sundari chapter 66 books and stories free download online pdf in Gujarati

સુંદરી - પ્રકરણ ૬૬

છાસઠ

“મસ્ત ચ્હા એઝ યુઝવલ, શિવભાઈ. પણ હવે ત્રણ મહિના પછી તમારી આ મસ્ત અને મજેદાર ચ્હા પીવા મળશે.” વરુણે શ્યામલને પૈસા ચૂકવતાં કહ્યું.

લગભગ દોઢેક મહિનાથી પ્રેક્ટીસ પતાવીને સીધો જ શ્યામલની ચ્હા વરુણ અચૂક પીતો. શ્યામલને વરુણ શિવના નામે ઓળખતો હતો કારણકે શ્યામલે બદનામીના ભયે એનું નામ બદલીને વરુણને આપ્યું હતું. જો કે આ દોઢ મહિનામાં વરુણના બોલકા સ્વભાવે શ્યામલને પણ એની સાથે ઘણું બોલતો કરી દીધો હતો અને બંને વચ્ચે મિત્રતાનો સબંધ પણ બંધાઈ રહ્યો હતો, એ હકીકતની જાણકારી વગર કે એ બંને વચ્ચે સુંદરી એક મહત્ત્વની દોરીથી બંધાયેલી છે.

“કેમ? તમે કહ્યુંને કે કૉલેજ તો પતી ગઈ? નોકરી મળી ગઈ કે શું?” શ્યામલ ઉર્ફે શિવે પૂછ્યું.

“એમ જ સમજો. આવતે મહીને આઈપીએલ શરુ થાય છે ને? હું એમાં રમવાનો છું. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી!” વરુણ જે કહી રહ્યો હતો તેના પર તેને ગર્વ હતો.

“અરે! ના હોય? હું તો ક્રિકેટનો બહુ મોટો ફેન છું! આઈ મીન મને ક્રિકેટ બહુ ગમે. તમે એ લેવલે રમો છો એની તો મને ખબર જ નહીં.” વરુણ પ્રત્યેના અહોભાવથી શ્યામલની આંખો પહોળી થઇ ગઈ હતી.

“હજી રમતો નથી, બસ ચાન્સ મળ્યો છે. કદાચ આખી સિઝન ડગ આઉટમાં પણ બેસવું પડે, કારણકે મારી પાસે કોઈજ અનુભવ નથી. ગુજરાતની ટીમમાં તો છું પણ હજી સુધી એક પણ ફર્સ્ટક્લાસ ગેમ રમ્યો નથી. પણ હા, અનુભવ જરૂર મળશે, આટલા મોટા અને અનુભવી ખેલાડીઓ છે તો...” વરુણે સ્મિત સાથે કહ્યું.

“ના, ના, ભગવાનને હું પ્રાર્થના કરીશ કે તમે આ આઈપીએલમાં જ રમો અને ખૂબ સારું રમો.” શ્યામલે આકાશ તરફ જોઇને પોતાના બંને હાથ જોડ્યા અને કહ્યું.

“તમારી પ્રાર્થના તો બરોબર છે, પણ મારો ચાન્સ ત્યારેજ લાગશે જ્યારે બહુ બધા ખેલાડીઓ ઇન્જર્ડ થાય, અને હું મારી ટીમ માટે એવું તો ક્યારેય ન ઈચ્છું.” વરુણ હસતાં હસતાં બોલ્યો.

“ના, તમને તમારી ટેલેન્ટ પર ટીમમાં રમવા મળશે જો જો. હું જરૂર એવીજ પ્રાર્થના કરીશ.” શ્યામલે સ્મિત સાથે કહ્યું.

“થેન્ક્સ, શિવભાઈ! બસ મારી માટે આ જ રીતે પ્રાર્થના કરતા રહેજો. જો તમારી આ પ્રાર્થના સફળ રહીને તો અમદાવાદ પાછો આવીને એક મોટ્ટી પ્રાર્થના તમારી પાસે કરાવડાવીશ.” વરુણે શ્યામલના જોડાયેલા હાથ પોતાની બંને હથેળીઓથી પકડીને કહ્યું.

“મોટી પ્રાર્થના? કેવી પ્રાર્થના?” શ્યામલને આશ્ચર્ય થયું.

“એ હું જો આઈપીએલમાં એક મેચ પણ મને રમવા મળશેને તો જ તમને કહીશ અને એ પણ અમદાવાદ આવ્યા પછીજ.” વરુણે શ્યામલના બંને હાથ દબાવ્યા.

“ઠીક છે, હું તમારી રાહ જોઇશ. તમે બેટ્સમેન છો કે બોલર?” શ્યામલે પ્રશ્ન કર્યો.

“ઓલરાઉન્ડર!” વરુણે ગર્વ સહીત કહ્યું.

“વાહ, તો તો તમારી બેટિંગ અને બોલિંગ બંને જોવાની મજા આવશે.” શ્યામલે હસીને જવાબ આપ્યો.

“અને ફિલ્ડીંગ પણ! ઓલરાઉન્ડરમાં એ પણ આવે!” આટલું કહીને વરુણ ખડખડાટ હસી પડ્યો.

“હા, એ તો હું ભૂલી જ ગયો.” શ્યામલે પણ વળતું હાસ્ય કર્યું.

“ચાલો, શિવભાઈ, હું નીકળું? ચાર વાગ્યાની ફ્લાઈટ છે અને હજી મારી બેગ્સ પેક કરવાની બાકી છે. મમ્મી આજે જરુર ગરમ થશે મારા ઉપર.” વરુણ ફરીથી હસ્યો.

વરુણ અને શ્યામલે એકબીજા સાથે હાથ મેળવ્યા અને અચાનક શું થયું કે વરુણ શ્યામલને ભેટી પડ્યો. જ્યારે બંને છુટા પડ્યા ત્યારે વરુણની આંખો ભીની હતી. વરુણે પોતાની આંખ લુછી અને નજીકમાં પડેલી પોતાની કીટ બેગ ઉપાડીને ફૂડ કોર્ટના દરવાજા તરફ ચાલવા લાગ્યો. શ્યામલને વરુણના આંસુઓથી નવાઈ તો લાગી પરંતુ તેને એ સમયે વરુણને તેનું કારણ પૂછવાનું યોગ્ય ન લાગ્યું.

==::==

“છેલ્લા પંદર વીસ દિવસથી દર અઠવાડિયે બે વખત તમે મને મેચ જોવા બોલાવો છો ભાઈ, પણ જેવો ટોસ ઉછળે એટલે કહો છો કે હવે મારે ઘરે જવું હોય તો જઈ શકું છું. કેમ? આજે પણ તમે મને બોલાવી લીધી. હવે મારે રોકાવાનું છે કે પછી જવાનું છે?” સુંદરી શ્યામલને પૂછી રહી હતી.

“એ તો ટીમની ખબર પડે પછી જ કહું.” શ્યામલ એક તરફ રાહ જોઈ રહેલા ગ્રાહકો માટે ભર તડકામાં ચ્હા બનાવી રહ્યો હતો અને બીજી તરફ તેનું ધ્યાન એની એક તરફ રહેલા તેના મોબાઈલ સ્ક્રિન પર હતું જેના પર આઈપીએલની મેચ શરુ થવામાં હવે થોડીજ મિનીટ્સ બાકી હતી.”

“કોઈ ખાસ વાત છે? અને મેં જોયું છે કે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની મેચ હોય ત્યારેજ તમે મને બોલાવો છો.” સુંદરીએ ફરીથી પ્રશ્ન કર્યો.

“હા, કારણકે મુંબઈ ઇન્ડિયન્સની મેચ મારા માટે બહુ ઈમ્પોર્ટન્ટ છે સુના.” શ્યામલે ઉકળતી ચ્હાની તપેલીમાં ચમચી હલાવતાં હલાવતાં અને મોબાઈલ સામે જોતાં જોતાં જવાબ આપ્યો.

“એવું તે શું છે એ ટીમમાં? કે તમે એના ફેન છો?” સુંદરીને નવાઈ લાગી, એના ચહેરા પર આશ્ચર્ય મિશ્રિત સ્મિત પણ હતું.

“એમાં મારો ફ્રેન્ડ રમવાનો છે... કદાચ. જો એ રમશે તો જ હું મુંબઈ ઇન્ડિયન્સનો ફેન થઇ જઈશ.” શ્યામલે સુંદરી સમક્ષ સસ્પેન્સ વધારતાં કહ્યું.

“તમારો ફ્રેન્ડ? એ કોણ વળી?” સુંદરીના ચહેરા પર હવે માત્ર આશ્ચર્ય જ રહ્યું અને સ્મિત ગાયબ થઇ ગયું.

“એ છેલ્લા દોઢેક મહિનાથી રોજ સવારે અહીં યુનિવર્સીટી ગ્રાઉન્ડ પર પ્રેક્ટીસ કરવા આવતો અને મારી ચ્હા, એટલે ઓછામાં ઓછા બે કપ ચ્હા પીધા પછી જ ઘરે જતો. શરૂઆતમાં ફક્ત મારી ચ્હાનો જ દીવાનો હતો પણ એટલું બોલે, એટલું બોલે કે મારે પણ એની સાથે વાતો કરવી પડતી, અને બસ જોતજોતામાં મારો ફ્રેન્ડ થઇ ગયો. દિલનો રાજા છે.” શ્યામલ અવિરત બોલતો જ રહ્યો.

“અરે વાહ! એવું તો કોણ છે? જેણે ફક્ત દોઢ મહિનામાં જ તમને સાવ મૂંગા મહારાજને પણ બોલ બોલ કરતા કરી દીધા? હું પણ નોટ કરી જ રહી હતી કે તમે છેલ્લા ઘણા દિવસોથી ખુલ્લા દિલે બોલતા થયા છો, પણ કારણ આજે ખબર પડી કે એ કોણ છે જેમણે તમને બોલવાનું ઇન્જેક્શન આપ્યું. હવે એનું નામ તો કહો, એટલે હું એને એટલીસ્ટ થેન્કયુ કહી શકું.” સુંદરી હસી રહી હતી.

“એ તો તું આઈપીએલ પતે પછી જ કરી શકીશ સુના, અને હજી તેને પતવામાં એક મહિનો બાકી છે.” શ્યામલે કિટલીમાંથી ચાર ગ્રાહકો માટે ચાર નાના-નાના કપમાં ચ્હા રેડતાં કહ્યું.

“હા, એ તો બરોબર, હું સમજી ગઈ, પણ એનું કોઈ નામ તો હશેને? મારા ભાઈને આટલો મોટો ક્રિકેટર ઓળખે છે તો મને પણ એનું નામ જાણીને ગર્વ થવો જોઈએને?” સુંદરી કપ લઈને ગ્રાહકો તરફ જઈ રહેલા શ્યામલને જોતાં જોતાં બોલી.

શ્યામલે મુંઢા પર બેસેલા ચારેય ગ્રાહકોને ચ્હાના કપ પકડાવ્યા અને ફરીથી પોતાની જગ્યાએ આવ્યો. બાજુમાં પડેલા રૂમાલથી પોતાના બંને હાથ સાફ કર્યા.

“ચોક્કસ, નામ તો હોય જ ને? અને નામ પણ છે. પણ હમણાં નહીં. જરા ટોસ થવા દે, એ જો પ્લેયિંગ ઈલેવનમાં હશે તો હું તને એનું નામ અને એનો ફોટો બંને દેખાડીશ, મારા મોબાઈલમાં.” શ્યામલ એમ સીધી રીતે સુંદરીને કોઈજ માહિતી આપવા માંગતો ન હતો.

“હે, ભગવાન. મારા શ્યામલભાઈ આવા તો ન હતા. સસ્પેન્સ ઉભું કરે, પછી એને લંબાવે અને સામેવાળાને આમ લટકાવી રાખે. જરૂર પેલા વ્યક્તિએ તમારા પર કોઈ જાદુ કર્યો છે.” સુંદરીએ જમણા હાથના આંગળાથી પોતાનું કપાળ હળવેકથી કૂટ્યું અને હસી પડી.

“બસ, બસ, બસ... ટોસ ટાઈમ.” શ્યામલે પોતાની આંગળી હોઠ પર રાખીને સુંદરીને પણ ચૂપ થવાનું કહ્યું.

શ્યામલે મોબાઈલ ઉપાડીને પોતાના બંને હાથમાં લઇ લીધો અને સહેજ ઉંચો કર્યો, અને સુંદરી પણ તેની બાજુમાં આવી ગઈ. મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટને ટોસ જીત્યો અને પહેલાં બોલિંગ લેવાનો નિર્ણય કર્યો. કોમેન્ટેટરે તેનો ઇન્ટરવ્યુ લેવાનો ચાલુ કર્યો. એકાદ પ્રશ્ન પૂછ્યા પછી તેણે પ્લેયિંગ ઈલેવન વિષે પ્રશ્ન પૂછ્યો અને શ્યામલના કાન સરવા થયા, તેણે સુંદરી સામે પણ ધ્યાનથી સાંભળવાનો ઈશારો કર્યો, જવાબમાં સુંદરી ફક્ત હસી.

“એન્ડ વરુણ પંડ્યા, ધ પ્રોમિસિંગ યંગસ્ટર એન્ડ ઓલરાઉન્ડર ઈઝ મેઇકિંગ હીઝ ડેબ્યુ!” મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન પોતાની પ્લેયિંગ ઈલેવનના નામ ગણાવતા ગણાવતા છેલ્લે બોલ્યો.

“યેસ્સ્સ!” વરુણનું નામ સાંભળીને શ્યામલે પોતાના બંને હાથ ઊંચા કરી દીધા.

શ્યામલના ચહેરા પર જે આનંદ હતો તેનું વર્ણન કરી શકાય તેમ ન હતું.

“લાગે છે તમારો ફ્રેન્ડ સિલેક્ટ થઇ ગયો. મને તો તમે એનું નામ પણ ન સાંભળવા દીધું. આટલા બધા અવાજમાં માંડમાંડ હું તમારા મોબાઈલમાંથી સાંભળી શકતી હતી અને જેવું પેલો છેલ્લું નામ હજી બોલ્યો કે તમે બૂમ પાડી!” સુંદરીએ હસતાં હસતાં કહ્યું.

“હા, એ સિલેક્ટ થઇ ગયો છે, તેં નામ નથી સાંભળ્યું તો હવે નામ સાંભળવા હજી તારે થોડી વધુ રાહ જોવી પડશે. જો હમણાં ફોટા સાથે આવશે.” શ્યામલે હસતાં હસતાં ફરીથી મોબાઈલ પોતાના ચહેરા સામે લેતાં કહ્યું.

“ગજબ છો તમે ભાઈ. મારે આ વ્યક્તિને મળવું જ પડશે. જે હું તમને કહી કહીને થાકી કે શ્યામલભાઈ જરા હસતાં રહો, થોડી મજાક મસ્તી કરતા રહો, તમે બિલકુલ ન માન્યા અને આ તમારા ક્રિકેટર મિત્રે ફક્ત દોઢ મહિનામાં તમારી કાયાપલટ કરી દીધી??” સુંદરી હજી પણ આશ્ચર્યમાં હતી.

“જો જો જો, બધાના નામ અને ફોટા આવવાના ચાલુ થઇ ગયા.” આટલું કહીને શ્યામલે સુંદરીને ધ્યાનથી પોતાના મોબાઈલ સ્ક્રિન પર જોવાનો ઈશારો કર્યો.

મુંબઈ ઇન્ડિયન્સની બેટિંગ લાઈનઅપના છઠ્ઠા નંબરે અંગ્રેજી 6 આંકડા સાથે વરુણનો ફોટો અને VARUN BHATT (AR) એવું લખેલું ફક્ત દોઢ સેકન્ડ માટે ઝબકયું!

સુંદરીએ જેવું આ દ્રશ્ય જોયું કે એ ઘા ખાઈ ગઈ! એ શ્યામલના ખભા સાથે ખભો મેળવીને જ્યાં ઉભી હતી ત્યાંથી બે ડગલાં પાછળ ખસી ગઈ. એની આંખો પહોળી થઇ ગઈ હતી, એના કપાળ પર પરસેવાના બિંદુ આવી ગયા હતા!

==:: પ્રકરણ ૬૬ સમાપ્ત ::==