New family books and stories free download online pdf in Gujarati

નવો વાર પરિવાર

પ્રસન્ન પારિવારિક જીવનની સપ્તપદી
પ્રિય પરિવારજનો,
જીવનયાત્રામાં સાત ના અંકનું મહત્વ અદભૂત છે. પૃથ્વી ના સાત ખંડ, સાત મહાસાગર, મેઘધનુષના સાત રંગ, સપ્ત ઋષિ, અને સાત અજાયબી.
મિત્રો, જેમ સપ્તાહમાં સાત વાર છે તેમ આઠમો વાર એ સૌનો મધુર પરિવાર છે. પરિવાર એ પ્રભુ એ માનવને પ્રદાન કરેલું સર્વોત્તમ નજરાણું છે. જીવનમાં પરિવારથી એકમેકની સાથે એકતા, એકરૂપતા અને એકાત્મકતા છે. પરિવાર ના સભ્યો એકબીજા સાથે સ્નેહ સેતુ થી જોડાયેલા છે. પરિવારના દરેક સદસ્યની ભૂમિકા અજોડ અને અલૌકિક છે. તેના પાયામાં સમર્પણ સમાયેલું છે. નિષ્કામ પ્રેમ પરિવારને જોડીને રાખે છે.
મિત્રો, આજે પરિવારના એવા સાત આભૂષણ ની વાત કરવાના છે કે જેમના વિના પરિવારમાં પ્રેમનો પમરાટ, સ્નેહની સરવાણી, દિલ માં દયા, હૈયામાં હૂંફ, તનમાં તરવરાટ, મનમાં મોકળાશ અને શ્વાસમાં વિશ્વાસ શક્ય નથી.
અખંડ પરિવાર માટે સકારાત્મક, હકારાત્મક અને રચનાત્મક અભિગમ આવશ્યક છે. સંબંધો નું અતૂટ બંધન એટલે પરિવાર.
પરિવારની નાવ એટલે ચાલે છે કે કોઈ સંબંધોને કારણે મૌન છે અને કોઈ મૌન છે તેથી સંબંધો છે. ડર અને ભયભીત થયા વિના સંજોગોની સાથે લડતા શીખો અને આંસુ પીને હસતા શીખો. સંબંધ નું સરનામુ શોધવા કરતાં ઋણાનુબંધ ને કારણે હોય છે તે માનસપટ ઉપર અંકિત કરીને રાખો. જીવનમાં બુદ્ધિ જરૂરી છે પણ સંબંધમાં હદયનું શાસન ચાલે છે તે સ્વીકારો. સંબંધોના તાળા ને પ્રેમ અને લાગણીની ચાવી થી ખોલજો તેમાં ક્રોધ, નફરત કે ગુસ્સાની ચાવીને સ્થાન આપશો નહી. યાદ રાખો કે ધીરજ એટલે રાહ જોવાની ક્ષમતા નહી પણ રાહ જોતી વખતે સ્વભાવ ને કાબૂમાં રાખવાની ક્ષમતા.
હવે મુખ્ય વાત...પ્રસન્ન પારિવારિક જીવનની સપ્તપદી...
(૧) પિતાજી.. પિતાજી નો ખભો, સહારો, માર્ગદર્શન, બલિદાન, સાહસિકતા અને ઘરનું શિર છત્ર
(૨) માતાજી... મા નો ખોળો, વાત્સલ્ય, મમતા, સહનશક્તિ, સમર્પણ, ત્યાગ અને સંતોષ
(૩) બેન.....બેન નો પવિત્ર સ્નેહ, દિકરી ...ઘરનો દીવો, નિર્દોષ સ્મિત, ઉદારતા, પ્રેમની પરાકાષ્ઠા
(૪) પત્ની...સહધર્મચારિણી, અર્ધાંગના, પરિવારનો આધાર સ્તંભ કે મેરુદંડ, સૌને સાચવનાર એક માત્ર વ્યક્તિ.
(૫) પુત્ર..દીકરો, પરિવાર નો પ્રકાશ, પરિવારનો સાથી, પરિવારને અકબંધ રાખીને કર્તવ્ય અને સેવા થી સમર્પિત.
(૬) મિત્રો...પરિવાર ની ટીકાને બદલે ટેકો કરે, સહાનુભૂતિ જ નહી પણ સહારો બને.
(૭) પરમ કૃપાળુ પરમેશ્વર ની સદૈવ કૃપા, દયા અને કરુણા પરિવાર ઉપર રહે. સમસ્યા દૂર કરવા કરતાં તેનો સામનો કરવાની પરમ શક્તિ અર્પણ કરે.
સૂરજ ઊગે અને જીવતર જાગે
બીજો વાર : સંકલ્પવાર

દરેક પળ મા પ્રેમ છે,
દરેક ક્ષણ મા ખુશી છે,
ખોઈ બેસો તો યાદ છે,
અને જીવી લો તો જિંદગી છે.
સૂરજ ઊગે અને પ્રભાતનું આગમન થાય. નવો દિવસ, નવી પળ અને નવજીવનનો પ્રારંભ થાય. કેટલી કેટલી આશા , અરમાન અને અપેક્ષા લઈને મીઠી સવાર મન - મસ્તક ઉપર દસ્તક દે છે. માનવ જીવન ને પ્રભુ એ આપેલ સુંદર તક, અવસર અને મોકો છે. જેમ સૂરજ અંધકાર ને દૂર કરીને પ્રકાશ આપે છે તેમ માનવીને મળેલ અમૂલ્ય જીવતર મા ભીતર થી પ્રકાશિત થવાની જરૂર છે.
મિત્રો, ફૂલ જેમ ખીલીને સુવાસિત થાય છે, તારા જેમ અંધકારને ચીરીને ચમકે છે તેમ પરમ સૌભાગ્યની મળેલ આ જિંદગી માં હસો, હસાવો અને હસી કાઢો તો સફળતા તમારા કદમ ચૂમશે.
સૂરજ જેમ ઊગવા નો ક્રમ ચૂકતો નથી તેમ મનુષ્યએ પણ જીવનમાં સંકલ્પબદ્ધ, પ્રતિબદ્ધ અને કટિબદ્ધ થવાની આવશ્યકતા છે.
હિંમત, સાહસ અને પરાક્રમ ને તમારા સાથી બનાવો અને કયારેય જીવનમાં નાસીપાસ થઈને અડધે રસ્તેથી પાછા ના વળશો, કેમકે જેટલું અંતર પાછા ફરવા કાપવું પડે છે, તેટલા જ અંતરમાં લક્ષ્ય સુધી પહોંચી શકાય છે.જીવનમાં સ્વાર્થને ત્યજીને પુરુષાર્થ અને પરમાર્થ અપનાવો. યાદ રાખો, જીવનમાં ભૂલ કરવા માટે કોઈ પણ સમય સારો નથી, તેમ છતાં થઈ ગયેલ ભૂલને સુધારવી હોય તો કોઈ પણ "સમય" ખરાબ નથી.
મિત્રો, ખુશનુમા સવાર બાળપણ જેવી મીઠી અને નિર્દોષ હોય છે. જ્યારે મધ્યાહન યુવાનની જેમ તાકાત અને ઉર્જામય છે, અને રાત એ ઘડપણ છે અને ખટમીઠા અનુભવો નું ચિંતન અને મંથન કરવાનો અવસર છે. નવા દિવસ અને નવી તક માટે પ્રભુ સમક્ષ પ્રાર્થના કરવાની તક છે. પરમ કૃપાળુ પરમેશ્વર પણ તકલીફમાં મુકતો નથી પણ નવીન તક આપે છે અને કદાચ તકલીફ હોયતો તેને પાર કરવાની પરમ શક્તિ એ જ પાલનહાર આપે છે. આમ તો કહેવાય છે કે ઈશ્વર એટલે "ઉપર વાળા", અને ઈશ્વર ને શોધીએ છીયે સૌ "નીચે" અને આસપાસ, પરંતુ ઈશ્વર તો છે અંદર, ભીતરમાં. ફક્ત શ્રદ્ધાથી અનુભૂતિ કરવાની જરૂર છે.
મિત્રો, એકલા દુઃખી થઈ શકાય પરંતુ સુખી કદી એકલા થઈ શકાતું નથી. સુખ સમસ્ત મા સમાયેલું છે. કોઈ ને કોઈ રચનાત્મક કાર્ય મા વ્યસ્ત રહેવું તેથી દુઃખી થવાનો સમય જ ના મળે. પ્રભાતની પ્રાર્થના થી પરિસ્થિતિ બદલે કે ના બદલે પરંતુ વ્યક્તિનું ચિત્ત અવશ્ય બદલાય છે. સંજોગોનો સામનો સ્વસ્થતા અને સાહસિકતા થી કરો. જીવનમાં ખરાબ સમય નો પણ એક વાર ખરાબ સમય આવે છે અને તે દૂર થઈ જાય છે. રાત્રે સૂઓ તો સંતોષ થી અને સવારે જાગો તો સંકલ્પથી.
મિત્રો, જીવનમાં માતા - પિતા અને ગુરુ ને સન્માન આપો, અને મૂર્ખ અને પાગલ સાથે વિવાદ ના કરો. મન ને કચરાપેટી ના બનાવશો. જિંદગીને સહેલી કરવા માટે સમજવું જરૂરી છે. હું શ્રેષ્ઠ છું એવો આત્મ વિશ્વાસ જરૂરી છે, પણ હું જ શ્રેષ્ઠ છું એ અહંકાર છે તે યાદ રાખશો.
આશિષ શાહ
9825219458