

સમાજ, શેરી, સોસાયટી, ઓફિસ કે પરિવારમાં કોઈ ઈમાનદાર વ્યક્તિનું ભલું થાય ત્યારે તમામ સભ્યો ખુશ થતાં હોય છે, જયારે બેઈમાન વ્યક્તિ સફળ થાય ત્યારે સૌની ભીતરે એક પ્રકારની ગમગીની પ્રવર્તતી હોય છે. મોગેમ્બો ખુશ થાય ત્યારે આસપાસના અનેકના ચહેરા પર રૂદન વ્યાપી જતું હોય છે જયારે ઈશ્વર પ્રસન્ન થાય ત્યારે આખો સમાજ રાજી થઈ નૃત્ય કરતો હોય છે. જૅન્ટલમેનની સફળતા ઉજાશ ફેલાવતી હોય છે જયારે મૅન્ટલમેનની સફળતા અંધકાર. અને હા, સો બંગલા ફંફોસો ત્યારે તેમાંથી નેવું મૅન્ટલમેન મળે અને સો ઝુંપડા ફંફોસો એમાંથી નેવું જૅન્ટલમૅન મળે એવી સંભાવના પણ ખરી હોં! કેવું વિચિત્ર કહેવાય નહિં?
રામ, કૃષ્ણથી શરૂ કરી નરસિંહ, મીરાં સુધી એક આખી ફૌજ જૅન્ટલ લોકોની આપણી સામે છે. તેઓ જન્મ્યા, સજ્જનતાના ગુણો પકડી રાખ્યા, પાત્ર ભજવ્યું.. જતાં રહ્યાં. જતાં જતાં કહેતાં ગયાં ‘કર ચલે, હમ ફિદા જાનો તન સાથીઓ, અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ...’ એ ખુદ ખીલ્યા અને અનેકને ખીલવ્યા. નરસિંહ મહેતાને કાર કે બંગલાનો (ટૂંકમાં સુખ સાહ્યબીનો) ચસ્કો હતો એવું મેં કદી સાંભળ્યું નથી. સરકારના કે ઓફિસના ઉચ્ચ આસન પર પહોંચવા કોઈ પણ કાવાદાવા કરતા આપણે માત્ર પિતાના વચન ખાતર રાજગાદી છોડી દેનાર રામના મંદિરે જઈ, હાથ જોડી, શું પ્રાર્થના કરતા હોઈશું? મૅન્ટલો ખાલી મૅન્ટલ હોસ્પિટલમાં જ નથી હોતા હોં!
જે યુગમાં, જે ઓફિસ, સમાજ, સોસાયટી કે પરિવારમાં, જૅન્ટલ લોકો વધુ ત્યાં સતયુગ અને જ્યાં મૅન્ટલો વધુ ત્યાં કલિયુગ. વસંત હોય એટલે પુષ્પો ખીલે એમ પ્રસન્ન ચિત્ત સમાજ હોય ત્યાં સતયુગ. જે સમાજમાં ગાડી, બંગલા કરતા જૅન્ટલમેન લોકો વધુ હોય એ સમાજ જાગૃત. તમે ડોક્ટર નહીં બનો, પૈસાદાર નહીં બનો, મંત્રી નહીં બનો કે ફિલ્મસ્ટાર નહીં બનો, ઇન્ડિયન આઇડોલ નહીં બનો કે કે.બી.સી.ના સોળમાં પ્રશ્ન સુધી નહીં પહોંચો તો નથીંગ ઇઝ લોસ્ટ, પણ જો તમે જૅન્ટલમેન નહીં બનો તો ઍવરીથીંગ ઇઝ લોસ્ટ.

રામ અને કૃષ્ણ પોતાનું પાત્ર ભજવી જતા રહ્યા. હજારો વર્ષોથી એનું પાત્ર ભજવી શકે એવા કોઈ જૅન્ટલમેનને સમાજ ઝંખી રહ્યો છે. ઓડીશન ચાલુ છે. કંસ, દુર્યોધનના પાત્રોમાં લાઈન બહુ લાંબી છે. ત્યાં તમારાથી વધુ ક્વોલિટી વાળા ઊભા છે. તમે રામ, કૃષ્ણ, નરસિંહ, મીરાં, વિવેકાનંદ, ટાગોર માટે ટ્રાય કરો. ઓલ ધી બેસ્ટ.

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)