Personal diary - blank paper books and stories free download online pdf in Gujarati

અંગત ડાયરી - કોરા કાગઝ

અંગત ડાયરી
============
શીર્ષક : કોરા કાગઝ
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૨૧, ફેબ્રુઆરી ૨૦૨૧, રવિવાર

જીવનમાં કો'ક દિવસ એવું બને કે તે દિવસે કંઈ જ ન બને. દિવસ સાવ કોરો જાય. ન કોઈ ફાયદાકારક ઘટના બને કે ન કોઈ નુકસાન જાય. ક્રિકેટમાં પેલી મેઈડન ઓવરની જેમ એક પણ રન ન બને કે ન વિકેટ પડે. આપણને લાગે કે શું વિધાતાએ આપણી જિંદગીના આ પાનાં પર કશું જ નહીં લખ્યું હોય? સાવ કોરું પાનું? તો પછી આ દિવસ આપણા જીવનમાં આવ્યો જ શા માટે? આ દિવસે સૂરજ ઉગ્યો જ શા માટે? આપણે જાગ્યા જ શા માટે?

જીવનમાં રોજ-રોજ કશુંક ધારેલું, કશુંક અણધાર્યું બન્યા જ કરતું હોય છે. કોઈ ઘટના, કોઈ દુર્ઘટના, કશુંક નાનું અમથું પણ રૂટિન બહારનું બનતું જ હોય છે. બૉસનો ઈમરજન્સી ફોન આવે અથવા સ્કૂટર પંચર થઈ જાય, ગેસનો બાટલો ખાલી થાય કે કમ્પ્યૂટરમાં વાયરસ આવી જાય, સંતાનનું રિઝલ્ટ આવે અથવા નવું ટીવી ખરીદીએ, એવું કંઈક તો જિંદગીના દરેક પાને લખાયેલું જ હોય છે. પેલું તારક મહેતા કા ઉલટા ચશ્માંના દરેક એપિસોડમાં કંઈક તો ગરબડ થતી જ હોય છે એમ આપણી જિંદગીમાં પણ દરરોજ કે દર અઠવાડિયે કે મહીને કશુંક તો નવીન, રૂટિન બહારનું બનતું જ હોય છે.

આમ છતાં, આખાં જીવનમાં એકાદ દિવસ કે અઠવાડિયું બહુ વિચિત્ર આવી પડતું હોય છે. એ અમથે અમથું આવ્યું હોય છે આપણાં જીવનમાં. આપણી પાસે આવા કોરા દિવસ માટે કશું જ પ્લાનિંગ નથી હોતું. ટ્રેન ચૂકી જાઓ પછી બીજી ટ્રેન બે કલાક પછી મળવાની હોય અને તમારે રેલ્વે સ્ટેશન પર જ જો એ બે કલાક કાઢવાના હોય તો તમે શું કરો? એમાંય તમે એકલા હો અને મોબાઈલ પણ તમારી પાસે ન હોય તો? તમે હો અને સાવ કોરીધાકોર બે કલાક હોય, બે અઠવાડિયા હોય, બે વર્ષ કોરાધાકોર હોય... તો તમે શું કરો?
ઘણા એવાય છે કે જેમની જિંદગીની કિતાબ સાવ કોરી રહી ગઈ હોય. એસે જીવન ભી હૈ, જો જીયે હી નહીં. ન કોઈ એવોર્ડ કે ન કોઈ પ્રેમી-પ્રેમિકા, ન કોઈ મોટી હાર કે ન કોઈ મોટી જંગ. કશું જ નહીં. બે કલાક મુસાફરી કરી જેને મળવા ગયા હો એને ત્યાં તાળું જુઓ એટલે પાછા બે કલાક મુસાફરી કરી ઘરે પરત આવો એવું. ક્યાં ગયા હતા? તો કહે ક્યાંય નહીં. ફોગટ ફેરો.. આખો દિવસ એમાં નીકળી જાય. ક્યારેક કોઈ પ્રતીક્ષામાં મહિનાઓ, વર્ષો નીકળી જાય. કશું જ પરિણામ ન મળે. કશું જ નક્કર ન બને. જાણે દિવસ જ નક્કામો હોય, જીવન જ નક્કામું હોય એવું લાગે. એવા ઘણાં છે, જેને લાગે છે કે વિધાતાએ એની ફિલ્મની સ્ક્રીપ્ટના પહેલા પાને જન્મ અને છેલ્લા પાને મૃત્યુ સિવાય કશું લખ્યું જ નથી.

ઊંડે ઊંડે એક પોકાર ઉઠે છે ‘થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી, સમજણ આપો, દયા કરી શિવ દર્શન આપો.’ નાનપણમાં અમે ક્રિકેટ મૅચ ગોઠવતા ત્યારે દરેક પ્લેયર બે-બે, પાંચ-પાંચ રૂપિયા કાઢી વીસ-વીસ કે ત્રીસ-ત્રીસ રૂપિયાની મૅચ ગોઠવતા. જો ટીમ જીતે તો પાંચના દસ રૂપિયા પરત મળતા. છેક બપોર સુધી રમી-રમી થાકીને લોથ પોથ થઈ ગયા હોઈએ ત્યારે બે રૂપિયાના ચાર રૂપિયા મળવાના આનંદ કરતા મૅચમાં સતત રહેલી જીવંતતાનો નશો વધુ ચઢતો. રમતા એટલે રક્ત ધગતું. રમતા એટલે કકળીને ભૂખ લાગતી. રમતા એટલે ખાધેલું પચી જતું અને ઘસઘસાટ ઊંઘ પણ આવી જતી. ક્યારેક તો અમે ફ્રેન્ડલી મૅચ પણ ગોઠવતા. ફ્રેન્ડલી મૅચ એટલે અમથે અમથું રમવાનું.

શું કોઈ કારણ વિના રમી શકાય? શું કોઈ કારણ વિના જીવી શકાય? હસી કે રડી શકાય? ખીલી શકાય? નાચી કે ગાઈ શકાય? કોઈ એવું કાર્ય જેમાં આપણો કોઈ સ્વાર્થ ન હોય, ન પૈસા મળે કે ન માન સન્માન. બસ અમથે અમથું કોઈ કાર્ય આપણને પૂરી ઈમાનદારીથી કરવાનું મન થાય? કોઈ સાંભળે કે ન સાંભળે પણ કોયલ ટહુકે એમ, કોઈ સૂંઘે કે ન સૂંઘે પણ ફૂલડાં મ્હેકે એમ, કોઈ વિડીયો ઉતારે કે ન ઉતારે પણ જેમ મોર નાચે એમ, કોઈ ભીંજાય કે ન ભીંજાય, વરસાદ વરસે એમ શું આપણાથી ટહુકી, મ્હેકી, નાચી કે વરસી શકાય ખરું?

પદ, પ્રતિષ્ઠા અને પૈસા માટે આપણે બહુ નાચી લીધું, પાનાંના પાનાં ચીતરી નાખ્યા, સમજોને કે સમજ્યા વિનાના લિટોડીયા કરી, આખી જિંદગીની કિતાબ ગૂંચવીને બેસી ગયા. આજનો દિવસ કે આ અઠવાડિયું વિધાતાએ કદાચ આપણને આપણી રીતે જીવવા માટે તો નહીં આપ્યું હોય! આદતથી મજબૂર બની આજનો દિવસ પણ લિટોડીયા થઈ જાય એ પહેલા, બીજાની તાળીઓ કે વાહ-વાહની ચિંતા મૂકી પોતાની મન પસંદગીનું જીવન, કલાક બે કલાક જીવી લઈએ તો? કોને ખબર જિંદગીનું કયું પાનું આખરી પાનું નીકળે?
હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)