VEDH BHARAM - 32 books and stories free download online pdf in Gujarati

વેધ ભરમ - 32

કબીરની વાત સાંભળ્યા પછી રિષભે કહ્યું “જુઓ મી.કબીર મને લાગે છે કે આ જેણે પણ દર્શનનુ ખૂન કર્યુ છે અને વિકાસનુ અપહરણ કર્યુ છે તેનો હવે પછીનો ટાર્ગેટ તમે છો. જો તમારે જીવતા રહેવુ હોય તો હું કહું તેમ કરવુ પડશે.” આટલું બોલી રિષભ રોકાયો એટલે કબીરે કહ્યું.

“જુઓ મને કોઇ હાથ લગાવી શકે એમ નથી. હું ધારુ તો મારી આજુબાજુ કમાંડો ગોઠવી શકું એમ છું.” કબીરે બડાઇ મારતા કહ્યું.

“ ઓકે, તો પછી મને કોઇ પ્રોબ્લેમ નથી તમે તમારા વકીલને મળી શકો એમ છો. હું આશા રાખુ છું કે મારે તમારો કેસ પણ હેન્ડ્લ ન કરવો પડે.” એમ કહી રિષભ ખુરશીમાંથી ઊભો થયો. આ જોઇ કબીરે કહ્યું “ઓફિસર તમે શું કહેતા હતા તે પુરુ તો કરો.” આ સાંભળી રિષભના ચહેરા પર સ્મિત આવી ગયુ અને તે બોલ્યો “મિ. કબીર હવે તેની કોઇ જરુર નથી. તમે કમાન્ડૉ રાખવાના છો એટલે મારી કોઇ જવાબદારી રહેતી નથી. હું ઇચ્છુ કે કમાન્ડો તમારી રક્ષા કરી શકે.” આ વાક્ય સાંભળી કબીરનો છુપાવી રાખેલો ડર ઉંચકાવા લાગ્યો અને તે બોલ્યો “ના છતા તમે કહો તો ખરા. કદાચ હું તમારી વાત માની પણ લઉ.”

“જુઓ મારી વાત માનવી એટલી સરળ નહી હોય. પણ જો તમે માની લેશો તો તમારી સીક્યોરીટીની જવાબદારી અમારી રહેશે.” રિષભે કબીરને કહ્યું.

“હા, છતા તમે કહો તો ખરા.” કબીરે કહ્યું.

“ના, આ વાત એમ નહીં કહું. આ વાત તો હું ત્યારે કહીશ જ્યારે તમારી પાસે મારી વાત માન્યા સિવાય બીજો વિકલ્પ નહી હોય.” એટલુ બોલી રિષભ ત્યાંથી નીકળવા જતો હતો ત્યાં કબીરે કહ્યું “એક મિનિટ ઓફિસર. શું તમને પાકો વિશ્વાસ છે કે આ જે ખૂની છે તેને કાવ્યા સાથે કોઇ સંબંધ છે?”

“તમે જ વિચારી લો ને કે તમારા બંને મિત્રો વિકાસ અને દર્શન સાથે દુર્ઘટના બને છે.બંને દુર્ઘટના એક જ ફાર્મ હાઉસ પર બને છે. આનાથી વધારે બીજા સબૂત શું હોઇ શકે.” રિષભે કબીરને સમજાવતા કહ્યું.

“ઓકે તો હું તમારી વાત માનીશ પણ તમે મને બચાવી લો.” કબીરે શરણાગતિ સ્વીકારતા કહ્યું.

આ સાંભળી રિષભ ફરીથી કબીરની સામે મુકેલી ખુરશીમાં બેસી ગયો અને બોલ્યો “ઓકે તો તમે સાંભળો હું જે કહું તે પ્રમાણે તમારે સ્ટેટમેન્ટ આપવાનું છે.” આટલુ કહી રિષભ કબીરને સમજાવતો ગયો. અડધા કલાક પછી રિષભ જ્યારે તે રૂમમાંથી બહાર નીકળ્યો ત્યારે તેના ચહેરા પર વિજયી સ્મિત હતુ કેમકે હવે તેને આ કેસમાંથી કોઇ હટાવી શકે એમ નહોતું. રિષભે ત્યાંથી નીકળી કમિશ્નરને ફોન કરી બધી વાત કરી એટલે કમિશ્નરે ખુશ થઇ શાબાશી આપી અને કહ્યું “સાંજે હું પ્રેસ કોન્ફરન્સ બોલાવુ છું. બ્રીફીંગ તારે જ આપવાનું છે. ઓકે?”

“ઓકે એઝ યુ સે સર.” રિષભે ઓફર સ્વીકારતા કહ્યું.

ત્યારબાદ રિષભે ફોન પૂરો કરી તેની ટીમને ખુશ ખબરી આપી અને કહ્યું “ઓકે ગાય્સ હવે આ કેસ આપણી પાસેથી કોઇ લઇ શકશે નહી.”

આ સાંભળી બધા ખુશ થઇ ગયા.

“સર, તમને વાંધો ન હોય તો એ કહો કે તમે અડધા કલાકમાં એવુ શું કર્યુ?” હેમલે આતુરતાથી પુછ્યું.

“સાંજે પ્રેસ કોન્ફરન્સ છે તે જોઇ લેજો એટલે તમને તેના જવાબ મળી જશે.” આટલુ બોલી રિષભ થોડુ રોકાયો અને પછી બોલ્યો “પણ તે પહેલા હવે તમારે બધાએ કામે લાગી જવાનું છે. અભય અને હેમલ તમારે બંને એ અત્યારે જ એસ.આઇ.ટી કોલેજ જવાનુ છે અને ત્યાં જઇ આજ થી લગભગ સાત આઠ વર્ષ પહેલા કોઇ કાવ્યા નામની છોકરી ભણતી હતી. આ છોકરીએ આત્મહત્યા કરી હતી તેના વિશે જેટલી મળે એટલી માહિતી મેળવવાની છે. અને હવે કોઇપણ છેડો તપાસમાં છુટવો ન જોઇએ. તમારે જે પણ નિયમો તોડવા હોય તે તોડજો. મારે માહિતી પૂરેપૂરી જોઇએ.” આ સાંભળી હેમલ અને અભય ઊભા થયા અને ત્યાંથી નીકળી ગયા. તેના ગયા પછી રિષભે વસાવા સાહેબને કહ્યું “તમે એક કામ કરો પૂછપરછ રુમમાં કબીર બેઠો છે તેને લોકઅપમાં લઇ જાવ અને ત્યાં પડેલા પાણીના ગ્લાસ પર તેના ફીંગર પ્રિંન્ટસ હશે તેને ફોરેન્સીક લેબમાં મોકલી આપો.” આ સાંભળી વસાવા ત્યાંથી ગયા એટલે રિષભ સાંજની મિડીયા કોન્ફરન્સ માટે સ્પિચ તૈયાર કરવા લાગ્યો.

રિષભે એકાદ કલાકમાં આખુ બ્રીફીંગ તૈયાર કરી લીધુ અને તેને બે વાર વાંચી ભૂલ તો નથી રહી ગઇ તે ચેક કરી લીધુ. તે સમયે જ અભય અને હેમલ ઓફિસમાં દાખલ થયા એટલે રિષભે બીજુ કામ પડતુ મૂકી હેમલ અને અભય જે માહિતી લાવ્યા હતા તે સાંભળી. આખી વાત સાંભળી રિષભે હેમલ અને અભયને સુચના આપી કે તે સમયના કાવ્યા સાથે ભણતા વિદ્યાર્થીઓને મળો અને જેટલી પણ માહિતી મળે તે મેળવો. ત્યારબાદ ફરીથી રિષભે સ્પીચમાં થોડા ફેરફાર કરવા માંડ્યા.

-----******---------------------***---------------***------------

સાંજે સાત વાગ્યે કમિશ્નર ઓફિસ સામે આવેલ ગાર્ડનમાં ખુરશી પર ગુજરાત અને આખા ભારતમાં જેનુ નામ છે તેવા તમામ ટીવી ન્યુઝના પત્રકારો તેના કેમેરામેન સાથે બેઠેલા હતા. આજે બધાને કોન્ફરન્સ માટે આમંત્રણ આપી બોલાવવામાં આવ્યા હતા. વગર આમંત્રણે પણ ટપકી પડતા મિડીયા કર્મચારીઓ આવા આમંત્રણ મળ્યા પછીતો હોંશે હોંશે આવી જ જાય તેમા કોઇ શક નહોતો. બધાજ મિડીયા કર્મચારીમાં એક પ્રકારનો ગણગણાટ હતો કે એવા શું ન્યુઝ છે કે ખુદ કમિશ્નરે આજે કોન્ફરન્સ ગોઠવી છે. આમ તો બધાને જ અંદાજ હતો કે જરુર આ કોન્ફરન્સ હાઇ પ્રોફાઇલ દર્શન જરીવાલના કેસને લગતી જ હશે. બધા જ પોતપોતાના મંતવ્યો રજુ કરતા હતા અને સાથે સાથે કોંન્ફરન્સનુ લાઇવ રેકોર્ડીંગ માટે પોતપોતાની ચેનલની જાહેરાત કરતા માઇક અને કેમેરા યોગ્ય જગ્યાએ સેટ કરી રહ્યા હતા. થોડીવાર બાદ કમિશ્નર સક્શેના અને સાથે રિષભ ગાર્ડનમાં દાખલ થયા એ સાથે જ બધા જ પત્રકારો પોતપોતાના સ્થાને ગોઠવાઇ ગયાં. કમિશ્નર અને રિષભ પત્રકારો સામે મુકેલી ખુરશીમાં બેઠા એટલે બધા જ કેમેરાના ફ્લેશ ચાલુ થઇ ગયાં. કમિશ્નર સક્શેનાએ વાતની શરુઆત કરતા કહ્યું “મિત્રો મારા આમંત્રણને માન આપી તમે બધા અહી આવ્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર. તમે અને અમે બંને એકબીજા સાથે હંમેશા સંકળાયેલા છીએ. આપણને બંનેને એકબીજા વગર ચાલે એમ નથી. આજે તમારી સાથે હું નહી પણ અમારા ડીપાર્ટમેન્ટના બાહોશ ઓફિસર એસ.પી રિષભ ત્રિવેદી વાત કરવા માંગે છે. હવે હું રિષભને માઇક આપુ છું.” આટલુ બોલી કમિશ્નર સક્શેનાએ માઇક રિષભને આપ્યુ. સાઉન્ડ મિકેનિકે માઇકને રિષભ માટે વ્યવસ્થિત સેટ કર્યુ એટલે રિષભે બ્રીફીંગની શરુઆત કરતા કહ્યું “તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો અહી અમારા માટે ઉપસ્થિત થયા છો. કમિશ્નર સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર કે મને મારી વાત કહેવાનો મોકો આપ્યો છે. તમને બધાને આમ તો થોડો અંદાજ આવી ગયો હશે કે તમને બધાને અહી શું કામ બોલાવવામાં આવ્યા છે?” આટલુ બોલીને રિષભ અટક્યો અને પછી આગળ બોલ્યો “અત્યારે સુરત શહેરની પોલિસ એક હાઇ પ્રોફાઇલ કેસ હેન્ડલ કરી રહી છે. આ કેસ એટલે સુરતના પ્રખ્યાત ઉધ્યોગપતિ દર્શન જરીવાલ ખુન કેસ. અમારી પાસે ઘણી બધી માહિતી આ કેસને લગતી આવી છે. મારે તમને પણ અભિનંદન આપવા પડે કે તમે પણ અમારી સાથે સાથે કેસ વિશે તપાસ કરો છો અને ક્યારેક તો અમારા કરતા પણ આગળ નીકળી જાઓ છો. પણ મારે તમને ચોક્કસ એ કહેવુ પડશે કે ક્યારેક તમને જે માહિતી મળે છે તે અગાઉથી અમારી પાસે હોય છે પણ, તે અમે ડીપાર્ટમેન્ટની શિસ્તને લીધે જાહેર કરી શકતા નથી. અમારે અમુક વાત ગુપ્ત રાખવી પડે છે કેમકે નહીતર આરોપીના સાથીઓ હોય તે સાવચેત થઇ જાય છે. આ કેસમાં પણ એવુ જ થયુ છે ન્યુઝ ચેનલમા જે વાત જાહેર થઇ છોકરી પરના રેપ વાળી તે અમારા જાણમાં આવી ગઇ હતી. અને અમે તેના પર કામ પણ ચાલુ કરી દીધુ હતુ. અમારી પાસે ઘણા શકમંદ છે એમા દર્શનની પત્ની દર્શનનો એક માણસ નિખિલ અને દર્શનનો મિત્ર કબીર કોઠારી પણ છે. પણ તમને અત્યારે એટલા માટે બોલાવેલા છે કે દર્શનના મિત્રની પૂછપરછ કરતા તેમણે કેટલાક એવા ખુલાસા કર્યા છે જે અમે તમને જણાવવા માગીએ છીએ અને તેના દ્વારા અમે તમને એ પણ જણાવવા માગીએ છીએ કે પોલીસ ડીપાર્ટમેન્ટ કાઇ હાથ પર હાથ ધરી બેઠો નથી. પોલીસ ડીપાર્ટમેન્ટ ક્રાઇમના મૂળ સુધી પહોંચી તેને કાપવા માટે સતત પ્રયત્નશીલ છે.” આટલુ બોલી રિષભ રોકાયો પણ રિષભની એકદમ સચોટ રજુઆતને લઇને આખુ મિડીયા સોઈ પડે તો પણ અવાજ આવે તે રીતે ધ્યાનથી સાંભળી રહ્યુ હતુ. આ જોઇ રિષભે ફરીથી બોલવાનુ શરુ કરતા કહ્યું “દર્શનના મિત્રએ કબૂલ કર્યુ છે કે દર્શન અને વિકાસે તેની સાથે ભણતી કાવ્યા નામની છોકરી પર બળાત્કાર કર્યો હતો અને આ કેસને દબાવી દીધો હતો. કબીરે એ પણ કબૂલ કર્યુ છે કે આ બળાત્કાર દર્શનના ફાર્મહાઉસ પર જ થયો છે. આને પગલે અમે ઘણી તપાસ કરી છે અને અમે એ તારણ પર આવ્યા છીએ કે આ રેપ કેસને દર્શનના ખૂન સાથે અને વિકાસના અપહરણ સાથે કોઇ કનેક્શન હોવુ જોઇએ. આ છતા અમે હજુ બીજા ઘણા મુદ્દા પર તપાસ કરી રહ્યા છીએ. અમને દર્શનના ફાર્મ હાઉસ પરથી બીજી પણ ઘણી માહિતી મળી છે. આમા ઘણાબધા શકમંદ છે તેમાથી અમારે સાચો ગુનેગાર શોધવાનો છે અમે તમને આગળ પણ માહિતી આપતા રહેશુ પણ મારી તમને મિડીઆને વિનંતી છે કે કોઇ પણ ન્યુઝ છાપતા પહેલા અમારી સાથે થોડી ચર્ચા કરી લેવી કેમકે ક્યારેક મિડીઆથી સાવચેત થઇ ગુનેગાર નાસી જાય છે. અમે તમને તમારુ કામ કરતા રોકતા નથી પણ આપણે બંને એકમેકને પૂરક બની કામ કરીએ તો આપણુ સુરત શહેર સુંદર તો છે જ પણ આપણે તેને ક્રાઇમ લેસ બનાવી શકીએ એમ છીએ જય હિન્દ.” આટલુ બોલી રિષભે તેનુ બ્રીફીંગ પુરુ કર્યુ એ સાથે જ બધા પત્રકારોએ તેના પ્રશ્નોનો મારો ચલાવ્યો. રિષભ પહેલેથી જ આ માટે તૈયાર હતો. તેણે વારાફરતી બધા પત્રકારોને જવાબો આપ્યા. છેલ્લે એક પત્રકાર ઊભો થયો તેને જોઇને કમિશ્નરે રિષભને કહ્યું “આ મિસ્ટર જૈનમ ઉપાધ્યાય છે. આ માણસ સુરત શહેરની નસ નસથી વાકેફ છે એવુ કહેવુ હોય તો કહી શકાય. પેલા કાવ્યાવાળા ન્યુઝ પણ તેણે જ કવર કરેલા.” આ સાંભળી રિષભે જૈનમ સામે જોયુ અને કહ્યું “હા, બોલો મિ. જૈનમ તમારે શું પૂછવુ છે?”

ત્યારબાદ જૈનમ ઊપાધ્યાયે જે પણ કહ્યું તે સાંભળી રિષભને સમજાઇ ગયુ કે આ કેસની ઘણીબધી વિગતો મિડીયા પાસે છે.

----------***********------------**********---------------********-------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM