Ascent Descent - 9 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | આરોહ અવરોહ - 9

આરોહ અવરોહ - 9

પ્રકરણ – ૯

આધ્યાનાં પગ તો હવે શકીરા પેલાં પુરુષ સાથે અંદર જતાં જ હવે થોડીવારમાં એનું શું થશે એની શંકા આશંકામાં ત્યાં જ જડાઈ ગયાં. એની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યાં. એ વિચારવા લાગી કે એક દિવસની એક અજીબ લાગણીનું વળગણ લગાડીને મલ્હાર ક્યાં જતો રહ્યો? કદાચ તું આવ્યો જ ન હોત તો મારું મનોબળ આટલું નબળું ન પડત. રીઢા ઢોરની માફક ડફણાં ખાઈ લેત. લાગણીઓની શુષ્કતાને અપનાવી લેત. એટલામાં કોઈએ પાછળથી ધીમેથી આવીને આધ્યાના ખભા પર હાથ મુકતાં એ ગભરાઈ ગઈ કારણ કે શકીરાનાં એક આદેશ બાદ કદાચ કોઈની બહાર આવવાની હિંમત તો નથી થવાની. ફટાક કરતી પોતાનાં આંસુ લૂછવા લાગી. પછી એણે બરાબર જોયું પાછળ સોના દેખાઈ. એ સોનાને આમ આવેલી જોઈને વધારે ચિંતામાં આવી ગઈ. એનાં ચહેરા પરનું સ્મિત જોઈને આધ્યા વધારે મૂંઝવણમાં આવી ગઈ.

સોના ત્યાં રહેતી એક એવી છોકરી હતી જે આધ્યા કરતાં દેખાવે વધારે સુંદર કહી શકાય છતાં ઘણાં બધાં પુરુષો આધ્યાને વધારે પસંદ કરતા આથી એમની વચ્ચે અંદરોઅંદર એક ટક્કર રહ્યાં કરતી. બંને વચ્ચે કોઈ એવી બહેસ ન થતી છતાં જાણે સોનાને આધ્યા માટે ઈર્ષ્યા હોય એવું થયાં કરતું. આથી આધ્યા આ બધું ટાળવા એની સાથે ઓછી વાત કરતી એ બે કદાચ બધાં કરતાં સૌથી જુનાં પણ છે‌. કદાચ એ કારણે સોના આધ્યાને ઘમંડી છે એવું બધાંની સામે કહેતી પણ આધ્યાને નજીકથી જાણનારા બધાને ખબર છે કે આધ્યા બહું સરળ, પરગજુ અને વ્યવસ્થિત છોકરી છે. બંનેને કદાચ એકબીજાંની સાથે રહેવાનો મોકો તો મળ્યો નથી એટલે હકીકત તો ખબર જ નથી.

આધ્યાને થયું કે સોના કેમ આવી હશે અચાનક વળી એ કંઈ વધારે બાજી બગાડે નહીં. હજું શકીરા તો ખબર નહીં શું કરશે એની તો કંઈ ખબર જ નથી.

સોનાને પણ ગુજરાતી આવડે છે આથી એ ધીમેથી બોલી, " આધ્યા ચાલ મારી સાથે‌. શું થયું છે તને? તબિયત ખરાબ છે તારી? " કહીને એનાં કપાળે સ્પર્શ કર્યો તો એનો દેહ તાવથી ધગી રહ્યો છે.

સોના ફરી બોલી, "તારું શરીર તો ગરમ છે‌. તને તાવ છે કે શું?"

આધ્યાએ ફક્ત હકારમાં જવાબ આપ્યો. સોના ચાલ મારી સાથે કહીને એને ખેંચીને ઉપરનાં એક રૂમમાં લઈ ગઈ. આધ્યાને હજું સુધીના સોનાનાં વર્તન મુજબ એનાં પર એક ટકા જેટલો પણ વિશ્વાસ નહોતો એટલે એ ગભરાઈ કે એ મારી આ સ્થિતિમાં કંઈ નવું ગતકડું ન કરે તો સારું. સોના એક રૂમમાં લઈ ગઈ પછી બોલી, " આધ્યા તું અહીં આરામ કર. તારું શરીર ધખધખી રહ્યું છે. આ સ્થિતિમાં પણ તું આમ કામ કરી રહી છે. અને પેલો પુરુષ? માણસ છે કે જાનવર?"

આધ્યા સોનાનાં આ નવા રુપને જોઈ રહી કે એ ખરેખર સાચું એનાં માટે ફીકર કરે છે કે પછી કોઈ ચાલ તો નથી ને એની?

સોના ફટાફટ ત્યાંથી બે ત્રણ રૂમાલ લઈને આવી અને એણે પાણીમાં પલાળીને એનાં માથા અને પગ પર પોતા મુકવાનું ચાલું કર્યું ત્યાં જ થોડીવારમાં અકીલા અને નેન્સી ધીમેથી ત્યાં આવ્યાં.

નેન્સી ઉતાવળે બોલી," દીદી હું હમણાં તો પહેલાં તમને મળીને ગઈ પણ તમે તો કંઈ બોલ્યાં જ નહીં. મને કહેવું તો હતું ને?"

સોના નેન્સીને આધ્યા પાસે બેસાડીને ક્યાંક ગઈ પછી ફટાફટ બે દવા લઈ આવી અને આધ્યાને આપી. આધ્યા બે મિનિટ લેવી કે ન લેવી વિચારવા લાગી કે સોના ક્યાંક એને કોઈ ઉલટી સુલટી દવા આપીને ફસાવી ન દે.

પછી અકીલાએ એ દવાનું પેકેટ જોઈને કહ્યું, " મેમ લે લો ભૂખાર અચ્છા હો જાયેગા. ફિર સુબહ મેં ડૉક્ટર કો દિખા દેતે હે."

આધ્યા વિવશતાથી સોનાનો આભાર માનતા બોલી," સોરી, હું તારા વિશે ખોટું વિચારતી હતી. પણ તું એવી નથી. થેન્કયુ આજે મારાં માટે એટલું કરવા માટે."

સોના:" એમાં શેનો આભાર? ગેરસમજણ તો મને પણ હતી તારાં વિશે પણ શકીરાની વાતો પરથી મને આજે ખબર પડી કે એણે ફક્ત આપણાં બે વચ્ચે એક દીવાલ બનાવી દીધી છે. એને એમ છે કે આપણે બંને સાથે હોઈશું ને એની સામે કંઈ પણ કરીશું તો એને હંફાવીશું. કદાચ એનાંથી એને ફટકો પડી શકે છે."

આધ્યા: " આવું કોને કહ્યું, શકીરાએ? "

" તું અત્યારે આરામ કર. કાલે વાત કરીશું. પણ સાંભળ એણે જે રીતે રુમની ગોઠવણ કરી છે એ મુજબ આપણે હવે લોકો એક રૂમમાં છીએ. એ પણ અહીં આ રૂમમાં. એને શું એમ છે કે આપણી વચ્ચે એટલું ઈર્ષ્યાનું બીજ રોપ્યું છે કે આપણે સાથે રહી શકીશું નહીં અને એકબીજાંની વિરોધી હોવાથી બધી વાતો શકીરાને જણાવીશું. પણ હું ઈચ્છું છું કે આપણે એની નજરમાં વિરોધી તરીકે જ રહીને એની એક એક પોલને સામે લાવીશું."

પછી તરત જ અકીલા બોલી, " હમે જાના ચાહીયે. શકીરા બહાર નીકલેગી તો ચિલ્લાયેગી. ઉસકો વેસે ભી હમ સબ કા એકસાથ રહેના બિલકુલ અચ્છા નહીં લગતા હે."

સોનાએ નેન્સી અને અકીલાને ફટાફટ નીચે મોકલી દીધાં. સોના બોલી, " આધ્યા તે શકીરાને તારી આ ખરાબ તબિયત વિશે કહ્યું પણ નહીં?"

"એને ખબર જ છે. પણ ખબર છે ને કે એને તો જેટલું કામ લેવાય ને રૂપિયા કમાવાય એમાં જ રસ‌ છે. હમણાં એ સવારે પેલો ઢોર જેવો ડૉક્ટર છે જેને કંઈ સાંધા સૂઝ નથી એમને બોલાવીને મૂકી દેશે‌. એક ઈન્જકશન અને બે દવાઓ આપી દેશે‌‌. એને જોઈને લાગે છે કે એને કંઈ ગતાગમ પડતી હોય."

સોના હસીને બોલી, " એ ડૉક્ટર છે જ ક્યાં ક્યાં એને કંઈ ખબર પડે? કોઈ અનુભવી કમ્પાઉન્ડર છે‌. બાકી આપણને કોઈને કોઈ હોસ્પિટલમાં લઈ જવામાં એનાં પૈસા પણ ખર્ચાય. અને વળી, એનાં ધંધાઓની ખબર પડી જાય." પણ શું થયું મને કહે એટલે ખબર પડે.

 

આધ્યાએ પોતાની આજની બધી વાત કરી. એણે મલ્હાર વિશેની ગઈ કાલની કોઈ વાત ન કરી‌. એને થયું ઉતાવળમાં વિશ્વાસ કરવામાં ક્યાંય પસ્તાવું પડે. પછી સોના બોલી," ચાલ તું અહીં આરામ કર ચિંતા કર્યા વિના. હું આવું છું થોડીવારમાં." ને સોના બહાર જતાં આધ્યાને થોડી જ વારમાં ઉંઘ આવી ગઈ.

*********

અકીલા, નેન્સી અને સોના ત્રણેય છુપાઈને શકીરાનાં બહાર આવવાની રાહ જોઈ રહ્યાં છે‌. લગભગ કલાકેક થયું કંઈ સમજાયું નહીં પણ શકીરા કે એ પુરુષ કોઈ બહાર ન આવ્યું. ત્રણેય ને શંકા ગઈ કે આખરે શું બની રહ્યું છે. શકીરા પોતે પણ એક સમયે કોલગર્લ જ હતી. પણ કોઈક એવું બન્યું હતું ભૂતકાળમાં કે એ પછી એણે આ કામ બંધ કરી દીધું અને જોતજોતામાં પોતાનું શકીરા હાઉસ ખોલી દીધું. ને પછી તો અત્યારે ધીમે ધીમે ધંધાની જમાવટ કરતી એ શકીરા હાઉસમાં રાજ કરે છે.

ત્રણેય કંઈ પણ અવાજ કર્યા વિના છુપાઈને ત્યાં જ ઊભા રહ્યાં. પછી અંદર શું થયું એ તો કંઈ ખબર ન પડી પણ એ પછી થોડીવારમાં પુરુષ પહેલાં બહાર નીકળ્યો કંઈ પણ બોલ્યાં વિના એકદમ શાંત થઈને શકીરા હાઉસનાં બહાર જવાનાં રસ્તે પહોંચીને બહાર નીકળી ગયો...!

બધાંની નજર શકીરા બહાર આવે એ પર છે. પણ થોડીવાર થઈ પણ શકીરા બહાર ન આવતાં હવે શું કરવું એ માટે ત્રણેય વિચારવા લાગ્યાં. સીધાં જ એ રૂમમાં જવું એ પણ સિંહોની ગુફામાં જવું એટલી મોટું સાહસ કરવા જેવું છે. સોના પણ શાંતિથી બેસી રહે એમાંની નથી‌. એ કંઈ વિચાર કરવા લાગી. પછી એણે અચાનક એક આઈડિયા વિચારી લીધો.

જે રૂમમાં શકીરા ગઈ છે એ રૂમની બાજુમાં જ પાણીનું કુંવર છે‌. સોના બોલી, " હું બોટલ લઈને જાઉં છું."

નેન્સી : " પણ દીદી, પાણી તો ઉપર પણ આવે છે ને?"

અકીલાને સોનાએ કંઈ ઈશારો કર્યો કે એ ત્યાં જઈને ઉપરનો કુલરનો કોક બંધ કરી આવી. પછી સોના પોતે જ બોટલ લઈને એ તરફ ગઈ. એણે ધીમેથી બોટલ ભરી પણ લીધી. પછી એ એક તીરછી નજરે એ આડાં કરેલાં બારણાં તરફ ગઈ તો સામે બેડ પર શકીરા પડેલી દેખાઈ.

એનું પુરું શરીર તો બેડ પર જ છે પણ સૂતી હોય એ રીતે નહીં પણ જાણે બેભાન થઈને પડેલી હોય એમ. એનાં કપડાં પણ અસ્તવ્યસ્ત દેખાઈ રહ્યાં છે. સોનાને કંઈ સમજાયું કે આ શું બન્યું છે એ થોડી ગભરાઈ પણ કે અંદર શું બન્યું હશે કે આખાં શકીરાહાઉસને એનાં પ્રચંડ અવાજ અને ગુસ્સાથી ધધડાવી નાખતી શકીરાની આ સ્થિતિ? એણે અકીલા અને નેન્સીને ત્યાં આવવાં ઈશારો કર્યો...અંદર જઈને લાઈટ કરીને બરાબર જોતાં ત્રણેયની આંખો પહોળી થઈ ગઈ...!

શું બન્યું હશે અંદર ? શકીરાની આવી સ્થિતિ કેવી રીતે થઈ હશે? કોણ હશે એ આવનારી વ્યક્તિ? આધ્યાને મલ્હાર ફરીવાર મળશે ખરાં? કર્તવ્ય એન્ડ ટીમનું મિશન શરું થઈ ગયું હશે? જાણવાં માટે વાંચતા રહો, આરોહ અવરોહ - ૧૦

Rate & Review

Sheetal

Sheetal 11 months ago

Shefali

Shefali Matrubharti Verified 11 months ago

Kamini

Kamini 11 months ago

Vaishali

Vaishali 11 months ago

Hemal nisar

Hemal nisar 12 months ago