Dear Paankhar - 24 books and stories free download online pdf in Gujarati

Dear પાનખર - પ્રકરણ - ૨૪

ડૉક્ટરે મનહરભાઈને એમની કૅબિનમાં બોલાવ્યા અને કહ્યું ,
" કાલે સવારે તન્વીને રજા મળી જશે . દવાઓ લખી આપુ છુ . બીજો કોઈ પ્રોબ્લેમ નથી . કાઉન્ટર પર આગળની માહિતી મળી જશે. " આભાર માનીને મનહરભાઈ બહાર નીકળ્યા.

" બી.પી. વધારે જ રહે છે. સોજા પણ ઓછા નથી થતાં. મન ને શાંત રાખો. આમ ને આમ કરશો તો ઓપરેશનના દિવસ લંબાતા જશે. " નર્સે અમોલને કહ્યું. પણ અમોલે સાંભળ્યું ના સાંભળ્યું કરી દીધું. નર્સ બહાર ગઈ એટલે ગૌતમે ધીરે રહી ને અમોલ ને કહ્યું , " ભાઈ ! અમોલ ! મને ખબર છે તું કશ્મકશ માં છે. આપણે બધું બરાબર કરીશું પણ એકવાર તું ઉભો થઈ જા. બસ ! "

" તન્વીને રજા આપી ?" અમોલે પૂછ્યું.
" ના ! કાલે આપશે . ડૉક્ટરનું કહેવું હતું કે તમે બન્નેએ ડ્રિન્કસ લીધુ હતું ! સાચી વાત છે ? " ગૌતમે મન શાંત રાખી ને જવાબ આપ્યો અને એના મન હની વાત જાણવાની કોશિશ કરી.

" પાર્ટીમાં ગયા હતા. ત્યાં અમારો બહુ ઝગડો થયો. એ પાર્ટીમાંથી ગુમ થઈ ગઈ હતી. મેં એને શોધવાની કોશિશ કરી પણ ક્યાંય ના દેખાઈ. કંટાળીને હું હોટલમાં લટાર મારવા લાગ્યો તો એના કૉ- ઍક્ટર સાથે એક રુમ‌માંથી એને બહાર આવતા જોઈ. પૂછ્યું તો કહે પ્રોફેશનલ વાત કરતાં હતાં. મને ગુસ્સો આવ્યો. પાર્ટી છોડીને જવાની વાત કરી તો મને એમ‌ કહી ને લાફો મારી દીધો કે હું એના પર ખોટો શક કરું છું. " કહી અમોલ રડવા લાગ્યો.

' પ્રોફેશનલ તો છે પણ‌ અત્યારે તને કશું નહીં કહું. સાજો થઈ જા પછી એની અસલિયત તારી સામે લાવીશ. ' ગૌતમ મનમાં બોલ્યો.

" એ‌ મારી સાથે ચિટિંગ કરી રહી છે. મારું બેન્ક બેલેન્સ પણ !!! " કહી એ ફરી રડવા લાગ્યો.
" આટલુ બધુ થયા પછી પણ તું એના વિશે પૂછે છે ? અને તે આકાંક્ષા ને એકવાર ના પૂછ્યું એટલે સુધી કે બાળકો વિશે પણ નહીં. " ગૌતમે અમોલને ટોકતાં કહ્યું.
" કયા મોઢે પૂછું આકાંક્ષાને ? અને તન્વીએ માફી માંગી પણ મેં માફી નથી આપી. મારે એને રુબરુમાં મળવુ છે. કેટલાંય સવાલો હજી મનમાં છે એ પૂછવા છે. " અમોલે કહ્યું.
" તું એકદમ ચાલતો થઈ જા. પછી આપણે બધું બરાબર કરીશું. બૅન્ક વિશે નિર્ણય કરીને મને‌ કહે હું શું મદદ કરું ? " ગૌતમે પૂછ્યું.
" મારા બૅન્કનાં બધા જ કાર્ડ બંધ કરાવી દે અને મારું વિલ બનાવડાય. " અમોલે કહ્યું .
" વિલ ? એની અત્યારે શું જરૂર છે ? એ પછી જોઈશું ." ગૌતમે કહ્યું.
" ના ! પછી મોડું થઈ જશે. વહેલામાં વહેલી તકે. મારુ આ કામ કર પ્લીઝ ! " અમોલે આજીજી કરતાં કહ્યું.
ગૌતમ આશ્વર્ય માં હતો. 'અમોલ આવી વાત કેમ કરી રહ્યો છે?' પરંતુ અત્યારે એ એની કોઈ વાત ટાળવા નહોતો માંગતો એટલે એણે અમોલ સાથે સહમતી દર્શાવી.

ભરતભાઈ અને આકાંક્ષા ટિફીન લઈને આવ્યા. એક ટિફીન મનહરભાઈ અને ભાવનાબહેનને આપ્યું. ભાવનાબહેન ગળગળા થઈ ગયા અને કહ્યું ,
" તમે ખોટી તકલીફ લીધી. કોઈ જરૂર નહોતી. એમ પણ શરમ થી અમારુ માથુ નીચુ છે. તમારા ઉપકાર નીચે દબાતા જ જઈએ છીએ. "

"એમાં ઉપકાર કાંઈ ના હોય કાકી ? શાંતિથી જમી લો. " આકાંક્ષાએ કહ્યું.
" અમારી છોકરીની મૂર્ખામી બદલ અમને માફ કરી દે જે ભરત! " મનહરભાઈએ હાથ જોડતાં કહ્યું.
" તમારે માફી ના માગવાની હોય ! જમી લો. આપણે પછી વાત કરીએ. " ભરતભાઈએ કહ્યું. ગૌતમે જમી લીધું એટલે ભરતભાઈએ કહ્યું ,
" ગૌતમ! આજે હું રોકાવુ છું. તું ઘરે જા અને સીધો રાત્રે જ આવજે. "
ગૌતમ અને આકાંક્ષા ઘરે જવા નીકળ્યા.

આકાંક્ષા ઘરે પહોંચી ત્યારે શિવાલીનો ફોન આવ્યો.
" આકાંક્ષા ! તને‌ મળવા જ આવતી હતી? "
" હા ! આવો ને ! હું ‌ હમણાં જ ઘરે આવી. " આકાંક્ષાએ કહ્યું.
" દસ મિનિટમાં આવું જ છું. " શિવાલીએ કહ્યું.
" ચોક્કસ મળીએ ! " આકાંક્ષા એ કહ્યું અને ફોન મૂક્યો. ગૌતમ તરફ જોઈ ને કહ્યું , " ડૉ. શિવાલી આવે છે. "
"એમને ખબર પડી હશે ? " ગૌતમે કહ્યું.
" મારે એમની સાથે વાત નથી થઈ . પણ‌ હા ! સિદ્ધાર્થ… !! ડૉ. સિદ્ધાર્થ સાથે વાત થઈ હતી. કદાચ એમણે વાત કરી હોય. " આકાંક્ષા એ કહ્યું.
દમયંતીબહેન આરામ‌ કરવા રૂમમાં ગયા. ગૌતમે આકાંક્ષાની નજીક જઈને ધીમેથી કહ્યું , "અમોલ અને તન્વી કદાચ વધારે સમય સાથે નહીં રહે. આજે એ વાત કરતો હતો અને એ પણ‌ કહેતો કે તારી સાથે વાત કરતાં દુઃખ અનુભવે છે. "

આકાંક્ષા ચૂપચાપ સાંભળતી રહી. બૅલ વાગ્યો. શિવાલી અંદર આવીને બેઠી.
" તારા પતિનાં અકસ્માત વિશે સાંભળ્યું. આજે ક્લિનિકમાં મોડુ થઈ ગયુ એટલે અહીં જ મળવા આવી. કોઈ મદદની જરૂર હોય તો કહેજે. " શિવાલીએ આશ્વાસન આપતાં કહ્યું.
" અરે ! ના !પણ તમે કેવીરીતે જાણ્યું ? જોકે તમે‌ આવ્યા એ ગમ્યું. હું કૉફી બનાવું. " કહી આકાંક્ષા ઉભી થવા ગઈ તો શિવાલીએ‌ હાથ પકડ્યો અને કહ્યું , " ના ! તું બેસ ! હું તારી સાથે ‌ વાત કરવા આવી છું . "
ગૌતમ રસોડામાં ‌ગયો અને કૉફી બનાવી આપી ગયો અને કહ્યું ,
" હું ‌થોડો આરામ કરુ છુ. પ્લીઝ ! ખરાબ ના લગાડશો . "
" હા ! ચોક્કસ ! હું સમજું છું . " શિવાલીએ કહ્યું.
" આકાંક્ષા ! તું સંસ્થાનું કાંઈ પણ ટેન્શન ના લઈશ. એ હું જોઈ લઈશ. મને ખબર છે અત્યારે તારી જિંદગીમાં બહુ ‌મોટો વળાંક આવી ગયો છે . આ સમય પણ નીકળી જશે. વિશ્વાસ ડગમગવા ના દઈશ. " શિવાલીએ હિંમત આપતાં કહ્યું.
" હા ! શું વિચારું છું અને શું થાય છે. પણ ઈશ્વર બધુ ઠીક કરશે. એમ વિચારીને સમય કાઢું છું. " આકાંક્ષાએ કહ્યું.
" ડૉ. સિદ્ધાર્થ ના મળ્યા હોત તો‌ ખબર જ ના પડતી ? તે તો‌ મને કશું જ જણાવ્યું નહીં ? " શિવાલીએ ફરિયાદ કરતાં કહ્યું.
" હા ! એ હોસ્પિટલની બહાર જ મળી ગયા હતાં. એટલે એમને ખબર હતી. અડધી રાત્રે એકદમ એક્સિડન્ટનાં સમાચાર આવ્યા તો એજ દોડધામમાં પડી ગયાં. " આકાંક્ષાએ ચોખવટ કરતાં
કહ્યું.
" સમજુ છું. તારું ધ્યાન રાખજે. હું ‌નીકળુ હવે. " શિવાલીએ કહ્યું.
" હું ફોનથી સંપર્કમાં રહીશ. " આકાંક્ષાએ કહ્યું.
શિવાલીએ બાય કહ્યું અને ત્યાંથી વિદાય લીધી.

શિવાલીનાં ગયા પછી આકાંક્ષા રુમ‌માં આરામ કરવા ગઈ. ફોન હાથમાં લીધો. ડૉ. સિદ્ધાર્થને ફોન લગાવ્યો.
" હલો ! કેમ છો ?"
" તું કેમ છે ?" ડૉ. સિદ્ધાર્થે પૂછ્યું.
" ઠીક છું. રિપોર્ટ જોયા ? બધું બરાબર છે ને ?" આકાંક્ષાએ પૂછ્યું.
" સાચુ કહું. હવે જોઈશ. પણ તે એજ પૂછવા ફોન કર્યો હતો. " ડૉ. સિદ્ધાર્થે પૂછ્યું.
" હા ! ડૉ .શિવાલી આવ્યા હતા. એમણે વાત કરી તો વિચાર આવ્યો કે તમારી સાથે વાત કરી લઉં. " આકાંક્ષાએ કહ્યું.
" મારો વિચાર આવ્યો ? સારું કહેવાય . " કહી સિદ્ધાર્થ હસ્યો.
આકાંક્ષા ચૂપ હતી. કશું બોલી ના શકી. કદાચ મનમાં ઉમટેલા વિચારોમાં એટલી તો અટવાઈ ગઈ હતી કે એનાં મુખમાંથી કોઈ શબ્દ નીકળી જ નહોતાં રહ્યા.
(ક્રમશઃ )