Love in Space - 9 books and stories free download online pdf in Gujarati

લવ ઇન સ્પેસ - 9

લવ ઇન સ્પેસ

પ્રકરણ -9

સૌથી પહેલાં તો મારાં વ્હાલાં વાચકોની હું દિલથી ક્ષમા માંગુ છું. લવ ઇન સ્પેસનું આ નવું પ્રકરણ રીલીઝ કરવામાં મેં ઘણો નઈ પણ ઘણો વધારે સમય લઈ લીધો. કોઈ બહાનું કાઢ્યા સિવાય એટલુંજ કહીશ કે હું એકસાથે ઘણી નોવેલ્સનાં પ્રોજેકટ ઉપર હું કામ કરી રહ્યો હતો એટ્લે લવ ઇન સ્પેસ લખવા માટે સમય નહોતો કાઢી શકતો. આ સિવાય, કોરોના, ફેમિલી પ્રોબ્લેમ્સ, UPSC...! ઘણી એવી સમસ્યાઓ હતી જેને હું અહિયાં કહી નઈ શકું.

માત્ર મારાં વાચકોની ક્ષમાયાચના સાથે આપની સમક્ષ લવ ઇન સ્પેસનો નવો ભાગ પ્રસ્તુત કરી રહ્યો છું.

થેન્ક યુ ડિયર રીડર્સ.

“SID”

J I G N E S H

Instagraam: @sid_jignesh19


અગાઉ પ્રકરણ 8 માં તમે વાંચ્યું.....

સ્પેસશીપ એક લઘુગ્રહોનાં પટ્ટા તરફ આગળ વધી રહ્યું છે. જોય અને બ્રુનો બંને નોવાએ કહ્યાં પ્રમાણે સ્પેસશીપને બચાવવા સ્પેસવોક કરવાં જાય છે? હવે આગળ વાંચો.....

નોંધ: વાર્તા બોરિંગ નાં થઈ જાય એટ્લે કેટલાંક વૈજ્ઞાનિક ફેક્ટ્સ અવગણ્યાં છે.
▪▪▪▪▪


“જોય...! તું ઠીક છે ને....!? તને મારો અવાજ આવે છે....!?” સ્પેસવોક માટે બહાર નીકળેલાં જોય અને બ્રુનોની ચિંતામાં સ્પેસ જમ્પ રૂમ રહેલી એવલીન બોલી.

તેઓ કમ્યુનિકેશન ડિવાઇસ વડે વાત કરી રહ્યાં હતાં. નોવા પણ બધાની વાત સાંભળી રહ્યો હતો.

“હાં....! અમે ઠીક છીએ....!” જોયનો અવાજ એવલીનને કમ્યુનિકેશન ડિવાઇસમાં સંભાળાયો “અમે હજીતો એયર લોક દરવાજાની બહારજ નીકળ્યાં છે...!”

“જોય...!” તેમનો અવાજ સાંભળી રહેલો નોવાં બોલ્યો “એયર લોક દરવાજાની બહાર એક યેલ્લો બટન હશે....! એ દબાવો એટ્લે તમારી બંને માટે સુરક્ષા કેબલ તમારી પીઠ પાછળનાં કેબલ લોકમાં આપોઆપ લાગી જશે....!”

જોય એ બ્રુનોએ તેમની બંને બાજુની સ્પેસશીપની દીવાલ ઉપર રહેલું યેલ્લો બટન દબાવ્યું. બંને બાજુથી દીવાલમાં રહેલાં એક છિદ્રમાંથી ટાઈટેનિયમ ધાતુનો બનેલો એક પાતળો પણ મજબૂત કેબલ તેમની પીઠ પાછળ કમરનાં ભાગે રહેલાં નાના છિદ્ર જેવાં કેબલ લોકમાં આપોઆપ ફિટ થઈ ગયો.

જોયે કેબલ ચેક કર્યો.

“All right…!” કેબલ ચેક કરીને જોય બોલ્યો “કેબલ લાગી ગયો છે...!”

“આ કેબલ સ્પેસજમ્પ દરમ્યાન યાત્રીઓની સુરક્ષા માટે લાગવાય છે....!” નોવાંએ ફરી ડિવાઇસમાં કહ્યું “કેબલ લગભગ 1800 મીટર લાંબો હશે....!આમ યાત્રીઑ સ્પેસમાં 1800 મીટર સુધી જમ્પ કરી શકે છે...!”

“તો બાકીનું લગભગ 200 મીટર જેટલું સ્પેસવોક...!?” બ્રુનોએ ગભરાઈને પૂછ્યું.

“એ તમારે કેબલ વગર કરવું પડશે....!” નોવાં શાંતિથી બોલ્યો.

“જોય....!?” ગભરાઈને સાંભળી રહેલી એવલીન બોલી.

“its ok એવલીન....!” જોય સાંત્વના આપતા બોલ્યો “અમે મેનેજ કરી લઈશું...!”

જોય હવે ધીરે-ધીરે એયર લોક દરવાજાની આગળની ટ્યુબમાં ચાલતો-ચાલતો આગળ વધવા લાગ્યો અને ટ્યુબનાં છેડે આવીને ઊભો રહ્યો.

“અમે ટ્યુબનાં છેડે આવી ગયાં...!” જોય બોલ્યો.

“શક્ય હોય એટલાં સ્પેસશીપનાં નજીક રહેવાનો પ્રયત્ન કરજો...!” નોવાં બોલ્યો.

જોય હવે ધીરે ટ્યુબમાંથી બહાર નીકળ્યો. બહાર નીકળતાંજ જોય જાણે પાણીમાં તરતો હોય એમ અંતરિક્ષમાં હવાંમાં તરવા લાગ્યો.

“બ્રુનો...!” જોય બોલ્યો “આવીજા....!” જોય હવે સ્પેસશીપની છત તરફ ઊંચે જવા લાગ્યો.

બ્રુનો હિમ્મત ભેગી કરીને જોયની પાછળ-પાછળ જવા લાગ્યો. થોડીવારમાં બંને હવે સ્પેસશીપનાં છત ઉપર આવી ગયાં. જોયે જોયું કે સ્પેસશીપની છત કોઈ વિશાળ લાંબા ફૂટબોલનાં મેદાન જેવી લાંબી હતી.

“આ તો ભયંકર બિહામણું છે...!” સ્પેસશીપની લંબાઈ જોઈને ડરી ગયેલો અને જોયની પાછળ સ્પેસશીપની છત ઉપર ઉભેલો બ્રુનો બોલ્યો.

“ચાલ...!” ભયભીત હોવાં છતાં જોય બોલ્યો.

ચંદ્ર ઉપર નાનાં કુદકા મારીને જેમ એક એસ્ટ્રોનોટ ચાલતો હોય છે તેમ અંતરિક્ષનાં શૂન્યાવકાશમાં જોય અને બ્રુનો કુદકાં મારતાં-મારતાં આગળ વધવા લાગ્યાં. તેમની પાછળ બાંધેલાં કેબલને લીધે તેઓ સ્પેસમાં ફંગોળાંતાં બચી શકતાં હતાં.

“મને તો ઉલ્ટી જેવુ થાય છે....!” લગભગ પાંચસો મીટર આગળ ચાલ્યાં પછી બ્રુનો બોલ્યો.

“what…!?” જોય અટક્યો અને પાછું વળીને બ્રુનો તરફ જોયું. તે પણ અટકી ગયો હતો “બ્રુનો તું ઠીક છે ને....!?”

“ના યાર......!” બ્રુનો તેનાં સ્પેસશુટનાં પેટનાં ભાગે તેનાં બંને હાથ દબાવતાં બોલ્યો.

“એક મિનિટ ઊભોરે’…..!” જોય હવે જમ્પ કરતો-કરતો બ્રુનોની નજીક આવ્યો.

“બ્રુનો....! ઉલ્ટી નાં કરતો....!” બ્રુનોનાં ખભે હાથ મૂકીને જોયે તેને હિમ્મત આપતાં કહ્યું “નઈતો તારું આખું હેલ્મેટ....!”

“તું એ બધું બોલ નઈ....!” બ્રુનો અણગમાં સાથે મોઢું બગાડતાં બોલ્યો “મને ચીતરી ચઢે છે....! જો ઉલ્ટી નઈ થતી હોયતો પણ થઈ જશે....!aww….!”

બ્રુનોને હવે ઊબકો ચઢ્યો.

“જોય.....!” સ્પેસશીપમાં રહેલી એવલીન કમ્યુનિકેશન ડિવાઇસમાં બોલી “શું થયું...!? બધું ઠીક છે....!?”

“બ્રુનોને ઉલ્ટી થાય છે....!” જોયે કમ્યુનિકેશન ડિવાઇસમાં એવલીનને પ્રત્યુત્તર આપ્યો.

“જોય....! સાંભળો...!” હવે કમ્યુનિકેશન ડિવાઇસમાં સ્પેસશીપનાં બારમાં રહેલાં નોવાનો અવાજ સંભળાયો “તામારાં સ્પેસસૂટમાં ડાબાં હાથનાં કાંડે એક લંબચોરસ ડિવાઇસ લાગેલું છે....! જોવો...!”

જોય અને બ્રુનો બંનેએ તરતજ તેમનાં ડાબાં હાથનાં કાંડે જોયું.

“જે નાની LED સ્ક્રીન તમને દેખાય છે....!” નોવા આગળ બોલ્યો “તેને ટચ કરી ઓન કરો....!”

જોયે હવે બ્રુનોનાં હાથની LED સ્ક્રીનને ટચ કરી ઓન કરી.

“એમાં જોવો....! જે મેન્યૂ દેખાયછે....! એમાં મેડિકેશનનું ઓપ્શન આવશે....!” નોવાએ કહ્યું.

“હાં....! દેખાયું....!” જોયે બ્રુનોનાં ડિવાઇસમાં જોયું અને કહ્યું.

“મેડિકેશનનાં ઓપ્શનમાં ટચ કરતાંજ તેમાં એક બીજું નાનું મેન્યૂ ઓપન થશે….!” નોવા બોલ્યે જતો હતો અને જોય તે પ્રમાણે બ્રુનોના કાંડે લાગેલાં ડિવાઇસનું મેન્યૂ એક્સેસ કર્યે જતો હતો.

“જે નવું મેન્યૂ ખુલશે...! એમાં A, B, C, D ક્રમમાં નાની-મોટી બીમારીઓનાં નામ લખેલાં હશે” નોવા બોલ્યો અને જોય LED સ્ક્રીનમાં ટચ કરીને સ્ક્રોલ કરતો રહ્યો.

એવલીન આખો વાર્તાલાપ સ્પેસશીપનાં “સ્પેસજમ્પ” વાળાં રૂમમાં ઊભી-ઊભી સાંભળી રહી હતી.

“હવે “E” આલ્ફાબેટમાં “Emesis” બીમારીનું નામ હશે એ ઓપ્શન ઉપર ટચ કરો....!” નોવા બોલ્યો.

“અરે ભાઈ....!” બ્રુનો માંડ ચિડાએલાં સ્વરમાં બોલ્યો “મને વોમીટ થાય છે....! આ Emesis વળી કઈ બીમારી છે....!?”

“મેડિકલ ભાષામાં વોમિટિંગને “Emesis” પણ કહેવાય છે....!” નોવા શાંતિથી બોલ્યો.

જોયે એક નજર બ્રુનો સામે નાંખી અને નોવાએ કીધેલાં “Emesis” નાં ઓપ્શન ઉપર ટચ કરી દીધું. એકાદ-બે સેકંડમાંજ બ્રુનોનાં સ્પેસસુટનાં કાંચનાં હેલ્મેટમાં ગળાં પાસે લાગેલી પેનલમાંથી “સ્પ્રે” થયો.

“ઓહ તારી....!” અચાનક થયેલાં સ્પ્રેથી બ્રુનોએ આંખો બંધ કરી દીધી અને બોલી ઉઠ્યો. જોકે દસેક સેકંડ પછી તેણે બે-ત્રણ ઊંડા શ્વાસભર્યા અને સ્મિત કરવાં લાગ્યો.

“અરે વાહ....!” બ્રુનોએ વધુ એક-બે ઊંડા શ્વાસ ભર્યા “ઊબકા બંધ થઈ ગયાં....!”

“હવે ઠીક લાગે છે....!?” જોયે બ્રુનોના ખભે હાથ મૂકીને પૂછ્યું.

“અરે એકદમ ઘોડાં જેવું ફીલ થાય છે....!?” બ્રુનો રમતિયાળ સ્વરમાં બોલ્યો.

“શું વાત છે....! ગધેડાંને ઘોડાં જેવું ફીલ થાય છે....!” કોમ્યુનિકેશન ડિવાઇસમાં નોવાનો અવાજ સંભળાયો.

“હાં...હાં.....હાં....” જોય હસી પડ્યો અને ડિવાઇસમાં એવિલીનનાં હસવાનો અવાજ પણ સંભળાયો.

“હેં શું....! નોવા....!? તું જોક પણ મારે છે.....!?” બ્રુનોએ પૂછ્યું.

“હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર આગળ વધો....!” નોવા શાંતિથી બોલ્યો.

“ચાલ જલ્દી....!” જોય બોલ્યો અને સ્પેસશીપની છત ઉપર નાનાં જમ્પ કરતો-કરતો ચાલવાં લાગ્યો.

“નોવાં......!” બ્રુનો પણ હવે જોયની પાછળ એજરીતે જમ્પ કરતાં-કરતાં ચાલવાં લાગ્યો “હું પાછો આવું પછી તારી વાત છે હોં.....!”

જોય ફરી હળવું હસ્યો.

બંને એજરીતે સ્પેસવૉક કરતાં-કરતાં આગળ વધતાં રહ્યાં. આજુબાજુ કાળાંધબ્બ સ્પેસને જોતો-જોતો જોય આગળ જમ્પ કરીને ચાલી રહ્યો હતો.

સ્પેસશીપની અંદરથી જે સ્પેસનો નજારો તેને રમણીય અને સુંદર લાગતો હતો, એજ સ્પેસ જાણે કોઈ વિશાળ રાક્ષસ હોય અને પોતાનું અંધારિયું મોઢું ખોલીને ઊભો હોય એવું જોયને લાગવાં લાગ્યું. પોતે જાણે એ રાક્ષસનાં વિશાળ અંધારિયા મોઢામાં જઈ રહ્યો હોય એવો જોયને આભાસ થવાં લાગ્યો. પોતાની પત્ની અને દીકરીનાં ચેહરાં યાદ આવી જતાં જોયનું શરીર ભયથી ધ્રુજી ઉઠ્યું. પોતે સ્પેસમાં ખોવાઈ જશે તો છાયા અને રિધિમાનું શું થશે? એ બીકે જોયને ગભરામણ થવાં લાગી.

“હું..ફ.......હું....ફ......! ઓહ ગોડ.....!” જોયને હવે માથે પરસેવો વળવાં લાગ્યો શ્વાસ લેવામાં તકલીફ પડવાં લાગી.

“જોય.....! તું ઠીક છેને.....!?” ડિવાઇસમાં જોયનો મોટેથી શ્વાસ લેવાનો અવાજ સંભળાતા એવલિને ચિંતાતુર સ્વરમાં પૂછ્યું.

“હાં.....અ.....! અ... I’m....ફ........fine…..!” પરાણે શ્વાસ લઈ રહેલો જોય માંડ બોલ્યો. તે જેમ-તેમ જમ્પ કરીને આગળ ચાલી રહ્યો હતો.

“ભાઈ જોય....! તું ઠીક નાં હોયતો....! આપડી પાસે ડો. નોવાં છેજ મદદ કરવાં....!” પાછળ આવી રહેલો બ્રુનો બોલ્યો.

જોયથી હસાઈ ગયું. તે શ્વાસ લેવાં થોડું અટક્યો.

“હા......જોય....! કોઈ પ્રોબ્લેમ હોય તો કો’…..!” ડિવાઇસમાંથી નોવાંનો અવાજ સંભળાયો.

“નાં....! હવે ઠીક લાગે છે.....!” જોયને હવે રાહત થતાં તે તેનો અવાજ સ્વસ્થ કરતાં બોલ્યો “થેંક્સ બ્રુનો.....!”

જોય હસ્યો ફરી જમ્પ કરીને ચાલવાં લાગ્યો.

“યૂ આર વેલકમ....! પણ મેં શું કર્યું.....!?” બ્રુનો બોલ્યો અને જોયની પાછળ જમ્પ કરતો ચાલવાં લાગ્યો.

જોય ડોકું ધૂણાવતો ફરી એકવાર હસ્યો.

સ્પેસશીપનાં છત ઉપર બંને જમ્પ કરીને ચાલતાં-ચાલતાં મુખ્ય કંટ્રોલરૂમમની વેંન્ટીલેશન શાફ્ટ સુધી પહોંચવાંજ આવ્યાં હતાં ત્યાંજ તેમની પીઠ ઉપર સ્પેસશુટમાં લાગેલો સુરક્ષા કેબલ ખેંચાયો.

“ઓહો....!” જોયે પાછળ ફરીને પહેલાં કેબલ સામે પછી બ્રુનો સામે જોયું.

“હવે....!?” બ્રુનો તેની પીઠ પાછળ લાગેલાં કેબલને તેનાં હાથમાં લપેટીને ખેંચતાં બોલ્યો.

“શું થયું જોય....!?” સ્પેસશીપનાં સ્પેસજમ્પવાળાં રૂમમાં ઊભેલી એવલીન બોલી.

“સુરક્ષા કેબલ....!” જોય બોલ્યો “લાગે છે નોવાંએ કીધું’તું એમ ....! અઢારસો મીટરની કેબલની લંબાઈ પૂરી થઈ ગઈ.....!”

“એનો મતલબ હવે તમે કંટ્રોલરૂમમની વેંન્ટીલેશન શાફ્ટથી બસ્સો મીટરજ દૂર છો....!” ડિવાઇસમાંથી નોવાંનો અવાજ સંભળાયો.

“હાં.....! એનો મતલબ એ પણ છે.....! કે અમારે હવે બસ્સો મીટર કેબલ વગરજ જવું પડશે.....!” બ્રુનો ચિડાઈને વ્યંગ કરતાં બોલ્યો.

“જ.....જોય....! પ્લીઝ....! ધ્યાન રાખજે....!” સ્પેસજમ્પ રૂમમાં ઊભેલી એવલીન ચિંતાતુર સ્વરમાં બોલી.

“ડોન્ટ વરી એવલીન...!” જોય સંતવાના આપતો હોય એમ બોલ્યો “અમે પોં’ચી જઈશું...!”

એટલું કહીને જોયે બ્રુનો સામે જોયું અને એક નજર આજુબાજુના કાળાંધબ્બ અનંત અંતરિક્ષ ઉપર નાંખી.

“કેબલ ખોલ્યાં પછી બવ ના કૂદતો...!” બ્રુનો ગમ્મત કરતો હોય એમ બોલ્યો અને પોતાનાં સ્પેસસુટમાં લાગેલો કેબલ સુટમાંથી છૂટો કરવાં માટે પોતાનાં સ્પેસસુટનાં કાંડે લાગેલી LED ડિવાઈસમાં મેનૂ જોવાં લાગ્યો.

“બવ ઊંચો કૂદયો તો સ્પેસશીપથી દૂર ફાંટાઈ જઈશ...!” બ્રુનો ફરીવાર ગમ્મત કરતાં બોલ્યો “અને પછી ગલોટિયા ખાતો-ખાતો સ્પેસમાં રખડ્યા કરીશ...!”

બ્રુનોએ કરેલી ગમ્મતથી જોય હળવું હસી ગયો અને તે પણ બ્રુનોની જેમજ પોતાનાં કંદે લાગેલી એલઇડી ડિવાઇસમાં જોઈ સુરક્ષા કેબલ છૂટો કરવાં મેનૂમાં ઓપ્શન સર્ચ કરવાં લાગ્યો.

પોત-પોતાનાં કાંડે બાંધેલાં LED ડિવાઈસનાં મેન્યૂમાં બંનેએ સુરક્ષા કેબલ છૂટો કરવાં માટેનું “ડિટેચ કેબલ” નું ઓપ્શન શોધી લીધું. ઓપ્શન ઉપર ટચ કરી કેબલ છૂટો કરતાં પહેલાં નજીક-નજીક ઉભેલાં બંનેએ સ્પેસસૂટનાં હેલ્મેટનાં કાંચમાંથી એકબીજાંની સામે જોયું.

“તું પે’લ્લાં કેબલ ખોલ....!” બ્રુનોએ જોયને કહ્યું.

જોયથી ફરીવાર હળવું હસાઈ ગયું.

“શક્ય હોય તો બંને એકબીજાંનાં હાથ પકડીને ચાલજો....!” કોમ્યુનિકેશન ડિવાઇસમાં નોવાનો અવાજ સંભળાયો.

“પાર્કમાં ચાલતાં લવરીયાઓની જેમ...!?” બ્રુનો ફરીવાર ગમ્મત કરતાં બોલ્યો.

“શટ અપ બ્રુનો...!” હવે એવિલીન ચિડાઈ હોય એમ કોમ્યુનિકેશન ડિવાઇસમાં બોલી.

“એને બોલવાદે એવલીન....!” જોય હળવું સ્મિત કરીને બોલ્યો “એનાં લીધે મારું ટેન્શન ઓછું થાય છે....!”

“જોયું...! હું કેટલો કામનો માણસ છું...!” બ્રુનો શેખી મારતો હોય એમ એવલીનને સંભળાવવાનાં ઉદ્દેશથી બોલ્યો.

“ખટ....!” જોયે પોતાનાં કાંડે બાંધેલી ડિવાઈસમાંથી ડિટેચ કેબલનું ઓપ્શન ટચ કરી દેતાંજ સુરક્ષા કેબલ તેનાં સ્પેસસૂટથી છૂટો થઈ ગયો.

લગભગ 1800 મીટર લાંબો કેબલ છૂટો થયાં પછી શૂન્યાવકાશમાં આતતેમ સ્પેસશીપની નજીક તરવા લાગ્યો.

“તું જઈને આય...!” પોતાનાં સૂટનો કેબલ ડિટેચ કરતાં પહેલાં બ્રુનો ફરીવાર મજાક કરતાં બોલ્યો “હું અહિયાં ઊભો-ઊભો તારી રાહ જોવું છું....!”

“હી..હી...! ચાલ બ્રુનો...!” જોય ફરીવાર હળવું હસ્યો અને આગળ ફરીને નાના-નાના જમ્પ કરતો-કરતો ચાલવા લાગ્યો “આપડી પાસે હવે ઓછો ટાઈમ બચ્યો છે....!”

“ખટ.....!” એકાદ-બે ક્ષણ જમ્પ કરીને જઈ રહેલાં જોયની પીઠ તાકીને છેવટે બ્રુનોએ પણ પોતાનાં સ્પેસસૂટનો કેબલ ડિટેચ કરીન નાંખ્યો.

નાનાં-નાનાં જમ્પ કરતો-કરતો બ્રુનો પણ હવે જોયની પાછળ-પાછળ જવાં લાગ્યો.

સુરક્ષા કેબલ વિના ચાલતાં-ચાલતાં બેય જણાં હવે સ્પેસશીપનાં કંટ્રોલરૂમ તરફ જવાં લાગ્યાં. કેબલ વિના જમ્પ કરતાં-કરતાં ચાલી રહેલો જોય ગભરાવા લાગ્યો અને તેનું હ્રદય જોરશોરથી ધકડવાં લાગ્યું.

“જોય...! તમારાં હાર્ટ બિટ્સ વધી રહ્યાં છે...!” બારમાં ઉભેલાં નોવાએ કોમ્યુનિકેશન ડિવાઇસમાં કહ્યું.

“તને કેમની ખબર પડી...!?” જોયની પાછળ જમ્પ કરીને સ્પેસવૉક કરી રહેલાં બ્રુનોએ પૂછ્યું.

“જોયનાં સ્પેસસૂટમાંથી જે બીપ...બિપનો અવાજ આવે છે....!” નોવાએ એક્સપ્લેન કરતાં કહ્યું “એ મને સંભળાય છે....!”

“ઇટ્સ ઓકે....!” પોતાને અને કોમ્યુનિકેશન ડિવાઇસમાં સાંભળી રહેલાં એવલીન અને નોવાને સાંત્વનાં આપતો હોય એમ જોય બોલ્યો “અમે કંટ્રોલરૂમ સુધી પ...પહોંચવાંજ આયા છે...!”

છેવટે તેઓ જમ્પ કરીને સ્પેસવૉક કરતાં-કરતાં સ્પેસશીપનાં મેઈન કંટ્રોલરૂમની છત સુધી પહોંચી ગયાં. કંટ્રોલ રૂમની પહેલાં નોવાએ કહ્યાં મુજબ કંટ્રોલરૂમની વેંન્ટિલેશન શાફ્ટનાં મોઢા પાસે બંને અટક્યાં.

નોવાંએ કહ્યાં મુજબ વેંન્ટિલેશન શાફ્ટ લગભગ ખાસ્સી મોટી સાતેક ફૂટ જેટલાં વ્યાસની ગોળાકાર હતી. ત્રણ જુદાં-જુદાં ત્રિકોણાકાર ભાગમાં વહેચાયેલાં વેંન્ટિલેશન શાફ્ટનાં વિશાળ દરવાજા દર અમુક સેકોન્ડે આપમેળે ખૂલતાં અને બંધ થતાં. ત્રણેય ત્રિકોણાકાર દરવાજા ગોળાકાર વેંન્ટિલેશન શાફ્ટની મધ્યમાં એક જગ્યાએ ભેગાં થતાં અને પછી કેટલીક સેકન્ડો બંધ રહ્યાં પછી ફરીવાર ખૂલતાં. નોવાએ કહ્યું હતુ તે પ્રમાણે માત્ર ત્રણ સેકન્ડ ખુલ્લાં રહ્યાં પછી બધાં દરવાજા આપમેળે બંધ થઈ જતાં. દરવાજા ખૂલતાંની સાથેજ વેંન્ટિલેશન શાફ્ટમાંથી કંટ્રોલરૂમની ગરમ હવાં દબાણપૂર્વક બહાર ધકેલાતી હતી.

“આતો બવ ઓછાં ટાઈમ માટે ખુલ્લાં રે’ છે…!” બ્રુનો જોય સામે જોઈને બોલ્યો.

“બ્રુનો...! શાફ્ટના દરવાજાની બહારની બાજુ ખૂણામાં એક નાનું હેન્ડલ હશે....!” બ્રુનોનો અવાજ સાંભળીને નોવાએ કોમ્યુનિકેશન ડિવાઇસમાં કહ્યું “તમે એ હેન્ડલ પકડીને ઊભાં રો’….! તમે હેન્ડલ પકડી રાખશો... ત્યાં સુધી દરવાજા બંધ નઈ થાય....!”

“પણ...!”

“શું પણ...!” બ્રુનો કઈં બોલે એ પહેલાંજ એવલીન કોમ્યુનિકેશન ડિવાઇસમાં બ્રુનો ઉપર તાડૂકતી હોય એમ બોલી “તને જોયની હેલ્પ કરવાંજ મોકલ્યો છે....! ખાલી જોક મારવાં નઈ...! ચૂપચાપ હેન્ડલ પકડીને ઊભો રે’…!”

“એવલીન...!” હવે જોય બોલ્યો “વાત એ નથી....!”

“શું થયું જોય...!?” નોવાનો અવાજ આવ્યો “કોઈ પ્રોબ્લેમ...!?”

“નોવા....! વેંન્ટિલેશન શાફ્ટનાં દરવાજા અમારી સમાંતર છે...” જોય સમજાવતો હોય એમ બોલ્યો.

“એટ્લે...!?” મુંઝયેલી એવલીને કોમ્યુનિકેશન ડિવાઇસમાં પૂછ્યું.

“એટ્લે એમ સમજ કે અમે બેય એક સ્વિમિંગ પુલમાં કુદવા માટેના ઊંચા પાટિયા ઉપર ઊભાં હોય એમ ઊભાં છે...!” જોય બોલ્યો “અને અમારે એ સ્વિમિંગ પુલમાં એટ્લે કે એ શાફ્ટમાં એ પાટિયા ઉપરથી એટ્લેકે સ્પેસશીપની છત ઉપરથી અંદર કુદવાનું છે....!”

“ઓહ...! તો...!?”

“તો અમે સ્પેસમાં ઝીરો ગ્રેવિટીમાં જમ્પ કરીશું તો અંદર શાફ્ટમાં થોડી ખેંચાઈશું...!?” હવે બ્રુનો ટોંન્ટ મારતો હોય એમ એવલીનને બોલ્યો “અમે તો ઊલટાનું હવામાં તરવા લાગીશું...! મે બી સ્પેસશીપ દૂર ખેંચાઈ જઈએ....!”

“તો હવે...!?” એવલીને પૂછ્યું.

“તમારે બેયને ઉંધા માથે અંદર દાખલ થવું પડશે....!” નોવાએ કહ્યું “સ્પેસશીપમાં એસ્ટ્રોનોટ્સ કેવીરીતે સુપરમેનની જેમ તરતાં-તરતાં બધુ કામ કરતાં હોય એમ...!”

“તો એમાં ઉંધા માથે શું કામ દાખલ થવું છે...!?” એવલીન સહેજ ચિડાઈ હોય એમ બોલી “તમે બેય સ્પેસશીપની છત ઉપર ઉંધા માથે થશો...! તો તમારાં પગ ઉપર લટકશે...! અને જો તમારાંમાંથી કોઈ છટકી ગયું...તો....તો...નઈ...નઈ..! ઉંધા માથે કોઈ જરૂર નથી...!”

“અરે મેડમ....!” બ્રુનો ફરીવાર ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો “અમારી આંખો માથામાં લાગેલી છે...! પગમાં નઈ....!”

“Exactly…. એવલીન...!” નોવા બોલ્યો “માથું આગળની બાજુ હોય તોજ આગળ જવાં માટે રસ્તો દેખાયને અને હાથ વડે પોતાને આગળ ધકેલી શકાય...!”

“ઓહ હાં....! સોરી...!” એવલીનને સમજાયું હોય એમ બોલી પછી બ્રુનોની ખેંચતી હોય એમ બોલી “વાહ બ્રુનો..! તું તો એસ્ટ્રોનોટ થઈ ગ્યો....!”

“હી..હી...!” જોય સામે આઈબ્રો નચાવી બ્રુનો હસ્યો.

“જોય...! શાફ્ટનો જે દરવાજો તમે અત્યારે તમે જોઈ રહ્યા છો... એ બહારનો દરવાજો છે...!”નોવાનો અવાજ આવ્યો “અંદર દાખલ થયાં પછી બીજો એક એરલોક દરવાજો પણ હશે....! શાફ્ટ બહારના દરવાજાની જેમજ એરલોક દરવાજો પણ ત્રણેક સેકન્ડ પૂરતો ખુલ્લો રહીને બંધ થઈ જશે....!”

“એરલોક દરવાજો..!?” જોય અને બ્રુનો બંને આશ્ચર્યથી બોલ્યાં.

“હાં...! સ્પેસશીપમાં ઓકસીજાનનું દબાણ યોગ્ય જળવાઈ રહે એ માટે સ્પેસશીપમાં જેટલાં પણ દરવાજા છે જે બહાર સ્પેસમાં ખૂલતાં હોય એની પહેલાં એક એરલોક દરવાજો હોયજને...!”

“સ્પેસજમ્પ રૂમ જેવોજ ને...!?” બ્રુનો બોલ્યો.

“હાં...! એવોજ..! પણ અહિયાં જે એરલોક રૂમ હશે...!” નોવા બોલ્યો “એમાં કંટ્રોલરૂમની ગરમ હવાં હશે....! જ્યારે કંટ્રોલરૂમમાંથી ગરમ હવાં બહાર નીકળે છે ત્યારે પે’લ્લાં એરલોક રૂમમાં દાખલ થાય છે....! પછી કંટ્રોલરૂમમાંથી શાફ્ટના જે દરવાજા વાટે ગરમ હવાં એરલોક રૂમમાં દાખલ થાય એ દરવાજો બંધ થાય પછી એરલોક રૂમનો દરવાજો ખૂલે અને છેલ્લે શાફ્ટનો મેઇન દરવાજો...!”

“ભાઈ મારુ માથું ભમવાં માંડ્યુ છે હોં...” બ્રુનો તેની આંખોના ડોળા ફેરવતો હોય એમ બોલ્યો.

“કંટ્રોલરૂમમાં જે ઑક્સીજનવાળી હવાં હોય એનું લેવલ જળવાઈ રે’ અને ઑક્સીજનવાળી હવાં પણ ગરમ હવાની જોડે બહાર ના ધકેલાઈ જાય એટલા માટે એરલોક દરવાજો બનાવ્યો છે..!”

“મારે શું કરવાનું છે....!” બ્રુનો ચિડાયો હોય એમ બોલ્યો “એમ કે’ને તું...! આ બધુ લેકચર નઈ સાંભળવું ...!”

“જોય અંદર દાખલ થાય એટ્લે એમની પાછળ તમારે પણ જવાનું..!” નોવા બોલ્યો “જોય અંદરની બાજુથી શાફ્ટ દરવાજાનું હેન્ડલ પકડી રાખશે...! પછી તમારે બેયે એરલોક દરવાજામાંથી પણ એજરીતે દાખલ થવાનું...! વારાફરતી...! અને છેલ્લે જ્યારે કંટ્રોલરૂમની અંદર ખૂલતો શાફ્ટનો દરવાજો આવે ત્યારે બ્રુનોએ જોયને અંદર દાખલ થવાં દેવાનો...! તમારે હેન્ડલ છોડી દેવાનું એટ્લે જોય અંદર દાખલ થઈ જશે....!”

“બ્રુનો હેન્ડલ છોડી દેશે....તો દરવાજો બંધ થઈ જશે..!” એવિલીન ચિંતાતુર સ્વરમાં બોલી “પછી જોય કંટ્રોલ રૂમમાંથી બહાર કેમનો નીકળશે...!?”

“અંદરની બાજુ પણ હેન્ડલ હશે...!” નોવા સમજાવા લાગ્યો“દરવાજો ખૂલે ત્યારે જોય પકડી રાખશે એટ્લે બ્રુનો જોયને જોઈ શકશે...! પછી ફરી એકવાર દરવાજો બંધ થઈ ખૂલે ત્યારે બ્રુનોએ હેન્ડલ પકડી રાખાવનું....! એટ્લે જોય બહાર નીકળી શકશે...!”

“ભાઈ જોય...! તું સમજી ગ્યોને...!” બ્રુનો બોલ્યો “મારે તો બધુ બાઉન્સ ગયું...!”

“ટૂંકમાં તમારે બેયે...! એકની એક પ્રક્રિયા ત્રણ વાર કરવાની....!” નોવા ટૂંકમાં સમજાવતો હોય એમ બોલ્યો “પણ છેલ્લીવાર બ્રુનોએ દરવાજામાંથી અંદર નઈ જવાનું...!”

“હું પે’લ્લાં અંદર જાવ છું...!” જોય બોલ્યો અને માથું નીચે શાફ્ટ બાજુ રહે એ રીતે હવામાં ઊભો થયો.

વેંન્ટિલેશન શાફ્ટનાં વિશાળ દરવાજા શાફ્ટની ટ્યુબની સહેજ અંદર બનેલાં હતા. આથી ટ્યુબનો સહેજ આગળનો ખાલી રહેતો ભાગ પકડીને જોય અંદર દાખલ થવાં તૈયાર થઈ ઉંધા માટે લટકી રહ્યો.

સ્પેસમાં ખૂલતો શાફ્ટનો પહેલો દરવાજો ખૂલતાંજ જોય ઝડપથી શાફ્ટમાં દાખલ થયો. ત્રણ સેકન્ડમાં દરવાજો બંધ થાય એ પહેલાંજ જોય અંદર દાખલ થઈ ગયો. એ વખતે બ્રુનોએ બહારથી દરવાજાનું હેન્ડલ પકડી રાખ્યું.

જોયના અંદર દાખલ થયાં પછી બ્રુનોએ હેન્ડલ છોડી દીધું. ત્રણ સેકન્ડ વીતી ગઈ હોવાથી તરતજ શાફ્ટનો દરવાજો બંધ થઈ ગયો.

શાફ્ટમાં અંદર દાખલ જોય પાછો ફર્યો અને અં દરવાજો ફરીવાર ખૂલવાની રાહ જોઈ રહ્યો. આઠ સેકન્ડ બંધ રહ્યા પછી જેવો દરવાજો ખૂલ્યો કે જોઈએ અંદરથી શાફ્ટના દરવાજાનું હેન્ડલ પકડી રાખ્યું.

“બ્રુનો જલદી આય...!” જોય બોલ્યો અને બ્રુનો ઝડપથી અંદર દાખલ થયો.

બ્રુનોના અંદર દાખલ થતાંજ જોયે હેન્ડલ છોડી દીધું અને દરવાજો બંધ થઈ ગયો.

“જલ્દી બ્રુનો...!” એસ્ટ્રોનોટની જેમ શાફ્ટમાં ઝડપથી તરતો હોય એમ શાફ્ટના એરલોક દરવાજા તરફ જઈ રહેલો જોય બોલ્યો “શાફ્ટનો એર લોક દરવાજો આઠજ સેકન્ડ માટે બંધ રેશે...! પછી ત્રણ સેકન્ડ માટે ખૂલે એટ્લે મારે અંદર દાખલ થવાનું છે...!”

“હાં..હા.....! હું તારી પાછળ જ છું...!” બ્રુનો પણ સમય બગાડ્યા વગર એસ્ટ્રોનોટની જેમ તરતો-તરતો જોયની પાછળ-પાછળ જઈ રહ્યો હતો.

એરલોક દરવાજા પાસે પહોંચીને બંનેએ એજ પ્રક્રિયા ફરી દોહરાવી અને એરલોક રૂમમાં દાખલ થયાં.

“બાપરે....! આટલી બધી ગરમી...!” એરલોક રૂમમાં અંદર દાખલ થતાંજ બ્રુનો બોલી ઉઠ્યો.

“કંટ્રોલરૂમની ગરમ હવાં છે...!” જોય બોલ્યો અને એરલોક રૂમનો બીજો દરવાજો ખૂલે એની રાહ જોઈ રહ્યો.

થોડીજ વારમાં એરલોક રૂમનો એજ દરવાજો જ્યાંથી તેનો દાખલ થયાં હતાં તે દરવાજો ફરીવાર ખૂલ્યો અને બધી ગરમ હવાં બહારના સ્પેસ તરફના દરવાજા તરફ ધકેલાઈ ગઈ. ગરમ હવાં ધકેલાઈ જતાં શાફ્ટના એરલોકરૂમમાં તરતજ બંને નીચે પટકાયા. જોકે બંને શાફ્ટની દીવાલને સમાંતર હવામાં તરતાં હોવાથી વધું જોરથી ના પટકાયા.

“ઓહ તારી...!” નીચે પટકાતાં બ્રુનો ચિડાઈને બોલી ઉઠ્યો “આ શું થયું..!?”

“એરલોક રૂમમાં જ્યારે કંટ્રોલરૂમના દરવાજામાંથી ગરમ હવાં દાખલ થાય છે...!” નોવા બોલ્યો “ત્યારે એરલોક રૂમમાં પણ કંટ્રોલરૂમની ગ્રેવેટી જેટલુંજ પ્રેશર પણ મેન્ટેન થાય છે...! પછી જેવી ગરમ હવાં સ્પેસશીપની બહાર નીકળવાં માટેનો દરવાજા તરફ ધકેલાઈ જાય છે પાછું એરલોકરૂમમાં શૂન્ય ગુરુત્વાકર્ણ થઈ જાય છે...! એટ્લે હવે...!”

“ઓહ તેરી...!” નોવા બોલવાનું પૂરું કરે ત્યાંસુધીમાં તો કંટ્રોલરૂમની ગરમ હવાં અંદર એરલોકરૂમમાં દાખલ થઈ ગઈ અને કંટ્રોલરૂમ તરફનો એ દરવાજો તરત બંધ થઈ જતાં ફરીવાર એરલોકરૂમમાં શૂન્ય ગુરુત્વાકર્ષણ થઈ ગયું. બંને તરતજ પહેલાંની જેમ હવાંમાં આપમેળે તરવા લાગ્યાં.

“ધડામ.....!” ફરી એજ રીતે ગરમ હવાં સ્પેસશીપમાંથી બહાર નીકળી જતાં એરલોકરૂમમાં ગુરુત્વાકર્ષણનું દબાણ સામાન્ય થઈ ગયું અને બંને ફરીવાર નીચે પટકાયા.

“આ પ્રક્રિયા ચાલુજ રે’શે...! અવિરત...!” છેવટે નોવાએ પોતાની અધૂરી વાત પૂરી કરી.

“આ બધુ તારે પે’લ્લાં કેવું જોઈતું તું....!” ચિડાયેલો બ્રુનો બોલ્યો.

“બ્રુનો...! હવે તું આ દરવાજો ખૂલે એટ્લે હેન્ડલ પકડી રાખજે...!” લગભગ સાતેક ફૂટનો વ્યાસ ધરાવતી ગોળાકાર વેંન્ટિલેશન શાફ્ટનાં એરલોકરૂમમાં હવે જોય ઊભો થઈ ગયો જેથી ફરીવાર જ્યારે એરલોકરૂમમાં ગુરુત્વાકર્ષણનું દબાણ નોર્મલ થાય ત્યારે તે નીચે નાં પટકાય.

જોયની જેમ બ્રુનો પણ ઊભો થઈ ગયો. અને હેન્ડલ પકડવાં માટે હાથ હેન્ડલ ઉપર રાખ્યો.

થોડી સેકન્ડો પછી કંટ્રોલરૂમ તરફથી ગરમ હવાં એરલોક રૂમમાં દાખલ થવાં માટે એ દરવાજો ખૂલ્યો. ગુરુત્વાકર્ષણનું દબાણ નોર્મલ થયું અને ગરમ હવાં એરલોકરૂમમાં દાખલ થવાં લાગી.

ગુરુત્વાકર્ષણનું દબાણ નોર્મલ હોવાથી જોય ઝડપથી દોડ્યો અને દરવાજો બંધ થાય એ પહેલાંજ બીજી તરફ જતો રહ્યો. દરવાજો ખુલ્લો રહે એ માટે બ્રુનોએ હેન્ડલ પકડી લીધું હતું. જોય બીજી તરફ જતો રહેતાં બ્રુનોએ હેન્ડલ છોડી દીધું અને દરવાજો એકાદ-બે સેકન્ડ પછી બંધ થઈ ગયો. બ્રુનો એરલોકરૂમમાં જ રહ્યો. એરલોકરૂમમાં હવે પાછું શૂન્ય ગુરુત્વાકર્ષણ થઈ ગયું.

“જોય....! ધ્યાન રાખજો...! છેલ્લો દરવાજો કંટ્રોલરૂમની છત..”

“ધડામ....!” નોવા બોલી રહ્યો હતો ત્યાંજ અવાજ આવ્યો.

“જોય...! જોય...!” એવલીન અને નોવા બંને એક સાથેજ બોલ્યાં.

“ભાઈ જોય...! તું ઠીક છે ને...!?” બ્રુનોએ પણ કોમ્યુનિકેશન ડિવાઇસમાં પૂછ્યું.

“જોય...! શું થયું...!?” એવલીને ફરીવાર ચિંતાતુર સ્વરમાં પૂછ્યું.

“હું કંટ્રોલરૂમમાં ફ્લોર ઉપર નીચે પટકાયો...!” જોય દર્દભર્યા સ્વરમાં બોલ્યો.

“અરે બાપરે...! કેમનો...!?” એવિલીન એજરીતે બોલી.

“હું ભૂલી ગ્યો તો....! ક...કે કંટ્રોલરૂમની વેંન્ટિલેશન શાફ્ટનો દરવાજો કંટ્રોલરૂમની છતમાં લાગેલો હશે...!” કંટ્રોલરૂમનાં ફ્લોર ઉપર પડ્યાં-પડ્યાં જોય પોતાનાં પગ સહેજ આમતેમ હલાવીને બોલ્યો “દરવાજો ખૂલતાંજ હું ઉતાવળે અંદર દાખલ થવાં ગ્યો...! અને છતમાંથી લબડીને સીધો ફ્લોર ઉપર પડ્યો...!”

“ઓહ ગોડ....!” સ્પેસજમ્પ રૂમમાં ઊભેલી એવલીને પોતાનાં માથે હાથ દીધો.

“ભાઈ નોવા...! તારે આ બધું પે’લ્લાં કેવું જોઈતું ‘તુંને...!” બ્રુનોએ કોમ્યુનિકેશન ડિવાઇસમાં નોવાને કહ્યું.

“મેં તો કીધુંજ તું...!” નોવા બોલ્યો “પણ મને ખબર હતી કે જોય ભૂલી ગયાં હશે...! એટ્લે હું યાદ કરવી રહ્યો હતો ....! પણ એ પહેલાંજ જોય પડી ગયાં...!”

“આહ...!” કોમ્યુનિકેશન ડિવાઇસમાં જોયનો દર્દથી કણસવાનો અવાજ આવ્યો.

“શું થયું...!?” એવલીન ચિંતાતુર સ્વરમાં બોલી ઉઠી “જોય...જોય...!”

“મારો પગ….!” જોય ફ્લોર ઉપર બેઠો થઈને પોતાનો પગ પકડીને બોલ્યો “મચકોડાઈ ગ્યો લાગે છે...!”

“ઓહો...! જોય...!” એવલીન બોલી.

“તો હવે....!?” બ્રુનો બોલ્યો “મિશન ફેલ...!?”

“બ્રુનો...!” એવલીન ચિડાઈને છણકો કરતાં બોલી.

“જોય...!” કોમ્યુનિકેશન ડિવાઇસમાં નોવાનો અવાજ આવ્યો “છાયા અને રિધિમા વિષે વિચારો...! હવે આપડી પાસે માત્ર દોઢ કલ્લાક બચ્યો છે...!”

“હાં...! ઠીક છે...!” દર્દથી કણસતા સ્વરમાં બોલીને જોય માંડ-માંડ ઊભો થયો.

એક પગે લંગડાતો- લંગડાતો જોય હવે કંટ્રોલરૂમમાં આમ-તેમ જોવાં લાગ્યો.

વિશાળ મોટાં કંટ્રોલરોમમાં અનેક અત્યાધુનિક કોમ્પુટર્સ અને અન્ય હાઈટેક મશીનો લાગેલાં હતાં. મોટાભાગના કોમ્પુટર્સ AI ધરાવતાં અને આપમેળે ઓપરેટ થઈ શકે તેવાં હતાં. છતાં તેમનાં મોનીટર્સ ઉપર દેખાતી માહિતીને વાંચી યોગ્ય જાણકારી મેળવવા કે સ્પેસશીપના અન્ય જવાબદાર કર્મચારી જેવાં કે કેપ્ટન વગેરેને આપવાં માટે મોનિટર્સની આગળ ઓપરેટરને બેસવાંની ચેયર્સ પણ હતી.

કંટ્રોલરૂમની વચ્ચોવચ્ચ એક મોટું ચોરસ સ્ટેઇનલેસસ્ટીલનું ટેબલ હતું જેની આજુબાજુ પણ ચેયર્સ ગોઠવેલી હતી. એક મોટી ઊંચી પૈડાંવાળી ચેયર કંટ્રોલરૂમમાં સહેજ આગળના ભાગે મૂકેલી હતી.

“કેપ્ટનની ચેયર હશે...!” ચેયર સામે એકાદ ક્ષણ જોઈને જોયે વિચાર્યું.

કેપ્ટનની ચેયરનું મોઢું કંટ્રોલરૂમની સામેનાં કાંચ તરફ હતું. કંટ્રોલરૂમ સ્પેસશિપની આગળનો મુખ્ય ભાગમાં હતો. અને એ આગળના કાંચમાંથી સ્પેસશીપની સામેનું દ્રશ્ય જોયને દેખાઈ રહ્યું હતું. બેસુમાર ઝડપે સ્પેસશીપ અત્યારે લઘુગ્રહોના પટ્ટા તરફ ધસી રહ્યું હતું.

“નોવા...! આમાંથી સ્પેસશીપનું મેઇન કમ્પ્યુટર કયું છે...!?” કંટ્રોલરૂમની દીવાલ ઉપર દેખાઈ રહેલી અનેક કોમ્પ્યુટર્સની હોલોગ્રાફિક સ્ક્રીન સામે જોઈ રહીને જોય બોલ્યો.

“કેપ્ટનની ચેયરની બાજુમાં જોવો...!” નોવાનો અવાજ આવ્યો અને જોય તરતજ લંગડાતાં પગે કેપ્ટનની ચેયરની નજીક જવાં લાગ્યો.

એવલીન અને બ્રુનો બંને કોમ્યુનિકેશન ડિવાઇસમાં સાંભળી રહ્યાં.

“એક સીડી હશે...! જે નીચે જતી હશે...!” નોવા બોલ્યો.

“હાં છે...!” જોય બોલ્યો અને સીડીઓ નીચે જતી જોઈ રહ્યો.

એકાદ ક્ષણ અટકીને જોય નીચે ઉતરવા લાગ્યો.

“તમે નીચે આવી ગ્યાં..!?” નોવાએ પૂછ્યું.

“હાં....! બસ...! આઈ ગ્યો...!” જોય બોલ્યો અને છેલ્લું પગથિયું ઉતરીને નીચે આવ્યો.

બે સેક્શનમાં વહેંચાયેલાં કંટ્રોલરૂમમાં ઉપરના સેક્શનમાં અન્ય મશીન્સના કોમ્પ્યુટર્સ વગેરે હતું અને નીચેના માળે અલાયદો સેક્શન સ્પેસશીપના મેઇન કમ્પ્યુટર માટે હતો. જોકે નીચેના સેક્શનમાં કોઈ છત નહોતી. એક મલ્ટીપ્લેક્ષમાં બાલ્કની સીટની જેમ કંટ્રોલરૂમનો ઉપરનો ભાગ બનેલો હતો જ્યાંથી નીચેના સેક્શનમાં રહેલી સ્પેસશીપના મેઇન કમ્પ્યુટરની વિશાળ હોલોગ્રાફિક સ્ક્રીન દેખાતી હતી. ઉપરના સેક્શનમાં રહેલો સ્ટાફ બાલ્કનીમાં ઊભા રહેતા હોય એમ એ ઉપરના સેક્શનની રેલિંગ પાસે નીચેનાં ભાગમાં શું ચાલી રહ્યું છે તે જોઈ શકતો. જોકે અત્યારે એ બધુ જોવાં માટે કોઈ ત્યાં હાજર નહોતું. માત્ર જોય સિવાય.

“આ આખો સેક્શન સ્પેસશીપના મેઇન કમ્પ્યુટર ક્વોંન્ટમ-X નો છે...!” નોવા સમજાવતો હોય એમ બોલ્યો.

“ક્વોંન્ટમ-X…!?” જોયે પૂછ્યું અને નીચેના સેક્શનમાં સામે દેખાતા વિશાળ હોલોગ્રાફિક સ્ક્રીન સામે જોઈ રહ્યો.

“હાં...! મેં કીધું’તુંને સ્પેસશીપનાં બધાંજ કોમ્પુટર આર્ટિફિશિયલ ઇંન્ટેલીજેન્સ ધરાવતાં ક્વોંન્ટમ કમ્પ્યુટરો છે...!” નોવા બોલ્યો “ક્વોંન્ટમ-X એ દસમી જનરેશનનું સૌથી આધુનિક ક્વોંન્ટમ કમ્પ્યુટર છે....!”

“ભાઈ જોય...!” ડિવાઇસમાં હવે વેંન્ટિલેશન શાફ્ટનાં એરલોકરૂમમાં રહેલાં બ્રુનોનો અવાજ સંભળાયો “તું એ બધી ચર્ચા પછી કરજેને...! અહિયાં લાઇટ બલ્બની જેમ વારે ઘડીએ ગ્રેવિટી આવેછે અને જાય છે...! મને ફરીવાર ઊબકાં શરૂ થઈ ગ્યાં છે....!”

“હાં..હાં...!” લંગડાતાં પગે જોય હવે મેઇન કમ્પ્યુટર તરફ જવાં લાગ્યો.

“અ...નોવા...! હવે શું કરું...!?” હોલોગ્રાફિક સ્ક્રીન જેવીજ હોલોગ્રાફિક કી-બૉર્ડ પેનલ ધરાવતાં મેઇન કમ્પ્યુટર પાસે જઈને જોય ઊભો રહ્યો.

“કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમને શું દેખાય છે...!?” નોવાએ પૂછ્યું.

“આપડાં આખાં સ્પેસશીપનું 3D મોડલ....!” જોય બોલવા લાગ્યો “અને એમાં જગ્યા-જગ્યાએ લાલ ટપકા ચાલુ-ચાલુ બંધ થયા કરે છે..! અને એ ટપકા શું છે...! એ દર્શવાતાં એરો અને નાનું મેસેજ બોક્સ પણ....!”

“પાવર ફેલયોર...!” મેઇન કમ્પ્યુટરની હોલોગ્રાફિક સ્ક્રીન પર દેખાતાં સ્પેસશીપનાં 3D મોડલમાં દેખાતાં ક્રાયોજેનિક ચેમ્બરની એરરને વાંચીને જોય બોલ્યો.

“હેં શું...!?” નોવા, એવલીન અને બ્રુનો લગભગ સાથેજ બોલ્યાં.

“ક્રાયોજેનિક ચેમ્બરમાં પાવર ફેલયોરનો એરર દેખાડે છે...!” જોય બોલ્યો “આ સિવાય જેટલાં સ્પેસશીપનાં ઘણા ભાગોમાં લાલ ટપકા દેખાય છે...! બધાંમાં કોઈકને કોઈ એરર છે..! અને હાં....! સૌથી મોટી એરર...! રસ્તો ભટકાયાની છે...!”

જોય બોલે જતો હતો ને બાકીનાં બધાં ડિવાઇસમાં સાંભળે જતાં હતાં.

“ઓકે જોય...! હવે મારી વાત સાંભળો...!” નોવા શાંતિથી બોલ્યો “મેઇન કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવાથી બધી પ્રોબ્લેમ આપમેળે સોલ્વ થઈ જશે...!”

“હાં તો જલ્દી કર ભાઈ....!” હવે બ્રુનો બોલ્યો “નઈ તો હું આ એરલોક રૂમમાંજ ઊલટી કરી દઇશ...!”

“તમે ઊલટી કરશો...!” નોવા ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો “તો તમારાં હેલ્મેટનો કાંચ બંધ છે...! યાદ રાખજો...!”

“અરે બાપરે...!” બ્રુનો બોલ્યો “થેન્ક યુ નોવા...! આ વખતે તું ટાઈમસર બોલ્યો..!”

“કોમ્પુટર રિસ્ટાર્ટ કેવી રીતે કરું...!?” જોયે પૂછ્યું.

“હું કવ...! એમ કરતાં જાઓ...!” નોવા બોલવા લાગ્યો “સૌથી પહેલાં કમ્પ્યુટરનાં મેઇનફ્રેમ એક્સેસ મેન્યૂમાં જાઓ...! અને ક્વોંન્ટમ ફાઈલ્સનું ફોલ્ડર ઓપન કરો...!”

“એક મિનિટ...!” નોવાએ કહ્યાં પ્રમાણે જોય ફટફાટ હોલોગ્રાફીફ કીબૉર્ડ ઉપર આંગળીઓ ફેરવવા લાગ્યો.

“આના કરતાં જૂના કમ્પ્યુટર્સ સારા હતાં...!” લગભગ વીસેક મિનિટનાં અંતે બધી ભેજું ઘુમાવી નાંખે એવી પ્રક્રિયા પૂરી કર્યા પછી જોય કંટાળીને બોલ્યો “ખાલી સ્ટાર્ટ મેન્યૂમાં જાઓ અને રિસ્ટાર્ટ ક્લિક કરો...! એટ્લે પૂરું...!”

“ક્વોંન્ટમ પોતાની મેળે રિસ્ટાર્ટ થાય તો કોઈ માથાકૂટ નથી...!” નોવાનો અવાજ આવ્યો “પણ એને મેન્યૂઅલી ઓપેરેટ કરવું બવ અઘરું છે...!”

“હવે શું કરું...!?” જોયે પૂછ્યું “કમ્પ્યુટર રિસ્ટાર્ટ થઈ રહ્યું છે...!”

“ત્યાંથી ઝડપથી નીકળો...!” નોવા બોલ્યો.

“કેમ ભાઈ...!? હવે શું ઉતાવળ છે...!?” બ્રુનો બોલ્યો.

“કોમ્પુટર હવે બધી એરર પોતાની મેળે સોલ્વ કરી લેશે...!” નોવા બોલ્યો “પણ એવું કરતી વખતે કેટલોક સમય માટે આખું સ્પેસશીપ અને તેની બધીજ સિસ્ટમ કેટલીક મિનિટો પૂરતી બંધ થઈ જશે...!”


“ઓહો...! તો ક્રાયોજેનિક ચેમ્બર્સ...!?” ઉપર જવાં સીડીઓ ચઢી રહેલાં જોયને ફડકો પેઠો “રિધિમા...! છાયા...! એમની કેપ્સ્યુલોને પાવર સપ્લાય કેમનો મળશે...!?”

“ડોન્ટ વરી...!” નોવા સાંત્વના આપતો હોય એમ બોલ્યો “કેપ્સ્યુલોનો બેકઅપ પાવર ઓન થઈ જશે...!”

“તમે ઝડપથી નીકળો...! તમારાં સૂટમાં હવે વીસ મિનિટ ચાલે એટલોજ ઓકસીજન બચ્યો હશે...! અને તમારે હજી સ્પેસજમ્પ રૂમ સુધી સ્પેસવોક કરવામાં લગભગ ઓગણીસ મિનિટ લાગશે...!”

“ઓહ તેરી...!” જોય બોલ્યો અને લંગડાતાં પગે શક્ય એટલું ઝડપે સીડીઓ ચઢવા લાગ્યો.

“ભાઈ નોવા...! તને બધુ કેમની ખબર હોય છે..!?” બ્રુનો બોલ્યો “અમારાં સૂટમાં ઓકિજન કેટલો છે એ પણ તે માપી રાખ્યો છે..!?”

“હી..હી...!” છતમાં લાગેલાં વેંન્ટિલેશન શાફ્ટનાં દરવાજા તરફ જતાં-જતાં જોય હસ્યો.

“અ....નોવા...!” કંટ્રોલરૂમનાં ફ્લોર ઉપર ઊભા-ઊભા છતમાં બનેલાં શાફ્ટનાં ગોળ દરવાજા સામે તાકી રહીને જોય બોલ્યો “હવે હું ઉપર કેમનો જાવ...!?”

“ઓહ તેરી...!” નોવા બોલ્યો “આ તો હું પણ વિચારવાનું ભૂલી ગ્યો...!”

“જોય...!” હવે ડિવાઇસમાં એવલીનનો ચિંતાતુર સ્વર સંભળાયો.

“ડોન્ટવરી એવલીન...!” જોય બોલ્યો અને કંટ્રોલરૂમમાં આજુબાજુ જોવાં લાગ્યો “હું કઈંક ગોતું છું...!”

લંગડાતાં પગલે જોય હવે મોટાં ચોરસ ટેબલ પાસે આવ્યો જે સ્ટેઇનલેસસ્ટીલમાંથી બનેલું હતું. ટેબલ હલાવીને જોયે ચેક કર્યું.

“નઈ મેળ પડે...!” ટેબલનાં પાયા જે બોલ્ટ વડે રૂમનાં ફ્લોર સાથે ફિટ કરેલા હતાં તે જોઈને જોય બબડ્યો અને ફરીવાર આમતેમ જોવાં લાગ્યો.

ત્યાંજ તેની નજર સામે પડેલી કેપ્ટનની પૈડાંવાળી ચેયર ઉપર પડી.

“અરે વાહ...!” જોય બબડ્યો અને તરતજ કેપ્ટનની ચેયર પાસે આવ્યો.

નીચેના સેક્શનમાં રહેલાં મેઇન કમ્પ્યુટરને ચેયરમાં બેઠા-બેઠા જોઈ શકાય એટલાં માટે કેપ્ટનની ચેયર નોર્મલ ચેયર કરતાં વધુ ઊંચી અને મોટી બનાવાઈ હતી.

વજનમાં થોડી ભારે એવી કેપ્ટનની ચેયરને જોય ઢસડીને છતમાં લાગેલા શાફ્ટનાં દરવાજાની નીચે લાવ્યો. વ્હીલવાળી હોવાને લીધે ચેયર ખેંચવામાં બવ ખાસ મહેનત નાં પડી.

એવલીન, નોવા અને બ્રુનો ત્રણેય કોમ્યુનિકેશન ડિવાઇસમાં જોયની હરકતોનો અવાજ સાંભળી રહ્યાં.

“બસ ચેયર ખસવી ના જોઈએ...!” વ્હીલવાળી ચેયર પૈડાં ઉપર સરકીને ખસી નાં જાય એ વાતનું ધ્યાન રાખી ધીરે-ધીરે જોય ચેયરમાં ચઢીને ઊભો થવાં લાગ્યો.

ડગમગતી ચેયરમાં જોય જેમ-તેમ કરીને ઉભો થયો અને પોતાનો હાથ ઉંચો કરી શાફ્ટનાં દરવાજાને અડવાનો પ્રયત્ન કરવાં લાગ્યો.

“અ....! નોવા...!” જોય બોલ્યો “મારી હાઈટ થોડી ઓછી પડે છે...!”

જોયનો હાથ હજીપણ શાફ્ટના દરવાજા સુધી નહોતો પહોંચતો.

“ચેયરની હાઈટ એડજસ્ટ કરવાં માટે નીચે હાઈડ્રોલીક લીવર હશે...!” નોવા આઈડિયા આપતો હોય એમ બોલ્યો “એ લીવરને ફૂલ હાઈટ માટે સેટ કરીદો...!”

“અરે હાં...!” જોય પાછો હળવેથી નીચે ચેયરમાં બેસી ગયો અને નીચાં નમીને નોવાએ કહ્યાં પ્રમાણે લીવર ખેંચીને ચેયરની હાઈટ વધારવા લાગ્યો.

“ભાઈ નોવા...!” બ્રુનો વખાણ કરતો હોય એમ બોલ્યો “હોપ ગ્રહ ઉપર પોં’ચીને આપડે બેય એક સ્કૂલ ખોલશું...! તું ટીચર બનજે અને બાળકોને લાઈફ સેવિંગ લેસન્સ આપજે...!”

“એ શક્ય નથી...!” નોવા શાંતિથી બોલ્યો.

“કેમ ભાઈ...!? હું સારો પગાર આપીશ...!” બ્રુનો બોલ્યો.

“હી..હી...! એવું નથી...!” નોવા બોલ્યો “હોપ ગ્રહ પહોંચ્યાં પછી મને ભંગારવાડે નાંખી દેવાના છે...!”

“હું પહોંચી ગ્યો...!” ત્યાંજ જોયનો અવાજ સંભળાયો “ઓહ.....! અમ્મ...! હાશ...!”

માંડ-માંડ પોતાનું વજન ઉંચે હડસેલી શાફ્ટના દરવાજામાંથી શાફ્ટમાં ચઢ્યો. જોયના શાફ્ટમાં દાખલ થઇ ગયા પછી દરવાજો થોડીવારમાં બંધ થઇ ગયો. જોય હવે એરલોક રૂમ તરફ જવા લાગ્યો.

“બ્રુનો...! હવે દરવાજો ખુલે...!” જતાં-જતાં જોય બોલ્યો “એટલે હેન્ડલ પકડી રાખજે...!”

“હાં....!” બ્રુનોએ ટૂંકો જવાબ આપ્યો.

એરલોકરૂમનાં દરવાજે પહોંચ્યાં પછી જેવો દરવાજો ખુલ્યો કે જોયને બ્રુનો દેખાયો. તે દરવાજાનું હેન્ડલ પકડીને ઉભો હતો. કન્ટ્રોલરૂમની ગરમ હવા એરલોક રૂમમાં દાખલ થઇ રહી હોવાથી ત્યાં હજી ગુરુત્વાકર્ષણ નોર્મલ હતું.

જોય ઝડપથી એરલોકરૂમમાં દાખલ થઇ ગયો. તેનાં દાખલ થતાંજ બ્રુનોએ હેન્ડલ છોડી દીધું અને દરવાજો બંધ થઇ ગયો. દરવાજો બંધ થવાની સાથેજ એરલોકરૂમમાં પાછું શૂન્ય ગુરુત્વાકર્ષણ થઇ જતાં બંને હવે જે રીતે અંદર આવ્યાં હતાં એજ રીતે વેન્ટીલેશન શાફ્ટની બહાર નીકળવા માંડ્યાં.

***

“અમે બા’ર આઈ ગ્યાં...!” વેન્ટીલેશન શાફ્ટની બહાર નીકળવતાંજ જોય ખુશીથી બોલી ઉઠ્યો.

“જોય...! સ્પેસશીપની આખી સિસ્ટમ બંધ થવાં જઈ રહી છે...!” નોવા બોલ્યો “હવે પછી લગભગ અડધો કલ્લાક સુધી હું તમારી કોઈ મદદ નઈ કરી શકું...!”

“કેમ ભાઈ...!?” બ્રુનો બોલ્યો.

બંને હવે જમ્પ કરતાં-કરતાં સ્પેસશીપની છેક પાછળના ભાગે સ્પેસજમ્પ રૂમ તરફ જઈ રહ્યાં હતાં.

“એ પણ સ્પેસશીપની ના એક કોમ્પુટર સાથે જોડાયેલો છે...!” જોય સમજાવતો હોય એમ બોલ્યો “એટ્લે કોમ્પ્યુટર બંધ થશે એટ્લે એ પણ બંધ થઈ જશે...!”

“ઓહ....તો કઈં વાંધો નઈ દોસ્ત...!” બ્રુનો ગમ્મત કરતાં બોલ્યો “તે બવ મે’નત કરી છે...! એટલો આરામ કરીલે બીજું શું...!”

“હી..હી...!” નોવા હસ્યો “જોય...! ઉતાવળ રાખજો...! તમારો ઑક્સીજન પૂરો થવા આવ્યો છે...! અને હાં...! સુરક્ષા કેબલ ભૂલતા નઈ...!”

“હાં...હાં...! સારું યાદ અપાયું...!” જોય બોલ્યો.

બંને હવે જ્યાં સુરક્ષા કેબલ કાઢ્યો હતો ત્યાંથી થોડેજ દૂર હતાં.

“સુરક્ષા કેબલ દેખાઈ ગ્યો...!” હવામાં તરતા લાંબા સુરક્ષા કેબલને જોઈને જોય બોલ્યો.

બંને જમ્પ કરતાં-કરતાં કેબલ સુધી પહોંચ્યાં અને પોત-પોતાના અવકાશમાં લહેરાઈ રહેલાં લાંબા કેબલને પતંગની દોરીની જેમ ખેંચવાં લાગ્યાં. શૂન્યાવકાશમાં આટલું સરળ કામ કરવામાં પણ ખાસ્સી મહેનત બંનેએ કરવી પડી. છેવટે કેબલનો સૂટમાં પરોવાનો છેડો આવી જતાંજ બંનેએ પોતપોતાનાં સૂટમાં કેબલ અટેચ કર્યા.

ફરી પાછું 1800 મીટર જેટલું સ્પેસવોક બંનેએ જમ્પ કરીને કરવાનું શરૂ કર્યું.

***


“હવે બવ દૂર નથી..!” જોય ડિવાઇસમાં બોલ્યો “એવલીન અમે હવે નજીકજ છીએ...!”

“જલ્દી જોય...!” ત્યાંજ નોવાનો અવાજ સંભળાયો “સ્પેસશીપની સિસ્ટમ બંધ થવાંની તૈયારી છે...! કોમ્પુટર રિબૂટ થતાં પહેલાં બધુજ અડધો કલ્લાક માટે બંધ થઈ જશે...! અને હાં...! સ્પેસશીપ બંધ થયાની થોડીજ સેકંડમાં એન્જિન પાછું ચાલુ થઈ જશે...! ભલે બાકીની સિસ્ટમ અડધો કલ્લાકે થાય...! આ સિસ્ટમ એટ્લે મૂકી છે...! કે આવી સમસ્યા થાય ત્યારે સ્પેસશીપને જે નિશ્ચિત સમયમાં નિશ્ચિત અંતર કાપવાનું છે એમાં ઝાઝો ઘટાડો ના થાય..! એટ્લે જલ્દી કરો...! કેમકે એન્જિન બંધ થઈ ફરી ચાલુ થશે ત્યારે એક જોરદાર ઝટકો લાગશે... તમે સ્પેસમાં ફાંગોળાઈ જશો...!”

“જોય ધીમો પડે છે...!” જોયની આગળ જમ્પ કરી રહેલો બ્રુનો બોલ્યો.

“મારો પગ મચકોડાયો છે...! એટ્લે...!” જોય બોલ્યો.

સ્પેસજમ્પ રૂમથી બંને હવે માંડ સોએક મીટર દૂર હતાં.

ત્યાંજ...!

સ્પેસશીપની સિસ્ટમ બંધ થતાં ધીરે-ધીરે આખું સ્પેસશીપ બંધ થવાં લાગ્યું. સ્પેસશીપની છત ઉપર અને બધેજ જ્યાં પણ લાઇટ્સ બળતી હતી એ વારાફરતી બંધ થવાં લાગી.

જોય અને બ્રુનો સ્પેસશીપની છત ઉપર જમ્પ કરતાં-કરતાં અટક્યાં અને લાંબા સ્પેસશીપની રોડની જેમ દેખાતી લાંબી છત ઉપર લાગેલાં બલ્બ્સની લાઇટો બંધ એક-પછી એક બંધ થતી જોઈ રહ્યાં. એવલીન જે સ્પેસજમ્પરૂમમાં ઊભી હતી ત્યાં પણ બધુ બંધ થવાં લાગ્યું. સૌથી છેલ્લે નોવાએ કહ્યાં મુજબ સ્પેસશીપના પાછળના ભાગે લાગેલાં વિશાળ એંન્જિનો બંધ થયાં.

“જોય....!” ચિંતાતુર એવલીન બોલી.

“ઇટ્સ ઓકે એવલીન...!” જોય બોલ્યો “અમે પહોંચી ગયાં...!”

બ્રુનો હવે ઝડપથી સ્પેસજમ્પરૂમના દરવાજા બાજુ જવાં માટે સ્પેસશીપની સપાટીની જમણીબાજુ ઉતારવા લાગ્યો. બંને જતી વખતે સ્પેસશીપની છત ઉપર ચઢવા માટે લોખંડના નાના હેન્ડલની બનેલી સીડીઓ વડે ઉપર આવ્યાં હતાં. એજ સીડી પાસે જોયની પહેલાં પહોંચી ગયેલો બ્રુનો હેન્ડલ પકડીને નીચે ઉતારવા લાગ્યો.

“એવલીન...! સ્પેસજમ્પરૂમના એરલોક રૂમનો દરવાજો ખોલી નાંખ...!” જોય બોલ્યો.

એવલીને ઝડપથી બટન દબાવી દઈને એરલોક રૂમનો સ્પેસમાં ખૂલતો દરવાજો ખોલી નાંખ્યો. એવલીન પોતે સ્પેસજમ્પ રૂમમાં હોવાથી સેફ હતી.

“જોય જલ્દી આય...!” બ્રુનો હવે સીડીઓ ઉતરવાં લાગ્યો હતો અને તેણે જોયને છત ઉપર જમ્પ કરીને આવતો જોયો.

બ્રુનો હવે નીચે ઉતરીને એરલોકરૂમમાં આવી ગયો. જોય હજીપણ છત ઉપર હતો. તે સીડીઓ પાસે પહોંચવા આવ્યો હતો.

ત્યાંજ...!

નોવાએ કહ્યું હતું એ પ્રમાણે સ્પેસશીપના વિશાળ એન્જિનો એક જોરદાર ઝટકા સાથે શરૂ થઈ ગયાં.

“નઈઈ...!” કોમ્યુનિકેશન ડિવાઇસમાં એવલીન અને બ્રુનોને જોયની બૂમ સંભળાઈ.

“જોય...!” સ્પેસજમ્પરૂમમાં એવલીન અને એરલોક રૂમમાં બ્રુનો એક સાથે બરાડી ઉઠ્યા.

“ધડામ...! ધડામ....!” સ્પેસશીપની છત ઉપર ટપ્પીઓ ખાતું-ખાતું કઈંક અથડાતું હોય એવો અવાજ આવતાં એવલીન ગભરાઈને હાંફળી-ફાંફળી થઈ ગઈ.

“એવલીન....!” ડિવાઇસમાં ફરીવાર જોયની ચીસ સંભળાઈ.

સ્પેસશીપના વિશાળ એન્જિનો ચાલુ થતી વખતે જે ઝાટકો લાગ્યો હતો એના લીધે જોય સ્પેસશીપની છત ઉપરજ સ્પેસમાં ફાંગોળાયો અને છત ઉપર અથડાતો અથડાતો સ્પેસશીપનાં સળગી રહેલાં વિશાળ પરમાણુ એંન્જિનો તરફ ફેંકાયો.

****

“SID”

J I G N E S H

Instagraam: @sid_jignesh19