the big bull books and stories free download online pdf in Gujarati

ધ બિગ બુલ  - ધ બિગ બુલ

ધ બિગ બુલ

- રાકેશ ઠક્કર

ઓટીટી પર રજૂ થયેલી અભિષેક બચ્ચનની ફિલ્મ 'ધ બિગ બુલ' અને પ્રતીક ગાંધીની વેબસિરીઝ 'સ્કેમ ૧૯૯૨' વચ્ચે સરખામણી કર્યા વગર વાત કરીએ તો પણ આ ફિલ્મ એટલી દમદાર લાગતી નથી. સમીક્ષકોએ ફિલ્મને બે થી ત્રણ સ્ટાર આપીને અભિષેકના અભિનયને પૂરા માર્કસ આપ્યા છે. સાથે એ વાત ખાસ કહી છે કે તેણે અગાઉ આવી જ ભૂમિકા 'ગુરુ' માં ભજવી હોવા છતાં બંનેની સરખામણી કરી શકાય નહિ. આ ભૂમિકા માટે અભિએ સારી મહેનત કરી છે. ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ અભિષેકનો અભિનય ગણાયો છે. સોશ્યલ મીડિયા પર એવો સવાલ કરવામાં આવ્યો કે અમે 'સ્કેમ ૧૯૯૨' જોઇ છે તો પછી 'ધ બિગ બુલ' શા માટે જોવી જોઇએ? તેના જવાબમાં અભિષેકે સાચો જવાબ આપ્યો હતો કે, 'કેમકે એમાં હું છું.' 'સ્કેમ ૧૯૯૨' પહેલાં 'ધ બિગ બુલ' ને રજૂ કરવામાં આવી હોત તો કદાચ થોડા વધુ દર્શકો મળ્યા હોત. 'સ્કેમ ૧૯૯૨' પછી પ્રતીક ગાંધીને તેની પહેલી હિન્દી ફિલ્મ 'લવરાત્રિ' કરતાં વધુ લોકપ્રિયતા અને સફળતા મળી હતી. તે અત્યારે 'અતિથિ ભૂતો ભવ' અને 'રાવણ લીલા' માં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યો છે. અભિષેકને 'ધ બિગ બુલ' પછી બીજી એક ફિલ્મ મળે તો ઘણું છે.

'ધ બિગ બુલ' એક મસાલા ફિલ્મથી વિશેષ ઓળખ મેળવી શકે એવી નથી. 'સ્કેમ ૧૯૯૨' ની સફળતાને કારણે એ જ વિષય પરની હોવાથી 'ધ બિગ બુલ' ને મોડી રજૂ કરવામાં આવી છે. પરંતુ દર્શકો 'સ્કેમ ૧૯૯૨' ને ભૂલ્યા નથી. નિર્દેશક કૂકી ગુલાટીએ વાર્તા પર બરાબર ધ્યાન આપ્યું ન હોવાની મોટી ખામી કાઢવામાં આવી છે. કેમકે જે સ્કેમનો મુદ્દો હતો એના પર જ ફોકસ કર્યું નથી. વેબસીરિઝ 'સ્કેમ ૧૯૯૨' ની અવધિ લાંબી હતી અને વાર્તા વિગતવાર કહેવાની તક મળી હતી. 'સ્કેમ ૧૯૯૨' ના નિર્દેશક હંસલ મહેતાએ પણ કહ્યું છે કે અમારી પાસે હર્ષદ મહેતાની વાર્તા રજૂ કરવા દસ કલાક હતા જ્યારે નિર્દેશક કૂકી ગુલાટી પાસે અઢી કલાક હતા. જોકે, કૂકી એનો સરખો ઉપયોગ કરી શક્યા નથી. 'ધ બિગ બુલ' માં એટલો સમય ના મળે પણ હેમંત જમીનથી મહેલમાં પહોંચે છે એ વાત બતાવવાને બદલે માત્ર જણાવી દીધી છે. એક દ્રશ્ય પહેલાં જે પોતાના ભાઇને ઉધારના પૈસા ચૂકવવાનું આયોજન કરતો હતો એ બીજા દ્રશ્યમાં બોસ બનીને પોતાની એસી ઓફિસમાં દેખાય છે. કેટલાક દ્રશ્યો 'કેમ? ક્યારે? અને શા માટે?' એના ઉત્તર આપતા નથી. 'સ્કેમ ૧૯૯૨' ની સફળતા એ હતી કે જેને શેરબજાર વિશે કંઇ જ ખબર ના હોય એ આખી વેબસીરિઝ જોયા પછી બીજાને ટયુશન આપી શકે એટલી જાણકારી મેળવી લે છે. એમ કહેવું પડે છે કે જો તમારે 'ધ બિગ બુલ' ની વાર્તાને સમજવી હોય તો પહેલાં 'સ્કેમ ૧૯૯૨' જોઇ લેવી જોઇએ. અને એના 'રિસ્ક હૈ તો ઇશ્ક હૈ' જેવા સંવાદોની અહીં સદંતર કમી છે.

ફિલ્મમાં શેરબજારમાં ગોટાળા કરનાર હર્ષદ મહેતાની વાર્તા બતાવવામાં આવી છે એમાં વાસ્તવિકતા કરતાં મસાલા વધારે છે. સમીક્ષકોએ આ ફિલ્મના રેટિંગના સ્ટાર કયા કારણથી કાપ્યા છે એ જાણવું પણ રસપ્રદ બની જશે. કેટલાકે દમદાર સંવાદ ન હોવાથી અડધો સ્ટાર કાપ્યો છે. એવા સંવાદ જ નથી કે પાત્ર મજબૂત બની શકે. 'હમારે પાસ ભગવાન સે ભી જ્યાદા પૈસે હૈ' જેવા સંવાદ અસર છોડી જાય એવા નથી. ફિલ્મના નબળા નિર્દેશનથી એક સ્ટાર કપાયો છે. ફિલ્મની અભિષેક સિવાયની સ્ટારકાસ્ટ સૌરભ શુક્લા, ઇલિયાના, સોહમ શાહ, નિકિતા દત્તા વગેરેને વેડફવાને કારણે બીજો સ્ટાર કપાઇ ગયો છે. અભિષેકના પાત્રમાં હજુ વધારે ઉંડાણની ગુંજાઇશ હતી. કેટલાક દ્રશ્યોને લાઉડ રીતે ફિલ્માવ્યા હોવાથી વધારે નાટકીય બની ગયા છે. લાંબા સમય પછી એવું બન્યું છે કે અભિષેકના અભિનયની ખામીઓ કાઢવાને બદલે સમીક્ષકોએ તેના કારણે જ એક વખત ફિલ્મ જોઇ શકાય એમ હોવાનું જણાવ્યું છે. ઇલિયાના ડીક્રૂઝે પત્રકારની પોતાની ભૂમિકાને ન્યાય આપ્યો છે પણ એ મહત્વની બની રહે એવી વાર્તા નથી. અભિષેક-ઇલિયાનાની પ્રેમકહાની વાર્તાને અટકાવે છે. બે સપ્તાહ પહેલાં આપેલી એક મુલાકાતમાં ઇલિયાનાએ કહ્યું હતું કે હું મારી ફિલ્મોની પસંદગીથી ખુશ નથી. હીરોઇન તરીકે અસલામતિના ડરથી ઘણી ફિલ્મો કરી છે. શક્ય છે કે 'ધ બિગ બુલ' એમાંની જ એક હશે. બીજા પાસા નબળા હોવાથી ઓછા સ્ટાર મળવાને કારણે સારા અભિનય પછી અભિષેકની આ ફિલ્મથી સ્ટારવેલ્યુ વધવાની નથી. ફિલ્મની અનેક ખામીઓને કારણે થિયેટરોમાં પણ સારો આવકાર મળી શક્યો ના હોત. ઓટીટી પર લાંબા સમયથી કોઇ સારી હિન્દી ફિલ્મ આવી ન હોવાથી એક સારી તક અભિષેકને ગુમાવવી પડી છે. 'ધ બિગ બુલ' નું ગીત-સંગીત ખાસ નથી. નિર્દેશકની એ બેદરકારી જ કહેવાય કે અભિષેકની હજુ શેરબજારમાં એન્ટ્રી પડી નથી અને 'આઇ એમ ધ બિગબુલ' વાગવા લાગે છે. ટૂંકમાં અભિષેક બચ્ચને પોતાને 'બિગ બી' ના પુત્ર તરીકે સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે પણ નિર્દેશક 'ધ બિગ બુલ' ને 'સ્કેમ ૧૯૯૨' થી મોટી ફિલ્મ બનાવી શકવામાં નિષ્ફળ રહ્યા છે.