Mars - 34 - The last part in Gujarati Detective stories by Ravindra Sitapara books and stories PDF | મંગલ - 34 - છેલ્લો ભાગ

મંગલ - 34 - છેલ્લો ભાગ

મંગલ
Chapter 34 – પિતાની મુક્તિ

Written by Ravikumar Sitapara

ravikumarsitapara@gmail.com
M. 7567892860-: પ્રસ્તાવના :-
નમસ્કાર
Dear Readers,

દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં અંતિમ ચોત્રીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. મંગલનાં પરાક્રમોની જાણ સરકારને થાય છે. તેની આવવાની વ્યવસ્થા વહાણ મારફતે કરવામાં આવે છે. તેનાં પરિવારને તેનાં જીવતા હોવાની અને પાછા આવવાની જાણ કરવામાં આવે છે. આગળ શું થશે તે જાણવા માટે વાંચો...
દરિયાની રોમાંચક સફર કરાવતી દરિયાઈ સાહસિક નવલકથાનું તેત્રીસમું પ્રકરણ
મંગલ Chapter 34 – પિતાની મુક્તિ

Chapter 34 – પિતાની મુક્તિ
ગતાંકથી ચાલુ

“માફ કરજો, તમને એમ થતું હશે કે અમે તમને લોકોને કેવી રીતે ઓળખીએ છીએ ? ખરું ને ?” એક ભલા અધિકારીએ મંગલનાં પરિવારજનોને કહ્યું.

“અરે ! હા, એ તો અમે વિચાર્યું જ નહીં કે તમને કેમ ખબર પડી કે આ મારા ઘરનાં સભ્યો છે ?” મંગલે આશ્ચર્યસહ પૂછ્યું.

અધિકારીએ સ્પષ્ટતા કરતાં કહ્યું, “મિસ્ટર મંગલ, તમારા ઘરનાં સભ્યોની જેમ જે લોકો અહીં આવ્યા હતા, એ બધાનાં કાગળો અમે તપાસીને જ આગળ મોકલતા હતા. જેથી બિનજરૂરી ભીડ ન વધી જાય. તમારા વિશે અમને પહેલેથી જ ખાસ્સી માહિતી મળી ચૂકી હતી. તમે વહાણ બચાવીને ઘણું બધું નુકસાન થતું અટકાવ્યું હતું. એટલે જ અહીં તમારું સન્માન કરવાનું અમે નક્કી કરેલું. અમે જ તમારા ઘરનાં સભ્યો વિશે બધી માહિતી લઈને ટિકિટ મોકલાવેલી. એ જ્યારે મુખ્ય દરવાજે આવ્યા ત્યારે જ અમને ખબર પડી ગઈ હતી. અમને ખ્યાલ હતો કે તમે લોકો અહીં ઊભા હતા એટલે હારતોરા પછી સીધા અહીં જ લઈ આવ્યા.”

“તમારો ખૂબ ખૂબ આભાર, સાહેબ. આ નાના માણસ માટે તમે આટલું કર્યું.” મંગલે ગળગળા થઈને બે હાથ જોડીને કહ્યું.
“મિસ્ટર મંગલ, તમે જે સહન કર્યું અને જે સાહસ દાખવ્યું એની સામે તો આ કંઈ નથી. તમારા તેની પહેલાનાં પરાક્રમોની માહિતી પણ અમને મળી ચૂકી છે. હવે તમે નાના નથી રહ્યા. તમારી કથા તો છાપાઓમાં છપાઈ ચૂકી છે.” અધિકારીએ થોડા દિવસો પહેલાનું સાચવેલા છાપાઓ કાઢીને તેને બતાવ્યા. તેમાં મંગલની કોઈ તસવીર તો ન હતી, પણ એક નાયકનાં રૂપમાં તે ઊભો હોય તેવી પ્રતિકાત્મક તસવીર હતી. “તમારા સાહસની વાતો દૂરદર્શનમાં પણ આવી ગઈ હતી.”

મંગલ અને તેનો પરિવાર જ આ બધાથી સાવ અજાણ હતા. વર્ષોથી યાતનાઓ સહન કરી રહેલા તેઓનાં જીવનમાં આ એકદમ અણધાર્યો વળાંક હતો. ગુમનામીની ગર્તામાં ધકેલાઈ ચૂકેલાં એ જીવો આજે પ્રસિદ્ધિ પામી ચૂકેલાં નામ હતાં. અધિકારીઓએ તેઓને આગ્રહ કરીને પોતાની સાથે જમાડ્યા અને ત્યાર બાદ ટ્રેનમાં તેઓને રવાના કર્યા.

ટ્રેનમાં પહેલી વાર મુસાફરી કરી રહેલી કિંજલ પહેલી વાર પોતાનાં બાપું સાથે મુસાફરી કરી રહેલી હતી. આખા રસ્તે તેણે મંગલનો છેડો ના મૂક્યો. પોતાનાં મનની બધી વાતો તેણે પોતાનાં બાપું સમક્ષ કરવા લાગી. ધાની અને માડીનાં ચહેરા આજે પ્રસન્નતાથી ખીલી રહ્યા હતાં.

બીજી સવારે ચારેય પાછા પોતાનાં નગર પાછા ફર્યા. તેનાં આગમનની જાણ અગાઉ જ થઈ ગઈ હતી. સ્ટેશને જ તેનું સ્વાગત કરવા આખું ખારવા સમાજ હાર તોરા લઈને ઊભું હતું. તેનાં સસરા, સાળા, મિત્રો પણ ઊભા હતાં. તેઓનું ભવ્ય સ્વાગત થયું. વાજતે ગાજતે તેઓનું સન્માન થયું. નાની કિંજલ હજું સમજી શકતી ન હતી કે તેનાં બાપુંને આ રીતે બધા કેમ હાર તોરા કરી રહ્યા છે. બાપુંએ ટ્રેનમાં ચાંચિયાઓની વાત કરેલી પણ ચાંચિયાઓ એટલે શું એની એને ખાસ ખબર પડતી નહીં. સન્માન સાથે જ તેઓ પોતાનાં ઘર ભણી નીકળી પડ્યા.

પોતાની એ જ શેરી, એ જ ચોરો, પોતાની સાથે હાથ મિલાવતા તેનાં મિત્રો અને અંતે એ પોતાનું ઘર. નિષ્પ્રાણ પડેલા ઘરમાં આજે નવી ચેતના આવી હતી. કોઈ નવોઢાની જેમ તેને શણગારવામાં આવ્યું હતું. લાખીબહેને તેની આરતી ઉતારી. બંને દંપતિનાં રંભાબહેને ઓવારણાં લીધા. અને વર્ષો પછી મંગલે પોતાનાં ઘરમાં પ્રવેશ કર્યો. આગળ વધીને આંગણામાં રાખેલ તેનાં તુલસી ક્યારામાં પોતાની પાસે રહેલી બે નાની પોટલી કાઢીને તેમાંથી બે અલગ અલગ જગ્યાની રેતી મૂકી. એક ટાંગાની અને બીજા એ અજાણ્યા દ્વીપની જેણે પોતાની ઉપર ત્રણ વર્ષો સૂધી રહેવા આશ્રય આપ્યો હતો. એ પણ અંતે તો ધરતી માતા જ હતી. સૌ તેને જોઈ રહ્યા.
***

બધું ધીમે ધીમે પૂર્વવત થવા લાગ્યું. મંગલ પોતાની વ્હાલસોયી દીકરી સાથે વધુ સમય પસાર કરવા લાગ્યો. તેને નિશાળે મૂકવાથી માંડીને તેનું ગૃહકાર્ય કરાવવા સૂધી અને તેની સાથે રમવા સૂધીનો સમય પસાર કરવા લાગ્યો. કિંજલનાં બધા પ્રશ્નોનાં તેને જવાબ મળી ગયા હતાં. ધાની પાસે તેની ઈચ્છા જાણીને તે એક દિવસ સાઈકલ પણ લઈ આવ્યો. અને તેને બેસાડીને ચક્કર મરાવવા લઈ ગયો. કિંજલનાં બાળપણને તે ફરીથી જીવવા માંગતો હતો. ધાની અને માડી સાથે જે વિરહનો સમય પસાર કર્યો હતો, તેની ભરપાઈ કરવા માંગતો હતો. ધાની અને માડીનાં જીવનમાં હવે ફરીથી ઉજાસ આવ્યો હતો.

પણ હજું મંગલને પૂર્ણ સંતોષ ન હતો. હજું એક કામ કરવાનું બાકી હતું. એક દિવસ તે પોતાની નાતનો સમારંભ હતો. હવે તેનાં માટે સન્માન થવું સામાન્ય થઈ ચૂક્યું હતું. સ્થાનિક સાંસદ પણ એ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. મંગલને પોતાનો અનુભવ વર્ણવવા કહ્યું. મંગલે વિનંતી સ્વીકારી. પોતાની આપવીતી કહી. સમયને પારખીને અંતે તેણે કહ્યું, “ભાઈઓ, મારે બીજું કંઈ જોઈતું નથી. મારે ઈનામ પણ નથી જોઈતું. આજે માનનીય સંસદસભ્ય બેઠા છે. થોડા સમય પછી એ દિલ્હી જશે. મારી એક જ પ્રાર્થના છે. જો એ સ્વીકારી દો તો મારા માટે બધા સન્માનથી મોટું સન્માન હશે.”

સૌ કોઈ વિચારવા લાગ્યા કે મંગલ શાની માંગણી કરે છે ? સંસદસભ્યએ તેને પોતાની માંગણી રજૂ કરવા કહ્યું. તેણે વાત આગળ રજૂ કરતાં કહ્યું, “સાહેબ, આ વાતને પંદર વર્ષ થઈ ગયા. મારા બાપા અને બીજા કેટલાંય માછીમારો પાકિસ્તાનની નર્કાગાર જેવી કાળ કોટડીમાં સડે છે. આપણને બધાને ખબર છે કે કઈ રીતે પાકિસ્તાનીઓ આપણી પોતાની જળસીમામાંથી આપણાં માછીમાર ભાઈઓને બંદૂકની નોકે અપહરણ કરીને લઈ જાય છે. મેં એ સમયે ઘણી કચેરીઓનાં ધક્કા ખાધા. એ સમયે મને ખાસ ગતાગમ પણ ના પડતી. એ સમયે મારાથી થાય એટલાં પ્રયત્નો પણ કરી જોયા હતાં. પણ કોઈએ આ વાતને આગળ ના વધારી. કોઈ પણ જાતનાં વાંકગુના વગર આપણાં કેટલાંય ભાઈઓ ત્યાં સડે છે. નરકની યાતનાઓ સહન કરે છે. ખબર નહીં, એમાંથી હવે કેટલાં જીવે પણ છે ને કેટલાં... ? મારી તો આપ સૌ અગ્રણીઓને ખાસ અપીલ છે કે આ માંગણીઓ ઉપર હવે કામ થવું જોઈએ. માત્ર મારા બાપું નહીં પણ અહીં બેઠેલા ઘણાં લોકોનાં ભાઈ, બાપું, દીકરો ત્યાં હશે. એને શું એમ જ એનાં હાલ પર છોડી દેવાનાં છે ?”
થોડી વાર સન્નાટો વ્યાપી ગયો. તેણે કહેલી વાતમાં તથ્ય હતું. જેણે પોતાનાં સ્વજનો ખોયા હતાં, એનાં જખમો તાજા થઈ ગયા. બધા લોકોએ મંગલને ટેકો આપ્યો. વર્ષો પહેલાં પણ તેણે ઘણા પ્રયત્નો કર્યા પણ તેની પહોંચ હતી નહીં. આજે મંગલ બધામાં એક જાણીતું નામ બની ગયું હતું. સાંસદે તેને ખાતરી આપી. તેણે ખાસ રસ લઈને દિલ્હી જઈને સંસદમાં આ પ્રશ્નોની ઉગ્ર રજૂઆત કરી અને માંગણી કરી કે એ કમભાગી માછીમારોને છોડાવવા પગલાં લે. છાપાઓમાં આ અંગે લેખો છપાવવા લાગ્યા. માંગણી તીવ્ર બનવા લાગી. પહેલાં પોરબંદર અને ત્યાર બાદ સમસ્ત ખારવા સમાજ અને બીજા સમાજનાં લોકો પણ તેઓની સાથે એ માંગણીમાં જોડાયા. પ્રજાનું સરકાર પર દબાણ આવ્યું. અંતે સરકારે મક્કમ વલણ દાખવી પાકિસ્તાન સાથે માછીમારોની મુક્તિ માટે ચર્ચા કરવા તૈયારી બતાવી.

છ માહિનામાં પાકિસ્તાને નમતું જોખ્યું. મંગલનાં પિતા સાથે બીજા પિસ્તાળીસ જેટલાં માછીમારોને મુક્ત કર્યા અને તેઓની હોડીઓ પણ પરત આપી. એકદમ દયનીય પરિસ્થિતિમાં તેઓને જોઈને તેઓનાં સ્વજનો રડી પડ્યા. આખરે પિતા વાલજી ટંડેલ પણ પંદર વર્ષનો જેલવાસ વેઠીને પોતાનાં વતન ફર્યા હતા. તેઓને લેવા માટે મંગલ, ધાની, કેશવજીભાઈ ગયા. પંદર વર્ષમાં ઘણું બદલાઈ ચૂક્યું હતું. યુવાન, સશક્ત બાંધાનાં વેલજી ટંડેલ સાવ નંખાઈ ગયા હતાં. ત્યાં આ દિવસ જોવા જ જાણે જીવી રહ્યા હોય એમ જીવતી લાશ જેવા બની ચૂક્યા હતાં. પંદર વર્ષ પહેલાં જે દીકરાનો મૂછનો દોરો પણ ફૂટ્યો ન હોય, તે આજે યુવાન બની ચૂક્યો હતો. માત્ર પુત્ર નહીં, પણ પુત્રવધૂ પણ સાથે હતી. એ જ ધાની – પોતાનાં મિત્રની દીકરી જેને બાળપણમાં તે ઘણી વાર ચોકલેટ પીપર આપીને રમાડતા. ઘણી યાદો જીવંત થઈ ઉઠી. પોતાનાં પુત્રને અને પુત્રવધૂને જોઈને તે ખૂબ આનંદિત થઈ ગયા.

મરવા પડેલા આ શરીરે બસ શ્વાસ છોડવાનાં જ બાકી હતા. પાણીનાં અભાવે કોઈ છોડ સાવ મૂરઝાઈ જવાની તૈયારીમાં હોય અને વરસાદનું પહેલું ટીપું તેનાં ઉછરવાની સંભાવના જગાડે તેવી સ્થિતિ વાલજીભાઈની હતી.
તેઓ ઘરે પહોંચ્યા. ડેલી ખોલતાં જ આરતીની થાળી સાથે કિંજલ ઊભી હતી. વાલજીભાઈએ આ પંદર વર્ષોમાં શું ખોયું હતું તેની તેને અનુભૂતિ થઈ આવી. તે રડી પડ્યા. મુદ્દલ કરતાં વ્યાજ વધુ વહેલું હોય એમ દાદાને પોતાનાં દીકરા કરતાં એનાં પૌત્ર કે પૌત્રીને રમાડવા વધુ ગમે. વાલજીભાઈ એ સમય ચૂકી ગયા.


“બાપું, આ કિંજલ છે. તમારી દીકરી. કિંજલ, આ છે તારા દાદા.” ધાનીએ કહ્યું.
આંખમાં આંસુ સાથે કિંજલનાં માથા પર હાથ ફેરવ્યો અને તેણે કહ્યું, “ત્યાં નરકની કાળ કોટડીમાં આટલા સમયમાં ક્યારેય કલ્પના ન હતી કે એક દિવસ આવો પણ આવશે. હું ઘરમાં બે ને મૂકીને ચાલ્યો ગયો હતો. પાછો આવ્યો ત્યાં દરિયાદેવે મને આવી ભેટ આપી. મંગલ, તારા માડી ક્યાં છે ? દેખાતી નથી. બધું ઠીક તો છે ને ?”
“બાપું, હવે બધું બરાબર છે. ઘણો સમય આપણે દુ:ખ વેઠ્યું. હવે હરખનો અવસર આપણે આંગણે આવ્યો છે. માડી પણ અંદર જ છે.”

રંભાબહેન અંદરથી લાખીબહેનને બહાર લઈ આવ્યા. તેને ખાલી એટલું કહેવાયું હતું કે હજું એક ખાસ આવવાનું છે. રંભાબહેન તેને અંદરની ઓરડીમાં જ બેસાડી રાખ્યા હતા.

લાખીબહેન પોતાનાં પતિને પોતાની સામે જોઈ રહ્યા. જાણે પ્રાણ પાછા શરીરમાં આવી ગયા હોય, અને શરીરમાં શક્તિનો જે સંચાર થાય, એવી સ્થિતિ બંનેની હતી. ફરી અભિવ્યક્તિની કોઈ આવશ્યકતા ન રહી. પ્રેમને ઉંમરની કોઈ આવશ્યકતા રહી ન હતી. વાલજીભાઈ અને લાખીબહેન વર્ષોનાં અંતરાલ પછી એકબીજાને જોઈ રહ્યા. કાંટાવાળી, પાનખર પછી જીવનમાં આજે વસંત ખીલી હતી. વિરહનું દુ:ખ આજે અશ્રુઓનાં ધોધ સાથે વહી રહ્યો. સૌ ઉપસ્થિત માણસોની આંખોમાં પાણી હતું. ઘણાં ઘરોમાં આજે મંગળ ઉત્સવો ઉજવાયા. કોઈનો દીકરો, તો કોઈનાં બાપા, કોઈનાં પતિ લાંબા અંતરાલ પછી પાછા ફર્યા હતાં. જેનાં સ્વજનો જેલમાં જ મૃત્યું પામ્યા હતાં, એ ખૂબ જ દુ:ખી હતાં. તેઓનાં ઘરનો દીવો ફરી પ્રગટી ન શક્યો.

મંગલ અને ધાની, વાલજીભાઈ અને લાખીબહેન તથા એક નાનકડી ફૂલ જેવી દીકરી કિંજલથી એ પરિવાર ભર્યો ભર્યો લાગવા માંડ્યો. ઉજ્જડ રણમાં ગુલાબ ખીલ્યું.

“પાનખર પણ છે ને,
વસંત પણ છે જિંદગી.

દુ:ખનાં પહાડ પણ છે ને,
સુખની નદી પણ છે જિંદગી.

કાંટાની કેડી પણ છે ને,
ફૂલોની પથારી પણ છે જિંદગી.

પીડા અને આંસુ પણ છે ને,
ખિલખિલાટ હાસ્ય છે જિંદગી.

વિરહની અગ્નિ પણ છે ને,
મિલનની શીતળતા પણ છે જિંદગી.”

મુક્ત મને આજે કાનજી વાઘેરે બધાની વચ્ચે આ પંક્તિ લલકારી. આજે કોઈ તેને ગાંડો ગણતાં ન હતાં. તેઓને સમજાઈ ગયું હતું કે પ્રેમ પણ વિરહની અગ્નિમાં તપીને પવિત્ર બને છે. કાનજી વાઘેર આ પંક્તિઓને જીવી ગયા હતાં. આજે એક પરિવાર વર્ષોનાં અંતરાલ પછી ફરી એક થયો હતો. ખારવાઓની જિંદગી જ આવી હોય છે. જેવું વાલજીભાઈ સાથે થયું એવું ઘણાં બધા માછીમારો સાથે થઈ પણ ચૂક્યું છે. કોઈએ મંગલની જેમ મધદરિયે તોફાનોનો સામનો કર્યો છે, કોઈએ એ જ દરિયાનાં પેટાળમાં જળસમાધિ પણ લઈ લીધી છે. આવી સાહસથી સભર કથાઓને જીવી જતાં સાહસિક દરિયાખેડૂઓ અમર થઈ જતાં હોય છે.


સમાપ્ત


*************************************************

Rate & Review

Dharmesh

Dharmesh 1 year ago

Satish Patel

Satish Patel 1 year ago

Brijesh

Brijesh 1 year ago

Kanaiya Acharya

ખુબ જ સરસ

વષૉ અમીત