Ascending and descending - 3 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 3

Featured Books
Categories
Share

આરોહ અવરોહ - 3

પ્રકરણ - ૩

આધ્યા મલ્હારને જોતાં બોલી, " પણ તમે એક્સ્ટ્રા પેમેન્ટ શા માટે કર્યું મને સમજાયું નહીં. કારણ કે એને પેમેન્ટ ઓછું તો નહીં જ માગ્યું હોય એ મને બરાબર ખબર છે."

મલ્હાર : " એની ચિંતા તમે છોડો."

આધ્યા : " ભલે આમાં મને કંઈ પણ મળે કે ના મળે પણ મને એ તો ખબર છે આ શકીરા હાઉસમાં મારાં માટેનું પેમેન્ટ સૌથી તગડું વસૂલાય છે‌. પણ તમે તો મને હાથ પણ લગાડ્યો નથી તો મારાં માટે ફક્ત કંઈ કર્યા વિના એક રાત માટે આટલાં પૈસા આપવાનું કારણ?"

મલ્હાર : " એની ચિંતા ન કરો. સમય આવ્યે બધું સમજાઈ જશે. તમે આરામ કરો."

આધ્યા અચકાતાં બોલી, " કોઈ મારાં જેવી કોલગર્લ જેવી છોકરી સાથે આટલી સહાનૂભૂતિ દર્શાવે એ મારા માટે બહું જ નવાઈની સાથે ચિંતાજનક વાત પણ છે."

" બસ કદાચ કોઈ લાગણનો સંબંધ એવું સમજી લો."

આધ્યા: " જો આવું જ કહો છો તો પહેલાં તમે મને તમે નહીં તું જ કહેજો‌. તમારાં મનમાં શું ચાલી રહ્યું છે એ તો મને નથી ખબર પણ એક રાત માટે મારી આ સ્થિતિમાં મને આરામ આપવા અને મારી આટલી દરકાર કરવા માટે તમારો આ ઉપકાર કદી નહીં ભૂલું. સાચું કહું તો આજે મારી કોઈ જ સ્થિતિ કે ઈચ્છા પણ નહોતી. આજે મારી આરામ કરવાની બરાબર ઈચ્છા હતી પણ અહીં ઈચ્છા જેવું કંઈ હોતું જ નથી. બસ કદાચ નસીબ જ આ છે."

મલ્હાર : " એ મારી ફરજ છે. કદાચ તમારી જગ્યાએ બીજું કોઈ હોત તો પણ હું આવું વિચારત."

આધ્યા: " પણ તમારે તો તમારી શરીરની ભૂખ જ સંતોષવી હતી ને? એ તો તમે કહ્યાં મુજબ સોના પણ આપી જ શકત. એ તો મારાથી પણ વધારે સુંદર છે."

મલ્હાર : " કેમ એનાં માટે જ હું આવ્યો છું એવું તમે કેમ માની લીધું?"

આધ્યા સહેજ હસીને બોલી," પહેલાં તો તું જ કહો. બીજું આ શકીરા હાઉસ ભલે ઓફિશિયલ રીતે જાણીતું કોલ સેન્ટર નથી પણ આવનાર માણસ એ તો જાણે જ છે કે અહીં શું ચાલે છે માટે અહીં કોઈ માણસ હરવા ફરવા કે કોઈને મલવા તો ન જ આવે કારણ કે અહીં રહેનાર કોઈને પણ સગા વ્હાલા જેવું હોતું જ નથી... આટલાં વર્ષોમાં આજ સુધી દરેક પુરુષ શરીરની ભૂખ સંતોષવા માટે જ અહીં જ આવતો મેં જોયો છે."

મલ્હાર હસીને કદાચ વાત બદલતો હોય એમ બોલ્યો," એવું નથી હું પણ એનાં માટે જ આવ્યો હતો પણ તમારી આ સ્થિતિ હતી એટલે થોડું...બસ બીજું કંઈ નહીં..." કહીને જાણે હવે આ વાતમાં આગળ ન વધવા માંગતો હોય એમ ત્યાં જગમાં રહેલું પાણી લઈને ગટગટાવી ગયો...!

આધ્યા મનમાં વિચારવા લાગી કે આ વ્યક્તિ જરૂર કોઈ મકસદ સાથે આવી છે કે પછી કોઈ સંબંધ સાથે. બાકી તો...આવનાર દરેક પુરુષો ભલે નાની ઉંમરના હોય કે મોટી પણ મને....!

મલ્હારે આધ્યાનો ફરી એકવાર હાથ પકડ્યો એ સાથે જ એનાં દેહમાં એક ઝણઝણાટી વ્યાપી ગઈ. આધ્યા વિચારવા લાગી કે આ વ્યક્તિ તરફ કેમ મને કંઈ આકર્ષણ અનુભવાઈ રહ્યું છે સમજાતું નથી. એવું કેમ થાય છે કે આ વ્યક્તિ હંમેશા મારી સાથે જ રહે. બીજી જ ક્ષણે એ વર્તમાનમાં આવીને વિચારવા લાગી કે મને કોઈ એક વ્યક્તિ માટે જીવવાનો હક જ નથી કદાચ કુદરતે મને એ માટે બનાવી જ નથી લોકોની અધૂરી, અતૃપ્ત ઇચ્છાઓ કે હવસને પૂર્ણ કરવા માટે...કાશ! મારે પણ... વિચારતાં જ એનાં આંખોનાં ખૂણા ભરાઈ આવ્યાં.

આધ્યાને વિચારોમાં ખોવાયેલી જોઈને મલ્હાર બોલ્યો, " ચિંતા ન કર. હું તો તને તાવ છે કે નહીં એ ચેક કરું છું. તને પ્રોમિસ કર્યું ને આજે ફક્ત તારે આરામ કરવાનો છે તને કોઈ હેરાન નહીં કરે."

આધ્યા થોડી અચકાતી બોલી, " હવે અત્યારે તો બરાબર ઉતરી ગયો હોય એવું લાગે છે. તમારી જે ઈચ્છા હોય એ પૂર્ણ કરી શકો છો કારણ કે તમારાં પૈસા પણ એમ તમે બગાડશો તો નહીં જ ને? અને મારી ફરજ પણ છે તમારી ઈચ્છા પૂર્ણ કરવી. કોઈ પાસેથી એમ જ પૈસા વસૂલવા મારી નીતિ નથી."

" અરે ! સોરી હું પણ શું અડધી રાત્રે વાતો એ વળગી ગયો. ચાલ હવે સૂઈ જા એ જ મારી ઈચ્છા છે. પાછું સવારે તું વ્યસ્ત થઈ જઈશ એટલે આરામ નહીં મળે. સવારે તું તૈયાર થઈ જવી જોઈએ, બરાબરને? "

આધ્યાને પહેલીવાર આજે કોઈએ પોતીકા હકભાવથી કહ્યું હોય એવું અનુભવાયું.એ મનોમન કુદરતનો આભાર માનવા લાગી પણ એને એ પણ ખબર છે કે અહીં આવનારા તો બે ઘડી મજા કરીને જતાં રહેનારા લોકો છે એને તો આ કાળકોટડીમાં જિંદગી વીતાવવાની છે. એનું હૈયું ભરાઈ આવ્યું. એ સામે કંઈ બોલી જ ન શકી.

મલ્હાર એની મનોવ્યથા સમજી રહ્યો હોય એમ એણે આધ્યાનો હાથ પકડીને એને બેડ પર સુવાડી દીધી. એનાં કપાળ પર નાનાં બાળકને સુવાડે એમ હાથ પસવારવા લાગ્યો‌. આધ્યા પાંચ જ મિનિટમાં સૂઈ ગઈ....ને એ જ બેડમાં સહેજ દૂર મલ્હાર પણ દીવાલને ટેકે સૂઈ ગયો....!

**********

સવાર પડતાં જ રૂમમાં રહેલાં અજવાળું લાગતાં આધ્યા સફાળી બેઠી થઈ ગઈ. શરીરનો થાક તો ઘણો ઉતરેલો લાગ્યો. મન પણ થોડું હળવાશ અનુભવતું લાગ્યું. અચાનક એને યાદ આવ્યું એણે જોયું તો રૂમમાં એ એકલી જ દેખાઈ. મલ્હાર ક્યાંય દેખાયો નહીં. જાણે કોઈ સુંદર સ્વપ્ન આવ્યું હોય એમ મલ્હાર એક રાતમાં આવીને ક્યાં ગાયબ થઈ ગયો હશે?

એનું મન જાણે ભારે થઈ ગયું જાણે એનો કોઈ પ્રિયતમ એને છોડીને જતો રહ્યો હોય એવું આજે પહેલીવાર અનુભવાયુ બાકી તો એ દરેક આવનાર માણસનાં જવાની જ રાહ જોતી હોય. અને એ વ્યક્તિઓનાં જતાંવેંત એક મોટો હાશકારો અનુભવતી.પણ આજે એનાંથી ઉલટું કેમ થઈ રહ્યું છે. એનાં મનમાં રઘવાટ થવા લાગ્યો.

એ વિચારવા લાગી કે એ જતો રહ્યો પણ કોણ હતો કે એ ક્યાં રહે છે શું કરે છે કંઈ જ ખબર નથી. મારે એને ફરી મળવું છે પણ કેવી રીતે શક્ય બને? વળી, કાલે રાતે અમારી વચ્ચે એવું કંઈ બન્યું નથી કે એ મજબૂર બનીને ફરીવાર મારી પાસે આવે.

પણ સાત વાગી ગયાં એને મને જગાડી પણ નહીં. એ ક્યારે નીકળી ગયો એ તો ખબર નથી પણ એનાં ગયાં બાદ કેમ કોઈ મને બોલાવવા નથી આવ્યું સમજાતું નથી. બાકી તો મને આ રીતે રૂમમાં થોડીવાર નો નિરાંત મળે એવું લાગતું નથી. એણે ઉભી થઈને ફટાફટ ત્યાં ચાદર સરખી કરી. ને તકિયા સરખાં મૂકવા ગઈ ત્યાં જ એક ચીઠ્ઠી અને દવા પડેલી દેખાઈ.

બેચેન બનેલા મનથી આધ્યાએ ચીઠ્ઠી ખોલીને જોયું તો એમાં લખેલું દેખાયું,

"આજ રાતની વાત કોઈને કરીશ નહીં કે શું બન્યું છે કે કંઈ નથી બન્યું. દવા મૂકી છે એ લઈ લેજે. છતાં પણ ફેર ન પડે તો ડૉક્ટર પાસે અચૂક બતાવી લેજે. હું પાછો આવીશ...ફરીથી. ધ્યાન રાખજે. આઠ વાગ્યા સુધી તને કોઈ કશું કહેશે નહીં આરામ કરી લેજે.

- મલ્હાર "

એક નિસાસો નાખતાં બોલી, " ડૉક્ટર પાસે બતાવવા કોણ લઈ જશે? આજ સુધી અહીંથી બહારની દુનિયા ભાગ્યે જ જોવા મળી છે. કંઈ થશે તો પેલો બબૂચક ડૉક્ટર આવી જશે‌...કોણ જાણે શું દવા આપે છે સમજાતું નથી..."

આધ્યાને હવે સમજાયું કે મારાં માટે આઠ વાગ્યા સુધીનું પેમેન્ટ કરાયું છે એટલે મારાં નામની આટલી શાંતિ છે. એણે ત્યાં રહેલી બે ગોળી પાણી વિના જ ગટગટાવી દીધી કારણ કે પાણી તો મલ્હારે જગમાં હતું એ પી લીધું હતું.

એને ફરી એક વિચાર ઝબૂક્યો કે એને કેમ ખબર કે મને તાવ છે મારી તબિયત સારી નથી. બાકી કોઈ પોતાનાં ખિસ્સામાં દવાઓ થોડી સાથે લઈને ફરતો હોય? મારી આટલી દરકાર , પરવા, પૈસા આપીને મને આરામ કરાવે એ કોણ હશે? કોઈ જાસૂસ, કોઈ વિરોધી, કે પછી...? બાકી આટલો હેન્ડસમ છોકરો અને ચોક્કસ સારાં પરિવારનો હોય એવું લાગે છે એને શું બહાર છોકરીઓ નહીં મળતી હોય? એનાં મગજમાં ફરી વિચારોનું ઘોડાપૂર ઉમટ્યું.

એણે ફટાફટ એ ચીઠ્ઠી લઈને પોતાની પાસે કોઈને દેખાય નહીં એ રીતે સરકાવી દીધી. ને મન અને તનને વિરામ આપવાં ફરીથી પર બેડ આડી પડી ગઈ...ને પડતાં વેંત એની આંખો મીંચાઈ ગઈ.

મલ્હાર આધ્યાને કહ્યાં વિના કેમ નીકળી ગયો હશે? એ શા માટે આવ્યો હશે? કોઈ મકસદ સાથે કે પછી આવ્યાં બાદ એને આધ્યા પર સહાનૂભૂતિ જાગી હશે? આધ્યાએ રૂમમાંથી બહાર નીકળતાં શું દ્રશ્ય જોયું હશે? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ- ૪