My Poems - Part 3 books and stories free download online pdf in Gujarati

મારા કાવ્યો - ભાગ 3

લેખનો પ્રકાર:- કાવ્ય
કાવ્યના રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની


રંગ રહસ્ય

છે રહસ્યમય રંગ એ કાચિંડાનો
બદલાય છે વારંવાર.
મજબૂરી છે એની વગર ઈચ્છાએ
બદલાય છે એનો રંગ.
ખબર નથી એને કે આ તો
વરદાન છે એને જીવ બચાવવા,
પણ સમજ નથી પડતી કે
શા માટે માનવી બદલે છે રંગ?
નથી જાણતું કોઈ કે શું છે
માનવીના મનનો રહસ્યમય રંગ?
શાને બદલાય છે વારે ઘડીએ
જોઈ સધાતો સ્વાર્થ?
શું પરોપકારનો રંગ છે એટલો
રહસ્યમય કે સ્વાર્થનાં રંગ આગળ
બને છે અદ્રશ્ય?


સમુદ્ર

છે કંઈ કેટલુંય સમુદ્રમાં,
મળ્યો કેટલોય ખજાનો સમુદ્રમાં.
ન્હોતી ખબર કોઈને આ ખજાનાની,
જાણ્યું જ્યારે થયું સમુદ્ર મંથન.
તુલસી આવ્યાં, આવ્યાં કામધેનુ,
આવી અપ્સરાઓ અને આવ્યો
ઘણો ખજાનો, વહેંચાય ગયો
દેવ દાનવ વચ્ચે.
સૌ કોઈ મેરુ ફેરવતાં હતાં
મેળવવાને અમૃત, પણ જાણે
સમુદ્રના રાજાએ નક્કી કર્યું હતું
પહેલાં તો આપીશ વિષ જ,
આવ્યો ધગધગતો કુંભ ભરીને
હળાહળ વિષ.
રાહ જોતા અમૃતની ડર્યા સૌ
દાનવ દેવ.
બસ પીધો એ જામ એક માત્ર બહાદુરે,
પીધો એ મારા ભોળા શંભુએ.
ઝુકયા સૌ દેવ દાનવ, પડ્યા પગે
એ સમુદ્રના દેવ.
આવ્યા લઈને અમૃત.
આભારી સૌ થયાં એ મહાદેવનાં,
એ નીલકંઠ શિવ શંભુનાં.
🙏 હર હર મહાદેવ 🙏


આશ્રયસ્થાન

છે સફારી પ્રાણીઓનું આશ્રયસ્થાન,
મળે છે એમને પ્રેમ, કાળજી અને હૂંફ ત્યાં.
મળે છે ભોજન મનભાવતાં.
આવે છે નિતનવા સહેલાણીઓ દરરોજ.
હરખાય છે સૌ જોઈ અવનવા પ્રાણીઓ!
કોઈને ગમે વાંદરો, તો કોઈને વાઘ,
કોઈ પસંદ કરે સિંહ તો કોઈ જીરાફ,
કોઈને વ્હાલા પ્રાણીઓ તો કોઈને ગમે પક્ષીઓ.
નથી પરવા કોઈને કે એ પ્રાણી કે પક્ષીને શું ગમે?
ભલે મળે મોટું આશ્રયસ્થાન,
ભલે મળે પ્રેમ, હૂંફ અને કાળજી,
પરંતુ ક્યારેય નહીં મળે એ આઝાદી
જે એમને મળે છે જંગલોમાં.
સફારીમાં રહે છે એઓ એક
નાનકડા વિસ્તારમાં, ભલે એ હોય
ગમે એટલો મોટો, જંગલ જેટલો તો નહીં જ.
ઉડે છે પક્ષીઓ પાંજરામાં, કેમ કરશે
આ પક્ષીઓ મજબૂત પાંખ, જે ઉડે છે થોડું.
ભલે વાઘ સિંહને મળે ભાવતું ભોજન,
પણ ન લઈ શકે આનંદ શિકાર કરવાનો.
ન મળે દૂર દૂર સુધી ફરવા,
બસ, મારવા પડે આંટા આમથી તેમ.
થાય ઉપાધિ ત્યારે જ્યારે ચીડવે સહેલાણીઓ.
આવે ગુસ્સો અને ડરાવે બધાને.
છે સફારી આશ્રયસ્થાન, પણ
ન લઈ શકે ક્યારેય જંગલનું સ્થાન.


માનવદેહ

સુખ ભર્યું છે, દુઃખ ભર્યું છે,
લાગણીઓનું પૂર ભર્યું છે,
નફરતનાં દરિયા છે, તો
વ્હાલનું ઝરણું છે.
ક્યારેક કોઈ ગમી જાય છે,
પહેલી જ નજરમાં તો ક્યારેક
સાથે રહીને નીકળી જાય છે
આખુંય આયખું ને છતાંય
એકબીજાને ઓળખી શકતાં નથી.
પામી શક્યું નથી કોઈ કે
શાને થાય છે આવું?
છે આ એક વણઉકેલ્યુ રહસ્ય,
છે આ માનવદેહરૂપી
હવેલીનું રહસ્ય, જેમાં રહે છે
તો ઘણાં પણ કેટલાંક,
આપણી મરજીથી, કેટલાંક
જબરદસ્તીથી.


મધ્યમાં

કેમ કરી પહોંચું સામા કિનારે,
ઊભી છું મધ્યમાં, બંને છેડે પોતાનાં,
કોની સાથે રહું અને કોને છોડી દઉં,
એક બાજુ એ બધાં જેમણે મને
ઉછેરી મોટી કરી લાડકોડથી,
બીજી બાજુ બધાં અજાણ્યા,
જઈ રહી છું છોડી પોતાના,
બનાવવા અજાણ્યાને જાણીતા.
જવું તો પડશે જ સામા કિનારે,
નથી ખબર શું થશે આગળ?
પહોંચીશ સામા કિનારે કે
અટવાઈશ મધદરિયે?
છે રિવાજ સમાજનો કે
લગ્ન કરીને તો સાસરે જ જવું પડે,
શા માટે ફરજીયાત છે આ?
ના તૈયાર હોય કોઈ તો શા માટે મનાવે?
રહેવા દો સૌને જેમ રહેવું છે એમ.
નથી જવું કોઈએ સામા કિનારે,
તો શા માટે મોકલવા સામા કિનારે?

વાંચવા બદલ આભાર🙏
સ્નેહલ જાની