Koobo Sneh no - 57 in Gujarati Fiction Stories by Artisoni books and stories PDF | કૂબો સ્નેહનો - 57

કૂબો સ્નેહનો - 57

🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 57

નતાશાને હરાવવા માટે અમ્માએ કસેલી કમર કેટલી કારગત નીવડે છે એ સમય જતાં જ સાબિત થશે. સઘડી સંઘર્ષની......

❣️કૂબો સ્નેહનો❣️

આઇસીયુના કાર્ડિયોગ્રામ રૂમમાં ગમગીન શાંતિનો ઓછાયો છવાઈ ગયો હતો. પણ એ નતાશાની ચુંગાલમાંથી વિરાજને બચાવવા માટેનો હતો. દિક્ષા હળવી થઈ ખુરશીમાં બેસી રાહતનો શ્વાસમાં શ્વાસ લીધો.
"હૅ અમ્મા.. વિરુ નાનો હતો ત્યારે કયુ એ તરખટ કર્યું હતું.?! અને કેમ એવું તરકટ કરવું પડ્યું હતું તમારે?"

"વિરાજ જ્યારે સ્કૂલમાં પાંચમાં ધોરણમાં ભણતો હતો ત્યારની વાત છે. એના જ ક્લાસમાં ને એની સાથે એક જ બેન્ચ પર બેસતો એક છોકરો શ્યામના દફતરમાંથી બે મહિનાની સ્કૂલની ફી ચોરાઈ ગઈ હતી. શ્યામના પિતા બહુ ઓછી આવકમાં ઘરનું ગુજરાન ચલાવતા. એવામાં સ્કૂલમાં બે મહિનાની ફી ભરવાની ચડી ગઈ હતી. તકલીફ છતાં ગમેતેમ કરીને પણ એના પિતાએ રૂપિયાની ગોઠવણ કરી હતી. ચોરી થવાથી શ્યામ બહુ જ ગભરાઈ ગયો હતો. 'હવે હું શું કરીશ? સાહેબ મને સ્કૂલમાંથી કાઢી મૂકશે તો?'

નિત્ય હું બેલ વગાડવાની જગ્યાએ જ્યાં બેસતી હતી એની સામે જ વિરુનો ક્લાસ રૂમ હતો. વિરુએ આવીને મને વાત કરી.
મેં વિચાર્યું કોઈ પ્રયત્ન કરું. 'સાહેબ વર્ગ ખંડમાં આવી જાય એ પહેલાં જેણે પણ શ્યામના રૂપિયા લીધા છે, એ આંગળી ઊંચી કરી એને પાછા આપી દે. નહિતર સાહેબને ખબર પડશે તો બહુ મોટી સજા કરશે!'

પણ પકડાઈ જવાની બીકે અને શરમથી નીચું જોવાનું આવશે એ બીકે જેણે ચોરી કરી હતી એ ચૂપ બેસી રહ્યો હતો. હવે શું કરવું? હું સમજી ગઈ હતી કે, રમત રમતમાં ચોરી તો લીધા છે, પણ હવે પોતાને નીચું જોવાનું આવશે એટલે શરમનો માર્યો જેણે ચોરી કરી છે એ બધાની વચ્ચે પોતાની આંગળી ઊંચી નથી કરી રહ્યો. મેં વિરુને ઈશારો કર્યો.

હું લાઇટની સ્વિચ બોર્ડ નજીક ગઈ. જેવું અડકી કરંટ આવ્યો. હું કરંટથી ધ્રુજારી વછુટે એમ થરથર ધ્રુજવા લાગી ને ત્યાં જ ધડામ્ કરતી બેભાન થઈને ઢળી પડી. ખોટું ખોટું હો. ક્લાસ રૂમના વિદ્યાર્થીઓ ગભરાઈને ચીસાચીસ કરવા લાગ્યાં અને મારી આજુબાજુ ટોળું વળી ગયાં. પહેલાં તો વિરુ પણ ગભરાઈ ગયો હતો. 'ઓચિંતુ આ શું થયું અમ્માને?' પણ પછી એને મારો ઈશારો શું હતો એ સમજી ગયો હતો.

આ તકનો લાભ લઈને જે છોકરાએ રૂપિયા લીધા હતા એણે, ચૂપચાપ દોડતો જઈને ફટાફટ શ્યામની બેગમાં રૂપિયા પાછા મૂકી દીધા અને ટોળાંમાં આવીને ભળી ગયો. આ તરખટને કારણે જેણે ચોર્યા હતા એનેય આખા વર્ગની સામે નીચું જોવું ન પડ્યું ને શરમજનક પરિસ્થિતિમાં મૂકાવું ન પડ્યું અને જેના ચોરાયા હતા એ શ્યામને એની બેગના કંપાસમાંથી મળી જતાં એ પણ ખુશ થઈ ગયો ને એને એની ફી પણ ભરાઈ ગઈ.

કોઈવાર સીધી આંગળીએ ઘી ન નીકળે તો આંગળી જરા ટેડી કરવી પડે પણ એ પ્રેમથી.. લાકડી ભાંગે નહિ ને સાપ મરે નહીં.."

દિક્ષા એક ધ્યાનથી અમ્માની વાત સાંભળતી રહી હતી. પણ વચ્ચે વચ્ચે નતાશાના ક્રુર શબ્દો મગજને ખોતરી રહ્યાં હતાં. એના શબ્દો ખંખેરવાનો પ્રયાસ કરતી રહી, પણ આ મન અને મગજ એવું છે કે જેનાથી આપણે દૂર જવાની કોશિશ કરીએ એમ વધારે નજીક આવે. એનું મન થોડી થોડી વારે નતાશા નામની ડાળે જ પાછું જઈને બેસી જતું હતું. બુદ્ધિની લગામ ખેંચ્યા પછી પણ કામ નહોતી લાગતી.

"પણ અત્યારે આપણને આ તરકટ કઈ રીતે કામ લાગશે?"

"એક તો નતાશાને તું મારી દેખભાળમાં લાગી છે એવું લાગશે અને બીજું વિરુને એની જોડે રહીને પોતાની ભૂલ સુધારવાનો સમય મળશે. એણે મારા પ્રત્યે કોઈ ચિંતા પ્રગટ ન કરી એના કારણે નતાશાને એવું લાગશે કે, વિરાજને પોતાનો કરવામાંએ સફળ રહી છે."

ચિંતિત દેખાઈ રહેલી દિક્ષાના મનમાં અનેક સવાલો હતાં. પ્રેમથી માથે હાથ ફેરવી અમ્મા બોલ્યા,

"દિક્ષા વહુ ચિંતા ન કર. હિંમત રાખ. વ્હાલો કાન્હો બધું ઠીક કરી દેશે. નતાશા નામની બલાથી આપણો ને વિરુનો છુટકારો મેળવવા માટે જ તો આ તરકીબ અજમાવી છે. વિરુ પણ હરતો ફરતો થઈ ગયો છે એટલે હવે એની ચિંતા કરવા જેવું નથી! ડૉક્ટરે પણ એક બે દિવસમાં હૉસ્પિટલમાંથી રજા આપવાનું કહ્યું જ છે. તું સમજે છે ને મારી વાત?"

"હા અમ્મા, એજ વિચારું છું. ડૉક્ટરે સવારે જ વાત કરી છે. હું ખોટી ચિંતા કરી રહી છું વિરુની. છેલ્લા કેટલાય વર્ષોથી કર્મ હાથતાળી દઈ દર વખતે છટકી જાય છે એવું આ વખતે નહીં થવા દઉં.. હુંયે જોવું છું કોણ જીતે છે આ વખતે! દરેક વખતે કર્મો ઉપર દોષનો ટોપલો ઢોળીને એને છટકબારી નથી આપવી. કોઈપણ ભોગે બાય હૂક ઓર ક્રૂક, વિરાજને મારા જીવનમાં હું પાછો લાવીને જ રહીશ." દિક્ષા અમ્મા તરફ દ્રષ્ટિ કરી બોલે જતી હતી પણ, એનું ચિત્ત તો બાજુના વોર્ડમાં સૂઈ રહેલા વિરાજ બાજુ જ ભટકતું હતું.

"કર્મો હથેળીમાં સંચરે છે જીવનમાં સુગંધ ફેલાવા માટે.
કર્મણ્યે વાધિકારસ્તે,
મા ફ્લેષુ કદાચન,
કર્મ કરે જા ફળની ચિંતા કર્યા વિના. ચિંતા તો જીવનભર કપાળે હંમેશા ટીંગાયેલી જ રહેશે. એને કેવી રીતે ભગાડવી અને ફરીથી પગપેસારો ન કરે એની તકેદારી આપણે રાખવાની છે. જીવનમાં સંજોગો પસંદ કરવાનો આપણને કોઈ અધિકાર નથી. પણ આવેલાં સંજોગોમાં કેમ વર્તવું અને નીકળવું એ આપણાં જ હાથની વાત છે. જેમ પત્તાની રમતમાં પાનું પસંદ કરવાનો આપણને ક્યારેય અધિકાર નથી હોતો. પણ આવેલા પાનાઓમાંથી કયુ પાનુ ક્યારે ઉતરવું એ આપણા હાથની વાત હોય છે. આજે આપણે એવું કોઈ કાવતરું રચવું પડશે જેના કારણે એ નતાશા જ વિરુને છોડવા મજબૂર થઈ જાય."

"આ દિશામાં કેવી રીતે આગળ ચાલવું? મારું તો મગજ બહેર મારી ગયું છે. વિરુને મળીને સક્સેસ ફુલ એક પ્લાન બનાવવો પડશે."

"પહેલાં તો આપણે ક્યાં છીએ એની એને જરાય ગંધ ન આવે એનું ધ્યાન રાખવાનું છે. તું બહાર નજર કરતી રહે. એ હવે અહીંથી નીકળવાની તજવીજમાં હશે જ. નતાશા અહીંથી નીકળી જાય પછી આપણે વિરુને મળવા પહોંચી જઈએ."

દિક્ષા દરવાજાની કાચની નાનકડી બારીમાંથી ડોકિયાં કરતી રહી. એ પછી અડધો કલાકે નતાશાને એણે જતાં જોઈ. તરત જ અમ્મા અને દિક્ષા વિરાજ પાસે પહોંચી ગયાં.

અમ્મા, દિક્ષા અને વિરાજ મળીને નતાશાની ચાલમાંથી કેવી રીતે છટકવું એના પ્લાન વિશે બરાબર બે કલાક સુધી ચર્ચા કરતાં રહ્યાં.

"અમ્માને હૉસ્પિટલાઇઝ કર્યા છે એટલે તમારે નતાશાને હૉસ્પિટલમાં જ તમારી સાથે રહેવા માટે મજબૂર કરવાની. બને એટલો એનો સમય બરબાદ કરાવતા જવાનું. તમારે એટલું જ કહેવાનું કે, મેં દિક્ષાને દગો કર્યો છે એટલે, અમ્માને સિવિયર સ્ટ્રોક આવ્યો છે. અમ્માને બાયપાસ સર્જરી કરાવવી પડશે એવું ડૉક્ટરે કહ્યું છે. એટલે દિક્ષા ક્રોધિત થઈ છે. મારી સાથે પણ એ લોકો હવે વાત કરવાની ના પાડે છે. અમ્માને ક્યાં રાખ્યા છે એ કશુંજ મને જણાવ્યું નથી. પૈસા વિના જિંદગી શું કામની એવું કહીને દિક્ષા મિલકત પોતાની પાસે રાખી લીધી અને મને એકલો છોડી ચાલી ગઈ."

"શરૂઆતમાં નતાશા વિરુને ટીટોડી ઈંડા સેવે એમ જતનપૂર્વક સાચવશે અને સેવશે. ડગલે ને પગલે પ્રણયના રંગ વેરતી રહેશે. શીતળ ચાંદનીમાં કામદેવની વર્ષા થતી હોય એમ ઝરમર ઝરમર વરસતી રહેશે. વિરુ તારે પણ એના પ્રણયપ્લાવનમાં સામિલ થવું પડશે. થોડું અસંગત લાગે છતાં પણ એના તરફી ઢીલા રહીને નિરવરોધ એ કહે એ કરતા જવું પડશે. આવા સમયે મન પર કાબૂ સહુથી જરૂરી થઈ પડશે. જરા અવળા હાથે કાન પકડવા તો પડશે જ. કોઈ સંજોગોમાં કશુંય એને કહેવાનું નહીં."

"ના અમ્મા એની સાથે એક દિવસ વિતાવવો મુશ્કેલ છે. એણે અત્યારે એક કલાક કામ વગરની લવારીઓ કર્યે રાખી હતી. આ બધું કરવાનું મારું કામ નહીં. એના શબ્દે શબ્દમાં કાંટા ભરાયેલા હોય એમ મને ખૂંચે છે." વિરુના અવાજમાં સ્હેજ ફિકર જણાઈ રહી હતી.

"જિંદગીમાં વાસ્તવિક જ્ઞાન કેળવવું પણ એટલું જ જરૂરી છે વિરુ." અમ્માએ એને સમજાવતાં કહ્યું તો ખરું પણ એ જાણતાં હતાં કે વિરુ હવે જે આ કામ કરવા જઈ રહ્યો છે એ એના માટે ખૂબ અઘરું કામ છે. અમારે તો દૂર રહ્યે તમાશો જ નિહાળવાનો છે.

"એ પ્રેમના ફાગ ખેલવા આવી છે, પણ હું તો મારું ભવિષ્ય બનાવવા આવ્યો હતો, ત્યાં મને ભાવનાઓમાં બહેકાવી ફસાવીને મારી સંસ્કારની નીવને હલાવી નાખી છે.. શકુનિ મામાનીયે મા થાય એમાંની છે નતાશા.. એનેય સારા કહેવડાવે એવા દાવપેચ રમી જાણે છે."

"અંધારુ જાતે તો દૂર નહીં થાયને વિરુ દીકરા? અજવાળુંય નાખવું તો પડશેને? પોતાના મનને ઉજાગર કરવું તો પડશેને?"
અમ્મા સાંત્વનાની દવાઓ પાતાં રહ્યાં અને ધીરજની ગોળીઓ ગળાવતાં રહ્યાં. પગને પગલાંની જ બાધા આપવા જેવી વાત અમ્મા કરી રહ્યાં હતાં. બધાં સામ સામે જ હોય છતાંય કોઈએ કોઈને નહીં મળવાનું એવું વચન એકબીજાને લેવડાઈ રહ્યાં હતાં.

"જાણે -- અજાણે તારાથી આ મોહમાયામાં જે અપરાધ થઈ ગયો છે એ તારે જ સુધારવાનો છે અને હવે તક મળી છે તો પશ્ચાતાપ કે આત્મ શુદ્ધિ દ્વારા કરેલાં પાપ કે ભૂલોને ધોઈ નાખજે. નવો કોઈ અપરાધ ન થાય એની ખાસ કાળજી રાખવાની છે." અમ્માના અવાજમાં અને શબ્દોમાં હિંમતની સુગંધ ભળી રહી હતી.©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 58 માં અમ્મા, દિક્ષા અને વિરાજે એકબીજાથી વિદાય તોલીધી પણ એમનો પ્લાન સક્સેસ જશે કે પછી નતાશા કોઈ નવા પ્લાન સાથે જ વિરુ સાથે પ્રણયના ફાગ રમી રહી છે?

-આરતીસોની©


Rate & Review

nikhil

nikhil 1 year ago

Ami

Ami 2 years ago

Kinnari

Kinnari 2 years ago

Yashvi Nayani

Yashvi Nayani 2 years ago

Neepa

Neepa 2 years ago