On stage and off stage books and stories free download online pdf in Gujarati

સ્ટેજ અને સ્ટેજ ની બહાર


સ્ટેજ, સ્ક્રિન અને ગ્રાઉન્ડ પાસે લોકો અપેક્ષા ન રાખે તો શું રાખે ?

ઘણા વર્ષો પહેલા મને કોઈએ વાત કરેલી. "એક વખત હું કોઈ ગુજરાતી ફિલ્મના શૂટિંગ વખતે સેટ પર હાજર હતો. અને ગુજરાતી ફિલ્મના મશહૂર 'કોમેડિયન' અને ઉમદા કલાકાર એવા રમેશભાઈ મહેતાનો શોટ લેવાનો હતો. રમેશભાઈ એ વખતે મેકઅપ કરાવતા હતા. અને મેકઅપની ચેર પર તેઓ એકદમ સુસ્ત હાલતમાં નરમ ઘેસની જેમ પડ્યા હતા. આંખો બંધ હતી. ચહેરા પર થાક વર્તાતો હતો. અને મેકઅપ મેન એનું કામ કરતો હતો. એ જોઈને મને એવું થયું કે આ હાલતમાં રમેશભાઈ શૂટિંગ કેવી રીતે કરશે ! અને પછી શોટ લેવાનો સમય આવ્યો ત્યારે એ જ ક્ષણે કોણ જાણે ક્યાંથી પણ એમનામાં ઉર્જાનો સંચાર થયો અને ત્વરિત ઊભા થઈને રમેશભાઈ એટલા જુસ્સાથી સેટ પર ગયા અને એણે પોતાની આગવી સ્ટાઇલમાં ફક્ત એક જ વખતમાં આખો સિન શૂટ કરીને આપી દીધો"

આ એક જ ઘટના કલાકાર જ્યારે સ્ટેજ પર હોય અને સ્ટેજ પર ન હોય ત્યારની હાલત અને પરિસ્થિતિ જાણવા માટે પૂરતી છે.

હજારો વર્ષ બીજા લોકોના શાસનમાં રહેલી, પોતાની જ જમીન પર બહારનાઓની નીચે રહેનાર અને લગભગ ચારસો વર્ષની ગુલામી સહન કરીને પોતાના આધ્યાત્મ, શિક્ષણ અને સંસ્કૃતિનો ભવ્ય વારસો અને વૈભવ ગુમાવેલી હતાશ, ભુખી, ગરીબ પ્રજાને જોઇએ આનંદ અને શાંતી. પેટનો ખાડો, મકાનનો વાડો અને કપડાનો ભારો શાંતીમાં આવી ગયાં. મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગને આવડા પહાડ જેવડા જીવનનો ભાર આનંદથી હળવો કરવાનો હોય.

'એઇટીઝ' માં થિયેટરમાં કોઈ સારા સિન કે સારા ગીતો પર ચિલ્લર ઉડતું. ચિલ્લર ઉડાડનાર એ શ્રોતાને એ સિન કે ગીતમાં આનંદ આવતો. ઉચ્ચ વર્ગ હંમેશા એના દાયરામાં સીમિત થઈને જ બેઠો હોય. ચિલ્લર ઉડાડનાર આ વર્ગ મધ્યમ અથવા નિમ્ન વર્ગ હોય. ટિકિટના પૈસા માંડ ભેગા કરીને ફિલ્મ જોવાનો વેંત થયો હોય તો પણ સ્ક્રીન પર આવતું 'એન્ટરટેઇનમેન્ટ' જોઈને એ ભાન ભૂલી જઈને ચિલ્લર ઉડાડતા. એના માટે એ નશો હોય. જે વાસ્તવિક જીવનની હાડમારીઓમાંથી એટલાં સમય માટે એને બહાર કાઢે અને એ સમય પસાર થઇ જાય એટલે ફરીથી વાસ્તવિક જીવનમાં જાય ત્યારનું જોશનું નવું પેકેજ બંધાય જાય. એ વખતે એમને દુઃખ, કામ, જીવન બધું જ ભુલાઈ જતું હોય છે. અને એ ત્રણ કલાક એમના માટે સારામાં સારી હોય છે. કલા અને કલાકારમાં એ પોતાની સારી જીંદગી શોધતો હોય છે. ભારતનો સામાન્ય શ્રોતા થિયેટરમાં અંદર જાય એટલે એને જોઇતું હોય એન્ટરટેઇનમેન્ટ. ગોવિંદાની નંબર વન વાળી આખી સિરીઝ મેલોડ્રામા જ છે. છતાં ભારતીય શ્રોતા ગોવિંદાને ટોચ ઉપર બેસાડે. અમિતાભ બચ્ચનનું 'એન્ગ્રીયંગમેનનેસ' એ કાલ્પનિક જ છે. છતાં શ્રોતા એમને સફળતાની ટોચે બેસાડે. શા માટે ? કેમ કે ગોવિંદા અને બચ્ચન બાબુ પર્ફોર્મન્સ આપતા. કલાકારને ટોચ પર બેસાડનાર પણ કોમનમેન છે અને નીચે ઉતારનાર પણ કોમનમેન જ છે. અને એ એન્ટરટેઇનમેન્ટ માગે. હક્કથી માગે.

નાઇન્ટિઝમાં સચિનના એક-એક ચોક્કા અને છક્કા પર આખો દેશ ઝુમી ઉઠતો. પોતાના તમામ દુઃખો અને જીવનનો ભાર એક બાજુ મુકીને દર્શક ટીવી સામે ગોઠવાઈ જતો, જ્યારે સચિન બેટ લઇને ગ્રાઉન્ડ પર ઉતરતો. એક પ્રકારનું જીંગલ જ કહી શકાય એવી 'સચિઇઇઇઇન સચિઇઇઇન' ની ભવ્ય લાઈન દર્શકોમાંથી જ મળેલ છે. સાંભળી હશે ને બધાએ ! સચિનના એક એક શોટ પર દર્શકોને આનંદના ફુવારા છૂટતા. શા માટે? કેમ કે સચિન પરફોર્મન્સ આપતો.

તો, શ્રોતા કે દર્શકો કોઈ પણ હોય, એન્ટરટેઇનમેન્ટ માંગે છે. સ્ટેજ પાસેથી પણ, સ્ક્રીન પાસેથી પણ અને ગ્રાઉન્ડ પાસેથી પણ. જો સ્ટેજ, સ્ક્રિન કે ગ્રાઉન્ડ પાસે એન્ટરટેઇનમેન્ટ જ ન હોય તો એ બધાંનુ કામ શું છે ? આ દેશનો શ્રોતા અને દર્શકગણ એવો છે કે જો તમે એને જરાક પણ આનંદ આપશો તો એ તમને ઉચકીને માથા પર બેસાડી દેશે. તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને જો ભારતનો સામાન્ય નાગરિક એવી રીતે સ્વીકાર કરી લેતો હોય કે "પૈસા ખાવ તો ભલે ખાવ, પણ કામ તો કરો" આઇપીએલમાં મોટાભાગના લોકો કહે છે એમ ફિક્સીંગ અને સેટીંગ જ છે, તો પણ આઈપીએલનો આવડો મોટો ઉત્સવ ભારતમાં ઉજવાતો હોય, ફિલ્મો એ નકરી કલ્પના જ છે એવી બધાને ખબર છે, તો પણ જગતનો સૌથી મોટો ફિલ્મ ઉદ્યોગ જો ભારતમાં હોય તો આ દેશનો શ્રોતાગણ અને દર્શકગણ બહુ જ 'લિબરલ' છે એવું માનવું. એ તમારી ખામીઓને નજરઅંદાજ કરીને પણ જો તમે એને એન્ટરટેઇન કરશો તો પોતાના માથા પર બેસાડશે. તો કલાકારો, સ્પોર્ટ્સ પર્સન કે બીજા કોઈ પણ પરફોર્મ કરનારા લોકોની એટલી તો ફરજ તો આવે જ કે જો તમે સ્ટેજ, સ્ક્રિન કે ગ્રાઉન્ડનાં માણસ છો તો એનાં પર આવો ત્યારે લોકોને એન્ટરટેઇન કરો. તમે ઓફ સ્ટેજ કે બિહાઇન્ડ ધ સ્ક્રિન આર્ટિસ્ટ છો તો જૂદી વાત છે. આમાં એન્ટરટેઇન થી મારો મતલબ ફક્ત પરફોર્મિંગ આર્ટ - સિંગીંગ, ડાન્સિંગ, સ્પોર્ટ્સ એટલો જ નથી. પણ પરફોર્મન્સથી મારો મતલબ ડિબેટ પણ છે, મેસેજ કન્વેઇંગ પણ છે, સારી વાતો પણ છે, નોલેજ શેરિંગ પણ છે. મોટીવેશનલ સ્પીકર્સ પણ પરફોર્મર્સ જ છે ! પરફોર્મન્સ એટલે ફક્ત પોતાની જાતને રજૂ કરી જવી એવો નાનો નહીં, પણ શ્રોતા કે દર્શકો ને તમે કોઈને કોઈ રીતે આનંદ, શાંતિ કે જ્ઞાન આપો એવો હોઈ શકે.

તમે જ્યારે સ્ટેજ પર હો, સ્ક્રીન પર હો કે ગ્રાઉન્ડ પર હો ત્યારે દર્શક કે શ્રોતા એ નથી જોવાનો કે તમે ઘરેથી ચા પીને નીકળ્યા છો કે નહીં ! રસ્તામાં તમારા સ્કૂટરમાં પંચર પડ્યું હતું કે નહીં ! ફાટક બંધ હોવાના કારણે તમારે મોડુ થયું એનાથી એને કંઇ મતલબ નથી. સતત સીઝન હોવાના કારણે રોજના તમારે ઉજાગરા થાય છે એની સાથે એને કંઈ લાગતું વળગતું નથી. અને એને તમારી પર્સનલ લાઇફ વિશે લાગતું વળગતું હોવું પણ શા માટે જોઈએ ? એ પોતાનું કંઈક ખર્ચે છે અને સામે કંઇક ઈચ્છે છે. બસ વાત પૂરી.

ઉગતા, નવા કે પોતાના ક્ષેત્રનું ભરપૂર જ્ઞાન હોવા છતાં સ્ટેજ પર નિષ્ફળ જતા કલાકારોએ પણ આમાંથી ધડો લેવા જેવો. જો તમે પરફોર્મિંગ આર્ટિસ્ટ હો અને તમારી પાસે તમારા ક્ષેત્ર નું ઢગલાબંધ અને કોથળા ભરીને જ્ઞાન હોવા છતાં જો સ્ટેજ પર તમે નિષ્ફળ જતા હો, તમારી પાસે પરફોર્મન્સના નોર્મ્સ અને નોલેજ હોવા છતાં જો તમે સ્ટેજ પર નિષ્ફળ જાવ છો તો તમારે હવે તમારા ક્ષેત્રનું ટેકનીકલ નોલેજ ગેઇન કરવાને બદલે "how to perform on stage" ના ક્લાસ કરવા જોઈએ. સ્ટેજ પરના મેનર્સ, એટીક્વેટ્સ, એથિક્સ, રુલ્સ, રેગ્યુલેશન્સ - આ બધું જ હોય અને એ બધાની તમને ખબર પણ હોય છતાં શ્રોતા કે દર્શકોમાં જો તમારો સ્વિકાર થતો ન હોય તો બેટર છે કે તમે ઓફ સ્ક્રિન કે બિહાઇન્ડ ધ સ્ટેજના આર્ટિસ્ટ બનો. પણ તમે જ્યારે સ્ટેજ, સ્ક્રીન કે ગ્રાઉન્ડ પર જશો ત્યારે દર્શકગણ તમારી પાસે એન્ટરટેઇનમેન્ટ માંગશે જ. એ એનો હક્ક છે. એ પૈસા ખર્ચે છે, એ સમય ખર્ચે છે, અરે, કોઇ કલાકારને જ્યારે એ માણતો હોય ત્યારે એ એની એટલાં સમયની જીંદગી તમને આપતો હોય છે. કલા એ જીવન છે. અને એને તમે એકરીતે જીવન આપો છો. એટલે જ જીવન આપનાર ઇશ્વરથી કલાકાર નજીક છે અને એટલે કલા એ 'પામી લેવાનો' રસ્તો છે.

આ કલાકારની વિરુધ્ધની વાત નથી. આ એના સારા માટેની વાત છે કે તમે તમારું પર્ફોર્મન્સ સતત વધારે ને વધારે નીખારતા જાવ. કલાકાર માટે એ એક જ માસ્ટર કિ છે. એક વાર જો એ હાથ લાગી ગઇ તો બેડો પાર છે. તમે ઉચકાયા નહી ઉચકાવ. ક્યાંય પણ તમને ઇન્વાઇટ કરવામાં આવે તો બોલતા શીખો, ફેસબુક પર લખતા શીખો, પાંચ માણસો વચ્ચે ઉભા હો તો જે વિષયની વાત ચાલે છે એનાં વિશે બહું ડિપ તો નહી પણ થોડું ઘણું નોલેજ હોવું જોઇએ. તમારી જાતને એક્સપ્રેસ કરતાં શિખો. અંદર છે એને બહાર લાવો. અંદર ને અંદર ઘુટાય જાશો. તમારી કલા જ તમને લઇ ડૂબશે. ખભે shal રાખીને પંકજ ઉધાસ કે ગુલામ અલીનાં વહેમમાં ફરતાં કેટલાંય ઉગતા ગઝલગાયકો કળી જ રહી જાય, ફુલ બને જ નહી. એ સાદગી, એ શાંતી, એ સ્થિતપ્રજ્ઞતા, એ સ્થિતી, એ આનંદ, એ સાધુતા, એ શિલતા, એ સાક્ષીભાવ........ કરોડોએ એકને આવે. બધાંને ન આવે. કબીર કરોડોએ એક પાકે. મિરાબાઇ હજાર વર્ષમાં એક થાય. પણ એ લોકોને એ સ્થિતી આવી ગયા પછી બધું છૂટી જાય છે. પછી રસોડુ અને રણ બધે એને 'ઉપરનો રખેવાળ' જ દેખાય. એ તત્વ પામ્યા પછી ત્યાગ આવે, વૈરાગ આવે. એ સ્થિતી તો કંઇક પામી જાવ ને પછી આવે. એની પરિસ્થિતી પણ જૂદી હોય. પણ ઓલિયા - ફકીર થવું આપણને ન પાલવે. ઘરે બાયડી-છોકરા હોય અને વૃધ્ધ મા-બાપ પણ હોય. છોકરાઓની સ્કુલ-ટ્યુશનની ફી ભરવાની હોય અને રોજ ત્રણ ટાઇમ રસોડુ ઉભુ હોય, બાપની દવાઓ ય લાવવાની હોય ને મા કહે કે મારાં ઠાકોરજીનાં વાઘા લાવ તો એ ય લઇ આવવાના હોય, નેટનાં રિચાર્જ કરાવવાના હોય ને આઇપીએલ જોવાં માટે ડિશ કનેક્શનનું રિચાર્જ પણ કરાવવાનુ હોય, આપણી પાસે પાંચ કુર્તા ય હોવાં જોઇએ. એ બધું પર્ફોર્મન્સ આપ્યા વગર નહી થાય. તમારી જાતનાં સેલ્સમેન તમારે જ બનવું પડશે. એ પણ પર્ફોર્મન્સ જ છે. મિતભાષી, શાંત, સરળ, મૃદુ, સુષ્ઠુ-સુષ્ઠુ, સૌમ્ય, નિર્દોષ, ઋજુ રહીને તમારાં સ્ટેજ પર સફ્ળ થવાનાં ચાન્સ ઓછા થઇ જશે. અને ત્યાંના ચાન્સ ઓછા થવાનાં ચાન્સ પણ તો થશે ને જો તમે સ્ટેજ પર પહોચશો. કેમ કે જો તમે આવાં છો તો સ્ટેજ પર પહોચી જ નહી શકો. બીજો કોઇક આવીને વચ્ચેથી પ્રોગ્રામ ખાઇ જશે. અહીયાં પણ ઉપર જે શબ્દો લખ્યા એનો અર્થ બહોળા ફલક પર કરવો. રાડો પાડીને બોલવું કે લડાઇ-ઝઘડા કરવાં એવો મતલબ નથી. કહેવાનો મતલબ પર્ફોર્મન્સમાં આગ હોવી જોઇએ. પ્રોગ્રામ મળી ગયા પછી સ્ટેજ પર અને ઇન્કવાયરી આવી હોય પછી એ બુક થાય એની પ્રોસિજરમાં પણ.

અનેક એવી ફિલ્મો બની છે કે જે ફિલ્મ પોતે ફ્લોપ હોય પણ એનું મ્યુઝિક અમર થઈ ગયું હોય. કારણ? સંગીતકારનું પર્ફોર્મન્સ. અનેક ફિલ્મો એવી પણ બની છે જે ફિલ્મ સુપરડુપર હિટ હોય, પણ એના ગીતો બેકાર હોય. કારણ? ફિલ્મ બનાવનાર નું પરફોર્મન્સ. મેચ હારનારી ટીમમાંથી પણ મેન ઓફ ધ મેચ કોઈ ખેલાડી બની શકે. કારણ ? એનુ પર્ફોર્મન્સ. મેં અગાઉ કહ્યું એમ પરફોર્મન્સનો ટુંકો મતલબ ન કાઢવો, વિશાળ પ્રમાણમાં એનો મતલબ લેવો.

પરફોર્મન્સ તો કોઈપણ જગ્યાએ જોઈએ જ ! સ્ટેજ હોય, સ્ક્રીન હોય કે ગ્રાઉન્ડ હોય. પરીક્ષામાં પણ પરફોર્મન્સ આપવાનું હોય. રસોડામાં પણ પરફોર્મન્સ આપવાનું હોય. ધંધા અને વ્યવસાયમાં પણ પરફોર્મન્સ આપવાનું હોય. જોબ કરતા હોય તો ત્યાં પણ પરફોર્મન્સ આપવાનું હોય. આ જિંદગી પણ એક પરફોર્મન્સ જ છે ને ! શું કરીએ છીએ આપણે બધા ? પરફોર્મન્સ તો આપીએ છીએ !!!
आशिष शाह
9825219458