Bholo Shankar books and stories free download online pdf in Gujarati

ભોળો શંકર


ભોળો શંકર

જ્યારે અત્યાર ના જમાના માં ભોળા ને મૂર્ખ અને લુચ્ચા ને ચાલાક અથવા હોંશીયાર ગણવામાં આવે છે, છતાં પણ કેમ જાણે પોતાના ભોળપણ થી બીજાના જીવન મહેકાવી દે એવા અસંખ્ય લોકો હજી પણ છે આ દુનિયામાં.

આ બધી ફિલ્મી વાતો છે અથવા તો કામ વગર ની ફિલોસોફી, એ જ અભિગમ છે મેક નો. મેક એક સફળ વ્યવસાયી જેણે પોતાની મહેનત અને મૂડીવાદી વિચારધારા થી મોટો બિઝનેસ ઉભો કર્યો છે.

આમ તો ભારત આવવામાં મેક ને જરા પણ રસ ન હતો પણ સગી માં ને વચન આપ્યું તું કે તેવડ થશે તો ગામ માં શાળા બનાવીશ. એટલે એ માં ને આપેલું વચન પૂરું કરવા આવી રહ્યો છે ભારત માં પોતાના ગામ.


અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ નવીનક્કોર ઇનોવા ગાડી આવી ગઈ મેક ને લેવા માટે , જે તેણે પહેલેથીજ બુક કરી રાખી તી. મેક આવી રહ્યો છે માં ને આપેલું વચન પૂરું કરવા પણ તેની અંદર રહેલો મૂડીવાદી બિઝનેસ મેન કહી રહ્યો છે કે શાળા નો લાભ તો બધાને મળશે તો બધા ગામવાળા એ પણ ફાળો આપવો જોઈએ.

મેકે પ્લાન બદલ્યો અને અમદાવાદ બે દિવસ રોકાઈ આર્કિટેક ને મળી ને શાળા ની પ્લાન બનાવ્યો અને અંદાજે કેટલો ખર્ચ આવશે તેનો આંકડો માંડ્યો. મન માં નક્કી કર્યું કે પચાસ ટકા મારા ને બાકી ગામ વાળા ના ફાળા ના એમ કરીને શાળા બનાવીશું અને શાળા ની રોડ તરફ ની દીવાલો જાહેરાત માટે પેઇન્ટ કરાવીશ અને થોડી જગ્યા મોબાઈલ ટાવર માટે ભાડે આપીશ. આ બધું કરતા દસ વર્ષ માં મારો કરેલો ખર્ચ નીકળી જશે અને માં ને આપેલું વચન પણ પૂરું થઈ જશે.

બધી તૈયારી કરી મેક બે દિવસ પછી પોતાના ગામ પહોંચી ગયો. ગામવાળાએ પણ હરખભેર સ્વાગત કર્યુ. સરપંચે સ્વાગત સમયે જ મેક ને કહીદીઘું રેહવાની જમવાની વ્યવસ્થા હું કરવી આપું છું તમારી , પણ મેક ને ત્યાં રેહવાની બહુ ઇચ્છા ના હોવાથી પાસે આવેલા શહેર ની હોટેલ માં રાત રોકવા જતો રહેતો.
મેક ના કહેવા પર સરપંચ ખાસ સમય કાઢી મેક ને મળ્યા ત્યારે મેકે બધી વાત વિગતે તેમને કરી. સરપંચ ખુશ થઈ ગયા ને કહી દીધું હું ગામ માં બધાને બેઠક બોલાવી જણાવી દઉં છું.

સરપંચે બીજા દિવસે સવારે જ ગામ માં બધા ને મેક ની મહેચ્છા વિશે જાણકારી આપી ને ગામ લોકો ને ફાળો કરવા અપીલ કરી જેથી કરીને ગામ માંજ શાળા બને તો ગામ ના બાળકો ને સાત કિલોમીટર દૂર આવેલી શાળા એ ના જવું પડે અને ગામ ના બધા બાળકો શિક્ષિત થાય. સાથે એ પણ જાહેરાત કરાવી કે ગામવાળા વ્યક્તિગત રીતે શુ ફાળો આપવા તૈયાર છે તે આવતી કાલ સાંજ સુધીમાં સરપંચ ઓફીસ માં જાણ કરવી જેથી કરીને મુકેશ ભાઈ ને જણાવી શકાય.

હા મુકેશભાઈ એજ મેક , એ તો અમેરિકા ગયા એટલે નામ ટૂંકું કરી દીધું પણ ગામના લોકો તો હજી મુકેશભાઈ તરીકે જ ઓળખે છે.

ગામ ના લોકો વિકાસશીલ અને સંગઠિત માનસિકતા ધરાવતા એટલેજ તો બીજા દિવસે બપોર સુધી માંજ બધા ગામ વાળા એ પોત પોતાની જાણકારી આપી દીધી કે તેઓ કેટલો ફાળો આપી શકશે.


સરપંચે પણ પોતાના તરફથી એક લાખ રૂપિયા નો માતબર ફાળો જાહેર કર્યો. બધાનો મળી ને જે આંકડો ભેગો થયો તેની જાણકારી તેમણે ગામલોકો ને સાંજ ની સભા માં આપી પોતાના પારદર્શક વહીવટ નું ઉદારહણ આપ્યું ને મેક ને ફોન કરી ભેગા થયેલા ફાળા ની જાણકારી આપી, મેકે તેમને પોતાની શરતો ફરીથી યાદ કરાવી બે દિવસ નો વધુ સમય આપ્યો જાણે ઉપકાર કરી રહ્યો હોય.


સરપંચ અને ગામલોકો ઉત્સાહિત તો હતા પણ જે આંકડો જાહેર થયો એ અંદાજીત ખર્ચ ના ચાલીસ ટકા ભાગ નો હતો એટલે કે હજી બીજો દસ ટકા ભાગ ક્યાંથી આવશે એ ચિંતા માં પણ હતા. ચિંતા વધુ સમય ના ટકી કેમ કે બીજા દિવસે બાકી દસ ટકા નો ફાળો પણ નોંધાઇ ગયો પણ નામ જાહેર ના કરવાની શરતે. સરપંચે ખુશ થઈ મેક ને ફોન પર શરત પ્રમાણે ખર્ચ ના પચાસ ટકા ફાળો નોંધાઇ ગયો હોવાની જાણકારી આપી, મેકે કહ્યું સરસ પણ હું અત્યારે એક મિત્ર સાથે બેઠો છું એટલે તમને થોડી વાર માં ફોન કરું. સારું કહી સરપંચે ફોન મુક્યો.

આ બાજુ મેક નો મિત્ર ધનસુખ સહજ ભાવે પૂછી બેઠો કોનો ફોન હતો. મેકે તેને વિગતે બધી વાત જણાવી અને એ પણ કીધું કે કાલે ફાળા માં ખર્ચ ના ચાલીસ ટકા આવ્યા તા અને આજે એકજ જણે બાકીના દસ ટકા આપવાની જાહેરાત કરી તે પણ નામ જાહેર ના કરવાની શરતે. ટૂંકમાં ગામ ના પચાસ ટકા ને મારા પચાસ ટકા ભેગા કરી કામ થઈ જશે.

શાળા બની જશે , દસ વર્ષ માં મારો ખર્ચ નિકળી જશે, માં ને આપેલું વચન પણ પૂરું થઈ જશે અને દસ વર્ષ પછીની આવક મારો પ્રોફિટ..... હા .હા હાહા ..કહી હસી પડે છે જાણે પોતાની મૂડીવાદી પીઠ થબથબાવતો હોય.

આ સાંભળી તેનો ધનસુખ જરા પણ હસતો નથી કે ખુશ નથી થતો. મેક જ્યારે પૂછે કે કેમ તું ખુશ નથી, તો ધનસુખ કહે છે ના દોસ્ત ખુશ નથી હું કઈ ખાસ.

લે જબરો આટલું મોટું દાન કરી શાળા બનાવું છુ ને તું ખુશ નથી.
ખરેખર ભલાઈ નો જમાનો જ નથી એમ કહી મેક જાણે ગુમાન માં આવી ગયો.

તેનો મિત્ર નખશીશ પ્રામાણિકતા થી કહી ગયો એ વાત આમ છે....

દોસ્ત જે દસ ટકા નામ જાહેર ના કરવા ની શરતે આવ્યા છે એ કેવીરીતે આવ્યા છે હું જાણું છું. મારો નાણાં વ્યાજે ધીરવાનો વ્યવસાય છે , મારી પાસે તારા ગામ નો એક ગરીબ ખેડૂત આવ્યો તો રૂપિયા લેવા ....મેં આપ્યા પણ અલબત્ત એની બધી જમીન ગીરવે લઈ ને.... મને કેતો તો કે કઈ જરૂરી કામ છે ...મેં કહ્યું વિચારી લે તારી પાસે આવક નું એક માત્ર સાધન આ જમીન છે , તો કહેવા લાગ્યો ભલે કઈ વાંધો નઈ મારુ કામ ખાસ જરૂરી છે.

હવે સમજાયું શુ જરૂરી કામ , એ જરૂરી કામ બીજું કંઈ નઈ આ શાળા માં બાકીના દસ ટકા ની વ્યવસ્થા જ હશે....જો તને સાબિત કરી દઉં...એમ કહી એ ખેડૂત ને ફોન લગાવી સ્પીકર ચાલુ કરી દે છે....

ધનસુખ : જો શંકરયા તને જે રુપિયા આપવાના છે એ તોજ આપીશ જો મને સાચુ કારણ જણાવીશ મને ખબર પડી ગઈ છે કે તારે પોતાને કઈ કામ નથી કે નથી કોઈ પ્રસંગ તારે ઘેર.. સાચું બોલ નહીં તો રૂપિયા નહીં મળે.

શંકર : અરે ધનસુખ શેઠ એમ ન કહો.. મારે બહુ જરૂર છે...

ધનસુખ : એકજ વાત સાચું બોલ ને રૂપિયા લઈ જા

શંકર: શેઠ આ આયખા જીવન માં બીજું તો કઈ ખાસ થયું નહિ મારા થી, સોકરા નેય ભણાવી નહિ હકયો ને હવ કાળી મજૂરી કરીએ સીએ ને કરતા રેહુ ....પણ આ જરા રૂપિયા થી ગામ ના સોકરા નિહાળ માં ભણવા પામતા હોય તો હું વાંધો...તમારું કરજ હું ચૂકવી દઈ શેઠ...

ધનસુખ : એ સારું.

આમ કહી ધનસુખ ફોન મુકે છે ને મેક ની સામે જોવે છે....
...ને બોલે છે ... જોયું મુકેશ ..આ એક બાજુ બે ટાઈમ ખાવા ના ફાંફા છે એ ભોળો શંકર ને એક બાજુ તું જેને આવી દસ શાળા પોતાના ખર્ચે બનાવે તોય વાંધો ન આવે...

એ ભોળા શંકર ને ક્યાં ખબર છે કે તું તો જે પચાસ ટકા રૂપિયા આપવાનો છે એય જાહેરાત ની ને મોબાઈલ ટાવર ની આવક માંથી કમાઈ લેવાનો છે....અને એ તો એનું ને એના પરિવાર ના બે ટાઈમ ધાન નો વિચાર કર્યા વગર જમીન ગીરવે મૂકી ને રૂપિયા દાન કરે છે... હું જાણું છું આ કરજ એ કદી ચૂકવી નઈ શકે અને જમીન ખોઈ બેસશે...કદાચ એ પણ જાણે છે આ વાત.

ગામ ના બાળકો ભણવા પામે એ હેતુ માત્ર માટે એ માટે થઈને આમ મૂર્ખ બને છે...હા તારા આવા વિચારો ની સામે એ ભોળો મૂર્ખ જ બની જાય. ગજબ તારી હોંશિયારી. માં ને આપેલુ વચન તે , પણ મારે મન તો તું નઈ આ ભોળો શંકર એ વચન પૂરું કરી રહ્યો છે. મુકેશ માંથી મેક નામ કરી દેવાથી મોટા ના થઈ જવાય એના માટે સારી દાનત હોવી જોઈએ જ્યારે તારે તો આમાંથી પણ રૂપિયા રળવા છે.. ધિક્કાર છે.. તારા ધનવાન પણા ને.

હું એ દસ ટકા આપીશ શંકર ને વગર વ્યાજે , આવા માણા નો ભગવાન પણ સાથ દે ,જ્યારે હું તો માણસ છું જરૂર કરી શકું.

મેક ને પોતાની ભૂલ સમજાઈ જાય છે, ગામ નો એક ગરીબ ભોળો ખેડૂત એની કરોડો ની જાગીર કરતા પણ અમિર દેખાઈ રાહયો છે. મેક ધનસુખ ને ગળે લગાડી તેનો આભાર માને છે , દોસ્ત તે મને બહુ મોટી ભુલ કરતા બચાવી લીધો...સાચો દોસ્ત તારા જેવો કોઈક નેજ મળે..


બીજી જ મિનિટે મેક સરપંચ ને ફોને કરી જાહેર કરે છે કે શાળા નો સઘળો ખર્ચ હુંજ ઉઠાવીસ અને જાહેરાત અને મોબાઈલ ટાવર ના ભાડા ની આવક શાળા ના વિકાસકાર્યો માં ઉપયોગ થશે.

બંને તરફ ખુશી નો માહોલ થઈ જાય છે... એક બાજુ મેક અશ્રુ સારી રહ્યો છે જાણે માતા ની માફી માંગી રહ્યો હોય બીજી બાજુ સરપંચે ગામ માં ખુશખબર પહોંચાડી દીધી ... ને ધસનસુખે શંકર ને ખુશખબર પહોંચાડી.

મેકે સમયસર શાળા બનાવી તેનો વહીવટ સરપંચ, ધનસુખ અને શંકર ને આપી દીધો...ને પોતાની સ્પીચ માં એટલું જ કીધું બાળકો ને કે...કદી કોઈ ભોળા માણસ ને મૂર્ખ સમજતા નઇ અને મૂર્ખ બનાવતા પણ નહીં કેમ કે મને માણસાઈ ના પાઠ ભણાવનાર આ આપણો ભોળિયો શંકર જ છે.આજ તમારી પણ શિક્ષા... મુકેશભાઈ ના માતાનો આત્મા પણ હરખ અનુભવી રહયો હશે....


પોતે સત્તા, રૂપિયા, કે નામના ની આશા રાખ્યા વગર, કોઈપણ જાતની ગણતરી કર્યા વગર , પોતાના લાભ કે ફાયદા વિશે વિચાર્યા વગર , પોતાનું નુકશાન થશે એ જાણવા છતાં તમારી વાત જે માની જાય એ કાં તો તમને ખૂબ પ્રેમ કરતો હશે કાં તો શંકર ની જેમ ભોળિયો હશે.


સમાપ્ત


પ્રસ્તુતિ : સંદિપ જોશી