VEDH BHARAM - 38 books and stories free download online pdf in Gujarati

વેધ ભરમ - 38

રિષભે ફોન ઉચક્યો તો સામેથી હેમલે કહ્યું “સાહેબ અહીં કાવ્યાની જે મિત્ર છે તેની સાથે અમારી મુલાકાત થઇ છે. તેણે જે વાતો કરી છે તે એકદમ ચોકાવનારી છે. તેણે નામ ના આપવાની શરતે ઘણી બધી વાતો કરી છે. અમે તેનુ રેકોર્ડીંગ કરી લીધુ છે.”

“ઓકે તું તેનુ રેકોર્ડીગ મને મોકલી આપજે પણ, પહેલા ટુંકમાં મને કહી દે કે તેણે શું માહિતી આપી છે?” રિષભે કહ્યું.

“સર, કાવ્યાની તે મિત્રએ કહ્યું છે કે કાવ્યા એક પર જ નહી. આ દર્શને બીજી પણ એક છોકરી પર બળાત્કાર કર્યો હતો પણ તે વાત બહાર નથી આવી. તે છોકરી આઉટ સ્ટેટની હતી એટલે અધવચ્ચેથી જ કૉલેજ છોડીને જતી રહી હતી.” હેમલ આટલુ બોલીને રોકાયો એટલે રિષભે કહ્યું.

“બીજું કશું જાણવા મળ્યુ છે વધારે?” આ સાંભળી હેમલ ખચકાયો એટલે રિષભે કહ્યું “કેમ હેમલ એવી શું વાત છે કે તુ મને કહેતા અચકાઇ છે? જે હોય તે સ્પષ્ટ કહી દે.” આ સાંભળી હેમલ બોલ્યો “સર, આ છોકરી એટલી ગભરાયેલી હતી કે કંઇ બોલતી જ નહોતી. તેને અમે પુરી બાહેંધરી આપી ત્યારે તેણે જે કહ્યું તે સાંભળી અમારી બોલતી બંધ થઇ ગઇ.”

“કેમ એવુ શું કહ્યું તેણે?” રિષભને પણ હવે આખી વાત જાણવાની ઉત્સુકતા વધી ગઇ હતી.

“સર, તેણે એવુ કહ્યું કે મને પોલીસ પર જરા પણ ભરોંસો નથી. કાવ્યાના કેસમાં સૌથી મોટો વાંક પોલીસનો જ હતો. આ વાત સાંભળી અમે એમ સમજ્યા કે પૈસા લઇ પોલીસે કેસ દબાવી દીધો એટલે તે એમ કહે છે પણ તેનો આક્ષેપતો કઇક જુદો જ હતો.”

“કેમ તેણે શું આક્ષેપ કર્યો છે?” રિષભે પૂછ્યું.

“અમે બહુ મહેનત કરી ત્યારે તેણે બતાવ્યુ કે બળાત્કાર પછી કાવ્યા પોલીસમાં ફરીયાદ લખાવવા ગઇ હતી પણ તે લોકોએ ફરીયાદ તો ન લખી ઉલટુ પોલીસે દર્શનને જાણ કરી દીધી. આ વાતથી ઉશ્કેરાઇને દર્શને કાવ્યાને હોસ્ટેલ પરથી ઉઠાવી અને ફરીથી તેના પર ફરીથી બળાત્કાર કર્યો. આ વાત માત્ર આ એક જ છોકરીને ખબર છે કેમ કે આ છોકરી કાવ્યાની રુમ પાર્ટનર હતી. દર્શને આ છોકરીને પણ ધમકી આપી હતી કે જો તેણે કોઇની સામે મો ખોલ્યુ છે તો તેની હાલત પણ કાવ્યા જેવી જ થશે.”

આ વાત સાંભળી રિષભ ચોંકી ગયો અને બોલ્યો “ઓહ માય ગોડ. આવા લોકો પોલીસ ડીપાર્ટમેન્ટના નામે કલંક છે. આવા લોકોને વિણી વિણીને સુટ કરી દેવા જોઇએ.”

“તો તો એનો મતલબ એમ થાય કે કાવ્યા પર બે વાર રેપ થયો. આવી છોકરી બિચારી પછી શું કરે. આપણા પરથી લોકોનો વિશ્વાસ એમ જ નથી ઉઠી ગયો. તેની પાછળ આવા નરાધમોનો હાથ છે.” આટલુ બોલી તે રોકાયો અને પછી થોડુ વિચારી બોલ્યો “એક કામ કર ગમે તેમ કરી તે સમયે કાવ્યાએ કયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવવાની કોશિસ કરી હતી અને તે સમયે સ્ટેશન ઇન્ચાર્જ કોણ હતુ એ તપાસ કર. હવે આપણા જ ડીપાર્ટમેન્ટની સફાઇ કરવાનો સમય આવી ગયો છે.”

આ સાંભળી હેમલે કહ્યું “ઓકે સર.” અને પછી ફોન કટ કરી નાખ્યો. રિષભ થોડીવાર બાદ ગૌતમના ઘરે પહોંચ્યો ત્યારે બધા જ તેની રાહ જોઇ રહ્યા હતા. રિષભ આવ્યો એ સાથે જ ગૌતમ ઊભો થઇને ભેટી પડ્યો અને બોલ્યો “યાર કેટલા દિવસે આપણે આ રીતે મળ્યા છીએ.” રિષભ પણ ગૌતમની લાગણી જોઇ એકદમ ભાવુક થઇ ગયો. બંને મિત્રો થોડીવાર એમ જ ગળે મળી ઊભા રહ્યા.

“હવે તમે લોકો આમ જ ઊભા રહેવાના છો કે પછી પાણી પીવુ છે?” મિત્તલે પાછળથી કહ્યું ત્યારે બંને છુટા પડ્યા. ત્યારબાદ રિષભ ગૌતમના મમ્મી પપ્પાને પગે લાગ્યો. ગૌતમના મમ્મી તો રિષભને જોઇને ખુશ થતા બોલ્યા “ દિકરા તુ તો મારો બીજો દિકરો જ છો. તુ અને ગૌતમ તો સગા ભાઇઓની જેમજ રહ્યા છો. તે તો ગૌતમ માટે ઘણુ કર્યુ છે.” આ સાંભળી રિષભ બોલ્યો “અરે માસી એવુ કશુ નથી. ગૌતમે પણ મને ઘણી મદદ કરી છે. જ્યારે મારી પાસે ફી ભરવાના પૈસા નહોતા ત્યારે ગૌતમે મને મદદ કરી હતી તે હું કેમ ભુલી શકું?” એકદમ સિરીયસ વાતાવરણ થઇ જતા. ગૌતમના મમ્મી બોલ્યા “ચાલ હવે લગ્નમાં ક્યારે બોલાવે છે? કે પછી અમને કોઇને બોલાવ્યા વિના જ લગ્ન કરી લીધા છે?”

“મમ્મી, આની સાથે લગ્ન કરવા તો ઘણી છોકરીઓ તૈયાર છે પણ આ સાહેબ માને તો ને?” મિત્તલે મજાક કરતા કહ્યું.

“હા, સાચી વાત છે ગૌતમની હાલત જોઇને મારી ઇચ્છા જ મરી ગઇ છે.” રિષભે મજાકને આગળ વધારતા કહ્યું.

“એલા ભાઇ તુ આવતા વેત જ માર ખવડાવવાનો છે કે શું?” આ સાંભળી બધા હસી પડ્યા.

“ચાલો છોકરાઓ જમતા જમતા તમે જે મજાક કરવી હોય તે કરજો. હવે મને તો ભુખ લાગી છે.” ગૌતમના પપ્પાએ કહ્યું.

ત્યારબાદ બધા જમવા બેઠા પણ રિષભ આ બધો સમય મિત્તલ સામે આંખ મિલાવી શકતો નહોતો. મિત્તલે કોઇ ફરીયાદ કરી નહોતી છતાં રિષભને એમ લાગતુ હતુ કે તેણે મિત્તલને આપેલી પ્રોમિશ પૂરી કરી નથી. જમી લીધા પછી ગૌતમના મમ્મી પપ્પા તેના રુમમાં આરામ કરવા જતા રહ્યા એટલે ગૌતમ,મિત્તલ અને રિષભ ત્રણેય તેના બેડરૂમમાં બેઠા.

“સોરી મિત્તલ હું મારુ પ્રોમિશ પુરુ ના કરી શક્યો.” રિષભે સીધી જ માફી માંગી.

આ સાંભળી મિત્તલ કંઇ ના બોલી એટલે રિષભે કહ્યું “મને ખબર છે કે જ્યારે તારે અને ગૌતમને મારી જરૂર હતી ત્યારે હું તમારી સાથે નહોતો.”

આ સાંભળી મિત્તલ બોલી “રિષભ તુ ખોટો ગીલ્ટી ફીલ કરી રહ્યો છે. તે ગૌતમને મારી જીંદગીમાં લાવી એટલો મોટો ઉપકાર કરી દીધો છે કે હવે તેની સામે આવી નાની મોટી ભૂલો તો કંઇ ના કહેવાય. તે મને એવો જીવનસાથી આપ્યો છે જે ડગલે અને પગલે મારી સાથે રહે છે. સાચુ કહું તો મને તારી જરૂર હતી પણ ગૌતમે મારો ખૂબ ખ્યાલ રાખ્યો છે.”

એકદમ સમજદારીથી ભરેલુ પ્રસન્ન દામ્પત્યનો નજારો રિષભ તેની સામે જોઇ રહ્યો હતો. રિષભને પણ સંતોષ થયો કે ચાલ જિંદગીમાં આ એક કામ તો સારુ કર્યુ.

“રિષભ, જિંદગીમાં બીજો મોકો બહું ઓછા લોકોને મળતો હોય છે. તને બીજો મોકો મળ્યો છે તો હવે તે ગુમાવતો નહીં.” મિત્તલે કહ્યું.

“અરે વાહ તુ તો એકદમ વડીલ જેવી વાતો કરવા લાગી છે ને. પણ એ ના ભુલતી કે હું ગૌતમ નથી કે તુ મને ફોસલાવી લઇશ.”રિષભે મિત્તલની વાતને મજાકમાં વાળવાની કોશિસ કરતા કહ્યું.

પણ મિત્તલ આજે તેને છોડે તેમ નહોતી.

“જો તુ ભલે ગમે તેટલો દેખાડો કરે કે તને આ કોઇ વાતથી ફરક નથી પડતો પણ અમે તારા મિત્રો છીએ. અમે તારુ મોઢુ જોઇએ એટલે બધી જ ખબર પડી જાય. તુ ભલે એમ કહેતો હોય કે તને કોઇ ફરક નથી પડતો પણ હું વિશ્વાસથી કહી શકુ છું કે તુ હજુ સુધી અનેરીને ભૂલ્યો નથી. તુ શું કામ તારી જાતને છેતરી રહ્યો છે. તમે પુરુષ આટલા બધા ઇગોવાળા કેમ હોવ છો? જિંદગી આખી રાહ જોશે પણ સામે ઊભેલી છોકરીને એમ નહી કહે કે હા, હું તારા વિના રહી શકુ એમ નથી. તુ મારો મિત્ર છે અને મને ખબર છે કે ગમે તે થાય પણ અનેરી સિવાય તું કોઇનો થઇ શકીશ નહીં. એકવાર હિંમત કરી દે.”

મિત્તલની વાત રિષભના દિલમાં સીધી જ ઉતરતી હતી પણ તેનુ મન હજુ હાર માનવા તૈયાર નહોતું.

“યાર એવુ કશુ નથી. અને હવે તે કોઇકની પત્ની છે. તેને જો મારા પ્રત્યે લાગણી હોત તો કંઇ પણ કહ્યા વિના ગાયબ થઇ ગઇ ના હોત.” રિષભે દલીલ કરતા કહ્યું.

“જો રિષભ આ તુ મને નથી સમજાવતો પણ તુ તારા દિલને સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છે.” આમ કહી મિત્તલ ઊભી થઇ અને રિષભ પાસે બેસતા બોલી “યાદ કર તે દિવસે તે મને સમજાવતા શું કહ્યું હતું? કે જિંદગીમાં એક દિવસ તને અફસોસ થશે કે મે જો થોડી હિંમત કરી લીધી હોત તો આજે મારી પ્રિય વ્યક્તિ મારી સાથે હોત. એજ શબ્દો આજે તને લાગુ પડે છે હવે તુ જ વિચાર કે આજે જો તુ થોડી હિંમત કરી લઇશ તો અનેરી કે જેના વિના તુ જિવી શકે એમ નથી તે તારી સાથે હશે.”

આ સાંભળી રિષભની બોલતી બંધ થઇ ગઇ. હવે મગજ ચાલતુ બંધ થઇ ગયુ હતુ. દિલના વાઇબ્રેશન એટલા પ્રબળ થઇ ગયા હતા કે મગજ હવે કંઇ દલીલ કરી શકે એમ નહોતુ. રિષભને એ સમજાઇ ગયુ હતુ કે મિત્તલનો એક એક શબ્દ સાચો હતો. થોડીવાર બાદ રિષભ બોલ્યો “કદાચ તુ સાચુ કહે છે. જિંદગીએ મને બીજો મોકો આપ્યો છે. હું ચોક્કશ તારી વાત પર વિચાર કરીશ.”

આ સાંભળી મિત્તલ ખુશ થઇ ગઇ અને બોલી “આ થઇને મર્દોવાળી વાત. ચાલો તો હવે અમે ઝડપથી ખુશ ખબરની રાહ જોઇશું.”

“સારુ પણ હવે અમારે જવુ પડશે. મારે એક અગત્યનુ કામ છે.” રિષભે ઊભા થતા કહ્યું.

“ભલે આજે તમે જાવ પણ આવતી કાલે રાતે અહીં રોકાજો. આપણે શાંતીથી વાતો કરીશું. અને તમે શ્લોકને મળ્યા જ નથી. તેને પણ મળી લેવાશે. ગૌતમ તમારી કોલેજ કાળની વાતો શ્લોકને કહે છે એટલે તે પણ તને જોવા માટે ઉત્સુક છે.” મિત્તલે આગ્રહવશ કહ્યું.

“જો હું પ્રયત્ન કરીશ પણ કોઇ પ્રોમિશ નથી આપતો કેમકે અત્યારે મારા હાથમાં એક હાઇ પ્રોફાઇલ કેસ છે. એટલે કદાચ મને એવો સમય ના પણ મળે.” રિષભે કહ્યું.

“અરે હા ભાઇ એસ.પી ત્રિવેદી અત્યારે કયા કેસ પર કામ કરે છે તે આખો દેશ જાણે છે. તુ તો સેલીબ્રીટી થઇ ગયો છે ભાઇ.” ગૌતમે કહ્યું.

ત્યારબાદ રિષભ અને ગૌતમ થોડીવાર બાદ ત્યાંથી જુનાગઢ જવા નીકળી ગયા. જુનાગઢ પહોંચી રિષભ પહેલા જુનાગઢના કમિશ્નરને મળ્યો અને તપાસની વાત કરી. કમિશ્નર પણ રિષભને મળી ખુશ થઇ ગયા અને બોલ્યા “અરે જેન્ટલમેન તમારા જેવા ઓફિસર માટે મને માન છે. હું તમને એક મારો બેસ્ટ માણસ આપુ છું જે તમને અહીની તપાસમાં મદદ કરશે.”

“જો કે તે ઓફિસીયલી પોલીસનો માણસ નથી પણ નિવૃત આર્મીમેન છે. નિવૃત થઇ ગયા પછી તેને મે સ્પેશિયલ કેસમાં મારી અંડર જોબ અપાવી છે. તે મારા સીક્રેટ મિશન હેન્ડલ કરે છે.” આમ કહી કમિશ્નરે બેલ મારી પ્યુનને બોલાવ્યો અને કહ્યું “રાકેશને મોકલ.”

બે મિનિટ પછી એક ચાલીશ વર્ષનો યુવાન ઓફિસમાં દાખલ થયો. તેને જોઇને રિષભ ઊભો થઇ ગયો. બંનેની નજર મળતા જ બંને એક સાથે બોલી ઊઠ્યા અરે તુ અહી કયાંથી?”

----------***********------------**********---------------********-------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM