Ego - 4 books and stories free download online pdf in Gujarati

અહંકાર - 4

અહંકાર – 4

લેખક – મેર મેહુલ

“તારું પત્યું હોય તો શરૂ કરીએ ભાઈ…” શિવે કંટાળીને કહ્યું. હાર્દિક છેલ્લી દસ મિનીટથી કોઈની સાથે ચેટ કરતો હતો. હાર્દિકની આ ખરાબ આદત હતી. એ જમતી વખતે પણ મોબાઈલ મચેડતો જે કોઈને ગમતું નહિ. બધાએ એને ઘણીવાર ટોક્યો હતો પણ તેની આ આદત બદલાય નહોતી. હાલ પણ હાર્દિક મોબાઈલમાં વ્યસ્ત હતો એટલે બધાને ગુસ્સો આવતો હતો.

“થઈ ગયું…” હાર્દિકે ફોન લૉક કરીને સાઈડમાં રાખતાં કહ્યું.

શિવે એક બોટલ હાથમાં લીધી અને બુચ હટાવ્યું. પાટીયા પરનાં ચાર ગ્લાસને સીધાં કરવામાં આવ્યાં. જેમાનાં ત્રણ ગ્લાસને 25% ભરવામાં આવ્યાં અને એક ગ્લાસને અડધો ભરવામાં આવ્યો. આ અડધો ભરેલો ગ્લાસ શિવનો હતો.

ત્યારબાદ ત્રણ ગ્લાસમાં કોલ્ડડ્રીંક ઠાલવીને ગ્લાસ પુરા ભરી દેવામાં આવ્યાં. શિવે પોતાનાં ગ્લાસમાં કહેવા પૂરતું પાણી રેડ્યું.

“એક મિનિટ…હું ગીત શરૂ કરું છું..” કહેતાં જય ઊભો થયો અને પોતાનો મોબાઈલ બ્લુટુથ સાથે કનેક્ટ કર્યો.

“કયું સોંગ પ્લે કરું ?” જયે યુટ્યુબ ઓપન કરીને પૂછ્યું.

“લાવ અહીં..” કહેતાં હર્ષદે ફોન હાથમાં લીધો. બીજી તરફ હાર્દિકનાં ફોનમાં વોટ્સએપની નોટિફિકેશન પૉપ-અપ થઈ એટલે તેણે પણ ફોન હાથમાં લીધો.

હર્ષદે ‘દારૂ બદનામ’ સોંગ શરૂ કર્યું. હાર્દિક સિવાય બધાએ પોતાનો ગ્લાસ હાથમાં લીધો.

“ઓ ભાઈ…બસ કરને હવે..” હર્ષદે તરડાયેલાં અવાજે કહ્યું.

“હા…” હાર્દિકે પોતાની જ ધૂનમાં હુંહકાર ભર્યો અને ફરી ફોન લૉક કરીને સાઈડમાં રાખ્યો. ત્યારબાદ તેણે પણ પોતાનો ગ્લાસ હાથમાં લીધો.

“ચીયર્સ…” બધાએ એકબીજાનાં ગ્લાસ અથડાવ્યાં. ત્યારબાદ બધાએ એક જ શ્વાસે પોતાનાં ગ્લાસમાં રહેલો દારૂ પેટમાં ઠાલવી દીધો. હાર્દિક અને જયનો પેગ લાઈટ હતો એટલે તેઓને વધુ તકલીફ ના થઇ પણ હર્ષદ અને શિવની પેટમાં દારૂ ઠલવાયો એટલે બંનેની આંખો મીંચાઈ ગઈ. ખાસ, શિવનાં પેટમાં ગરમ શેરડો પડ્યો હતો.

હાર્દિકે વેફરનું એક પેકેટ ખોલ્યું એટલે બધાએ પોતાને પસંદ એવા બાઇટિંગ હાથમાં લીધાં. બેકગ્રાઉન્ડમાં દારૂને લગતા ગીતો વાગતાં હતાં, એટલે બધાનો જુસ્સો વધતો જતો હતો. શિવે ગજવામાંથી સિગરેટનું પેકેટ કાઢીને તેમાંથી બધાને સિગરેટ આપી.

“ઓ ભાઈ…” શિવે હાર્દિકને ઉદ્દેશીને મોટાં અવાજે કહ્યું, હાર્દિકનાં હાથમાં મોબાઈલ હતો.

“હં…” હાર્દિકે ઊંચું જોઈને કહ્યું.

“ડબ્બો પાસ કર…”

હાર્દિકે ટીપાઈ પરથી ડબ્બો લઈને પાટીયા પર રાખ્યો.હાર્દિક સિવાય બધાએ સિગરેટ સળગાવી અને ઊંડા કશ ખેંચવા લાગ્યા.

“કોની સાથે વાત કરે છે તું ?” હર્ષદે પુછ્યું.

“કોઈ નહિ…” કહેતાં હાર્દીકે ફોન લૉક કરીને બાજુમાં રાખી દીધો અને સિગરેટ સળગાવી.

વારાફરતી ચાર પેગ ભરવામાં આવ્યાં. ધીમે ધીમે બધાને નશો ચડી રહ્યો હતો. ચાર પેગ પુરા થયાં એટલે એક બોટલ ખાલી થઈ ગઈ. અહીં જય અને હર્ષદની લિમિટ પુરી થઈ ગઈ હતી. તેઓ નશામાં ધૂત થઈ ગયા હતાં. જય તો આંખો પણ નહોતો ખોલી શકતો. હવે બધાની જીભ પણ લથડવા લાગી હતી. અત્યારે એક જ વ્યક્તિ ભાનમાં હતો, ભાર્ગવ.

ભાર્ગવ શરૂઆતથી જ ચૂપ બેઠો હતો. જો એ ફ્રેમમાં આવ્યો તો એને પણ દારૂ પીવા માટે ફોર્સ કરવામાં આવશે એની તેને જાણ હતી. અને ખરેખર એવું જ થયું. હર્ષદને ચડી ગઈ હતી એટલે એ લવારી કરવા લાગ્યો હતો અને તેનું ધ્યાન ભાર્ગવ પર પડ્યું હતું.

“ઑય ડાર્લિંગ…એક પેગ લગાવ ચલ…” હર્ષદે બત્રીસી બતાવીને પોતાનો ખાલી ગ્લાસ હાર્દિક તરફ ધકેલીને કહ્યું.

“ના ભાઈ…મારે નથી પીવું હો..” ભાર્ગવે ઇન્કાર કરતાં ગ્લાસને દૂર ધકેલી દીધો.

“એમ ક્યાંથી નથી પીવું…તારે પીવું જ પડશે…તને તારા ભાઈની કસમ છે…તારો ભાઈ તને વ્હાલો છે ને..!” હર્ષદ ભાર્ગવને ઇમોશનલ બ્લેકમેલ કરવા લાગ્યો. હર્ષદને ખરેખર ચડી જ ગયું છે એનું પ્રમાણ તેની આ બ્લેકમેલ કરવાની રીત બતાવી રહી હતી.

“ના ભાઈ…કસમ ના આપ….હું કસમ વિના પણ પી લઉં…પણ રાત્રે મમ્મી-પપ્પા આવશે એટલે પીવાનો સવાલ જ નથી..” ભાર્ગવે દારૂ ન પીવાનું કારણ જણાવ્યું.

“ઑય ભડવા…મોબાઈલ સાઈડમાં રાખ..” ભાર્ગવને સાઈડમાં રાખીને હર્ષદ, હાર્દિક પર આવ્યો. છેલ્લી એક કલાકથી હાર્દિક વારંવાર મોબાઈલ હાથમાં લઈને બાજુમાં રાખતો હતો.

“મારે વોશરૂમ જવું છે..” કહેતાં જય ઉભો થયો, જય એક ડગલું આગળ ચાલ્યો એટલે લથડાઈને એ દીવાલનાં સહારે આવી ગયો.

“લઈ જા આને ભાઈ…” શિવે ભાર્ગવ તરફ જોઈને કહ્યું. ભાર્ગવ ઉભો થઈને જય પાસે ગયો, જયનું બાવડું ઝાલીને એ તેને બહાર લઈ ગયો.

“તું પેગ બનાવ…” હાર્દિકે શિવને કહ્યું.

“મારો ના બનાવતો….પછી ઉલ્ટી થશે…” હર્ષદે કહ્યું.

શિવે બીજી બોટલ ખોલી અને તેમાંથી બે પેગ ભર્યા. આ વખતે શિવે બંનેનાં ગ્લાસ અડધા ભર્યા હતાં.

“આજે કોઈએ નિટ નથી પીધોને ?” હર્ષદે પુછ્યું.

“ના…” શિવે કહ્યું.

“બંનેમાંથી કોણ વધુ નિટ પી શકે ?” હર્ષદે પોતાનાં શૈતાની દિમાગથી જાળું બિછાવ્યું.

“હું…” હાર્દિકે કહ્યું.

“ઓ ભાઈ…શિવની તને ખબર નથી…ગટર છે આ..” કહીને હર્ષદે હાર્દિકને ચેલેન્જ લેવા ઉકસાવ્યો.

“ચાલો તો આજે થઈ જાય…” હાર્દિક એ જ બોલ્યો જે હર્ષદને સાંભળવું હતું.

“ના ભાઈ…નિટ નહિ..” શિવે ઇન્કાર કરતાં કહ્યું.

“કેમ ફાટ્ટી રહી ?” હાર્દિકે શિવને ઉકસાવવા કહ્યું.

“એવું ?” શિવે પોતાની આંખો ચમકાવી, “આવી જા તો મેદાનમાં…”

“પણ એક શરત છે..” હર્ષદે કહ્યું, “જજ હું છું અને બંનેનાં પેગ પણ હું જ ભરીશ…”

“ડન…” બંનેએ કહ્યું.

હર્ષદે દારૂની બોટલ હાથમાં લીધી અને અડધા ભરેલા દારૂનાં ગ્લાસને પુરા ભરી દીધાં.

“એક જ શ્વાસે હો…” બંનેને પોતાનાં ગ્લાસ હાથમાં આપતાં હર્ષદે કહ્યું.

“હોવ..” કહેતાં બંનેએ એકબીજાનાં ગ્લાસ અથડાવ્યાં અને આંખો બંધ કરીને બંનેએ એક જ શ્વાસે ગ્લાસ ખાલી કરી દીધાં. ગ્લાસ પૂરો થયો એટલે હાર્દિક ઉધરસ ખાવા લાગ્યો. કોઈએ સળગતા અંગાર પેટમાં ઠાલવ્યા હોય એવી રીતે હાર્દિકે પેટ પર હાથ રાખ્યો.

બીજી તરફ શિવને હાર્દિક કરતાં ઓછી તકલીફ પડી હતી. શિવ પહેલેથી જ દારૂમાં ઓછું પાણી રેડતો એટલે તેનાં માટે આ સામાન્ય હતું.

“સિગરેટ લાવ ***” હાર્દિકે કહ્યું.

હર્ષદ હળવું હસ્યો. હાર્દિકને અસર થઈ રહી હતી એ તેની ગાળ બોલવાની રીત પરથી જણાતું હતું. હર્ષદે બંનેને સિગરેટ સળગાવીને આપી. હાર્દિકે ઊંડો કશ ખેંચ્યો અને પોતાનાં શરીરને બેડ પાછળની દીવાલ પર ટેકવી દીધું.

“તો તું હાર માને છે ?” હર્ષદે જાણીજોઈને હાર્દિકને પુછ્યું.

“ના.. બીજો પેગ ભરીને તૈયાર રાખ..” બીજો કશ ખેંચતા હાર્દિકે કહ્યું.

હર્ષદે બીજીવાર દારૂનાં પુરા ગ્લાસ ભર્યા. એ દરમિયાન જય અને ભાર્ગવ પણ પરત ફરી ગયાં.

“ચાલો પી જાઓ…” કહેતાં હર્ષદે બંનેનાં હાથમાં ગ્લાસ થમાવ્યા.

“તારી પાસે હજી તક છે…હાર માની લે…” હાર્દિકે શિવ તરફ જોઈને કહ્યું.

“હું પણ તને એ જ કહું છું…” કહેતાં શિવે આંખો બંધ કરી અને ઊંડો શ્વાસ ભરીને પેટમાં ગ્લાસ ખાલી કરી દીધો. હાર્દિક ફાટી આંખે તેને જોઈ રહ્યો. હાર્દિક માટે નિટ પીવો અઘરું કામ હતું. તેણે મોઢું બગાડ્યું.

હાર્દિક હવે દારૂ પીવા નહોતો માંગતો પણ અત્યારે તેની ઈજ્જત દાવ પર હતી એટલે કોઈ પણ હિસાબે અત્યારે પીછેહટ નહોતી કરવાની. હાર્દિકે ઊંડો શ્વાસ લીધો, ત્યારબાદ નાક પર આંગળી રાખીને નાક દબાવી દીધું અને પૂરો પેગ પેટમાં ઠાલવી દીધો.

“બસ ભાઈ હવે…હાર માની લીધીને ?” હર્ષદે હાર્દિકની આંખોમાં આવેલા આંસુ જોઈને કહ્યું. બીજા નિટવાળા પેગને કારણે હાર્દિકની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. આ વખતે પણ લાવારસ પેટમાં દડતો હોય એવું હાર્દિક મહેસુસ કરી રહ્યો હતો.

“ના ભાઈ ના…હાર્દિક આજસુધી હાર્યો નથી અને હારશે પણ નહીં….બનાવ બીજો પેગ…”

“શિવ…તારે શું છે ?” હર્ષદે શિવ તરફ જોઈને કહ્યું.

“હજી તો મને સરખું ચડ્યું પણ નથી…” શિવે હસીને કહ્યું.

હર્ષદે ફરી બે પેગ ભર્યાં. બંનેએ જુદી જુદી રીતે એ પેગ ખાલી કર્યા. આખરે ચોથો નિટ ખાલી થયો ત્યારે દારૂની બોટલ ખાલી થઈ ગઈ હતી.

“બોલ ***, કોણ હાર્યું ?, હાર્દિક કોઈ દિવસ હાર્યો નથી અને હારશે પણ નહીં…”

“ઓ ભાઈ…મેં ક્યાં હાર સ્વીકારી છે ?” શિવે કહ્યું.

“તું આમ પણ હારેલો માણસ છે…” હાર્દિક હવે નશામાં ધૂત મનફાવે એમ બોલવા લાગ્યો, “આપણે બંને એક સાથે બેન્કમાં જોડાયા હતા. અત્યારે હું સેલ્સ મેનેજર બની ગયો છું અને તું હજી એ જ RO છે..”

“એક મિનિટ ભાઈ…એ વાતને અને આ વાત સાથે કેમ જોડે છે ?” હર્ષદે વચ્ચે કૂદતાં કહ્યું.

“તું પણ ચૂપ રહે જાડીયા…તે પણ કંઈ ઉખાડી નથી લીધું…ખાધા સિવાય તારે બીજું કંઈ કામ છે કે નહીં...મફતનું ખાઇ ખાઇને પેટમાં જ ઠુસે છે…એ તો મારો આભાર માન કે તું હજી બેન્કમાં જ છે…જો મારો હાથ તારા પર ના હોત તો ક્યારનોય કાઢી નાંખ્યો હોય તેને…”

“અને તું મારા ભરોસે જીવે છે એનું શું ?” હર્ષદે પણ ઝેર ઓક્યું, “ભાઈ પાંચસો રૂપિયા આપને.. પેલીને ફરવા લઈ જવી છે, બસ્સો રૂપિયા આપને પેલીનાં મોબાઈલનું રિચાર્જ કરાવવું છે…એટલે અમે શું તારી રખેલની સેવા જ કરવા બેઠા છીએ ?”

“રખેલ ના બોલ એને…” હાર્દિક રીતસરનો બરાડ્યો.

“કેમ મરચાં લાગ્યાં ?” શિવ બોલ્યો, “જ્યારે તારી ગર્લફ્રેન્ડને તારો દોસ્ત છીનવી ગયો હતો ત્યારે તો એને કેવી કેવી ગાળો આપી હતી. તારાં દોસ્તને ભડવો કહેતો હતો. હવે તું જ મારી ગર્લફ્રેન્ડને છીનવી ગયો ત્યારે તને શું કહું ?”

“તારી વાળી સામેથી લેવા આવી હતી…” હાર્દિકે કહ્યું, “હું પેલાની જેમ જીભ લબડાવતો લબડાવતો પાછળ નહોતો ગયો”

“પરિણામ શું આવ્યું ?” શિવે ગુસ્સામાં કહ્યું, “એ પણ પેલીને રૂમે લઈ જતો અને તું પણ…”

હાર્દિક ચૂપ થઈ ગયો. થોડી પળો બાદ એ ગુસ્સામાં બોલ્યો,

“હા…હું જ ભડવો છું..હું જ બધાની ગર્લફ્રેન્ડને છીનવી લઉં છું…જે કહો છો એ હું જ છું..” હાર્દિકે નફટાઈથી અને કાનમાં ધાક પડી જાય એવા અવાજે કહ્યું. એટલામાં દરવાજો ખુલ્યો, ભાર્ગવ અને જય રૂમમાં પ્રવેશ્યાં. જયની હાલત જોઈને તેણે થોડીવાર પહેલાં ઉલ્ટી કરી હશે એવું લાગતું હતું. શિવે એનાં પર ધ્યાન ન આપ્યું અને હાર્દિકની વાતનો ગુસ્સામાં જવાબ આપ્યો,

“અવાજ નિચો રાખ અથવા વાત કરવાનું બંધ કરી દે…”

“આ ઘર તારાં બાપનું નથી $*$&” હાર્દિક હવે હદ વટાવી ગયો હતો.

“બાપ ઉપર ના જા કમજાત…તને તારા બાપ વિશે પણ નથી ખબર..” શિવે પલટવાર કર્યો.

“મને બધી જ ખબર છે…અને મારે કોઈને જણાવવાની જરૂર નથી…તું મારો બાપ નથી અને તારે બનવાની પણ જરૂર નથી…આ ઘરનું ભાડું હું પણ આપું છું.. હું અહીં કંઈ પણ કરી શકું..કોઈ પણ છોકરીને લાવી શકું…હું ધારું તો તારી બેનને પણ….”

હાર્દિકની વાત અધૂરી રહી ગઈ, એ પહેલાં જ શિવ ચિત્તાની ગતિએ હાર્દિક પર લપક્યો, સાથે હાર્દિકનાં મોઢા પર એક મુક્કો માર્યો. હાર્દિક બેડનાં પાટીયા સાથે અથડાયો.

“શિવ…” હર્ષદે શિવને રોકવાની કોશિશ કરી પણ ભાર્ગવે તેને અટકાવી દીધો.

“સાલા..મારા પર હાથ ઉઠાવે છે…” કહેતાં હાર્દિક લથડાઈને બેઠો થયો અને શિવનાં ગળે બંને હાથનાં પંજા વડે શિવને દબોચવા લાગ્યો. સામે શિવ પણ હાર્દિકનાં ગળને બે હાથ વચ્ચે દબાવી દીધું. બંને સામસામે તાકાત લગાવી રહ્યા હતાં અને સાથે ગાળો બોલી રહ્યા હતાં. આશ્ચર્યની વચ્ચે એ બંનેને છુટા પાડવા કોઈ આગળ નહોતું આવતું. હાર્દિકને પોતાની હાર નજર સામે દેખાતાં તેણે ગળેથી પકડ છોડી દીધી અને શિવનાં પેટ પર બળ પૂર્વક મુક્કો માર્યો. શિવને પથરીની બીમારી હતી એ વાત હાર્દિક જાણતો હતો.

જેવો હાર્દિકે શિવનાં પેટમાં મુક્કો માર્યો એટલે હાર્દિકની પકડ છૂટી ગઈ અને એ પેટ પર હાથ રાખીને ગુંડલું(અંગ્રેજી આઠડો) વળી ગયો. હાર્દિકે આ તકનો લાભ ઉઠાવ્યો અને શિવનાં શર્ટને પકડીને ખેંચ્યો.

શરરરર…અવાજ સાથે શિવનો શર્ટ ચિરાઈ ગયો. એ જ સમયે ભાર્ગવ વચ્ચે કુદ્યો.

“બસ કરો હવે…” કહેતાં તેણે હાર્દિકને ધક્કો માર્યો.

“તું વચ્ચે ના આવ ભાર્ગવ…નહીંતર ખોટું થશે…” હાર્દિકે ચેતવણી આપતાં કહ્યું.

“હા ભાર્ગવ…આજે કાં તો આ મરશે, કાં તો હું…અને હું આજે આને જીવતો નથી છોડવાનો…” શિવે બેઠા થતાં કહ્યું.

“તું ચૂપ રે…અને હર્ષદ, તું આને બહાર લઈ જા..” ભાર્ગવે કહ્યું.

“ચાલ ભાઈ…” કહેતાં હર્ષદે હાર્દિકનો હાથ પકડ્યો.

“ના છોડી દે મને…મારે એને મારવો છે..” હાર્દિક હવે લવારી કરવા લાગ્યો હતો.

“મને મારી લેજે..તું બહાર ચાલ..” કહેતાં હર્ષદે તેનો હાથ ખેંચ્યો. હાર્દિક ના.. ના.. કહેતો રહ્યો પણ હર્ષદ બળજબરી પૂર્વક એને બહાર લઈ ગયો અને ખુરશી પર બેસારી દીધો.

“હું એને નહિ છોડું…સાલો મારી ગર્લફ્રેન્ડને છીનવી ગયો અને હવે મારી બેન વિશે આવું ખરાબ બોલે છે..” હાર્દિકને બહાર લઈ ગયા બાદ શિવે પણ લવારી શરૂ કરી. બંનેનર હદથી વધુ નશો ચડી ગયો હતો, બંને હવે સરખા ઉભા રહે એવી સ્થિતિમાં પણ નહોતાં….તો પણ બંને એકબીજાને મારવાની વાતો કરતાં હતાં.

અડધી કલાક બંને એકબીજા વિશે ખરુખોટુ બોલતાં રહ્યાં અને આખરે લવારી કરતાં કરતા જ ઢળી ગયાં. હર્ષદે બહાર હાર્દિક માટે ગાદલું પાથરી દીધું અને તેને ત્યાં જ સુવારવીને બે ગોદડાં માથે નાંખી દીધાં. અહીં ભાર્ગવે પણ શિવને બેડ પર સુવરાવી દીધો. મોહિત તો આ લડાઈ શરૂ થઈ એ પહેલાનો ખૂણામાં ઢળી પડ્યો હતો.

હવે માત્ર ભાર્ગવ અને હર્ષદ જ જાગતાં હતાં. રાતનાં સાડા બાર થવા આવ્યા હતા.

“હું હવે નીકળું..” ભાર્ગવે કહ્યું, “મમ્મી-પપ્પા આવતાં જ હશે”

“વાંધો નહિ…” હર્ષદે કહ્યું.

“તું અહીં બારણાં પાસે જ સુઈ જજે…આ બંનેને વધુ પડતો નશો થઈ ગયો છે…ઊંઘમાં પણ બંને એકબીજાને મારવાનું જ વિચારતાં હશે… બે માંથી કોઈપણ જાગે અને લવારી કરે તો મને ફોન કરજે..” ભાર્ગવ સલાહ આપીને હતો રહ્યો.

પહેલાં પણ આવી રીતે નશો કરીને કોઈને કોઈનો ઝઘડો થતો જ, પણ આ વખતે બંને મારામારી પર ઉતરી આવ્યાં હતાં. સવારે નશો ઉતરશો એટલે બંને સમજી જશે એમ વિચારીને હર્ષદે છેલ્લી સિગરેટ સળગાવી અને થોડાં કશ ખેંચીને એ સુઈ ગયો.

(ક્રમશઃ)