Ego - 6 books and stories free download online pdf in Gujarati

અહંકાર - 6

અહંકાર – 6

લેખક – મેર મેહુલ

રાવતનાં ગયા બાદ જયપાલસિંહ કાર્યવાહીની કમાન પોતાનાં હાથમાં લીધી હતી. સૌથી પહેલાં જયપાલસિંહે બહાર ટોળે વળેલાં લોકોને વિખવાનું કામ કર્યું હતું જેથી કાર્યવાહીમાં કોઈ વિઘ્ન ના આવે. ટોળાને વિખ્યા બાદ હોલમાં ભાર્ગવ અને મોહિત સાથે રાવતે મદદ માટે મોકલેલા બે કૉન્સ્ટબલ હતાં. જેમાં એક કૉન્સ્ટબલ દિપક હતો, જેણે બળવંતરાયનાં કેસમાં રણજિતને મદદ કરી હતી. દિપક શિવગંજનો જ રહેવાસી હોવાથી એ શિવગંજનાં ભૂગોળ તથા ઇતિહાસથી પૂરેપૂરો વાકેફ હતો. દિપક સાથે રાવતે એક લેડી કૉન્સ્ટબલ ભૂમિકા પરમારને પણ જયપાલસિંહની મદદ માટે રાખી હતી. જયપાલસિંહ સાથે અગાઉથી બે કૉન્સ્ટબલ હતાં, જેમાં એક પંચાવન વર્ષનાં ઓમદેવકાકા હતાં. જયપાલસિંહ ઊંમરનાં લિહાજથી તેઓને કાકા કહીને બોલાવતો હતો. ઓમદેવકાકા શરીરે બધી બાજુએથી ફાટી ગયેલા હતાં. તેઓ સો મીટર દોડતાં તો પણ તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી.

જયપાલસિંહ સાથે બીજો કૉન્સ્ટબલ અનિલ દેવમુરારી હતો. અનિલે બે વર્ષ પહેલાં કૉન્સ્ટબલની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદની નવ મહિનાની ટ્રેનિંગ બાદ તેનું પોસ્ટિંગ અહીં થયું હતું. અનિલ ઉંમરમાં જયપાલસિંહ કરતાં બે વર્ષ નાનો હતો પણ સ્ફૂર્તિ અને બુદ્ધિમત્તામાં જયપાલસિંહને પણ સરખી ટક્કર આપે એવો હતો.

ઓમદેવકાકા હજી ઘટનાં સ્થળ પર નહોતાં આવ્યાં જ્યારે અનિલ દેવમુરારી પાછળની ગેલેરીમાં સુબોધ મિશ્રાને મદદ કરતો હતો.

જયપાલસિંહ અત્યારે સુબોધ મિશ્રાની રાહ જોતાં રસોડા અને હોલનાં દરવાજા પાસે ઊભાં હતાં. થોડીવાર પછી સુબોધ મિશ્રા હાથમાં બ્રિફકેસ લઈને રૂમમાંથી બહાર નીકળ્યા.

“હેલ્લો સર…હું ઇન્સ્પેક્ટર જયપાલસિંહ ચાવડા, આ કેસની તપાસ કરું છું..” જયપાલસિંહે સુબોધ મિશ્રા તરફ હાથ લંબાવીને કહ્યું.

“હેલ્લો.. યંગ ઇન્સ્પેક્ટર…” ખુશમિજાજી સુબોધ મિશ્રાએ ઉત્સાહ સાથે કહ્યું.

“એવિડન્સ કલેક્ટ થઈ ગયા હોય તો હું મારી કાર્યવાહી આગળ વધારું સર ..!” જયપાલસિંહે કહ્યું.

“તમે કાર્યવાહી આગળ ધપાવો એ પહેલાં હું તમને અમુક વાતોથી વાકેફ કરવા ઈચ્છું છું ઇન્સ્પેક્ટર..” સુબોધ મિશ્રાએ કહ્યું, “આંગતુક પાછળનાં ખાલી પ્લોટમાં થઈ, દીવાલ કૂદીને આવેલ છે અને કદાચ એ બે કે તેથી વધુ વ્યક્તિ હતાં. અમને ખાલી પ્લોટની ધૂળમાંથી પગલાંની છાપ મળી છે જેમાં એક છાપ ક્લિયર છે, જે કોઈ છોકરીની છે અને બીજી છાપ કોની એ હું જાણવું મુશ્કેલ છે કારણ કે બીજી છાપમાં કોઈ નિશાન નથી. એ વ્યક્તિ ચાલાક હશે એટલે ચાલતાં ચાલતાં તેણે બધા પગલાંનાં નિશાનને ભૂંસવા પગ ઢસડેલો છે, પણ તેણે જ્યાં શરૂઆતમાં પગ મુકેલો છે ત્યાંથી તેનાં પગનાં નંબરનું અનુમાન લગાવી શકાય છે અને મારા મત મુજબ એ નવ નંબરનાં શૂઝનાં પગલાંનાં નિશાન છે..”

“મતલબ એક પુરુષ. .” જયપાલસિંહે કહ્યું.

“હા અને નિશાન તાજા જ છે, જો દિવસે કોઈ આવ્યું હોય તો પવનને કારણે નિશાન આછા થઈ જાય અથવા તેનાં પર ધૂળ ચડી જાય છે પણ અહીં એવું કશું નથી એટલે ત્યાંથી કોઈ આવ્યું હતું એ વાત હું ખાતરી સાથે કહી શકું છું…”

“બરાબર…” જયપાલસિંહે કહ્યું, “બીજું શું શું મળ્યું છે ?”

“હત્યા શેના વડે થઈ છે એ તો જોતા અનુમાન લગાવી શકાય છે પણ હત્યાનો એકપણ હથિયાર દેડબોડી પાસેથી નથી મળ્યો. દેડબોડી પાસેથી મને આ મળ્યું છે..” કહેતાં સુબોધ મિશ્રાએ એક પ્લાસ્ટિક બેગ ઊંચી કરી, “આમાં તૂટી ગયેલી સફેદ મોતીની માળા છે, જે કોઈ છોકરીની હોય એવું માલુમ પડે છે..”

“સમજ્યો..” જયપાલસિંહે કહ્યું.

“અત્યારે મેં તમને જેટલી માહિતી આપી હતી એ ફર્સ્ટ ટાઈમ વોચની હતી. મતલબ, આ બધું હું મારાં અનુભવ અને અત્યારે જેટલું જોયું છે એના પરથી કહું છું…હકીકત શું છે એ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને આ બધા પુરાવાની તપાસ થશે પછી જ ખબર પડશે” સુબોધ મિશ્રાએ ચોખવટ પાડતાં કહ્યું.

“જી સર…સમજી ગયો હું…” જયપાલસિંહે સહમતી પૂર્વક માથું ધુણાવીને કહ્યું.

“ચાલો તો હું નીકળું…ભૂલથી મારી નજર બહાર કંઈ રહી ગયું હોય તો મારું ધ્યાન દોરજો…”

“ચોક્કસ સર…”

જયપાલસિંહ સુધીર મિશ્રાને બહાર સુધી છોડી આવ્યો. અંદર આવતી વેળાએ જયપાલસિંહનાં હાથમાં હેન્ડ ગ્લવ્ઝ હતા, જેનો સીધો મતલબ એ હતો કે જયપાલસિંહ હવે એક્શનમાં આવવા તૈયાર હતો. હોલમાં આવીને તેણે બધા કૉન્સ્ટબલને વારાફરતી ઓર્ડર આપવાનું શરૂ કર્યું હતું,

“દિપક, પેલાં રૂમમાં જે બે વ્યક્તિ છે એને અહીં બોલાવીને સ્ટેટમેન્ટ નોંધી લે” દિપકને સૂચન મળ્યું.

“ભૂમિકા તું બધા પાડોશીને પૂછપરછ કરી લે અને કોઈએ ગઈ રાત્રે કોઈ સંધિગ્ધને ઘરની આજુબાજુ ઘુમતાં જોયો છે કે નહીં એની તાપસ કર અને અનિલ તું ગ્લવ્ઝ પહેરીને મારી સાથે ચાલ…”

જયપાલસિંહનાં ઑર્ડર મળ્યા એટલે બધા પોતાનાં કામે લાગી ગયાં. ભૂમિકા બહાર તરફ ચાલી જ્યારે દિપક રૂમ તરફ. અનિલે ગજવામાંથી હેન્ડ ગ્લવ્ઝ કાઢ્યાં અને પહેરી લીધાં.

“ચાલો સર…” અનિલે કહ્યું. બંને હજી હોલથી રૂમ તરફ પડતાં દરવાજે પહોંચ્યા હતાં ત્યાં તેઓને સામેથી દિપક દેખાયો. દિપકની પાછળ જય અને શિવ હતાં. બંનેને હજી હેંગઓવર હતું એવું તેના ચહેરા પરથી લાગી રહ્યું હતું. સુબોધ મિશ્રાએ પુરાવા તરીકે શિવનો શર્ટ લઈ લીધો હતો એટલે અત્યારે શિવેનો શર્ટ બદલાય ગયો હતો.

“એક મિનિટ…” દિપક અને જય બાદ શિવ હોલમાં પ્રવેશતો હતો ત્યાં જયપાલસિંહે તેને અટકાવ્યો.

“શું નામ છે તારું ?” જયપાલસિંહે પૂછ્યું.

“શિવ અગરવાલ..”

“તારાં શરીરે ઘાવ નથી તો પણ તારા શર્ટ પર લોહી ક્યાંથી આવ્યું ?”

“મને નથી ખબર સર…હું નશામાં હતો અને અત્યારે તમે ઉઠાવ્યો ત્યારે જ જાગ્યો છું” શિવે કહ્યું.

“સાલા…” કહેતાં જયપાલસિંહે શિવને એક તમાચો ચોડી દીધો, “ગાંધીનાં ગુજરાતમાં દારૂબંધી છે તો પણ સમજતાં નથી…”

“સૉરી સર….” શિવ ગાલ પર હાથ રાખીને ઢીલા અવાજે બોલ્યો.

“ચારેયને એરેસ્ટ કરી લો…આ લોકોમાંથી જ કોઈ હત્યારો છે..” જયપાલસિંહે કહ્યું.

“સર અમે હત્યા નથી કરી અને અમે તો નશો પણ નથી કર્યો…”મોહિત આગળ ચાલીને બોલ્યો.

“એ બધું સ્ટેટમેન્ટ વાંચીને મને ખબર પડી જશે…અત્યારે બધી જ હકીકત જણાવી દેજો નહીંતર પાછળથી ભૂલ સુધારવાનો ચાન્સ હું નહીં આપું..” જયપાલસિંહે કડક શબ્દોમાં ચેતવણી આપી અને રૂમ તરફ ચાલતાં થયો..

રૂમમાં આવીને તેઓ ડ્રેસિંગ કાચ પાસે ઊભાં રહ્યાં. “અનિલ..તું પૂરા ઘરની તલાશી લે અને કોઈ હથિયાર અથવા એવી વસ્તુ મળે છે કે કેસમાં આપણને મદદ કરે એ ની તપાસ કર…હું ગેલેરીમાં તપાસ કરું છું”

અનિલને સૂચના આપીને જયપાલસિંહ ગેલેરીમાં પડતાં દરવાજા પાસે પહોંચ્યો. ત્યારબાદ તેણે હેન્ડલ પર હાથ રાખીને હેન્ડલ નીચું કર્યું અને દરવાજો ખેંચ્યો. પણ દારવાજો ખુલ્યો નહિ. જયપાલસિંહે દરવાજાનાં હેન્ડલ લૉક પર નજર ફેરવી, બારણાં અને બારસાંખ વચ્ચે લૉક હતો નહિ. નીચે જે ગોળ ફેરવવાની ચકલી હતી એનો લૉક બંધ હતો. જયપાલસિંહે એ ચકલી ફેરવીને દરવાજો ખેંચ્યો એટલે દરવાજો ખુલ્લી ગયો. જયપાલસિંહે દીવાલ સાથે દરવાજો અટકાવ્યો અને બહારની સાઈડથી દરવાજો તપાસ્યો. અંદર બહાર હેન્ડલ હતાં, મતલબ હેન્ડલ દ્વારા બંને સાઈડથી દરવાજો ખોલી શકાતો હતો. અંદર જે ચકલી હતી તેની સામે અહીં કી હોલ હતું, મતલબ જો ચકલી દ્વારા અંદરથી દરવાજો લૉક કરવામાં આવે તો બહારથી માત્ર ચાવી વડે જ દરવાજો ખોલી શકાય એમ હતું.

જયપાલસિંહે ઝુકીને કી હોલમાં નજર કરી, કી નું હૉલ ભમરીની માટીથી બ્લોક હતું, મતલબ ઘણાં સમયથી ચાવીનો ઉપયોગ નહોતો થયો. જયપાલસિંહે આ વાત નોંધી લીધી હતી.

ત્યારબાદ એ ડેડબોડી પાસે પહોંચ્યો. હાર્દિકનાં ગજવામાંથી જેટલી વસ્તુ હતી એ સુબોધ મિશ્રાએ એવીડન્સનાં રૂપમાં લઈ લીધી હતી અને બોડીનું એક્ઝામીનેશ પણ થઈ ગયું હતું એટલે બોડી પર ઊડતી નજર ફેરવીને જયપાલસિંહ સામેની છ ફૂટ ઊંચી દીવાલ તરફ ગયો. પ્લાસ્ટર કરેલી એ દીવાલની બે ઈંટો ઉખડી ગયેલી હતી, જયપાલસિંહે બંને ઈંટોને હાથમાં લીધી, જેમાંથી એક ઈંટ પર સુકાઈ ગયેલાં લોહીનાં નિશાન હતાં. જયપાલસિંહે તેનાં પર પોતાની આંગળી ફેરવી એટલે ઈંટોનાં કણો સાથે લોહીની બાઝી ગયેલી પોપડી પણ ઉખડી ગઈ.

જયપાલસિંહે બંને ઇંટોને પૂર્વવત સ્થાને રાખી દીધી. ત્યારબાદ તેણે દીવાલ પર હાથ રાખીને તેનાં પર ચડવાની કોશિશ કરી. દીવાલ પર ચડીને એ તેના પર ઉભો રહ્યો. દીવાલની બીજી તરફ જોઈને જયપાલસિંહે અનુમાન લગાવ્યું, જે મુજબ પાંચ ઇંચથી વધુ ઊંચાઈ ધરાવતી વ્યક્તિ આસાની દીવાલ કૂદી શકે એવું જાણવા મળ્યું હતું.

દીવાલની પેલે તરફ ખાલી પ્લોટ હતો, જેને જાળીઓ વડે કોર્ડન કરવામાં આવ્યો હતો. એ જાળી માત્ર ત્રણેક ફુટ જેટલી ઊંચી હતી અને પ્લોટમાં પ્રવેશવા માટે એક લોખંડની જાળીવાળો દરવાજો પણ હતો.

પ્લોટમાં ઉપરનું આવરણ ધૂળનું હતું. ધૂળ પર પ્લોટનાં દરવાજેથી દીવાલ સુધીનાં બે વ્યક્તિનાં પગનાં જુદી જુદી જગ્યાએ નિશાનો હતાં. સુબોધ મિશ્રાનાં જણાવ્યા અનુસાર એમાંથી એક નિશાન પુરુષનાં હતાં જ્યારે બીજા નિશાન કોઈ સ્ત્રીનાં હતાં. આંગતુક પ્લોટનાં રસ્તેથી જ ગેલેરીમાં પ્રવેશ્યો હતો એ વાતમાં હવે શંકાને કોઈ સ્થાન નહોતું. ઉપરાંત, પાછળનાં દરવાજામાંથી ચાવી વિના પ્રવેશી શકાતું નહિ એટલે આંગતુક કોઈ જાણભેદુ જ હતું એની પણ પુરી સંભાવના હતી.

જયપાલસિંહે થોડીવાર આમતેમ નજર ફેરવી ત્યારબાદ તેઓ ફરી દીવાલ કૂદીને ગેલેરીમાં પ્રવેશ્યો. જયપાલસિંહ ઘરમાં પ્રવેશ્યો ત્યારે હોલ પછીનો રસ્તો ‘ક્રાઈમ સીન’ ની પટ્ટીઓ વડે બ્લોક કરી દેવામાં આવ્યો હતો. દિપક હોલમાં ચારેય લોકોનાં સ્ટેટમેન્ટ રેકોર્ડ કરી રહ્યો હતો. એટલામાં દાદરા ઉતરીને અનિલ નીચે આવ્યો. તેનાં હાથમાં એક લેડીઝ પર્સ હતો.

“મળ્યું કંઈ ?” જયપાલસિંહે પૂછ્યું.

“ના સર…પણ અમુક માહિતી મળી છે…”અનિલે કહ્યું, “રસોડામાં બે પ્લાસ્ટિકની થેલીઓ પડી છે, જેમાં વાસી થઈ ગયેલા ઢોસા અને પનીરનું શાક છે..મને લાગે છે એ લોકોએ દારૂ પીધાં પછી જમવાનું નક્કી કર્યું હશે પણ કોઈ કારણસર જમી નહિ શક્યા હોય. રસોડામાં એક પાણીનો જગ છે, એક ડ્રોવરમાંથી બે દારૂની ખાલી બોટલ મળી છે.

ઉપરનાં રૂમને જોતા ગઈ રાત્રે કોઈએ સુહાગરાત મનાવી હશે એવું લાગે છે…ત્યાં ટેબલ પર યુઝ કરેલા ત્રણ કોન્ડોમ છે, રૂમમાં રૂમ ફ્રેશનરની સુગંધ આવે છે અને એક છોકરીનો પર્સ મળ્યો છે.

“પર્સમાં શું છે ?”

“કંઈ ખાસ નહિ, કોસ્મેટિક આઇટમો છે…થોડાં રૂપિયા છે અને થોડાં વિઝિટિંગ કાર્ડ છે..”

“કોઇ આઇડી પ્રૂફ ?”

“ના સર…”

“સારું…આ પર્સને સુધીરસરને ત્યાં મોકલી આપ”

અનિલે સહમતીપૂર્વક માથું ધુણાવ્યું. સાયરન વગાડતી એમ્બ્યુલન્સ આવી એટલે હાર્દિકની ડેડબોડીને એમ્બ્યુલન્સમાં લઇ લેવામાં આવી. એમ્બ્યુલન્સ જેટલી ઝડપી આવી હતી એટલી જ ગતિએ નીકળી ગઈ.

“સર, સ્ટેટમેન્ટ લેવાય ગયાં છે..” દીપકે આવીને કહ્યું.

“બધાને જીપમાં નાંખીને ચોકીએ લઈ લો અને હાર્દિકનાં પરિવારને તેનાં મૃત્યુની ખબર આપો” જયપાલસિંહે કહ્યું.

“એનું કોઈ નથી સર…” દીપકે કહ્યું.

“શું ?, કોઈ નથીનો મતલબ શું છે ?, કોઈક તો હશેને.. કાકા-કાકી, મામા-માસી..કોઈ દુરનો સંબંધી…”

“ના સર…આ ચારેય લોકોનાં કહેવા મુજબ હાર્દિકે કોઈ દિવસ એનાં પરિવાર કે સગા સંબંધીઓનો ઉલ્લેખ નથી કર્યો..”

“એનાં આઇડી પ્રૂફમાં જોઈ લો…એડ્રેસ તો હશેને ઘરનું..”

“અહીંનું જ એડ્રેસ છે અને એકપણ આઇડી પ્રૂફમાં પાછળ તેનાં પિતાનું નામ નથી..”

“અજીબ કહેવાય…” જયપાલસિંહે માથું ખંજવાળ્યું.

“એક કામ કરો…કોઈ ન્યૂઝ રિપોર્ટરને હાર્દિકનો ફોટો આપીને તેનાં મર્ડરનાં સમાચાર છાપવાનું કહી દો… તેનાં ઓળખીતાને જાણ થશે એટલે એ દોડતાં આવશે..”

“ઑકે સર..” દીપકે કહ્યું.

બંને વાતચીત કરી રહ્યા હતા એ દરમિયાન ભૂમિકા હોલમાં પ્રવેશી.

“સર..મેં બધા પાડોશી સાથે વાત કરી…તેઓએ એવા કોઈ વ્યક્તિને નથી જોઈ જે સંદીગ્ધ લાગે..” ભૂમિકાએ કહ્યું.

“પેલાં મી. પ્રણવ રાજ્યગુરુનું સ્ટેટમેન્ટ લીધું છે ને ?”

“હા સર..તેઓ ગઈ રાત્રે કોઈ સંબંધીને ત્યાં પ્રસંગમાં ગયાં હતાં અને રાત્રે મોડા આવ્યા હતા. પ્રણવ રાજ્યગુરુ વહેલી સવારે કસરત કરવાનાં હેતુથી અગાસી પર આવ્યાં હતાં અને ત્યારે જ તેઓએ આ લાશને જોઈ હતી અને આપણને કૉલ કર્યો હતો”

“ઠીક છે…અહીંનું કામ ઓલમોસ્ટ પતી જ ગયું છે…ઓમદેવકાકા આવે ત્યાં સુધી એક કૉન્સ્ટબલને અહીં રહેવાનું જણાવી દો અને બીજા બધા ચોકીએ ચાલો..” જયપાલસિંહે કહ્યું.

ત્યારબાદ એક જીપમાં ચારેય છોકરાને બેસારવામાં આવ્યા, જેમાં આગળ જયપાલસિંહ પોતે બેઠા હતાં અને અનિલ જીપ ચલાવી રહ્યો હતો. બીજી જીપમાં દિપક, ભૂમિકા અને અન્ય બે કૉન્સ્ટબલ બેઠાં હતાં. તુલસી પાર્કનાં ગેટની બહાર નીકળીને બંને જીપ ચોકી તરફ અગ્રેસર થઈ.

(ક્રમશઃ)