Personal Diary - Have You Seen God? in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - તમે ઈશ્વરને જોયા છે?

અંગત ડાયરી - તમે ઈશ્વરને જોયા છે?

અંગત ડાયરી
============
શીર્ષક : તમે ઈશ્વરને જોયા છે?
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૭ માર્ચ ૨૦૨૧, રવિવાર

ગૂગલમાં જો ‘ધનવાન કૈસે બને’ સર્ચ કરશો તો કદાચ સોથી વધુ વૅબપેજ કે બ્લોગનું લિસ્ટ ડિસ્પ્લે થશે, પણ જો ‘સત્યવાન કૈસે બને’ સર્ચ કરશો તો કદાચ પાંચ-દસ-પંદર પાનાં મળે તો મળે. 'જીવનમાં સફળ કેમ થશો' એવું જો સર્ચ કરશો તો સેંકડો પુસ્તકો તમને મળી રહેશે પણ 'જીવનમાં ઈમાનદાર કેમ બનશો' વિષય પર કોઈ પુસ્તક મળે તો મળે. પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેના સેમિનાર્સ અવારનવાર ગોઠવાતા હશે, જયારે જિંદાદિલી, પ્રામાણિકતા, ખેલદિલી ખીલવવાના કોઈ ક્લાસીસ મેં જોયા નથી. આપણે અજાણતાં જ સજ્જનતા સાથે છેડો ફાડી તો નથી રહ્યા ને? ક્યાંક એવું તો નહીં થાય ને કે આખરી યુદ્ધ વખતે આપણને હણવા આવનાર સેનાના સેનાપતિ કૃષ્ણ કે રામ હોય?

સદનસીબે એવા કેટલાય સંતો, શિક્ષકો અને સજ્જનો આપણી શેરીઓમાં ફરી રહ્યા છે, જે કશું જ બોલ્યા વિના રામજીવન જીવી રહ્યા છે. કમનસીબે એ લોકો જે પીડ પરાઈ જાણવાની, પરદુઃખે ઉપકાર કરવાની, વાચ-કાછ-મન નિશ્છલ રાખવાની શિખામણ આપે છે, એનું પાલન આપણી ઑફિસોમાં કે દુકાનોમાં આપણાથી થતું નથી. આપણને બીક લાગે છે કે એવી સજ્જન મન:સ્થિતિ રાખીશું તો આપણને કે આપણા પદને, પ્રતિષ્ઠાને અને પૈસાને આપણો હરીફ કાચેકાચાં ખાઈ જશે.

આપણી સામે એક તરફ બંગલાઓ પર બંગલાઓ બાંધતા, ગાડીઓ પર ગાડીઓ ખરીદતા બદમાશ આખલાઓ છે અને એક તરફ બે છેડા ભેગા કરવા મથતા સજ્જન ગરીબો છે, જેને ત્યાં ટીપું તેલ દોહ્યલું બની જાય છે. જો તમે માનતા હો કે સજ્જન વ્યક્તિઓ જ ખોટું કરતા કે અસત્ય બોલતા ડરતા હોય છે તો એ તમારી ગેરસમજ છે. દુર્જનોને પણ સાચું બોલાય ન જાય એવી બીક સતાવતી હોય છે. જેમ ચોરી કરતા સજ્જનનું હૃદય ફફડતું હોય છે એમ જ વેદનાથી કરગરતા ગરીબ ગ્રાહકને કે દર્દીને કે ગુનેગારને જોઈ, શેતાન વેપારી કે ડૉક્ટર કે પોલીસનું હૃદય પીડાતું હોય છે. પણ જેમ સજ્જન કઠણ મન રાખી ચોરી નથી કરતો એમ બદમાશ પણ મક્કમ મનોબળ રાખી ફી, લાંચ કે નફો નથી છોડતો. 'ઘોડો ઘાસ સાથે દોસ્તી કરશે તો ખાશે શું?' એ કહેવત મુજબ આખલાઓ ખેતર ચરી રહ્યા છે.

સજ્જન માટે સત્ય અને ઈમાનદારી જેટલાં સહજ છે એટલાં જ દુર્જન માટે અસત્ય અને બેઈમાની. સજ્જન સત્ય છોડતા કંપે, દુર્જન અસત્ય. ધીરે ધીરે સમાજમાં પણ ‘ખાખીબાવા’ જેવા સજ્જનો કરતા આલીશાન મોટરમાં ફરતા દુર્જનો વધુ આવકાર્ય બનવા લાગ્યા છે. અજાણતાં જ હું અને તમે એમનો સત્કાર કરી બેસીએ છીએ. એક મિત્રે ઉદાહરણ આપ્યું: દીકરીને જોવા મુરતિયાનો પરિવાર આવ્યો હોય અને કહે કે છોકરો સરકારીમાં છે, પગાર તો ઓછો છે પણ ઉપરની આવક પગાર કરતાં બે ગણી છે, ત્યારે કન્યાના માતા-પિતા પણ રાજીપો વ્યક્ત કરે છે. શું એ લોકો આ ‘ઉપરની આવક’ એટલે ‘ગોલ્ડ મેડલ’ સમજતા હશે? વેઇટરને ટીપ લેવામાં કે ભિખારીને ભીખ લેવામાં ગૌરવનો અનુભવ થતો નથી, જયારે લાંચિયાને લાંચ લેવામાં કૉલર ટાઇટ કરવાની ખુમારીનો અનુભવ થતો હોય છે.

એક કેસની તારીખનું સમન્સ બજાવવા આવેલા કૉન્સ્ટેબલને મારા મિત્રે ચાનો અતિ આગ્રહ કર્યો ત્યારે એણે માંડ માંડ ચા પીધી. મિત્રને આશ્ચર્ય તો ત્યારે થયું કે જે દિવસે એ કોર્ટમાં હાજર થયો તે દિવસે પેલા કોન્સ્ટેબલે એને સામે ચા પાઈ દીધી, એ પણ અતિ આગ્રહ કરીને. ઘનઘોર અંધકાર વચ્ચે આવા નાનાં કોડિયાંની જેમ ઝગમગતો એકાદ સજ્જન મળી જાય ત્યારે મંદિરની ચાર દીવાલ તોડી કૃષ્ણ કનૈયો બજારમાં નીકળ્યો હોય એવી અનુભૂતિ થયા વિના રહેતી નથી. અમારા એક ટ્યુશન શિક્ષક એક તો ઓછી ફીમાં ટ્યુશન કરાવતા, એમાંય ગરીબ વિદ્યાર્થીની ફી લેતા જ નહીં. રાજકોટમાં એક લૉજવાળો રોજ હૉસ્પિટલમાં દર્દીઓને મફતમાં ટિફિન પહોંચાડે છે. ઊંડે ઊંડે થાય છે કે આ કૉન્સ્ટેબલ, પેલા શિક્ષક કે લૉજવાળો જ પેલો કાઠિયાવાડમાં ભૂલો પડેલો ભગવાન તો નહીં હોય ને? અને એમની દુર્દશા જોઈ ‘તને સ્વર્ગ ભૂલાવું શામળા’ પંક્તિ એકદમ કરુણાભાવ જગાવી જાય છે.

કોઈ ભોળો વ્યક્તિ આપણી ઑફિસમાં ટકી શકે ખરો? કોઈ ભલો માણસ મોટો અધિકારી બની શકે ખરો? કોઈ ઈમાનદાર માણસ કરોડો રૂપિયા કમાઈ શકે ખરો? જો અબજોની વસ્તીમાં આવા બે-ચાર હોય તો આપણી નગરરચના, જીવનવ્યવસ્થા અને સંસ્કાર પદ્ધતિ આઈ.સી.યુ.માં હોવાનો ખતરો છે. આપણે જેને ગોકુળ સમજી રહ્યા છીએ, એ મથુરા કે લંકા છે અને હું કે તમે વ્રજવાસી નહીં, બકાસુર, તારકાસુરના ભાણિયા, ભત્રીજા છીએ. રામ બનવાની લ્હાયમાં આપણે રાવણ, કંસ કે હિરણ્યકશિપુ બની ગયા છીએ.

શેરીમાં કે ઑફિસમાં વસતો ભલો-ભોળો, ઈમાનદાર કાનુડો આપણો વધ કરે (અથવા વિદાય લઈ લે) એ પહેલા એકવાર હિંમત કરી, સાહસ કરી, ‘જાનામિ ધર્મં ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મં ન ચ મે નિવૃત્તિ’ વાળું દુર્યોધન વાક્ય ફગાવી, ત્રિલોકના ધણીના બે હાથ જોડી દર્શન કરી લઈએ, ગુણગાન કરી લઈએ, એના પક્ષે ઊભા રહી જઈએ તો કેવું સારું!

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)