sundari chapter 64 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૬૪

ચોસઠ

“તમારે જે વાત કરવી હોય તે કહી દો સોનલબેન, મારા ગમવા ન ગમવા પર ન છોડો. હું વરુણની જેમ જ તમારો ભાઈ છું.” કૃણાલે હસીને જવાબ આપ્યો.

“વાત વરુણની જ છે કૃણાલભાઈ, અને મેડમની. મને ખબર છે તમે આ સબંધથી રાજી નથી, પણ હવે એમનો સબંધ એવા પોઈન્ટ પર આવી ગયો છે જ્યાંથી આપણે બંને જો વરુણભાઈની મદદે નહીં આવીએ તો એ કદાચ સુંદરી મેડમને કાયમ માટે ગુમાવી બેસશે.” સોનલબાએ પોતાનો ભય કૃણાલ સામે રજુ કર્યો.

“હમમ... એવું શું થયું?” કૃણાલે સવાલ કર્યો.

“મેડમના ભાઈ, જે જેલમાંથી પાછા આવ્યા છે એમના માટે મેડમે એક મોડિફાઇડ ઓટોરિક્ષા બનાવડાવી છે અને એમને તેમાં ચ્હાની આખી દુકાન ઉભી કરી દીધી છે.” સોનલબા થોડીવાર રોકાયા.

“તો?” કૃણાલને સમજણ ન પડી કે સોનલબા આખરે શું કહેવા માંગે છે.

“હવે એ ઓટો ક્યાં ઉભી રાખવી જેથી કોર્પોરેશનના દબાણવાળા કે પછી પોલીસવાળા એમના ભાઈને હેરાન ન કરે એ માટે મેડમ અને એમના ભાઈ ગઈકાલે મારે ઘેરે પપ્પાને મળવા આવ્યા હતા.” સોનલબાએ વાત સમજાવવાની શરુ કરી.

“ઓકે, તો?” કૃણાલ માટે સોનલબાએ આપેલી માહિતી હજી સુધી અઘુરી હતી.

“હવે મેડમે મારી પાસેથી વચન લીધું છે કે હું આ વાત ભઈલાને ન કરું અને મને સમજણ નથી પડતી કે ભઈલાને જો હું આ વાત નહીં કરું તો એને થયેલી પેલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ચાલુ જ રહેશે.” સોનલબાએ વાત આગળ વધારી.

“કઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ?” કૃણાલ સમજ્યો નહીં.

“ઓહ! તમને એ વાતની ખબર નથી. થોડા દિવસ અગાઉ ભઈલો આપણી કોલેજ પાસે પેલો સ્પોર્ટ્સ શોપ છે ને? ત્યાં ગયો હતો અને એની સામેના બિલ્ડીંગના બીજા માળે તેણે મેડમને કોઈ પુરુષને ભેટતાં જોયા અને એ જોઇને એ ખૂબ દુઃખી થયો હતો, કારણકે એને લાગ્યું કે મેડમે કોઈ બીજાને પસંદ કરી લીધો છે. કૃણાલભાઈ મને વિશ્વાસ છે કે સુંદરી મેડમ જેમને ભેટી રહ્યાં હતા એ એમના ભાઈ જ હતા, કારણકે ભઈલાએ મને જે એમની હાઈટ બોડી વિષે વાત કરી હતી એ આ શ્યામલ સાથે બહુ મળતી આવે છે, હું કાલે જ એમને મળી છું એટલે ખાતરીપૂર્વક કહી શકું છું.” સોનલબાએ કૃણાલને સમજાવ્યું.

“ઓહ! તો?” કૃણાલ હજી પણ સમજી રહ્યો ન હતો.

“તો કૃણાલભાઈ વાત એવી છે કે જો એ વ્યક્તિ શ્યામલ જ હોય તો ભઈલાએ એ જાણવું જરૂરી છે અને એના મનની શંકા એણે દૂર કરવાની પણ જરૂર છે જેથી એ હળવાશ અનુભવે. પણ મને મેડમે વચને બાંધી લીધી છે એટલે હું એમને ન કહી શકું કે એ વ્યક્તિ શ્યામલ જ છે. પણ તમે કોઈને કોઈજ વચન નથી આપ્યું, એટલે મારી ઈચ્છા છે કે તમે ભઈલાને આ વાત કરો અને કહી દો કે એ શ્યામલ સાથે સબંધ વધારે. જો એવું ન થયું તો સુંદરી મેડમને મેળવવાની ભઈલાની ઈચ્છા જીવનભર પૂરી નહીં થાય.” સોનલબાના ચહેરા પર દુઃખ અને ચિંતા તરવરી રહી હતી.

“હમમ...” આટલું કહીને કૃણાલ મૂંગો થઇ ગયો.

“બસ? હમમ...? આગળ કશું નહીં કહો?” સોનલબાને આશ્ચર્ય થયું.

આટલી વાત દરમ્યાન સોનલબા અને કૃણાલ સિટી બસ સ્ટેન્ડ પર પહોંચી ગયા હતા.

“હું કશું કહીશ તો તમે નહીં માનો.” કૃણાલે સીધેસીધું જ કહી દીધું.

“મને ખબર છે કે તમે મને એ સમજાવવાની કોશિશ કરશો કે હું પણ આ મામલે રસ લેવાનું છોડી દઉં.” સોનલબાએ કહ્યું.

“ના સોનલબેન. એક સમયે હું વરુણના મેડમ પ્રત્યેના ગાંડપણનો વિરોધી હતો, પણ છેલ્લા અઢી વર્ષમાં મેં મારા મિત્રને, મારા ભાઈને મેડમ માટે હિજરાતા જોયો છે, આખો દિવસ એને મૂંગો બેસેલો જોયો છે. એ આવો જરાય ન હતો. મને એમ કે એ આપણી ઉંમરને લીધે મેડમ પ્રત્યે એવી લાગણી ધરાવે છે જે એણે ન ધરાવવી જોઈએ કારણકે એ સીરીયસ નથી.

પણ સોનલબેન, એણે કોલેજ છોડવાનો નિર્ણય લીધો અને એ પણ એટલા માટે કે એને કારણે મેડમને કોઈ તકલીફ ન પડે, એણે મારી આંખો ખોલી દીધી. યાદ છે ને? એણે એ નિર્ણય મેડમે એને ખોટી રીતે ધમકાવ્યો તે પછી લીધો હતો. જો મારી શંકા સાચી હોત તો એ બગીચાવાળી ઘટના બાદ મેડમને ભૂલીને કોઈ બીજી છોકરી પાછળ પડી ગયો હોત.

વરુણની મેચ્યોરીટીએ મારી એના પ્રત્યેની ખોટી માન્યતાને તોડી નાખી છે સોનલબેન, એટલુંજ નહીં પણ એના પ્રત્યે મારું માન હતું એના કરતાં પણ વધી ગયું છે.” કૃણાલે ભીની આંખે પણ સ્મિત સાથે સોનલબાને કહ્યું.

“અરે વાહ! મારો ભઈલો છે જ ગ્રેટ! એણે તમને પણ પલાળી દીધા એમને? તો તમે ભઈલા સાથે આ વાત કરી?” સોનલબાએ પ્રશ્ન કર્યો.

“ના, સોનલબા. મારે એને સામેથી આ બધી વાતો કરીને એને ફરીથી આ બધું યાદ નથી દેવડાવવું. એણે એ બધું ભૂલાવવા માટે ક્રિકેટ પાછળ પોતાનું જીવન રીતસર અર્પણ કરી દીધું છે, એટલે હું સ્હેજ પણ એનું મન વિચલિત કરીશ કે એને દુઃખ આપીશ તો એનું ક્રિકેટ વેરવિખેર થઇ જશે. પાછું મારે એના ટોણાં સાંભળવા પડશે એ અલગથી.” છેલ્લું વાક્ય બોલતાં બોલતાં કૃણાલ હસી પડ્યો.

“હા એ તો છે જ! ભઈલો તમને સંભળાવવામાં તો કશું બાકી નહીં રાખે. પણ આપણે હવે કરીશું શું? આપણો પ્રોબ્લેમ તો હજી જ્યાં હતો ત્યાં જ છે.” સોનલબાએ મુદ્દાની વાત કરી.

“જુઓ સોનલબેન, તમે મેડમના વચનેથી બંધાયેલા છો, હું નથી એ સાચું, પણ તમે મને કહો અને હું વરુણને કહું તો ઇનડીરેક્ટલી તો તમારું વચન તમે તોડો જ છો ને? તમે સમજી રહ્યાં છો ને હું શું કહી રહ્યો છું?” કૃણાલ સોનલબાનું મન કળી રહ્યો હતો.

“હા, કૃણાલભાઈ તમે વાત તો સાચી કરી. તો પછી કરીશું શું?” સોનલબાના ચહેરા ઉપરની મૂંઝવણ સ્પષ્ટ દેખાઈ રહી હતી.

“મારી પાસે એક આઈડિયા છે.” કૃણાલે સ્મિત કર્યું.

“બોલો બોલો.” સોનલબાને જાણવા માટે ઉતાવળ થઇ રહી હતી.

“તમે મેડમને વચન આપ્યું છે કે તમે વરુણને એમના ભાઈ વિષે કશું નહીં કહો, અને તમને એ બાબતનો પણ વિશ્વાસ છે કે વરુણે જેમની સાથે મેડમને ભેટી પડતાં જોયા હતા એ એમનો ભાઈ જ છે રાઈટ?” કૃણાલ મુદ્દા પર આવી રહ્યો હતો.

“રાઈટ. તો?” સોનલબાની ઉત્કંઠા વધી.

“તો આપણે વરુણીયાને આ વાત કહીએ નહીં, પરંતુ એવા સંજોગો તો ઉભા કરી જ શકીએને કે જેનાથી એની એ શ્યામલ વિષેની ગેરસમજણ દૂર થાય? અને જો એ ગેરસમજણ શ્યામલ પોતે જ દૂર કરી આપે તો?” કૃણાલના ચહેરા પર સ્મિત હતું.

“તો તો મજા પડી જાય. પણ કૃણાલભાઈ એવું થશે ખરું? પોસીબલ છે?” સોનલબાએ શંકા વ્યક્ત કરી.

“કેમ નહીં? સો ટકા પોસીબલ છે. જુઓ, આપણે જ વરુણને શ્યામલ જ્યાં ચ્હા વેંચે છે એ જગ્યાના વખાણ કરીશું, એની ચ્હાના વખાણ કરીશું અને એણે એક વખત તો ત્યાં જવું જ જોઈએ એવો આગ્રહ પણ કરીશું. પછી એ આપોઆપ ત્યાં જશે. અને વરુણનો સ્વભાવ તો તમે જાણો જ છો, એ એક વખત કોઈની ઓળખાણ થઇ જાય પછી એની આખી લાઈફ ખોદીને બહાર કાઢી નાખવામાં હોંશિયાર છે, મેડમ વિષે પણ તેણે એની રીતે જ બધી માહિતી કાઢી હતીને?” કૃણાલનું સ્મિત વધુ પહોળું થયું.

“વાહ! વાહ! વાહ! કૃણાલભાઈ, આ તો તમે બહુ મસ્ત વાત કરી. એકદમ પરફેક્ટ આઈડિયા છે. અને જો એવું થયું તો ભઈલો અને શ્યામલ એકબીજા સાથે વારંવાર વાતો કરશે. ભઈલો સામેથી કોઈને કોઈ કારણ શોધીને શ્યામલની ચ્હા પીવા જશે.” સોનલબાના ચહેરા પરની ચિંતા અચાનક જ દૂર થઇ ગઈ અને કૃણાલની વાત સાંભળીને એમને માત્ર આનંદ જ ન થયો પરંતુ એમને વિશ્વાસ પણ થયો કે સુંદરી અને વરુણને મેળવવા માટે આ એક નવો રસ્તો ખુલ્યો છે.

“બસ તો પછી તમે મને કહેજો કે શ્યામલ ક્યારે પોતાની ચ્હાની દુકાન ખોલે છે, હું વરુણીયાને ચાવી ભરાવવાની શરુ કરી દઈશ.” કૃણાલ હસી રહ્યો હતો.

“હા, પણ આપણે બંનેએ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે.” સોનલબાએ કહ્યું.

“કઈ વાત?” કૃણાલ સોનલબા શું કહેવા માંગતા હતા એ ન સમજી શક્યો.

“પહેલાં આપણે બંનેએ એ ચ્હા પીવી પડશે, એમનેમ અથવાતો ખોટા વખાણ કરીશું અને ચ્હા ખરાબ નીકળી તો ભઈલાને તો ખબર પડી જ જશે પણ જો શ્યામલને શંકા ગઈ તો પછી મોટી તકલીફ ઉભી થશે.” સોનલબાએ કૃણાલને ચેતવણી આપી.

“તો તો પછી તમે એ શ્યામલની દુકાનથી દૂર જ રહેજો. કારણકે એક તો મેડમે તમને આ વાત કોઈને પણ ન કહેવાનું વચન લીધું છે અને બીજું શ્યામલે તમને જોયાં છે. જો આપણે બંને ત્યાં જઈશું અથવા તમે મારા પછી કે પહેલાં એકલાં પણ જશો તો પણ મેડમ તાળો મેળવી લેશે કે મને તમે જ કહ્યું હશે. એટલે હું એકલો જ જઈશ ચ્હા પીવા અને પછી એ જ દિવસે સાંજે હું વરુણીયાને ચાવી ચડાવીશ. એટલે પછી મેડમને કોઈ જ શંકા નહીં જાય અને જો જાય તો પણ તમે કહી શકશો કે કોલેજ પાસેજ દુકાન છે એટલે કૃણાલભાઈ ગયા હશે, બાકી મેં એમને કશું જ નથી કહ્યું.” કૃણાલે સોનલબાને સમજાવતાં કહ્યું.

“ભગવાને મારો એક ભાઈ તો લઇ લીધો, પણ બદલામાં બબ્બે સમજદાર અને પ્રેમાળ ભાઈઓ આપી દીધા, એનો જેટલો આભાર માનું એટલો ઓછો.” સોનલબાની માંજરી આંખો ભરાઈ આવી.

==:: પ્રકરણ ૬૪ સમાપ્ત ::==