VEDH BHARAM - 41 books and stories free download online pdf in Gujarati

વેધ ભરમ - 41

રિષભ બીજા દિવસે પાંચ વાગે સુરત પહોંચી ગયો હતો. આગલે દિવસે રાત્રે બાલવી પર બેઠા બેઠા તેને અચાનક વિચાર આવ્યો અને તેણે રાકેશને ફોન કરી કહ્યું “રાકેશ મને લાગે છે કે પેલા માસીને ફોન કરવાવાળી છોકરી કાવ્યાના માસીની દિકરી જ હોવી જોઇએ. તુ તેના વિશે તપાસ કર. આ વાતનો કોઇ આધાર નથી પણ મારી સિક્સ્થ સેન્સ કહે છે કે આ બીજુ કોઇ નહી પણ કાવ્યાની માસીની દિકરી જ છે.”

આ સાંભળી રાકેશે કહ્યું “ઓકે કાલે જ હું તેના વિશે માહિતી મેળવવાની કોશિષ કરુ છું.” ત્યારબાદ રિષભે મોડીરાત સુધી મિત્રો સાથે ગપ્પા માર્યા. મોડી રાતે તે રસકીટ હાઉસ પર જઇ ઉંઘી ગયો. સવારે આઠ વાગ્યે રાકેશને મળી સુરત જવા નીકળી ગયો. ગૌતમ આજનો દિવસ જુનાગઢમાં રોકાઇ થોડા કામ પતાવવાનો હતો એટલે રિષભ એકલો જ નીક્ળી ગયો. સુરત પહોંચ્યો ત્યાં સુધીમાં બે ત્રણ વાર હેમલના ફોન આવી ગયા અને રિષભે તેને જરુરી સુચના આપી દીધી હતી. રિષભ આખા રસ્તે કાવ્યા અને તેની ફેમીલી વિશે વિચારતો રહ્યો. તેણે મગજને ઘણું કસ્યુ પણ આ કેસમાં તેને કોઇ લીંક મળતી નહોતી. અંતે વિચારોને લીધે મગજ થાક્યુ અને રાતનો ઉજાગરાને લીધે તે ઘસઘસાટ ઊંઘી ગયો. તેને ઉંઘતો જોઇ ડ્રાઇવર પણ જીપને પાણીના રેલાની જેમ સ્પીડમાં ચલાવતો રહ્યો. છેક બરોડા ક્રોસ કર્યા પછી રિષભની ઉંઘ ઉડી. રાતના ઉજાગરાને લીધે અધુરી રહેલી ઊંઘ પુરી થઇ ગઇ હતી એટલે રિષભને સારુ લાગતુ હતુ. ત્યારબાદ વચ્ચે હોટલ પર તે ફ્રેસ થયો અને બંને જમ્યા. તે જ્યારે સુરત પહોંચ્યો ત્યારે પાંચ વાગી ગયા હતા. તેણે ડ્રાઇવરને જીપ સીધી જ પોલીસ સ્ટેશન પર લઇ લેવા કહ્યું. રસ્તામાંથી જ રિષભે તેની ટીમને તે આવે ત્યાં સુધી રાહ જોવા કહી દીધુ હતુ. રિષભ જ્યારે સ્ટેશન પહોંચ્યો ત્યારે તેની ટીમ તૈયાર જ બેઠી હતી. તે લોકો પણ હવે રિષભના વર્કોહોલીક સ્વભાવને જાણી ગયા હતા. રિષભ ઓફિસમાં પોતાની ચેર પર બેઠો એટલે અભય, હેમલ અને વસવા સાહેબ ત્રણેય તેની સામે ગોઠવાઇ ગયા. રિષભે કોઇ પણ જાતની આડા અવળી વાત વિના સીધુ જ પૂછ્યુ “બોલો શું ન્યુઝ છે કેસના?”

“સર, એક ખૂબ જ અગત્યના સમાચાર મળ્યા છે. કાવ્યાએ આપણાજ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરીયાદ નોંધાવેલી અને તે વખતે જે સ્ટેશન ઇન્ચાર્જ હતા તેનુ નામ સાંભળી તમે ચોંકી જશો.” હેમલે કહ્યું.

“કેમ એવુ તો કોણ છે જેનુ નામ સાંભળી હું ચોંકી જઇશ.” રિષભે ઉત્સુકતાથી પૂછ્યું.

“સર તે વખતે સ્ટેશન ઇન્ચાર્જ સંજય મહેતા હતા.” હેમલે ઘટસ્ફોટ કરતા કહ્યું. આ સાંભળી રિષભ ચોંકી ગયો અને બોલ્યો “કોણ એડીશનલ કમિશ્નર સંજય મહેતા?”

“હા એજ તે સમયે પોલીશ સ્ટેશન ઇન્ચાર્જ હતા. ત્યારબાદ તેણે પરિક્ષા પાસ કરી એસ પી બન્યા હતા.” હેમલે વધુ માહિતી આપતા કહ્યું.

આ સાંભળી રિષભને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તે બોલ્યો “આપણા ડીપાર્ટમેન્ટમાં નીચેથી ઉપર સુધી આવા જ માણસો છે એટલે તો પબ્લીકને આપણા પરથી ભરોશો ઉઠી ગયો છે. પોલીસને જોઇને માણસને સલામતી લાગવી જોઇએ તેના બદલે ડર લાગે છે. જ્યા સુધી સામાન્ય માણસ આપણા પર ભરોશો કરતો નહી થાય ત્યાં સુધી આપણી છાપ આવી જ રહેવાની.” રિષભનો આક્રોસ વ્યક્ત થયો એ સાંભળી અભય બોલ્યો “સાહેબ આપણા ડીપાર્ટમેન્ટમાં સારા માણસોને આવા લોકોને કારણે ભોગવવુ પડે છે.”

રિષભને લાગ્યુ કે તેના આક્રોશને કારણે વાત આડા પાટે ચડી રહી છે એટલે તે બોલ્યો “સાચી વાત છે પણ આપણે તો આપણી ફરજ બજાવવાની જ છે. હવે એક વાત ધ્યાન રાખજો કે આ વાત આપણા ચાર સિવાય કોઇને ખબર પડવી ન જોઇએ. અને બીજુ એક કામ કરો આ કાવ્યાના કેસમાં ત્યારે કોણ કોણ સંડોવાયેલુ હતુ તે તપાસ કરો. કેમકે આવડો મોટો કેસ દબાવી દીધો હતો એટલે ઉપર સુધી બધા જોડાયેલા હશે.” આટલુ બોલી પછી રિષભે જુનાગઢથી જે માહિતી મળી હતી તે બધાને આપી. અને પછી વસાવા સાહેબ તરફ જોઇને બોલ્યો “વાહ વસાવા સાહેબ અભિનંદન તમે શિવાની, કબીર, શ્રેયા, નવ્યા, અને નિખિલની એક દિવસની રીમાન્ડ મંજુર કરાવી લીધી.”

“આભાર સાહેબ, પણ કબીરે વકીલ તરીકે સંદીપ શાહની નિમણુક કરી દીધી છે એટલે હવે તેને આપણે લાંબો સમય રાખી શકીશુ નહીં. મને તો લાગે છે કે તેને લીધે જ આપણને સાત દિવસમાંથી માત્ર એક જ દિવસની રીમાન્ડ મળી છે.”

સંદીપ શાહ એ ગુજરાત હાઇકોર્ટનો ફર્સ્ટ નંબરનો વકીલ હતો. તેના વિશે કહેવાતુ કે તમે કોર્ટમાં ન્યાયધિશની સામે ખુન કરી દો તો પણ સંદીપ તમને નિર્દોશ છોડાવી શકે છે. આ સાંભળી રિષભને પણ થોડી ચિંતા થઇ અને તે બોલ્યો “ઓહ, તો તો અઘરુ છે પણ, આપણી પાસે પૂરતા પુરાવા છે એટલે વાંધો નહી આવે. એક દિવસમાં તો આપણે જોઇતી માહિતી કઢાવી લઇશું..”

આ સાંભળી હેમલ બોલ્યો “સર, આ હાઇપ્રોફાઇલ કેસ છે. આપણે સાવચેતીથી જ ચાલવુ પડશે.”

“હા, પણ આપણી પાસે એક દિવસ છે જેટલી બને તેટલી માહિતી કઢાવવી પડશે.” અને ત્યારપછી વાત પૂરી કરતા બોલ્યો “ઓકે, ચાલો કાલે આખો દિવસ આ બધાની રીમાન્ડમાં જ કાઢવાનો છે. કાલે સવારે નવ વાગે બધા હાજર થઇ જજો.” ત્યારબાદ બધા ત્યાંથી નીકળી ગયા.

બીજા દિવસે સવારે સવારે નવ વાગે બધા રિષભની ઓફિસમાં બેઠા હતા. રિષભે વાતની શરુઆત કરતા કહ્યું “જો આજે હેમલ શ્રેયાની પૂછપરછ કરશે, અભય નવ્યાની અને વસાવાસાહેબ તમે નિખિલની પૂછપરછ કરશો. શિવાની અને કબીરની પૂછપરછ હું કરીશ.” ત્યારબાદ બધાને શું શું પૂછવાનુ છે તે સમજાવ્યુ અને પછી બોલ્યો “ બધી જ માહિતી માઇન્ડ ગેમ રમીને કઢાવવાની છે. કોઇને પણ ફીઝીકલી હર્ટ કરવાના નથી. જરૂર પડશે તો પછી આપણે તેનો ઉપયોગ કરીશું. પણ એકવાત ધ્યાન રાખજો તમારી સામે બેઠેલો માણસ તમારા કરતા ચાલાક છે તેમ સમજીને જ આગળ વધવાનું છે. છેલ્લી મહત્વની વાત તે લોકોએ આગળ જે પણ પ્રશ્નના જવાબ આપ્યા છે તેને પણ બદલીને પુછવાના જેથી જો તે ખોટુ બોલતા હશે તો ત્યારના જવાબ અને અત્યારના જવાબમાં કંઇક તફાવત મળી જશે અને પછી માહિતી કઢાવવાનું સહેલુ પડશે. આખુ ઇન્ટરોગેશન તમારે રેકોર્ડ કરવાનુ છે તે ખાસ યાદ રાખજો. ઓકે કોઇને કંઇ પ્રશ્ન છે આમાં?” રિષભે તેની ટીમને એક્શન પ્લાન સમજાવતા કહ્યું.

“સર, ધાક ધમકી અને ડરનો તો ઉપયોગ કરી શકીશું ને?” અભયે કન્ફ્યુઝ થતા પૂછ્યું.

“અફકોર્સ, તમારી પાસે જે પણ શસ્ત્ર છે તે બધાજ ઉપયોગ કરવાના અને એટલા જોરદાર કરવાના કે તે લોકો રીતસરના ધ્રુજી જાય. એક ફીઝીકલી ટોર્ચર સિવાય તમે બધુ જ કરી શકશો અને જરુર પડશે તો ફીઝીકલી પણ ટોર્ચર કરીશુ. તમને બધાને હું ફ્રી હેન્ડ આપુ છું.” રિષભે તેની ટીમને પુરેપુરી છુટ આપતા કહ્યું.

ત્યારબાદ બધા પોતપોતાના કામે લાગી ગયાં.

રિષભ પણ પહેલા કબીરને ઇન્ટરોગેટ કરવા ગયો અને સવાલ પૂછવાના શરુ કરતા કહ્યું “હા તો મિસ્ટર કબીર કેવુ છે તમને?”

“ઓફિસર તમે મારી સાથે છેતરપીંડી કરી છે. તમે મને કહેલુ કે જો હું સાચી માહિતી આપી દઇશ તો તમે મને સરકારી ગવાહ બનાવી છોડી દેશો. તેના બદલે તમે તો મારા રીમાઇન્ડ માગ્યા.” કબીરે એકદમ ગુસ્સાથી કહ્યું.

આ સાંભળી રિષભે એકદમ કટાક્ષમાં સ્મિત કર્યુ અને બોલ્યો “હા મે કહ્યુ હતુ કે તમે પૂરેપૂરી સાચી માહિતી આપશો તો હું તમને સપોર્ટ કરીશ. પણ તમે અમને પૂરેપૂરી સાચી માહિતી આપી નહોતી એટલે જ અમારે એ માહિતી કઢાવવા જ તમારા રીમાઇન્ડ માગવા પડ્યા છે.”

“ના સર તમારી કંઇક ભૂલ થાય છે. મે તો તમને બધી જ સાચી માહિતી આપી હતી.” કબીરે કહ્યું.

“તમે અમને એ માહિતી નહોતી આપી કે દર્શને કાવ્યા સિવાય પણ બીજી એક છોકરી પર રેપ કરેલો જેને લીધે તે છોકરી અડધેથી કોલેજ છોડી જતી રહેલી.” રિષભે સીધો જ વાર કર્યો.

આ સાંભળી કબીરની હાલત એકદમ ખરાબ થઇ ગઇ. હવે શું કહેવુ તે જ તેને સમજમાં નહોતુ આવ્યુ એટલે થોથરાતા બોલ્યો “એ તો મને ભૂલાઇ ગયેલુ. અને તેના વિશે મને બહુ કંઇ ખબર જ નથી.”

“હા, તમને આ રીતે બીજુ ઘણુ ભુલાઇ ગયેલુ હશે. આ ભૂલાઇ ગયેલુ યાદ કરવા માટે જ અમે રીમાઇન્ડ માંગ્યા છે. હજુ આજે તમને બધુ યાદ નહી આવે તો અમે હજુ થોડા દિવસોના રીમાઇન્ડ માંગીશુ.”

રિષભે એકદમ કટાક્ષમાં કહ્યું.

કબીરની હાલત હવે એવી થઇ ગઇ હતી કે તે કંઇ બોલી શકે એમ નહોતો. તેને રિષભ પર ખૂબ જ ગુસ્સો આવતો હતો. આજે જિંદગીમાં પહેલીવાર કોઇ તેના માથાનો મળ્યો હતો. કબીરે હાઇકોર્ટનો બાહોશ વકીલ રોક્યો હતો એટલે તેને વિશ્વાસ હતો કે તે આ કેસમાંથી છુટી જશે. આ વકીલે તેને કહ્યું હતુ કે તમારા રીમાઇન્ડ તો મંજુર થશે જ કેમકે પોલીસ પાસે પૂરતા પૂરાવા છે પણ તમે ચિંતા ના કરો હું રિમાઇન્ડના દિવસો બનશે તેટલા ઓછા કરાવી દઇશ. કબીર ગમે તેમ કરીને આજનો દિવસ પસાર કરવા માંગતો હતો પણ આ ઓફિસર તેને કોઇ પણ રીતે છોડવા માંગતો નહોતો. કબીરને વિચારમાં ખોવાયેલો જોઇને રિષભે કહ્યું “તમે જેટલુ વિચારવુ હોય તેટલુ વિચારી લો પણ જ્યાં સુધી અમને બધા જ જવાબ સાચા નહી મળે ત્યાં સુધી અમે તમને છોડીશુ નહી. હજુ તો હું માત્ર વાત કરી રહ્યો છું. જો તમે તે રીતે જવાબ નહી આપો તો પછી ના છુટકે મારે થર્ડ ડીગ્રીનો ઉપયોગ કરવો પડશે.” રિષભના હાવભાવ અને બોલવાની રીત જોઇને કબીર ધ્રુજી ગયો. આ માનસિક ટોર્ચર તો તે ગમે તેમ સહન કરી લેશે પણ જો તેને શારિરિક રીતે ટોર્ચર કરવામાં આવશે તો તેની હાલત શું થશે તે વિચાર આવતા જ તે ધ્રુજી ગયો અને ગભરાતા ગભરાતા બોલ્યો “તમે મારી સાથે એવુ ના કરી શકો. હું પણ કાયદો જાણુ છું. હું કોર્ટમાં તમારી વિરુધ્ધ ફરીયાદ કરી દઇશ.” આ સાંભળી રિષભ હસી પડ્યો અને બોલ્યો “ઓહ કમ ઓન મિ. કબીર તમે સાવ નાના છોકરા જેવી વાત કરો છો. કોર્ટ માત્ર તમારા કહેવાથી કઇ નહીં કરે. અમારા વિરુધ કાર્યવાહી કરવા માટે તમારા શરીર પર તેના નિશાન હોવા જરુરી છે. અને તમે તો જાણોજ છો કે અમે એવી ઘણી રીત જાણીએ છીએ કે જેમા દુઃખ અને પીડા તો હદ બહારની થાય છે પણ ઘાવનુ કોઇ નીશાન પડતુ નથી. અને તેમા તમે તો એકદમ એશો આરામની જીંદગી જીવતા વ્યક્તિ છો એટલે તમારી તો ત્રેવડ જ નથી કે તમે તે સહન કરી શકો. હવે નક્કી તમારે કરવાનુ છે કે સીધી રીતે જવાબ આપવો છે કે પછી ઉલટા લટકી દર્દ અને ચીસોથી લોથપોથ થઇ જવાબ આપવા છે.” રિષભની વાત સાંભળી કબીરના શરીરમાંથી એક લખલખુ પસાર થઇ ગયું. હવે તેની હિંમત નહોતી કે તે રિષભની સામે કોઇ પણ દલીલ કરી શકે. તે થોડીવાર ચુપ રહ્યો અને પછી બોલ્યો “હુ તો તમને બધા જ જવાબ આપવા તૈયાર જ છું. પણ તમે મારી વાત પર વિશ્વાસ જ નથી કરતા.”

“હા કેમકે તમે ખોટુ અને અધુરુ બોલો છો. પણ આ વખતે હવે તમારી પાસે કોઇ લાઇફ લાઇન બચી નથી. એક ખોટો જવાબ તમને ઉલટા લટકાવવા માટે પૂરતો છે. બોલો તમે શું કરવા માંગો છો.” આ સાંભળી રિષભના શરીરમાં એક અલગ જ પ્રકારનો ભય વ્યાપી ગયો. તેને ગળામાં શોસ પડવા લાગ્યો અને પરસેવો વળવા લાગ્યો. તેની હાલત જોઇ રીષભે પાણી મંગાવ્યુ અને બોલ્યો “લો પાણી પી લો. હજુ તો તમારે ઘણી તકલીફ ભોગવવાની છે.”

કબીર એક જ ઘુટડે અડધી બોટલ પાણી પી ગયો. તેનાથી તેને રાહત થઇ આ જોઇ રિષભ બોલ્યો “વિચારો કે આ બોટલમાં તમને યુરીન આપ્યુ હોત તો તમારી હાલત કેવી થાત. એટલે જ કહું છું કે સીધી રીતે જવાબ આપો.”

હવે કબીરની રહી સહી હિંમત પણ તુટી ગઇ અને તે બોલ્યો “ઓકે, તમે જે પણ કહેશો તેનો હું એકદમ સાચો જવાબ આપીશ.”

પણ ત્યારબાદ રિષભે જે પ્રશ્ન પૂછ્યો એ સાંભળતા જ તેને લાગ્યુ કે સાચુ બોલવુ એ તો આ ટોર્ચર કરતા પણ તકલીફ આપે એવુ છે.

----------***********------------**********---------------********-------------

મિત્રો આ મારી ત્રીજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મીત્રો આ નોવેલ તમને કેવી લાગી? તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર પર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મીત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************--------------------------

HIREN K BHATT

MOBILE NO:-9426429160

EMAIL ID:-HIRENAMI.JND@GMAIL.COM