Ego - 2 books and stories free download online pdf in Gujarati

અહંકાર - 2

અહંકાર – 2

લેખક – મેર મેહુલ

સાડા અગિયાર થયાં થયાં હતાં. બેન્ક ઑફ શિવગંજ સામેની ચાની લારી પાસે પાંચ વ્યક્તિ હાથમાં ચાનાં કપ લઈને ઉભા હતા. એ પાંચ વ્યક્તિ હાર્દિક અને તેનાં RO હતાં. બધાં બે મિનિટ પહેલા જ ભેગા થયા હતા. થોડીવારમાં સંકેત પણ ચાની લારી પાસે આવ્યો અને એક ચાનો કપ હાથમાં લઈને ઉભો રહ્યો.

“ઑય ચીના…અહીંયા આવ..” હાર્દિકે સંકેતને બોલાવીને કહ્યું.

“મારું નામ ચીનો નથી, સંકેત રાઠોડ છે” સંકેતે તેઓની પાસે જતાં કહ્યું.

હાર્દિકે તેનાં કાન નીચે ટપલી મારી અને દાંત ભીંસીને કહ્યું, “તારા બાપાએ નામ જ ખોટું રાખ્યું છે, તારું નામ તો રાજપાલ યાદવ રાખવાનું હતું”

આ વાત સાંભળીને ત્યાં સ્થિત બધા RO હસવા લાગ્યાં. બધાને હસતાં જોઈ હાર્દિક ફુલાયો.

“ચાલ એક મસ્ત સોંગ ગાઈને સંભળાવ…” હાર્દીકે ચાની સુસ્કી લેતાં કહ્યું.

“સૉરી સર…પણ અહીં મને સોંગ ગાવાની જોબ નથી મળી અને હું તમારી અન્ડર પણ નથી આવતો એટલે તમારા ઓર્ડર ફોલોવ કરવામાં હું નથી માનતો..”

“અબે સાલા…ઓર્ડરની હમણાં કહું…ચુપચાપ ગાવા માંડ નહીંતર આ જાડીયાને જોયો છે ?, મારીમારીને કચુંબર બનાવી દેશે”

હાર્દિકે હર્ષદ સામે જોયું એટલે હર્ષદે જમણા હાથની મુઠ્ઠીવાળીને હાથ બતાવ્યો.

બીજી તરફ સંકેતની હાલત ખરાબ થતી જતી હતી. ડરને કારણે એનાં પગ ધ્રુજવા લાગ્યા અને શરીરે પરસેવો છૂટવા લાગ્યો હતો.

“તમે પણ ક્યાં નવા નવા છોકરાને હેરાન કરો છો…જા ભાઈ તું જા..” શિવે સંકેતને જવાનો ઈશારો કરીને કહ્યું. સંકેત ત્યાંથી સહેજ દૂર ખસી ગયો.

“અલા આ ગામડિયા છોકરાઓને દબાવીને ના રાખીએ તો માથે ચડી જાય....” હાર્દિકે સ્વબચાવ કર્યો. પણ બધા હાર્દિકનાં સ્વભાવથી વાકેફ હતાં એટલે કોઈને તેની વાત ગળે ના ઊતરી.

“એ છોડ..બોટલનું શું છે ?” ચા પુરી કરીને સિગરેટ સળગાવતાં શિવે પૂછ્યું.

“ડિઝબેઝની ફાઇલનું શું થયું ?” હાર્દિકે સામે સવાલ કર્યો.

“પાંચ વાગ્યા પહેલા આવી જશે”

“તો બોટલ પણ સાત વાગ્યાં પહેલા આવી જશે” કહેતાં હાર્દિકે ગજવામાંથી ફોન કાઢ્યો અને મંત્રેશ એરિયામાં રહેતાં મુન્ના નામના સપ્લાયરને ફોન જોડ્યો.

“મુન્ના…બે બોટલ જોઈએ છે..” હાર્દિકે કહ્યું, “સાંજે આંબેડકર ચોક પાસે આવીને કૉલ કરું તને”

સામેથી ગ્રીન સિગ્નલ મળ્યો એટલે હાર્દિકે ફોન કટ કરી દીધો અને શિવ સામે જોયું.

“હવે તારા જીવને શાંતિ થઈ ?” જાડીયાએ કહ્યું.

“હા”

“બોટલ સાથે ભાભી હોય તો વધુ મજા આવશે” જયે હવસભર્યા અવાજે કહ્યું.

“ભાભીને રાખીશ ક્યાં ?, ઉપરનો રૂમ તો મોહિતે બુક કરી લીધો છે” હાર્દિકે કહ્યું.

“પાછળ ગેલેરી છે ને…અંધારામાં કોને ખબર પડવાની છે ?” જયે કહ્યું.

“એ પછી ક્યારેક રાખીશું…આજે પીવાનું જ છે” શિવે કહ્યું.

વારાફરતી બધાએ સિગરેટ સળગાવી અને એક પછી એક કશ ખેંચીને વાતાવરણ ધુમાડાયુક્ત કરી દીધું.

“ચાલો ભાઈઓ કામ પતાવો અને પાંચ વાગ્યે અહીં જ આવો” હાર્દિકે કહ્યું. બધાએ હકારમાં માથું ધુણાવ્યું અને પોતાનાં કામે નીકળી ગયાં. બધાનાં ગયા પછી હાર્દિક બાંકડા પર બેસીને કશું વિચારી રહ્યો હતો એટલામાં SBBનો SM ભાર્ગવ રાજ્યગુરુ આવ્યો.

“શું વિચારે છે બર્થડે બોય ?, પાર્ટીનું પ્લાનિંગ કરે છે કે શું ?” ભાર્ગવે હાર્દિકની બાજુમાં બેસીને કહ્યું, પછી કિટલીવાળા છોકરા તરફ હાથ ઊંચો કરીને કહ્યું, “બે કટકા લેતો આવ..”

“એક જ લાવજે ભાઈ..” હાર્દિકે કહ્યું, પછી ભાર્ગવ તરફ જોઈને કહ્યું, “મેં હમણાં જ પીધી છે”

“સારું…શું વિચારે છે એ તો કહે..”

“એ જ..પાર્ટીનું…પણ તારા મમ્મી-પપ્પા ઘરે છે તો કેમ થશે ?”

ભાર્ગવ અને હાર્દિક બંને પાડોશી હતાં. હાર્દિકનાં ઘરની પાછળની ગેલેરીને અડીને ભાર્ગવનાં ઘરની દીવાલ હતી. હાર્દિક તેનાં મમ્મી-પપ્પા સાથે રહેતો હતો.

“એની ચિંતા ના કર તું…આજે તેઓ સરલામાસીને ત્યાં સત્યનારાયણની કથામાં જવાના છે એટલે એક વાગ્યાં સુધી તમને આઝાદી છે”

હાર્દિક ફરી વિચારોમાં ગરકાવ થઈ ગયો. અચાનક તેના ચહેરા પર શૈતાની સ્મિત ફરકવા લાગ્યું.

“તો તું પણ આવને અમારી જોડે ?” હાર્દિકે કહ્યું.

“ના ભાઈ ના…મમ્મી-પપ્પાને ખબર પડે તો વારો પડી જાય…તું કહેતો હોય તો અમસ્તા કંપની આપવા આવું પણ હું ડ્રિન્ક નહિ લઉં..”

“સારું…જોડે બેસવા તો આવજે..!!!” હાર્દિકે કહ્યું.

“ચોક્કસ…એમાં ક્યાં મારી ના છે”

ચા આવી એટલે ભાર્ગવે પણ ચા બાદ સિગરેટ સળગાવી. ત્યારબાદ હાર્દિકની રજા લઈએ રોડ ક્રોસ કરીને લોન ડિપાર્ટમેન્ટ તરફ ચાલ્યો.

*

બળવંતરાયનાં સ્યુસાઇડ બાદ શિવગંજ શહેર જાણે અપરાધમુક્ત થઈ ગયું હતું. છેલ્લાં ત્રણ વર્ષમાં શિવગંજમાં વિપુલ પ્રમાણમાં ફેરફારો થયાં હતાં. કેસરગંજ અને બલીરામપુર હવે ફરી શિવગંજનો હિસ્સો બની ગયા હતા. બળવંતરાય દ્વારા લાદવામાં આવેલા બધા જ નિયમો હટી ગયા હતા અને ગુજરાતનાં અન્ય શહેરની જેમ હવે શિવગંજમાં પણ એ જ નિયમો લાગુ પડી ગયા હતા. બળવંતરાયનાં શાસન બાદ હવે સરકાર પ્રશાસન હતું એટલે શિવગંજ શહેરનો વિકાસ બધા જ એરિયામાં સપ્રમાણમાં થયો હતો. હવે શિવગંજ મુખ્ય ચાર એરિયામાં વહેંચાઈ ગયું હતું. જેમાં શિવગંજ શહેર, કેસરગંજ, બલીરામપુર અને મોહનલાલ નગર મુખ્ય હતાં.

આ બધા જ એરિયાને પોલીસ સ્ટેશનની શાખા મુજબ વહેંચવામાં આવ્યા હતાં. જેમાં શિવગંજ પોલીસ સ્ટેશન શાખા શિવગંજ શહેરનું હેડક્વાર્ટર હતું. મોહનલાલ નગર શિવગંજ શહેરનાં દક્ષિણભાગમાં પડતું હતું અને આ એરિયો શહેરનો સૌથી વિકસિત એરિયો હતો. અશોક દવે માર્ગને કારણે આજુબાજુનાં વિસ્તારમાં મોટી મોટી બિલ્ડીંગો ઉભી થઈ હતી, સરકારે પણ સમજીને આ એરિયામાં પાકા અને પહોળા રસ્તા, મોટા સર્કલો, બાગ-બગીચાઓ થતા સ્કૂલ-કૉલેજનું નિર્માણ કર્યું હતું. મોહનલાલ આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજ પણ અશોક દવે માર્ગથી પાંચસો મીટરનાં અંતરે જ આવી હતી. પહોળા રસ્તાઓ વચ્ચે બે ફુટ પહોળા ડિવાઈડર ઊભા કરવામાં આવ્યાં હતાં અને ડિવાઈડર વચ્ચે જુદા જુદા વૃક્ષોનાં છોડ આકાર લઈ રહ્યાં હતાં.

અશોક દવે માર્ગ બે કિલોમીટર લાંબો રસ્તો હતો, જે પૂર્વ-પશ્ચિમ દિશાએ સમાંતર હતો. આ રસ્તો પૂર્વ દિશામાંથી ડાબી બાજુ વળાંક લઈને શિવગંજ શહેરનાં મુખ્ય રસ્તાને મળતો હતો. જ્યારે બીજો છેડો એટલે પશ્ચિમ દિશા તરફ જતો રસ્તો દવે સર્કલ થઈને દક્ષિણ તરફ વળાંક લેતો હતો. દવે સર્કલથી ઉત્તર દિશાએ શિવગંજ શહેર તરફ જવા બાયપાસ રસ્તો પડતો હતો જેને રિંગ રોડ નામે પણ ઓળખાતો.

દવે સર્કલ પર અશોક દવે માર્ગ પૂરો થઈ જતો અને દક્ષિણ તરફ જે રસ્તો પડતો એનું નામ શિવાજી માર્ગ હતું. જે સાગવાડી સર્કલ, બાહુબલી સર્કલ થઈને શિવાજી સર્કલ સુધી પહોંચતો હતો. શિવાજી સર્કલ શિવગંજ શહેરનું છેલ્લું સર્કલ હતું. અહીંથી ચાર રસ્તા ફાટતા હતાં. ઉત્તર તરફનો રસ્તો અશોક દવે માર્ગને મળતો, પૂર્વ તરફનો રસ્તો કેસરગંજ શહેરને મળતો હતો. આ રસ્તા પર બધી જ બેન્કોની મોહનલાલ નગરની શાખાઓ આવી હતી, જેમાં બેન્ક ઓફ શિવગંજ પણ શામેલ હતી.

શિવાજી સર્કલથી દક્ષિણ તરફનો રસ્તો બીજા શહેર તરફ પડતો હતો, જ્યારે પશ્ચિમ તરફ પડતો રસ્તો શિવાલય રોડ નામે ઓળખાતો. આ શિવાલય રોડ શિવગંજ શહેરનો સૌથી વિકસતો રોડ હતો. આ રોડ શિવગંજ શહેરની સરહદ હતી. અહીંથી ખેતરો શરૂ થઈ જતાં હોવાથી બિલ્ડરો તથા કોન્ટ્રાક્ટરોની નજર આ રોડ પર વધુ રહેતી.

સસ્તા ભાવે જમીન ખરીદી તેઓ અહીં શહેરનો વ્યાપ વધારવાનાં ઈરાદાથી જુદી જુદી સોસાયટીઓ વિકસાવતાં હતાં. જેમાં શિવાલય સોસાયટી સૌથી વધુ વિકસિત હોવાથી આ રોડનું નામ શિવાલય રોડ પડી ગયું હતું. અત્યાર સુધીનાં સૌથી છેલ્લે બનેલી સોસાયટી એટલે ‘તુલસી પાર્ક – 2’ . આ સોસાયટી પછી બિનખેતી જમીનો શરૂ થઈ જતી જે ભવિષ્યમાં સોસાયટીનો આકાર લેવાની હતી.

હાર્દક અને તેનાં અન્ય મિત્રો ‘તુલસી પાર્ક – 2’ માં જ ટેર્નામેન્ટ ભાડે રાખીને રહેતાં હતાં. પાંચેય મિત્રો બેચલર હતાં અને આ સોસાયટી નવી જ બની હોવાથી હજી સુધી જૂજ ટેર્નામેન્ટ જ વેચાયા હતાં એટલે તેઓને અહીં સસ્તા ભાડે આ ઘર મળી ગયું હતું.

મોહનલાલ નગર પોલીસ ચોકી દવે સર્કલથી સાગવાડી સર્કલની વચ્ચે આવેલું હતું. જેનો તત્કાલીન ઈન્ચાર્જ છવ્વીસ વર્ષનો નૌજવાન ‘જયપાલસિંહ ચાવડા’ હતો.

જયપાલસિંહ ચાવડાને શહેરનાં નાના બાળકોથી લઈને નેવુંએ પહોંચેલા વૃદ્ધો પણ ઓળખતાં હતાં. જયપાલસિંહનો નિખાલસ સ્વભાવ અને મદદ કરવાની વૃત્તિને કારણે લોકોને ‘શિવગંજનો સિંઘમ’કહેતાં. જયપાલસિંહ ઊંચાઈએ પુરા છ ફૂટ ઊંચો, મધ્યમ બાંધાનો અને સહેજ શ્યામ હતો. તેનાં ચહેરા પર શિવાજી જેવી અનિયાળ દાઢી અને ગોળ મરોડદાર મૂછો હતી. જયપાલસિંહનો ચહેરો દેખાવે ગંભીર જણાતો પણ તેનાથી તેનો સ્વભાવ મજાકિયો હતો.

આમ તો શિવગંજમાં છેલ્લા ત્રણ વર્ષથી કોઈ મોટો ગુન્હો નહોતો નોંધાયો પણ નાના-મોટા ઝઘડા અને ચોરીનાં કેસને જયપાલસિંહ પોતાની બુદ્ધિમત્તાથી પતાવી દેતો, જેને કારણે શિવગંજનાં આવા તત્વો પણ જયપાલસિંહને માન આપતાં.

*

સાંજના પાંચ થયાં હતાં. શિવગંજ પોલીસનાં હેડક્વાર્ટર બહાર રહેલી ચાની લારી પર બે ખાખીનો પોશાક પહેરેલાં વ્યક્તિ ઊભાં હતાં. તેમાનો એક રાવત હતો અને બીજો રણજીત હતો. બંને થોડીવાર પહેલાં જ બ્રેક લઈને માઈન્ડ ફ્રેશ કરવાનાં ઈરાદાથી અહીં આવ્યાં હતાં.

“રણજીત…” રાવતે હાથમાં રહેલા ચાનાં કપમાંથી ચાની ચુસ્કી લીધાં બાદ કહ્યું.

“બોલો સર…” રણજિતે પોતાનો ચાનો કપ હાથમાં લઈને કહ્યું.

“બળવંતરાયનો કેસ યાદ છે તને ?” રાવતે ચોક્ક્સ ઉદ્દેશથી રણજિતને પૂછ્યું.

“હા સર..એ કેમ ભુલાય ?, બળવંતરાયનાં કેસ પછી એવો મિસ્ટ્રીવાળો કોઈ કેસ જ નથી આવ્યો એટલે મને બધું જ યાદ છે…” રણજિતે કહ્યું.

“તો પછી કેસ સોલ્વ થયાનાં એક મહિના પછી જ મનોજસરનું ટ્રાન્સફર થઈ ગયું, એની પાછળનું કારણ પણ તને ખબર જ હશે..” રાવતે ચાની બીજી ચુસ્કી લઈને પૂછ્યું.

“દસ્તાવેજો અનુસાર તો મનોજસરને માત્ર એ કેસ માટે જ શિવગંજમાં એપોઇન્ટ કરવામાં આવ્યાં હતાં એવું દર્શાવવામાં આવ્યું છે..” રણજિતે કહ્યું.

“હું દસ્તાવેજની વાત નથી કરતો…જેવી રીતે સરે કાર્યવાહી કરી અને કેસને જલ્દી ક્લોઝ કરી દીધો એનાં પરથી તને કંઈ સમજાયું નહીં ?”

“મને પણ એ જ પ્રશ્ન સતાવે છે… કોઈ વ્યક્તિ પોતાનાં મનસૂબાને અંજામ આપવા માટે એક ષડયંત્ર રચે છે, એણે રચેલા કાવતરાને અંજામ સુધી પહોંચાડીને પોતે સ્યુસાઇડ કરી લે છે…એ વાત મને ગળે નથી ઉતરતી..” રણજિતે પોતાને મૂંઝવતી વાત કહી.

“અત્યાર સુધીનો મારો અનુભવ કહે છે ત્યાં સુધી બળવંતરાય સ્યુસાઇડ કરે એવો માણસ તો નહોતો જ..” રાવતે કહ્યું, “અને એ રાત્રે પુરી પોલીસ ફોર્સને ગેરમાર્ગે દોરવા જે મૅસેજ આવ્યાં હતાં તેની પણ તપાસ નહોતી થઈ”

“એ કેસ સોલ્વ થયો ત્યારે તેની પાછળ ઘણાબધા પ્રશ્નોનાં જવાબ મેળવવાનાં બાકી રહી ગયા હતા પણ હાથી જ મરી ગયો હોય પછી એની ફોજ પાછળ સમય ન બરબાદ કરીને મનોજસરે સરકારી શાસન દાખલ કરી દીધું એ સારું થયું.. એનું પરિણામ જે આવ્યું છે એ તમે જોઈ શકો છો”

“એ વાત તે સાચી કહી… છેલ્લા ત્રણ વર્ષથી આપણે માન-સન્માનથી નોકરી કરીએ છીએ અને શિવગંજની પ્રજા પણ ખુશ છે..”

ચા પુરી કરી એને બે મિનિટ થઈ ગઈ હતી. રણજિતે ચાની લારી પરથી બે સિગરેટ લીધી અને એક રાવતનાં હાથમાં આપી.

“છેલ્લા ત્રણ વર્ષથી આમ તો શાંતિ જ છે પણ આપણે કંટાળી જઈએ છીએ એનું શું ?” રાવતે વાતનો દોર બદલ્યો, “એક તો ચોકી અનુસાર શહેરનું વિભાજન થઈ ગયું છે અને ઉપરથી મહિને માંડ એક કેસ એવો આવે છે જેમાં આપણી જરૂર પડે. બાકી ફોર્મલિટીની સાઈનો કરીને અને ફાઇલો ફેરવીને હું પણ કંટાળ્યો છું”

“તમારે બ્રેકની જરૂર છે સર…” રણજિતે સિગરેટ સળગાવીને કહ્યું, “પંદર દિવસની રજા લઈને કેદારનાથ બાજુ ફરી આવો”

“બે મહિના પછી વિધાનસભાની ચૂંટણી આવે છે એટલે હાલ તો રજા મંજૂર નહિ થાય પણ ચૂંટણી પતે એટલે બ્રેક તો લેવો જ છે” રાવતે પણ સિગરેટ સળગાવી.

“ચૂંટણી પરથી યાદ આવ્યું…આ વખતે કોને ટીકીટ મળવાની છે એના કોઈ સમાચાર છે ?”

“મને માહિતી મળી છે એ અનુસાર જનક પાઠકને ટીકીટ મળવાની શકયતા છે” રાવતે કહ્યું.

“આ જનક પાઠક પેલાં ગૃહઉદ્યોગનો સ્થાપક છે એ જ ને..!”

“હા એ જ…ચાર વર્ષ પહેલાં તેણે ‘પાઠક ગૃહઉદ્યોગ’ નામે સંસ્થા સ્થાપી હતી. જેમાં એ બેરોજગારોને રોજગારી આપતો અને એ બિઝનેસમાંથી જે નફો થાય છે એ કામદારો વચ્ચે જ વહેંચી દે છે” રાવતે એક પૂર્તિમાં જનક પાઠક વિશેનો લેખ વાંચ્યો હતો, જે અત્યારે તેણે કહી સંભળાવ્યો.

“અત્યારે તો પાઠક ગૃહઉદ્યોગએ મોટી કંપનીનું રૂપ ધારણ કરી લીધું છે…, તો શું હજી પણ એ બધો જ નફો કમદારોમાં વહેંચી દે છે ?”

“હા…એની કંપનીનાં કામદારો અત્યારે કારોમાં કામ પર આવે છે…કંપનીનાં પાર્કિંગમાં જઈએ તો કોઈ કારનાં શૉ રૂમમાં હોય એવું લાગે”

“પોતાનાં કામદારોને જ બધો નફો આપવા પાછળનું કારણ શું છે ?”

“પાઠકની આગળ-પાછળ પોતાનું કહી શકાય એવું કોઈ નથી, વર્ષો પહેલા એની પત્ની કોઈ બીમારીને કારણે મૃત્યુ પામી હતી, ત્યારથી તેણે સમાજસેવા કરવાનું નક્કી કરી લીધું હતું. છેલ્લાં પાંચ વર્ષમાં એ આ જ સમાજસેવાને કારણે લાઇમલાઈટમાં છે અને હવે એક પાર્ટીએ તેને ટીકીટ આપવાનું નક્કી કર્યું છે”

“ઓહહ…” રણજિતે હુંહકાર ભર્યો અને ઘડિયાળ પર નજર ફેરવી.

“સર..આજે મારે થોડું વહેલાં ઘરે જવું પડશે..” રણજિતે કહ્યું, પાછળથી તેનું કારણ જણાવતાં તેણે ઉમેર્યું, “ઘણાં દિવસથી એક ફ્લેટ લેવાનું વિચારી રહ્યો છું, આજે એક બિલ્ડર જોડે મિટિંગ છે”

“એ તો સારી વાત કહેવાય…”રાવતે કહ્યું, “તમતમારે સુખેથી સિધાવો”

રાવતની મજાક સમજીને રણજીત હળવું હસ્યો.

“જય હિંદ સર..” રણજિતે ટટ્ટાર થઈને કહ્યું.

સામે રાવતે પણ ‘જય હિંદ’ કહ્યું એટલે રણજિત પોતાની બાઇક તરફ ચાલવા લાગ્યો.

રાવત ઊભો થયો અને લારી પાસે પહોંચ્યો.

“લખી નાંખજો કાકા..” રાવતે કહ્યું.

“જી સાહેબ…” ચાની લારીવાળા કાકાએ કહ્યું. બળવંતરાયનો કેસ સોલ્વ થયો ત્યારે પછી ચાની લારી પર પોલીસ ડિપાર્ટમેન્ટનું નામું શરૂ થયું હતું, જેનો હિસાબ દર મહિનાની પહેલી તારીખે ચૂકતે કરવામાં આવતો જેને કારણે હવે કાકા પણ પોલીસતંત્રને જુદી નજરથી જોવા લાગ્યા હતા.

(ક્રમશઃ)