Unique love books and stories free download online pdf in Gujarati

અનોખો પ્રેમ

શહેર ની પ્રખ્યાત વીલ્સન કોલેજ નાં કેમ્પસ માં ફર્સ્ટ ઈયર નાં પહેલા દિવસે છોકરા છોકરીઓ નો એક ગ્રુપ નો મેળાવડો જામ્યો હતો અને બધા પોતપોતનો ઇન્ટ્રોડક્શન દેતા હતા.
એવામાં ફેરારી કાર ની એન્ટ્રી થઈ અને બધાની ધ્યાન ત્યાં ખેંચાયું
એમાંથી ચાવી ફેરવતો એક યુવાન ઉતર્યો.
બ્રાન્ડેડ વ્હાઈટ જીન્સ, ટીશર્ટ, હાથમાં રાડો ની વોચ,સ્પોર્ટસ શૂઝ, ગોગલ્સ, ગળામાં સોનાની જાડી ચેન, ચારે તરફ નજર ફેરવી અને સામે ઉભેલા ગ્રુપ તરફ જઈ પોતાની ઓળખાણ આપી હાય એવરીબડી માય નેમ ઇઝ બોબ, મારું આખું નામ બકુલ ઓધવરામ બૂચ છે ટૂંકમા બોબ.
બધા એની બોલવાની ઢબ અને આત્મવિશ્વાસ થી અંજાઈ ગયા અને પોતાની ઓળખાણ આપવા લાગ્યા.
એમાંથી એક મીની સ્કર્ટ પહેરેલી હમણાંજ પાર્લર માંથી આવી હોય એવી ફોરવર્ડ છોકરી બોલી હાય માય નેમ ઇઝ મેઘા નાઈસ ટુ મીટ યુ બોલી હાથ લંબાવી ઊભી રહી, બકુલ પણ ઉત્સાહ થી હાથ મેળવી ઊભો રહ્યો બધી છોકરીઓ અદેખાઈ થી જોવા લાગી, આ મેઘા મેદાન મારી ગઈ અને આપણે જોતાં જ રહી ગયા અને છોકરાઓ અદેખાઈ થી વિચારતા હતા આ બોબ સામે આપણું કંઈ નહીં ઊપજે બધી છોકરીઓ એની તરફ જ ખેંચાવાની, એની વચ્ચે હેમ જાણે કંઈ પડી ન હોય એમ નચિંત ભાવે શાંત ઉભો હતો એની મધ્યમ વર્ગ પરિસ્થિતિ ને લીધે આ બધી ચીજોથી નીર્લેપ રહી ફક્ત ભણી ગણી આગળ વધવા માંગતો હતો.
પણ બોબ ની નજર સૌથી પાછળ ઊભેલી હિતાંષી તરફ ગઈ એકદમ સીધી સાદી ન કોઈ મેકઅપ કે ન કોઈ ઠઠારો પણ ચહેરા પર નમણાશ સાથે આત્મવિશ્વાસ થી છલકાતી ચૂપચાપ ઊભી હતી પણ ન જાણે એના ચહેરા માં એક અજીબ આકર્ષણ હતું બોબ આકર્ષાઈ ને એની તરફ ગયો અને હાય કહી શેકહેન્ડ કર્યું હવે ચમકવાનો વારો મેધા નો હતો મારા જેવી છોકરી ને છોડી બોબ સામેથી આ મણીબેન પાસે કેમ ગયો.
હિતાંષી પણ ગરીબ ઘરમાંથી આવતી હતી એના સ્વમાની પપ્પા રીક્ષા ચલાવીને એને આગળ ભણાવી પગભર કરવા માંગતા હતા અને પપ્પા ને પગલે ચાલતી હિતાંષી પણ સ્વમાની બની કોઈ નો ઉપકાર લીધા વગર પોતાની મંજિલ તરફ વધવા માંગતી હતી.
એટલામાં ક્લાસ ની બેલ વાગી અને બધા વીખરાઈ ગયા.
બપોરે કેન્ટીન માં બધા ભેગા થયા ત્યારે બોબ બોલ્યો આજની ટ્રીટ મારા તરફથી જેને જે ખાવું હોય ખાય બીલ હું ચુકવીશ.
સાંભળી બધા એ બુમો પાડી એના પ્રસ્તાવ ને વધાવી લીધો પણ હેમ ખુણામાં ટેબલ પર બેસી પોતાના ઘરેથી લાવેલ ડબ્બો ખોલી જમવા બેઠો જોઈ હિતાંષી પણ પોતાનો ડબ્બો લઈ હેમ પાસે જઈ બોલી હું તમારી સાથે જોઈન્ટ થઈ શકું ?
હેમ સ્મિત આપી બોલ્યો અરે આ કાંઈ પૂછવાની વાત છે ?
પણ મારા ડબ્બા માં લુખી શાક રોટલી સીવાય કાંઈ નહીં નીકળે બોલી હસી પડ્યો જવાબ માં હિતાંષી એ પણ પોતાનો ડબ્બો ખોલી શાક રોટલી દેખાડી હસી પડી કે "આવ ભાઈ હરખા આપણે બેય સરખા".
બન્ને નો હસવાનો અવાજ સાંભળી બોબ ત્યાં આવ્યો અને બોલ્યો આ તો ચીટિંગ છે તમારે બન્નેએ આ ડબ્બા મુકી અમારી સાથે જોઈન્ટ થવું પડશે.
હિતાંષી સ્વસ્થતાથી બોબ ને ખરાબ ન લાગે એવી રીતે એના આમંત્રણ નો અસ્વીકાર કરી શાક રોટલી ખાવા લાગી હેમે પણ એનું અનુકરણ કરી ત્યાંજ બેસી રહ્યો.
એ જોઈ મેધા એ બોબ ને બૂમ પાડી રહેવા દે એ લોકો ની ઈચ્છા નથી તો જબરજસ્તી શું કામ કરે છે ? એક રીતે એ બોબ ને હિતાંષી થી દૂર જ રાખવા માંગતી હતી.
એક વખત બોબ કાર લઈ ને કોલેજ આવતો હતો અને રસ્તા માં પગે ચાલતી હિતાંષી ને જોઈ બોલ્યો આવ હું કોલેજ જ જઈ રહ્યો છું.
હિતાંષી બોલી થેન્ક યુ, પણ હું ચાલી ને જ જઈશ અમારા જેવા ગરીબ ને આવી આદત પડે એ સારું નહીં અને આગળ ચાલવા માંડી.
બોબ ને ગુસ્સો આવ્યો પણ કેમ જાણે હિતાંષી ચહેરો સામે આવતાં જ એ ઠંડો પડી જતો અને એ કાંઈ ન બોલતો.
બોબ ને લાગ્યુ કે મનોમન એ હિતાંષી ને ચાહવા લાગ્યો છે પણ હિતાંષી કોઈપણ વાતે એની સાથે સહમત ન્હોતી થતી એટલે એ મુંઝવણ માં હતો વાત કેવી રીતે આગળ વધારવી.
આ તરફ હેમ અને હિતાંષી સમદુખીયા હતા એટલે એમનો મનમેળ વધવા લાગ્યો અને બન્ને ને ભણીને આગળ વધવું હતું એટલે ન આવડતા સબ્જેક્ટ એકબીજા ના ઘરે જઈ શીખવા લાગ્યા.
આજે બોબ નો જન્મદિવસ હતો અને બોબે હિમ્મત કરી હિતાંષી ને પોતાના દિલ ની વાત કરી પણ હિતાંષી બોલી તમે બધી રીતે મારાથી આગળ પડતા છો તમારી સામે મારી કોઈ રીતે ગણના ન થાય, હું તમારી બરોબરી ન કરી શકું એટલે સારૂ છે કે તમે મને ભૂલી જાવ તમને તમારી સમકક્ષ ઘણી છોકરીઓ મળી જશે.
બોબે હિતાંષી ને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ એ કામ ન આવી.
એક દિવસ હિતાંષી ના પપ્પાની રીક્ષા નો જોરદાર એક્સિડેન્ટ થયો અને તાબડતોબ હોસ્પિટલ માં એડમીટ કરવા પડ્યા, લોહી ઘણું વહી ગયુ હતું અને મલ્ટિપલ ફ્રેક્ચર થવાથી ઓપરેશન કરવું પડે એમ હતું અને એનો ખર્ચો પણ લાખોમાં આવે એમ હતું જે એમની ગજા બહાર નું હતું.
ઘણી ભાગદોડ કરી પણ પૈસા નો કોઈ મેળ પડતો ન્હોતો, શાહુકાર પાસે ગયા તો બોલ્યો કાંઈ ગીરવે મુકો તો પૈસા આપું, પણ એમની પાસે એવું તો કાંઈ ન્હોતું કે ગીરવે મુકી શકાય.
હિતાંષી હેમ પાસે ગઈ અને બધી વાત કરી, હેમ કાંઈ કરી શકે એમ ન્હોતો પણ એણે હિતાંષી ને કીધું તું બોબ ને વાત કર એના માટે તો બે પાંચ લાખ એટલે હાથનો મેલ છે.
નાછૂટકે હિતાંષી બોબને મળી અને પોતાની તકલીફ સમજાવી,
સાંભળી બોબ લુચ્ચાઈ ભર્યુ હસ્યો અને વિચાર્યુ હવે આવ્યો ઉંટ પહાડ ની નીચે.
બોબ બોલ્યો જો મને આડીઅવળી વાત કરવી ગમતી નથી અને સીધી વાત એ કે તું હેમ ને પ્રેમ કરે છે એટલે મારી થવાની નથી.
જો હું તને પૈસા આપું તો મને શું મળે ?
સાંભળી હિતાંષી સમસમી ગઈ, બોબ ને લાફો મારવાનું મન થયું પણ હોસ્પિટલ માં બેડ પડેલા પપ્પા યાદ આવતા એ અટકી ગઈ અને બોબ ની શરણાગતિ સ્વીકારતી બોલી તું જે કહે એ મને મંજૂર છે પણ મારા પપ્પા ને બચાવી લે.
બોબ ખુશીથી ઉછળી પડ્યો અને બોલ્યો તો ઠીક છે તને કેટલા રુપિયા જોઈએ બોલ અબગડી વ્યવસ્થા કરી દઈશ પણ આજથી બરોબર દસ દિવસ પછી મારા ઘરે એકલી આવી જજે ત્યારે હું હિસાબ પતાવી લઇશ.
હિતાંષી કાંઈ બુદ્ધુ ન્હોતી કે બોબની વાત ન સમજી શકે પણ મજબૂરી માણસ પાસે શું નથી કરાવતી એ વિચારી એણે બોબ ને પ્રોમીસ કર્યુ કે તમે જેમ કહો છો એમજ થશે.
બોબે પૈસા આપી કીધું મને તારા પર વિશ્વાસ છે. તે આપેલુ પ્રોમીસ જરૂર નિભાવીશ, જા ફટાફટ તારા પપ્પા ની સારવાર કરાવી લે અને દસ દિવસ પછી મને મળવા આવી જજે.
હિતાંષી પૈસા લઈ હોસ્પિટલ ગઈ અને ડોક્ટર ને સારવાર કરવા કીધું, ડોક્ટર બોલ્યા તે એકદમ સમયસર પૈસાની વ્યવસ્થા કરી તારા પપ્પા નો જીવ બચાવી લીધો.
ઓપરેશન સક્સેસ થયું અને ચાર દિવસ માં તો હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ લઈ હિતાંષી પપ્પાને લઈ ઘરે આવી, પપ્પા એ પુછ્યું બેટા આટલા બધા પૈસા ની વ્યવસ્થા તે કેવી રીતે કરી ?
હિતાંષી બોલી પપ્પા તમે શું કામ ટેન્શન લો છો ઉપરવાળો બેઠો છે આપણી ચિંતા કરવા એ બધુ એડજસ્ટ કરી આપે, તમે આરામ કરો.
આમનેઆમ દસ દિવસ પુરા થઈ ગયા હિતાંષી વિચારતી ક્યાંક દૂર ભાગી જઉં કાંતો જીવ આપી દઉં પણ પછી બોબ ને આપેલું પ્રોમીસ યાદ આવ્યુ અને વિચાર્યુ કે થયેલી વાત થી હું ફરી નથી શકતી પણ મારૂં પ્રોમીસ પાળ્યા પછી તો હું કાંઈપણ કરી શકું છું ને, અને હિમ્મત એકઠી કરી મેડિકલ માંથી પોઈઝન ની બાટલી લઈ પર્સ માં નાખી બોબ ના ઘર તરફ રવાના થઈ ગઈ.
બોબ રાહ જોતો જ બેઠો હતો અને જેવી હિતાંષી આવી એને અંદર લઈ ગયો ઘરમાં કોઈ દેખાતુ ન્હોતુ એને બેડ પર બેસાડી.
હિતાંષી પરસેવે રેબઝેબ થઈ ગઈ પર્સ માંથી રૂમાલ કાઢી ચહેરો સાફ કરવા લાગી એ જોઈ બોબ બોલ્યો બે મિનિટ માં પાછો આવું.
હિતાંષી ને તો એક એક મિનિટ એક એક યુગ જેવી લાગતી હતી, બોબ બે ને બદલે પાંચ મિનિટે આવ્યો એનાં હાથમાં ઢાકેલી થાળી હતી, હિતાંષી એ વિચાર્યુ બકરાને હલાલ કરતા પહેલા ખવડાવી ને તાજોમાજો કરવાની હિલચાલ લાગે છે.
પણ હિતાંષી ને આંચકો લાગ્યો બોબ ની પાછળ મેઘા પણ હતી અને એ આધાત માંથી બહાર આવે એ પહેલા મેધા ની પાછળ એક સ્ત્રી આવતી જોઈ.
હિતાંષી અચરજ થી જોતી રહી અને આ બધું શું છે એને સમજ ન્હોતી પડતી, બોબ બોલ્યો આ મારા મમ્મી દુર્ગા બેન છે અને મેધા ને તો તું ઓળખે જ છે.
હવે મુદ્દા પર આવીએ બોબ બોલ્યો તું ધારે છે એવો હું નથી, મને ખબર છે કોઈની અનિચ્છા હોય એ કામ એની પાસે કરાવીએ તો કેટલી તકલીફ થાય અને સાચો પ્રેમ જબરજસ્તી ન થાય, સાચો પ્રેમ હંમેશા કંઈક આપવામાં છે લેવામાં નહીં બોલી હિતાંષી ને પુછયું આજે ક્યો તહેવાર છે તને ખબર છે ?
હિતાંષી તો દસ દિવસ થી એટલી ટેન્શન માં હતી કે દિવસ વાર કાંઈ ખબર ન્હોતી એ પ્રશ્નાર્થ ચહેરે એને જોઈ રહી.
બોબ બોલ્યો આજે રક્ષાબંધન છે મારે કોઈ બહેન નથી આટલા વર્ષો થી મારી કલાઈ ખાલી રહેતી હતી આજે એના પર રાખડી બાંધવા મને એક બહેન મળી ગઈ, મને રાખડી બાંધીશ ? પુછી જમણો હાથ હિતાંષી તરફ લંબાવી દીધો.
હિતાંષી તો જાણે કોઈ સપનું જોતી હોય એમ અવાચક બની ગઈ અને આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી અને બોબ ના પગે પડી બોલી ભાઈ તમે તો મને તારી દીધી.
બોબ બોલ્યો આજે મને એકસાથે બબ્બે ખુશી મળી છે એક તો તારા જેવી મીઠડી બહેન અને બીજી મારી સાથે આખું જીવન વિતાવી શકે એવી જીવનસાથી મેઘા.
હિતાંષી એ રાખડી બાંધી એટલે બોબે કવર આપ્યું, હિતાંષી આનાકાની કરતી હતી એટલે દુર્ગા બેન બોલ્યા બેટા એમા ફક્ત કાગળ જ છે ઘરે જઈ વાંચી લેજે.
ખુશી થી બધાએ મોઢું મીઠુ કર્યુ અને હિતાંષી ઘરે જવા રવાના થઈ એટલે બોબ બોલ્યો આજના દિવસે ભાઈ બહેન ને કાંઈ આપતો હોય પણ આજે જતા જતા તારી પાસે હું કાંઈક માંગુ છું, હિતાંષી પાછી વિચારમાં પડી ગઈ હવે શું બાકી રહી ગયું ?
બોબ બોલ્યો તારી પર્સ માં એક બાટલી પડી છે એ મને જોઈએ, સાંભળી હિતાંષી અચરજ પામી અને બોલી ભાઈ તને કેવી રીતે ખબર પડી ?
બોબ બોલ્યો મારા ઘરે આવીને પરસેવો લૂછવા પર્સ ખોલી ત્યારે મારી નજર પોઈઝન ની બાટલી પર પડી ગઈ હતી, હવે જલ્દી એ બાટલી આપી દે એટલે એને ફેંકી દઈ હળવા થઈ જઈએ.
બોબ કાર લઈ હિતાંષી ને ઘરે મુકી મેઘાસાથે ફરવા માટે નીકળી ગયો.
ઘરે આવતા જ હિતાંષી એ કવર ખોલી કાગળ વાંચવા લાગી એમાં બોબે લખ્યુ હતું બેના તારા પપ્પા મારા પપ્પા થાય એટલે એમની સારવાર માટે ખર્ચેલ પૈસા ની જવાબદારી મારી થાય એટલે મેં આપેલ પૈસા પાછા આપવાનો કોઈ સવાલ રહેતો નથી અને ક્યારે પણ કોઈ ચીજની જરૂર પડે તો નિઃશંકોચ માંગી લેજે.
વાંચી હિતાંષી ની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા.
~ અતુલ ગાલા (AT) કાંદિવલી ઈસ્ટ, મુંબઈ.