remando ek yodhdho - 12 books and stories free download online pdf in Gujarati

રેમન્ડો એક યોદ્ધો - 12

કિલ્લાના અંધારિયા બંધ ભોંયરામાં.
**********************





"હિર્યાત તું જા અને સરદાર તથા આપણા સૈનિકોને અહીંયા બોલાવી આવ.' આર્ટુબે હિર્યાતને કહ્યું.


"હું જાઉં છું. પણ હું સરદારને અહીંયા લઈને આવું નહિ તમે ત્યાં સુધી તમે આ ભોંયરાની અંદર ના જતાં.' હિર્યાત પોતાના ખચ્ચર ઉપર બેસીને રેમન્ડો તથા આર્ટુબ તરફ જોતાં બોલ્યો.


"હા અમે અંદર નહિ જઈએ પરંતુ તું જલ્દી જા. વિલંબ ના કરતો બધાને લઈને જલ્દી આવજે.' આર્ટુબ ખચ્ચર ઉપર બેઠેલા હિર્યાત તરફ જોતાં બોલ્યો.


આર્ટુબ આટલું બોલ્યો ત્યાં તો હિર્યાતે પોતાના ખચ્ચરને એડી મારી અને કિલ્લાની ડાબી બાજુએ ખચ્ચર દોડાવી મૂક્યું. થોડીવારમાં તો હિર્યાત અને એનું ખચ્ચર કિલ્લાની ડાબી બાજુએ ધૂળની ડમરીઓ ઉડાવતા અદ્રશ્ય થઈ ગયા.


સૂર્ય પશ્ચિમમાં ઢળી ચુક્યો હતો. રેમન્ડો અને આર્ટુબ બધાની રાહ જોતાં કિલ્લાના બહાર આવેલા ભોંયરાના મુખ પાસે બેઠા હતા.


"આર્ટુબ કિલ્લામાં મારી શાર્વીની હાલત કેવી હશે ? ભોંયરાના મુખ પાસે બેઠો બેઠો રેમન્ડો નિરાશ અવાજે આર્ટુબ તરફ જોઈને બોલ્યો.


"કિલ્લામાં તો શાર્વીની હાલત એક કેદી જેવી હશે.' આર્ટુબ સંકુચિત અવાજે બોલ્યો.


"ઓહહ.! કેદી.' આર્ટુબનો અવાજ સાંભળીને રેમન્ડોના મુખમાંથી દુઃખભર્યા ઉદ્દગારો નીકળી પડ્યા.


"હા કારણ કે તિબ્બુરે શાર્વી સાથે લગ્ન કરવાની બળજબરી કરી હશે અને શાર્વીએ લગ્નનો સાફ ઇન્કાર કરી દીધો હશે. એટલે તિબ્બુર એની સાથે જેવો કેદી સાથે વર્તાવ થાય એવો વર્તાવ કરતો હશે.' આર્ટુબે કહ્યું.


આર્ટુબના શબ્દો સાંભળીને રેમન્ડો ઊંડા આઘાતમાં સરી પડ્યો. એના મુખ ઉપર દુઃખની રેખાઓ છવાઈ ગઈ. તિબ્બુર તરફ એને ભારોભાર તિરસ્કાર ઉદભવ્યો. નિરાશ વદને રેમન્ડો શાર્વીના વિચારોમાં ખોવાઈ ગયો.



"વ્હાલી હવે બસ થોડાંક જ કષ્ટો તું સહી જા,
આવી રહ્યો છું હું બસ થોડીવાર ત્યાં રહી જા.!
- રેમન્ડો




શાર્વીની પ્રબળ યાદે રેમન્ડોનું અંગઅંગ ધ્રુજવા લાગ્યું. તિબ્બુરે શાર્વી સાથે એક કેદી કરતા પણ વધારે ખરાબ વર્તન કર્યું છે એ વાતનું સ્મરણ થતાં રેમન્ડો ક્રોધથી કાંપી ઉઠ્યું. આર્ટુબના શબ્દો વારંવાર રેમન્ડોના કાનમાં ગુંજવા લાગ્યા. એ એકદમ ઉભો થઈ ગયો. અને ગુસ્સો બેકાબુ થતાં રેમન્ડો પોતાનો ભાલો ઉઠાવીને આર્ટુબને કંઈ કહ્યા વિના જ કિલ્લાવાળા ભોંયરા ઉતરી ગયો. અચાનક રેમન્ડો ભાલો ઉઠાવીને ભોંયરામાં ઘૂસી ગયો એટલે આર્ટુબ નવાઈ પામ્યો. એ પણ ઉભો થઈ ગયો.


"રેમન્ડો ક્યાં જાય છે ? આર્ટુબે પાછળથી રેમન્ડોને બુમ પાડી.


અંધારિયા ભોંયરામાં આગળ વધતા રેમન્ડો પાછળથી આર્ટુબનો અવાજ સંભળાયો પણ એના માથા ઉપર ઝનૂન સવાર હતું એટલે એણે આર્ટુબને કંઈ પણ પ્રકારનો જવાબ આપ્યા વગર જ આગળ વધવા માંડ્યું.


આ બાજુ રેમન્ડો તરફથી કંઈ જ પ્રત્યુત્તર ના આવતા ભોંયરાની બહાર આર્ટુબ બેબાકળો બનીને આમતેમ જોવા લાગ્યો. ત્યાં તો તેને ઘણા બધા ખચ્ચરો આ તરફ આવી રહ્યા હોય એવી દડદડાટી સંભળાઈ. થોડીવારમાં હિર્યાત અને સરદાર સિમાંન્ધુ બીજા સૈનિકો સાથે પુરપાટ ખચ્ચરો દોડાવતા આવી પહોંચ્યા. હિર્યાત ઝડપથી ખચ્ચર ઉપરથી નીચે ઉતરીને સરદાર સિમાંન્ધુ તથા બધા સૈનિકોને ભોંયરા પાસે દોરી લાવ્યો.


"રેમન્ડો ક્યાં છે ? સરદાર સિમાંન્ધુએ ભોંયરા પાસે ઉભેલા આર્ટુબને ઊંચા અવાજે પૂછ્યું.


"સરદાર.. ર.ર..રેમન્ડો તો.' આર્ટુબ થોથવાતા અવાજે બોલ્યો.


"ક્યાં ગયો રેમન્ડો ? આશંકાભરી નજરે આર્ટુબ તરફ જોતા સરદાર સિમાંન્ધુ ફરીથી તાડુકી ઉઠ્યા.


"સરદાર રેમન્ડો તો ગુસ્સામાં આવીને ભોંયરામાં ઉતરી ગયો.' ખાસીયાણો પડીને આર્ટુબે જવાબ આપ્યો.


"શું કહ્યું રેમન્ડો ભોંયરામાં ઉતરી ગયો.!! જલ્દી ચાલો બધા નહીંતર એ એકલો આફતમાં ફસાઈ જશે.' આમ કહીને કંઈપણ જાતનો વિચાર કર્યા વિના જ સરદાર સિમાંન્ધુ ભોંયરામાં ઉતરી પડ્યા.


સરદાર ભોંયરામાં ઉતર્યા અને એમની પાછળ આર્ટુબ, હિર્યાત અને બાકીના સૈનિકો પણ ઝડપથી કિલ્લાના છૂપા અંધારિયા ભોંયરામાં ઉતરી પડ્યા. ભોંયરામાં ગાઢ અંધારું છવાયેલું હતું એટલે આગળ વધવામાં બધાને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી હતી. ક્યારેક અજાણતા એકબીજાના ભાલાની અણી એકબીજા સૈનિકને અડી જતી હતી. તો ક્યારેક વચ્ચે આવતા પથ્થરથી ઠેસ ખાઈને ચાલી રહેલા સૈનિકો એકબીજા સાથે અથડાઈ પડતા હતા.


"રેમન્ડો કેટલો આગળ નીકળી ગયો હશે આર્ટુબ ? સરદાર સિમાંન્ધુએ અંધારિયા ભોંયરામાં આગળ વધતા વધતા આર્ટુબને પૂછ્યું.


"બસ થોડોકઆગળ ગયો હશે સરદાર. તેમ છતાં આપણે ઝડપ કરવી પડશે નહીંતર આપણે એને પહોંચી નહિ શકીએ. કારણ કે એ જયારે ભોંયરામાં ઉતર્યો ત્યારે ખુબ જ ગુસ્સામાં હતો.' આર્ટુબે પાછળથી જવાબ આપ્યો.


આર્ટુબની વાત સાંભળીને સરદાર સિમાંન્ધુ તેમજ અન્ય સૈનિકોની ચાલમાં ઝડપ આવી. બધા અથડાતા પછડાતા અંધારિયા ભોંયરામાં જલ્દી આગળ વધવા લાગ્યા. અંધારું બહુજ ગાઢ હતું એટલે મુશ્કેલી તો બહુજ પડી રહી હતી છતાં બધા જેમતેમ કરીને આગળ વધ્યે જ જતાં હતા. બધા થોડીક થોડીક વારે રેમન્ડોને બુમ પણ પાડ્યે જતા હતા જેથી જો રેમન્ડો આગળ જતો હોય તો એ ઉભો રહી જાય અને પછી બધા એકસાથે આગળ વધી શકે. છેલ્લે હિર્યાતે બુમ પાડી ત્યારે રેમન્ડો આગળ જતો હતો ત્યાં અટકી ગયો. અને બધાની સાથે થઈ ગયો.


"બેટા આવું મુર્ખામીભર્યું પગલું ક્યારેય ના ઊઠાવવું. તારો આવો ઉતાવળીયો નિર્ણય આપણા માટે ક્યારેક નુકસાનકારક સાબિત થઈ શકે છે' રેમન્ડો પાસે પહોંચ્યા ત્યારે સરદાર સિમાંન્ધુ ઠપકાભર્યા અવાજે બોલ્યા.


"માફી ચાહું છું પિતાજી. એ વખતે મને ખુબ જ ગુસ્સો આવી ગયો હતો એટલે હું આવેશમાં આવીને ભોંયરામાં ઉતરી પડ્યો.' રેમન્ડો ઢીલા અવાજે બોલ્યો.


"હા હવે આવી ભૂલ ક્યારેય ના કરતો. અને આવો કોઈ નિર્ણય લેતી વખતે જે આજુબાજુ સાથીદારને સો વાર પૂછી લેવું.' સરદારે ફરીથી સંભળાવ્યું.


"જી પિતાજી.' રેમન્ડો એના પિતાજી આગળ ખાસિયાણો પડતા બોલ્યો.


રેમન્ડો પ્રતિશોધમાં અને શાર્વીને તિબ્બુરના કબજામાંથી છોડાવવાની તલપમાં આંધળો થઈ ગયો હતો. એની ધારદાર બુદ્ધિ એકદમ હણાઈ ગઈ હતી. એની બુદ્ધિ ઉપર શાર્વી પ્રત્યેની લાગણીઓ અને તિબ્બુર પ્રત્યેના ગુસ્સાનું આવરણ છવાઈ ગયું હતું. એને શાર્વી સિવાય બીજું કંઈ જ દેખાઈ રહ્યું નહોતું.


"સરદાર ભોંયરાનો છેડો તો આવી ગયો પણ ભોંયરું તો આગળથી બંધ છે.' આગળ ચાલતા હિર્યાતે બુમ પાડી.


"ઓહ.! આ તો બહુ મુશ્કેલી છે.' સરદાર સિમાંન્ધુ બોલ્યા અને એમના અવાજમાં થોડીક નિરાશા ભળી.


જલ્દી રેમન્ડો તથા સરદાર સિમાંન્ધુ જે તરફ ભોંયરાનો બંધ છેડો હતો એ તરફ ચાલ્યા. પાછળ આર્ટુબ પણ ચાલ્યો. અંધારું હતું એટલે સરદારે ભોંયરા બંધ ભાગ ઉપર એમના ભાલાનો પ્રહાર કર્યો પણ એ બંધ ભાગની મજબૂતાઈ કેટલી હશે એ વિષયનો એ અંદાજો લગાવી શક્યા નહીં.


"આર્ટુબ હવે શું કરીએ ? સરદારે બાજુમાં ઉભેલા આર્ટુબને સવાલ કર્યો.


"હવે શું કરીશું આગળનો ભાગ બંધ છે.' કંઈ ના સૂઝતા આર્ટુબ માંડ માંડ આટલું બોલ્યો.


બધા વિચારમાં પડી ગયા. ઘણી બધી મુશ્કેલીઓ વેઠીને બધા અંધારિયા ભોંયરામાં અહીંયા સુધી આવ્યા હતા અને નવી મુશ્કેલીએ બધાનો રસ્તો રોકી લીધો હતો.


"ભાલાના પ્રહારો ચાલુ રાખો. કારણ કે ભોંયરાનો આગળનો ભાગ વધારે મજબૂત રીતે બંધ કર્યો નહિ હોય.' રેમન્ડો થોડુંક વિચારીને બોલ્યો.


"હા રેમન્ડોની વાત સાચી છે કારણ કે ક્યારેક મુશ્કેલીના સમયે અહીંયાથી ભાગવું પણ પડે આવું વિચારીને તિબ્બુરે વધારે મજબૂત રીતે ભોંયરાના આગળના ભાગને બંધ નહિ કર્યો હોય.' રેમન્ડો સાથે સહમત થતાં હિર્યાત બોલ્યો.


હિર્યાત અને રેમન્ડો આટલું કહ્યું એટલે ભાલાઓ વડે આર્ટુબ તથા બીજા સૈનિકો ભોંયરા બંધ ભાગ ઉપર પ્રહારો કરવા માંડ્યા.અડધા કલાકની જહેમહેનત બાદ ભોંયરાના આગળના ભાગમાં નાનકડું કાણું પડ્યું. અને એકદમ અજવાળું ભોંયરામાં ઘૂસી આવ્યું. બધાના મોઢાઓ એકબીજાને દેખાવા લાગ્યા. રેમન્ડોના મુખ ઉપર તો આ જોઈને ખુશીની લહેર દોડી ગઈ.


(ક્રમશ)