Postcard books and stories free download online pdf in Gujarati

પોસ્ટકાર્ડ

એલા રઘલા કેટલા દિવસ થયા ઉધાર સામાન લઈ ગયો છે પૈસા નથી આપવા ?
બજાર માં રઘલા ને જોતા જ અનાજ ના દુકાનદાર કાનજી ભાઈ બોલ્યા.
રઘલો હાથ જોડતા બોલ્યો શેઠજી આટલા દિવસ ખમ્યા તમારી મહેરબાની બેચાર દિવસ માં આપી દઈશ.
ઘરે પહોંચતા જ મકાનમાલિક બોલ્યો એલા રઘલા ત્રણ મહિના થયા ભાડુ આપ્યું નથી, ભાડુ આપ નહીંતર રૂમ ખાલી કર.
રઘુ હાથ જોડતા બોલ્યો માઈબાપ થોડું ખમી જાવ બધુ કરી આપું છું
આમતો મુળ નામ રઘુનાથ પણ ગરીબ માણસ ને માન નથી હોતું એ વાત સાચી પાડવી હોય એમ બધા એને રઘલા નામથી જ બોલાવતા અને એનો રંજ પણ રઘુનાથ ને ન્હોતો.
ઘરડા મા બાપ,પત્ની અને બે છોકરી એમ છ જણ ના પરિવાર ને પોષતો રઘુનાથ છુટક સુથારી કામ કરી ગુજરાન ચલાવે.
એના શાંત અને ભોળા સ્વભાવ નો લાભ બધા લેતા, કામ કરાવી લે પણ પૈસા ઓછા આપે કે ન પણ આપે.
આમ કામકાજ નું ઠેકાણું નહીં અને લોકો ફાયદો ઉપાડે એટલે પૈસાની ખેંચ હંમેશા રહેતી.
મોટી છોકરી પરણવા લાયક હતી પણ વગર પૈસે તો કાંઈ થાય એમ ન્હોતું.
આમજ એક દિવસ રઘુનાથ ને બાજુના ગામ માં એક બંગલા માં કામ માટે બોલાવ્યો, રઘુનાથ ત્યાં ગયો ત્યારે ખબર પડી આ તો વિક્રમ નું કામ કરવાનું છે જેના દાદા અને રઘુનાથ ના દાદા સાથેજ ભણતા અને સત્યાગ્રહ નાં આંદોલન માં સાથેજ ભાગ લેતા હતા ત્યારે એને નવાઈ લાગી કે વિક્રમ પાસે બંગલો ક્યાંથી અને ફર્નિચર માટે ખાસો એવો ખર્ચ કરવાનો છે.
કારણકે વિક્રમ પણ મધ્યમ વર્ગીય માણસ રોજ કમાય અને રોજ ખાય એવી સ્થિતી હતી અને અચાનક આ જાહોજલાલી કેવી રીતે ?
થોડીવાર માં વિક્રમ આવ્યો ડિઝાઈનર કપડા,પગમાં મોંઘા શુઝ, ગળા માં સોનાની જાડી ચેન આવીને રઘુનાથ ને બધું કામ સમજાવ્યું પણ રઘુનાથ નું ધ્યાન તો બસ વિક્રમ ની આ રહેણીકરણી પર જ હતું એ વાત વિક્રમ નાં ધ્યાન માં આવી અને બોલ્યો રઘલા તું કામ ઉપર ધ્યાન આપ આ બધું કેવી રીતે એ વાત તને પછી કરીશ.
રઘુનાથ ઓજપાઈ ગયો અને કામ જોઈ થોડાક પૈસા વધારે કીધા એને ખબર હતી લોકો પૈસા ઓછા કરાવવાના જ પણ એના આશ્ચર્ય વચ્ચે વિક્રમ કોઈ લપછપ કર્યા વગર રઘુનાથે કીધું એટલા પૈસા મંજૂર કરી કામ ચાલૂ કરવા કહ્યુ.
રઘુનાથે કામ ચાલૂ કર્યુ અને વિચારવા લાગ્યો જરૂર વિક્રમ ને લોટરી લાગી હશે એટલે બપોરે જ્યારે વિક્રમ ન્હોતો ત્યારે એની પત્ની વિશાખા ને પુછ્યુ ભાભી કોઈ લોટરી લાગી છે કે શું ?
વિશાખા બોલી હમણાં બોલ્યો પણ એમની સામે લોટરી નું નામ પણ લીધું તો તને ઘરમાંથી બહાર કાઢી નાખશે, એમને લોટરી થી સખત ચીડ છે એકવાર એક છોકરો લોટરી ની ટીકીટ વેંચવા લઈ આવ્યો તો એને સારો એવો મેથીપાક ચખાડ્યો હતો માટે એવી કોઈ વાત કરતા જ નહીં અને શાંતિથી તમારું કામ કરો.
રઘુનાથ ચૂપ થઈ ગયો પણ એને ચેન પડતું ન્હોતું, સાંજે કામ પતાવી ઘરે પાછો જતો હતો ત્યાં રસ્તા માં એને એક દોસ્ત મળ્યો જે વિક્રમ ને ઓળખતો હતો વાતવાતમાં એણે પૂછપરછ કરી તો દોસ્ત બોલ્યો સાચી વાત તો ખબર નથી પણ થોડાક દિવસ પહેલા વિક્રમ નાં શહેરના ચક્કર વધી ગયા હતા અને જ્યારે ત્યાંથી આવતો ત્યારે રુપિયા નાં બંડલ લઈ આવતો.
રઘુનાથે વિચાર્યુ વિક્રમે જરૂર કોઈ આડી લાઈન પકડી લાગે છે, જુગાર કે સટ્ટા માં કમાયો હશે.
ઘરે આવી જમીને સુઈ ગયો પણ ઉંઘ આવતી ન્હોતી મનમાં બસ વિક્રમ ના જ વિચાર આવતા, જેમતેમ રાત કાઢી સવારનાં વહેલો શહેર ગયો અને ત્યાં એના દોસ્ત ને જુગાર નાં અડ્ડા વિષે પુછ્યું તો એનો દોસ્ત બોલ્યો રઘલા થોડેક આગળ એક મસ્ત જુગાર નો અડ્ડો હતો પણ થોડાક દિવસ પહેલા બાજુનાં ગામના વિક્રમે પોલીસ કમ્પલેન્ટ કરી અડ્ડો બંધ કરાવી દીધો કેમકે એનું માનવું હતું કે જુગાર ના અડ્ડાથી ઘણાં ઘર બરબાદ થાય છે એટલે આ દુષણ નાબૂદ થવું જોઈએ.
રઘુનાથ વિક્રમ વિશે આ નવી વાત સાંભળી હેરાન થઈ ગયો જેને જુગાર થી આટલી નફરત હોય એ આવા કામથી તો પૈસો ન કમાય વીચારી વિક્રમ ના બંગલે કામ કરવા આવી ગયો.
સાંજે કામ પતાવી ઘરે આવી જમી બાજુનાં પાનને ગલ્લે બેસવા ગયો, અલકમલક ની વાતો ચાલતી હતી એવામાં એક માણસ બોલ્યો મારો એક મિત્ર છે એણે ગુજરાત માં દારૂબંધી છે એનો લાભ લઈ દારૂ ની હેરફેર કરી કરોડો રુપિયા કમાય છે એને ત્યાં પૈસાની રેલમછેલ છે.
રઘુનાથ ના મનમાં વાત બેસી ગઈ જરૂર વિક્રમ પણ આ કામ જ કરતો હશે નહીંતર એની પાસે અચાનક આટલા પૈસા ન આવે વિચારી ઘરે પાછો આવી સુઈ ગયો.
સવારનાં તૈયાર થઈ વિક્રમ ના બંગલે કામ કરવા ગયો અને જોયું એક મોટું ટોળુ વિક્રમ ના બંગલા ની બહાર જમા થયું હતું અને રાડારાડ ચાલતી હતી, નજીક જઈ જોયું તો વિક્રમ એક માણસ નું ગળુ પકડી ઊભો હતો અને ધમકાવી રહ્યો હતો.
રઘુનાથે બાજુમાં ઉભેલા માણસ ને પુછ્યું કે શું વાત છે ?
એ માણસ બોલ્યો વિક્રમ ને દારૂ થી સખત નફરત છે અને આ માણસ ચોરીછૂપે દારૂ વેચવા આવ્યો છે એ ખબર પડતા જ વિક્રમ નો પીતો ગયો અને એને ખખડાવી રહ્યો છે.
આ વાત સાંભળતા જ રઘુનાથ નાં મનમાં ચાલતી વિક્રમ દ્વારા દારૂની હેરફેર નો શક બાષ્પીભવન થઈ ઊડી ગયો અને વિક્રમ ની જાહોજલાલી નો સવાલ મોં ફાડીને ઊભો રહ્યો.
રઘુનાથ પાસે હવે વિચારવા જેવી કોઈ વાત બાકી ન્હોતી રહી એટલે જેમતેમ કરી બે દિવસ માં બધુ કામ પુર્ણ કરી હિસાબ કરવા વિક્રમ પાસે બેઠો.
હિસાબ ના પૈસા લઈ રઘુનાથે હાથ જોડી વિક્રમ ને આ પૈસાની રેલમછેલ વિશે ખુલાસો કરવા વિનંતિ કરી.
વિક્રમ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો ચાલ રઘલા આજે તને બધી વાત કરૂં.
વાત એમ છે કે હમણાં જુના ઘરની સાફસફાઈ કરતા બાપદાદા નાં વખત ની એક કપડા ની થેલી હાથમાં આવી જેમાં થોડાક જુનાં કાગળીયા અને અમુક પોસ્ટકાર્ડ નીકળ્યા, બારીકાઈ થી તપાસ કરતા ખબર પડી આ તો ગાંધીજીએ મારા દાદા પર સત્યાગ્રહ આંદોલન વખતે પોતાના હાથે લખેલા પત્ર હતાં.
મારો એક મિત્ર જે એન્ટીક વસ્તુ નું વેચાણ કરે છે એને એ પોસ્ટકાર્ડ દેખાડ્યા, જોઈ ને એ તો ઉછળી પડ્યો અને બોલ્યો એલા વિક્રમ તને તો લોટરી લાગી આ પોસ્ટકાર્ડ ની કિંમત તો આંતરરાષ્ટ્રીય બજાર માં લાખો કરોડો ની છે.
બસ પછી તો એ બાબતે શહેર માં મારા ચક્કરો વધી ગયા અને થોડા સમય માં એક વિદેશી ટુરિસ્ટ માઈકલ જે આવી એન્ટીક વસ્તુઓ નો શોખીન હતો એની સાથે સોદો થઈ ગયો અને આજની આ રોનક એની જ મહેરબાની છે.
માઈકલ ને તો હજી આવા એન્ટિક પોસ્ટકાર્ડ ની જરૂરત છે અને મને એના ફોન નંબર આપી રાખ્યા છે.
સાંભળી રઘુનાથ આભો થઈ ગયો અને મનોમન વિચાર્યુ કે મારા દાદા પણ સત્યાગ્રહ માં ગાંધીજી સાથે હતા અને એમના પણ આવા પત્રો મળી જાય તો દિકરી ના લગ્ન ધામધૂમ થી કરૂં અને મારા બીજા પણ કામ થઈ જાય.
હિસાબ લઈ દોડતો દોડતો પોતાના ઘરે આવ્યો અને જુની જંક લાગેલી પતરા ની પેટી ખોલી ખાંખાંખોળા કરવા લાગ્યો એટલે એની પત્ની રાધા બોલી શું શોધો છો ?
રઘુનાથ બોલ્યો આ પેટી માં જુના પત્રો,પોસ્ટકાર્ડ, અને કાગળીયા હતા એનું કામ હતું.
રાધા બોલી એ બધું તો બે દિવસ પહેલા સાફ સફાઈ કરી ત્યારે રદ્દી માં આપી દીધા.
સાંભળી રઘુનાથ તો રડવા જેવો થઈ ગયો અને બોલ્યો અરે અક્કલમાઠી તને કોણે ડહાપણ કરવા કહ્યુ હતુ એ બધુ રદ્દી માં આપવા માટે, એ ફક્ત પત્રો ન્હોતા પણ આપણાં નસીબ ખુલવાની ચાવી હતી બોલતા ઢળી પડ્યો.
રાધા તો ગભરાઈ ગઈ અને પાણી લાવી રઘુનાથ ને પીવડાવી સમજાવવા લાગી મેં કંઈ જાણીજોઈ ને આ નથી કર્યુ જે થવાનું હતું એ થઈ ગયું હવે પસ્તાવો કરીને શું ફાયદો.
રઘુનાથ પણ ધીરે ધીરે ઉભો થયો અને મારા નસીબ જ ખરાબ છે બોલી લથડાતી ચાલે બહાર નીકળ્યો.
બહાર આવી ઘરની સામે આવેલ વરંડા મા છોકરાઓ રમતા હતા એના પર નજર પડી એની નાની દિકરી પણ ત્યાંજ રમતી જોઈ રઘુનાથે બૂમ પાડી બસ આખો દિવસ રમત રમવી છે ભણવું નથી અને ગુસ્સા માં એની તરફ ગયો અને મારવા માટે હાથ ઊપાડયો ત્યાંજ એની નજર છોકરાઓ એ બનાવેલ પુઠ્ઠા નાં ઘર તરફ ગઈ અને એ જોતો જ રહી ગયો.
પુઠ્ઠા ના ઘર પર જે છાપરું બનાવ્યું હતું એ જુના પોસ્ટકાર્ડ હતા.
ઝડપ મારી એ પોસ્ટકાર્ડ ઉપાડ્યા અને ધ્યાનથી જોતાં જ નીચે બેસી પડ્યો અને રાધા ને બુમ પાડવા લાગ્યો, રાધા દોડતી આવી અને બોલી શું થયું ?
રઘુનાથ પોસ્ટકાર્ડ બતાવતા બોલ્યો આ જો હું જે શોધતો હતો એ ચીજ મળી ગઈ બોલતા નાની દિકરી ને ગળે વળગાડી બોલ્યો આ તને ક્યાં મળ્યા ?
દિકરી બોલી બે દિવસ પહેલા મમ્મી સાફસફાઈ કરી રદ્દીવાળા ને રદ્દી આપી ત્યારે આ કાગળો નીચે પડી ગયા હતા મેં ઊંચકી લીધા અને રમવા માટે મારા ખાના માં રાખી દીધા હતા.
રઘુનાથ બોલ્યો બેટા તે તો મારૂં મોટું કામ કરી દીધું અને પોસ્ટકાર્ડ લઈ સાચવી ને મુકી દીધા.
રઘુનાથ બીજા દિવસે સવારનાં પહોરમાં વિક્રમ પાસે પહોંચી ગયો અને પોસ્ટકાર્ડ દેખાડ્યા, જોઈ વિક્રમ પણ અચરજ પામ્યો અને બોલ્યો વાહ રઘલા તારી કિસ્મત ચમકી ગઈ આ પોસ્ટકાર્ડ નાં તો લાખો રૂપિયા આવશે.
વિક્રમે તરત જ માઈકલ ને ફોન કર્યો અને એને બધી વાત કરી પોતાના ઘરે બોલાવી લીધો.
કલાકેક માં માઈકલ વિક્રમ ના ઘરે આવ્યો અને બોલ્યો સારું થયું હમણા ફોન કર્યો હું આવતીકાલે મારા દેશ જવા નીકળવાનો જ હતો.
વિક્રમે પોસ્ટકાર્ડ દેખાડ્યા અને માઈકલે પોસ્ટકાર્ડ ચેક કરી જોયા અને સંતોષ ના સ્મિત સાથે બેગમાંથી રુપિયા નાં બંડલો કાઢી રઘુનાથ ના હાથમાં આપી દીધી.
રઘુનાથ ની આંખ ભરાઈ આવી અને એની સજળ આંખો સામે દિકરી ની ડોલી દેખાઈ રહી હતી.
~ અતુલ ગાલા (AT) કાંદિવલી ઈસ્ટ,મુંબઈ.