VEDH BHARAM - 35 books and stories free download online pdf in Gujarati

વેધ ભરમ - 35

જીપ ઊભી રહેતા જ ગૌતમ તો એકદમ ઉત્સાહિત થઇને બોલી ઊઠ્યો “મેં સ્વનેય વિચાર્યુ નહોતુ કે તુ મને અહીં લાવીશ.”

આવી ખખડધજ બિલ્ડીંગ જોઇને ગૌતમ આટલો બધો કેમ ઉત્સાહિત થઇ ગયો છે તે કપિલને સમજાયુ નહીં એટલે તે બોલ્યો “કેમ એલા બિલ્ડીંગમાં એવુ બધુ શું દાટ્યું છે?”

“એ હું તને પછી સમજાવીશ પહેલાં ઉપર ચાલ” એટલુ બોલી ગૌતમ તો ઉપર જવા માટે પગથિયાં ચડવા લાગ્યો. કપિલ અને રિષભ પણ તેને અનુસર્યા. એક સીડી ચડીને ગૌતમે રિષભને પૂછ્યુ “શું રૂમ પણ એજ છે?” આ સાંભળી રિષભે સ્મિત કર્યુ એટલે ગૌતમ બોલ્યો “યાર જિંદગીમાં મળેલી આ સૌથી મોટી સરપ્રાઇઝ ગીફ્ટ છે. થેંક્યુ યાર.” આટ્લુ બોલીને તે ફરીથી પગથિયાં ચડવા લાગ્યો. તેને જોઇને કપિલે રિષભને કહ્યું “એલા આ બિલ્ડીંગમાં એવુ શું છે કે આ પ્રોફેસર ગાંડો થઇ ગયો છે?”

આ સાંભળી રિષભ હસતા હસતા બોલ્યો “આ અમારી બી.એસ.સી બી.એડ હોસ્ટેલ છે કે જેમા અમે એમ.એસ.સી કરતા હતા ત્યારે બે વર્ષ રહ્યા હતા.” આ સાંભળી કપિલ પણ આશ્ચર્યચકિત થઇને બોલ્યો “ઓહ તો તો ગૌતમનું એક્સાઇટમેન્ટ વાજબી છે. પણ તે આટલા ટુંકા સમયમાં આ અરેન્જમેન્ટ કેમ કરી?” ત્યાં સુધીમાં તે લોકો બીજા માળે પહોંચી ગયા હતા એટલે રિષભે કહ્યું “એ હું તને પછી કહીશ. પહેલા રુમમાં જઇએ.”

બીજા માળ પર સીડીની ડાબી બાજુનો પહેલો રુમ એટલે રુમ નંબર 34. આ રુમમાં તે લોકો દાખલ થયા તો ગૌતમ તો એટલો ખુશ હતો કે તેની પાસે બોલવા માટે શબ્દો નહોતા. રિષભ અને કપિલ રુમમાં દાખલ થયા એ સાથે ગૌતમ રિષભને ભેટી પડ્યો અને બોલ્યો “થેંક્યુ વેરી મચ યાર, ક્યારેય વિચાર્યુ નહોતુ કે આ રુમમાં ફરીથી રહેવા મળશે. હું તને સરપ્રાઇઝ આપવા માંગતો હતો પણ તે તો સામેથી જ એટલી મોટી સરપ્રાઇઝ આપી દીધી કે મારી સરપ્રાઇઝની તો કોઇ વેલ્યુ જ ના રહી.” આ સાંભળી રિષભે કહ્યું “એલા મારી સરપ્રાઇઝ તો પૂરી થઇ હવે તારી સરપ્રાઇઝ શું છે એ કહે?”

“ના અત્યારે નહીં રાત્રે આરામથી કહીશ અત્યારે તો આ રુમની મજા લઇ લેવા દે.” ગૌતમ બોલ્યો અને પછી કપિલ સામે જોઇને કહે “જો આ છે અમારી બી.એસ.સી બી.એડ હોસ્ટેલ અને આ અમારો રુમ છે. આ પલંગ પર હું સુતો હતો અને પેલા પર રિષભ.” ગૌતમે આખા રુમની દરેક વસ્તુનુ વર્ણન કર્યુ. ત્યારબાદ તેણે રિષભ સામે જોઇને કપિલનો સવાલ ફરીથી પૂછ્યો “એલા તે આટલા ટુંક સમયમાં આ આયોજન કેમ કર્યુ?”

આ સાંભળી રિષભે કહ્યું “એલા એમા કાઇ મોટી વાત નથી. થોડા સમય પહેલા બી.એડ કોલેજના એક લેક્ચરરને ધર્મજના છોકરાઓએ માર માર્યો હતો. આ કેસ મારી પાસે આવ્યો હતો એટલે મે એ કેસમાં સંકળાયેલા બધા છોકરાઓને અરેસ્ટ કરી વ્યવસ્થિત મેથીપાક આપ્યો અને તે લેક્ચરર પાસે માફી મંગાવી. આ કેસના સંદર્ભમાં મારે બે ત્રણ વાર બી.એડ કોલેજમાં જવાનુ થયુ હતુ. આ બહાને તેના પ્રિન્સિપાલ બી.એમ પટેલ સાથે ઓળખાણ થઇ. મે કેસ સોલ્વ કર્યો ત્યારે તે ખૂબ ખુશ થઇ ગયા હતા. તેણે મને કહેલુ કંઇ પણ કામ હોય તો કહેજો. આ હોસ્ટલના રેક્ટર બી.એડ કોલેજના જ લેચ્ચરર છે. કાલે મે તેને ફોન કર્યો તો તેણે તરત જ બધી વ્યવસ્થા કરી દીધી. અત્યારે આમપણ અડધા રુમ ખાલી હતા. આ રુમમાં રહેતા છોકરાને બે દિવસ માટે બીજા રૂમમાં સિફ્ટ કરી આપ્યા.” રિષભ હજુ વાત પૂરી કરે ત્યાં પાછળથી અવાજ આવ્યો “કેમ છે ત્રિવેદી સાહેબ. બધુ આયોજન બરાબર છે ને?”

આ સાંભળી રિષભે પાછુ ફરીને જોયુ અને બોલ્યો “અરે પટેલ સાહેબ તમે અહીં?”

“હા તમને કંઇ તકલીફતો નથીને તે જોવા આવ્યો છું.”

“અરે ના તમે આ વ્યવસ્થા કરી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર.” રિષભે પટેલ સાહેબ સાથે હાથ મિલાવતા કહ્યું.

“અરે તમે કરેલી મદદ સામે આ તો કંઇ નથી. અને તમારા જેવા વ્યક્તિ અમારી યુનિવર્સીટીના વિદ્યાર્થી છે તે અમારા માટે ગર્વની વાત છે.” અને પછી થોડુ રોકાઇને પટેલ સાહેબ બોલ્યા “તમારી જમવાની વ્યવસ્થા હોટલમાં કરાવી દવ છું.”

“અરે ના તેની જરુર નથી. આજે તો અમારે અમારી હોસ્ટેલ લાઇફ ફરીથી એન્જોઇ કરવી છે એટલે જમવા માટે પણ અમે લાલભાઇની મેસમા જવાના છીએ.” રિષભે કહ્યું.

“ઓકે ઓકે તો આજે તમને ફોર્સ કરતો નથી. પણ આ મારુ આમંત્રણ તમારા માટે ઓપન છે. ગમે ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકશો.” પટેલ સાહેબે હસતા હસતા કહ્યું.

“ચોક્કસ સાહેબ તમારુ આમંત્રણ હું બીજી વખત ક્યારેક ચોક્ક્સ સ્વીકારીશ.”

ત્યારબાદ પટેલ સાહેબ ત્યાથી જતાં રહ્યાં.

થોડીવાર ત્રણેય ત્યાં બેઠા પછી રિષભે કહ્યું “ચાલો જમવા જઇશું ને?”

“આ ગૌતમને તો આ રુમ જોઇને ભૂખ નહીં લાગે પણ મને તો કકડીને ભૂખ લાગી છે.” કપિલે હસતાં હસતાં કહ્યું.

ત્યારબાદ ત્રણેય બહાર નિકળ્યા અને જમવા માટે ગયાં. પોલીસની જીપને આવેલી જોઇને બધા થોડીવાર તો આશ્ચર્યથી જોવા લાગ્યા પણ પછી રિષભને જોઇને મેસના માલિક લાલભાઇ તરત જ બહાર આવ્યા અને બોલ્યા “અરે સાહેબ તમે આમ અચાનક શું વાત છે? આવો આવો.” અને પછી બીજા બધા સામે જોઇને બોલ્યા “એસ.પી સાહેબ છે જમવા માટે આવ્યા છે.”

રિષભે ગૌતમને બતાવતા કહ્યું “લાલભાઇ આને ઓળખો છો?”

લાલભાઇએ ગૌતમને થોડીવાર જોઇને કહ્યું “એલા આ તો પેલો છોટા ભીમ છે.” ગૌતમ ખૂબ જ ખાતો એટલે લાલભાઇએ છોટા ડૉન પરથી તેનુ નામ છોટા ભીમ પાળેલુ હતુ.

આ સાંભળી ગૌતમ હસી પડ્યો અને બોલ્યો “શુ વાત છે લાલભાઇ મને તો હતુ કે તમે મને નહી ઓળખો.”

“એલા ભાઇ તને કેમ ભુલાઇ. અમારુ વઘારેલ રોટલાનુ શાક તુ જ તો પૂરુ કરતો.” આ સાંભળી બધા હસી પડ્યા.

ત્યારબાદ ત્રણેય મેસમાં ગયા. મેસમાં બધા આ ત્રણેયને જોવા લાગ્યા એટલે રિષભે બધા સામે જોઇને કહ્યું “મિત્રો શાંતિથી જમો અમે પણ થોડા વર્ષો પહેલા અહી તમારી જેમ જ જમતા હતા. આ કોલેજ લાઇફને યાદ કરવા માટે જ આજે અહીં આવ્યા છીએ.” ત્યા એક છોકરો બોલી ઉઠ્યો “તમે તો એસ.પી ત્રિવેદી સાહેબ છોને? પેલો બી.એડ કોલેજવાળો કેસ તમે જ સોલ્વ કરેલોને?” આ સાંભળી રિષભે તેની સામે જોઇ સ્મિત આપ્યુ અને પછી લાલભાઇ સામે જોઇને કહ્યું “લાલભાઇ આજનુ મેનુ શુ છે?” આ સાંભળી લાલભાઇ હસી પડ્યા અને બોલ્યા “આજે તમે નસીબદાર છો આજનું મેનુ તમારુ ફેવરીટ સેવ ટામેટાનુ શાક અને પરોઠા છે. અને ગૌતમ માટે વઘારેલ રોટલાનું શાક છે.” આ સાંભળી ગૌતમ પણ હસી પડ્યો અને બોલ્યો “લાલભાઇ તમારી યાદશક્તિ તો જોરદાર છે.”

ત્યારબાદ રિષભે અને ગૌતમે એકબીજા સામે જોઇને ઇશારાથી વાત કરી અને પછી લાલભાઇને કહ્યું “લાલભાઇ આ અમારો મિત્ર આજે મહેમાન છે હો.” આ સાંભળી લાલભાઇ પણ મૂંછમાં હસ્યા અને બોલ્યા “ભલે સાહેબ તેનુ હું પૂરુ ધ્યાન રાખીશ.” ત્યારબાદ ત્રણેય જમવા લાગ્યા. ત્રણેયે ફુલ પેટ જમ્યા પછી કપિલ ઊભો થવા જતો હતો ત્યાં લાલભાઇ આવીને કપિલની થાળીમાં પરોઠા મૂકી ગયા. કપિલ ના પાડવા જતો હતો ત્યાં તો તેણે મૂકી દીધુ. આવુ લાલાભાઇએ બે વાર કર્યુ એટલે કપિલ બોલ્યો “લાલભાઇ હવે તો કેપેસીટી પૂરી થઇ ગઇ છે હો. પણ લાલભાઇ એમ ક્યાં માને એમ હતા. તેણે તો પણ કપિલને આગ્રહ કરીને વધુ એક પરોઠુ ખવડાવી દીધું. આ જોઇ રિષભ અને ગૌતમ હસી પડ્યા. છેલ્લે ગૌતમે લાલભાઇને રોકતા કહ્યું “બસ લાલભાઇ હવે આગ્રહ નહીં કરતા નહીંતર અમારે તેને દવાખાને લઇ જવો પડશે.” અને પછી કપિલ સામે જોઇને બોલ્યો “કપિલ આ લાલભાઇને કોઇ એમ કહે કે આ અમારો મહેમાન છે તેનુ ધ્યાન રાખજો એટલે સમજી લેવાનુ કે બીચારાનુ આવી બન્યુ. તે મહેમાનને ખવડાવી ખવડાવીને લાંબો કરી દે.”

અને પછી લાલભાઇ સામે જોઇને કહે “લાલભાઇ તમે અમને જે પ્રેમથી ખવડાવ્યુ છે તે માટે ખૂબ ખૂબ આભાર. આ જમાનામાં તમારા જેવા માણસો ખૂબ ઓછા મળે છે.”

આ સાંભળી લાલભાઇ બોલ્યા “અરે સાહેબ તમે ખોટો મને ચણાના જાડ પર ચડાવો છો હું તો માત્ર નિમિત છું બાકી તો બધાને ઉપરવાળો જ ખવડાવે છે.” ત્યારબાદ રિષભને એ લોકો બહાર નીકળ્યા અને રિષભે આપવા માટે પૈસા કાઢ્યા આ જોઇ લાલભાઇ બોલ્યા “સાહેબ તમે તો અમારા મહેમાન કહેવાય પૈસા ના આપવાના હોય.”

“લાલભાઇ તમે તો અમને વગર પૈસે ઘણીવાર જમાડ્યા છે. પૈસા ઘરેથી ના આવ્યા હોય અને શરમને લીધે અમે જમવા ના આવીએ તો તમે રીતસરના ખીજાઇને કીધુ હતુ કે પૈસા તો જ્યારે આવે ત્યારે આપવાના પણ જમવા તો આવી જ જવાનું. પણ હવે તો અમારી પાસે પૈસા છે એટલે લઇ જ લેવાના.” એમ કહી રીષભે ખીસ્સમાંથી બે હજારની નોટ કાઢી લાલભાઇને આપી એટલે લાલભાઇ બોલ્યા “સાહેબ પૈસા તો હું નહી લઉં. શું તમારે અમારી સાથે સંબંધ નથી રાખવો?”

આ સાંભળી રિષભ બોલ્યો “લાલભાઇ આ પૈસા હું અમારા જમવાના નથી આપતો. પણ આ પૈસા તો હું એટલે આપુ છું કે અમારા જેવા કોઇ વિદ્યાર્થી હોય જે પૈસા ના આપી શકે એમ હોય તો તેને તમે પ્રેમથી જમાડજો.”

આ સાંભળી લાલભાઇ બોલ્યા “ઓકે સાહેબ તમારા આ પૈસા હું રાખી લઉ છું પણ ક્યારેક ક્યારેક અહીં જમવા આવતા રહેજો.”

“ચોક્કસ લાલભાઇ જ્યાં સુધી અહી છું ત્યા સુધી તમારી મુલાકાત લેતો રહીશ.”

ત્યારબાદ લાલભાઇની રજા લઇ ત્યાથી નીકળી ગયા. ત્યાથી તે લોકો સીધા ખાઉંધરા ગલીમાં ગયાં અને ત્યા રહેલ સોડાની લારી પર સોડાનો ઓર્ડર આપ્યો. સોડા પીતા પીતા ગૌતમ બોલ્યો “કપીલ જો પેલી સામે દેખાય છે તે નાયલોન પાઉંભાજી સેન્ટર છે. મેસમાં 15 દિવસે એકવાર રવિવારે બપોરે સ્વીટ આપવામાં આવે પણ તેની સામે રાતના ભોજનમાં રજા આપવામાં આવે. તે દિવસે રાતે અમે અહીં પાઉંભાજી ખાવા આવતા. આ નાયલોન પાઉંભાજી સાથે એક ચટણી આવતી જે ભાજીમાં નાખી જેને જેટલી જોઇએ તેટલી ભાજી તીખી કરી લેવાની હોય. આ ચટણી નાખવામાં અમે હરીફાઇ કરતા.” ગૌતમની વાતમાં જ વચ્ચે રિષભ બોલ્યો “અને આ નાયલોન પાઉંભાજી બીજી અને અગત્યની એક ખાસીયત હતી જે અમને અહી ખાવા માટે આકર્ષતી. તે ખાસીયત હતી તેની કિંમત. અહીં તમે એક ભાજી સાથે ગમે તેટલા પાઉં ખાવ તેનુ બિલ એકવિશ રુપીયા જ આવતુ. વિદ્યાનગરમાં આ સસ્તામા સસ્તુ ડીનર હતુ.” આ સાંભળી બધા હસી પડ્યા.

“સસ્તાની વાત પરથી પેલી સાદી સોડા યાદ આવી. તને યાદ છે?”ગૌતમે પૂછ્યું.

“અરે હા એ વાત કેમ ભુલાઇ? તે દિવસે જબરો દાવ થઇ ગયો હતો.” રિષભે કહ્યું.

“એલા ભાઇ મને તો કહો શું હતુ?” કપિલે વચ્ચે જ પૂછ્યું.

આ સાંભળી રિષભે જ વાત કરતા કહ્યું “એમા એવુ છે કે અમે વિદ્યાનગરમાં નવા નવા આવેલા ત્યારે સોડા માટે આ લારી નહોતી. અમે એક વખત રવિવારે બહાર નીકળ્યા હતા ત્યારે બંનેને કઇક ઠંડુ પીવાનુ મન થયુ હતુ એટલે ગૌતમે થમ્સઅપ પીવાનું કહ્યું પણ મે તેને કહ્યુ થમ્સઅપ તો દશ રુપીયાની આવશે તેના કરતા ત્રણ રૂપીયાની સાદી સોડા પીએ અને પછી સોફ્ટીકોન ખાઇશુ તો પણ બે રુપીયા થમ્સઅપ કરતા ઓછા થશે. મારી વાત ગૌતમને પણ બરાબર લાગી એટલે અમે એક દુકાને જઇ સાદી સોડા માગી તો તેણે તો અમને બે મોટી સાદી સોડાની બોટલ આપી. અમે તો બોટલ જોઇ ખુશ થઇ ગયા કે ત્રણ રુપીયામાં તો આટલી મોટી સોડા બહુ સારી કહેવાય. અમે બંને હોંશે હોંશે સોડા પીધી. સોડા પીધા પછી મે દશની નોટ આપી તો પેલા સોડાવાળાએ કહ્યું તમારે હજુ ચાર રુપીયા આપવાના બાકી છે. આ સાંભળી અમે બંને તો એકબીજા સામે જોવા લાગ્યા. મને લાગ્યુ કે તેની બોલવામાં ભુલ થતી લાગે છે. તેણે અમને ચાર રુપીયા આપવાના થતા હશે. એટલે મે કહ્યું ભાઇ તમારે અમને ચાર રુપીયા આપવાના છે એમ કહો છો ને. આ સાંભળી પેલા દુકાનવાળાએ કહ્યું “એલા અત્યારમાં પીને આવ્યા છો કે શું? એક સોડાના સાત રુપીયા છે તો તમારે ચૌદ રુપીયા આપવાના થાય છે. આ સાંભળી મારી અને ગૌતમની બોલતી બંધ થઇ ગઇ. કમને ગૌતમે ખીસ્સામાંથી ચાર રુપીયા કાઢીને આપ્યા. પછીતો અમારો સોફ્ટીનો પ્રોગ્રામ પણ કેન્સલ થયો. અમારુ આખુ બજેટ ખોરવાઇ ગયુ હતુ. પછીતો એમ થયુ કે આના કરતા તો થમ્સઅપ પીધી હોતતો સારુ થાત.” રિષભની વાત સાંભળી કપિલ હસી પડ્યો અને બોલ્યો “એલા તમારી વાતો સાંભળી પેટમાં દુ:ખવા લાગ્યુ. એક તો પેલા ભાઇએ એટલુ ખવડાવ્યુ છે કે હવે આ સોડા પણ પેટમા નથી જતી.” હજુ કપિલ આગળ બોલે તે પહેલા ગૌતમ બોલ્યો “કપિલ આ સામે દેખાય છે તે ઋતુરાત આઇસ્ક્રીમમાં અમે બર્થ ડે પર સોફ્ટી કોન ખાવા આવતા.પણ અહીં કોન ખાવા માટે અમે એક નિયમ બનાવ્યો હતો કે કોન ઉપરથી નહીં ખાવાનો. કોમ નીચેના છેડેથી થોડો ખાઇ પછી આઇસ્ક્રીમને નીચે ખેંચવાનુ અને નીચેથીજ કોન ખાવાનો.” આ સાંભળી કપિલ બોલ્યો “એલા તમે બંને અહીં ભણવા આવ્યા હતા કે સર્કસનો ખેલ કરવા?”

“એલા અહીં બર્થડેની શરુઆત ગૌતમના જન્મદિવસથી થઇ હતી. અહીં બર્થ ડે સેલીબ્રેશનની પણ એક અલગ જ સ્ટોરી છે. એ તુ સાંભળીશ તો હસીને બેવડો વળી જઇશ.” ગૌતમે કહ્યું.

“એલા ચાલો એ તો બહુ લાંબી સ્ટોરી છે હવે રુમ પર જઇને આરામથી કહેશું.” રિષભે ઊભા થતાં કહ્યું.

ત્યારબાદ ત્રણેય રુમ પર જવા નીકળ્યા.

----------***********------------**********---------------********-------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM